કલાપીનો કેકારવ/વેચાઉ ક્યાં ?
← સનમની શોધ | કલાપીનો કેકારવ વેચાઉ ક્યાં ? કલાપી |
આપની રહમ → |
૧૨-વેચાઉં ક્યાં?
વેચાઉં ક્યાં બીજે હવે, આવી અહીં બોલો ? જરા !
બોલો જરા ! શાને તમારી આંખમાં ઇન્કાર આ ?
બોલો : વસીશું ક્યાં જઈ, છોડી તમારા મ્હેલને ?
આકાશમાં ના, ના જહાંમાં, ના કબરમાં છે જગા !
આવું તમારી પાસ દૂરેથી ખરીદી સાંભળી;
ક્હેનાર જૂઠા હોય તો, બીજો કહો છે રાહ ક્યાં ?
આલમ ખરીદો છો બધી, પૂરી મુરાદો સૌ કરે;
આ ચાહનારાં સૌ તમારાં ! એકલો શું હું જ ના ?
દરબારમાં દાખલ કરી દરબારમાંથી શું કાઢશો ?
જોઈ તમોને રૂબરૂ, હાવાં બુતો પૂજું ક્યહાં ?
આપો હુકમ, રજ તે જગાની આંખનો સુરમો કરૂં;
આવ્યો અહીં લેઈ ગુલામી બાદશાહી વેચવા.
ઊભો રહી અંગારમાં: એને હિના મ્હારી ગણું;
દાઝું જરી તો રોકશો ના પળ - ઘડી એ દ્વારમાં.
શાને ફજેતી આ કરાવો છો તમારા માલની ?
વેચાઇ છું ચૂક્યો, હરાજીમાં ઉતારો કાં ભલા ?
જે જે તમારૂં, તે ઉપરના હાથ મૂકે કોઈ એ:
શું ખલ્કના વેચાણમાં મ્હારી ખરીદી ક્યાંઈ ના?
મ્હોં કાં ઝુકાવ્યું ? ફેરવ્યું ! કાં આંખ ના ઉંચી કરો ?
છે બોલતાં એ શી શરમ ? આ હુકમ, આપો છો રજા ?
બોલો ! જવાનું તો કહું ! એ બે શુકન તો સાંભળું !
મિસ્કીનને એથી સબુરી ! શી બખીલી બોલતાં ?
બોલો નહીં ! હું ના ખસું ! છોને જમાના વીતતા !
વેચાણની માગી તમારા શી જમાનાની તમા ?
૧૮૯૯