← વેચાઉ ક્યાં ? કલાપીનો કેકારવ
આપની રહમ
કલાપી
તમારી રાહ →


૧૩-આપની રહમ

મિટ્ટી હતો, તે આપનો બંદો બનાવ્યો - શી રહમ !
માગી ગુલામી આપની, બખ્શી મહોબ્બત શી રહમ !

આવ્યો અહીં છો દોસ્તદારીનો લઈ દાવો સદા !
બોસા દઈ ગાલે જગાડે નિંદમાંથી એ રહમ !

એવી કદમબોસી કરીને કાં લજાવો રોજ રોજ ?
છે દિલ્લગી પ્યારી મગર ક્યાં હું અને ક્યાં આ રહમ !

મેંદી બનાવી આપ માટે તે લગાવો છો મ્હને!
શાને જબરદસ્તી કરે આ પેર ધોવાને રહમ ?

આ આપને જોઈ લજાતાં બાગનાં મ્હારાં ગુલો;
જે ખૂંચતાં કદમે ચડાવે તે શિરે માને રહમ !

હું ચૂમવા જાતો કદમ ત્યાં આપ આવો ભેટવા !
ગુસ્સો કરૂં છું, આખરે, તો આપની હસતી રહમ !

ના પેર ચૂમ્યા આપના, ના પેરમાં લોટ્યો જરા;
પૂરી મુરાદો તો થવા દો ! માનશું તે એ રહમ!

ના માનતા તો ના કહું, જે જે બનાવો તે બનું:
તો એ કદમના ચાર બોસા આપશે શું ના રહમ !

હું જેમ આ ઘટતો ગયો, આપે બ્હડાવ્યો તેમ તેમ;
જ્યાં જાં પડ્યું ત્યાં ઝીલવા હાજર ખડી છે આ રહમ!

મ્હારો સિતારો જોઈ આ, તીખા બન્યા છે દુશ્મનો :
ગાફેલ છું એ બન્યો, આ આપની જાણી રહમ !

યારી ન છૂપે આપની, છાની મહોબત ના રહે !
જાણી ગઈ આલમ બધી, તે ના જવા દેજો રહમ !

આવો ચડાવી છે મૂક્યો આ આપનો આપે ગુલામ,
તો મહેરબાની જીરવાયે ! એટલી માંગુ રહમ !

જ્યાં જ્યાં ચડાવો ત્યાં ચડું છું હાથ હાથે લેઈને,
હાથછૂટી ના જવાને દમ બ દમ હોજો રહમ !

નીરની સાથે ચડે છે નીરનાં ખીલી ફુલો;
ના ઉતરાતું નીર સાથે નીરને છાજે રહમ !

લાખો ગુન્હાઓમાં છતાં છું આપનો ને આપથી;
લાજે જબાં, માંગું છતાં આબાદ હોજો આ રહમ!

૧૮૯૯