કલાપીનો કેકારવ/અશ્રુસ્થાન
← તારામૈત્રક: મુગ્ધ પ્રેમ | કલાપીનો કેકારવ અશ્રુસ્થાન કલાપી |
એક પ્રેમ → |
અશ્રુસ્થાન
ના પાડ હે મન અરે! કદિ પ્રેમબિંદુ:
ના ઢોળ હે મન! અરે! કદિ પ્રેમસિન્ધુ:
ના રેડ અમૃતઝરો કદિ પ્રેમઇન્દુ:
નીચોવ ના રસભર્યું કદિ પ્રેમલીંબુ :
નિઃશ્વાસ અશ્રુ દપટી ધર ધીર સ્નેહી:
ના રોળ ક્ષારભૂમિમાં ફૂલડાં સુપ્રેમી:
હૈયે દબાય કદિ જો કૂમળું સુહૈયું,
રો રો ભલે ટપકતે નયને પછી તું!
રોવા ભલે વિજન કો’ કહિં સ્થાન શોધી:
આંસુ ભલે વિખરતાં રડતાં સુમોતી:
જા જંગલે નિડર તું પડ વૃક્ષ ખોળે,
આંસુઝરો જલઝરે જ વરાળ બોળે!
૧૩-૧૨-’૯૨