કલાપીનો કેકારવ/એક ઇચ્છા
← મૃત પુત્રી લાલાંની છબી દ્રષ્ટિથી દૂર કરી | કલાપીનો કેકારવ એક ઈચ્છા કલાપી |
એક ઉદાસ દિવસ → |
એક ઇચ્છા
પડ્યા જખમ સૌ સહ્યા, સહીશ હું હજુએ બહુ
ગણ્યા નવ કદી, ગણું નવ કદી, પડે છો હજુ;
અપાર પડશે અને જિગર હાય ! આળું થયું,
કઠિન ન બનો છતાં હ્રદય એ જ ઇચ્છું, પ્રભુ !
પડી વીજળી તે પડી સુખથી છો, બળું છું સુખે,
અનન્ત ભભુકા દહે , દહો,ગળું છું સુખે !
ન દાહ વસમો કદી, જિગર બૂમ ના પાડતું,
કઠિન બનજો નહીં હ્રદય, એ જ ઈચ્છું પ્રભુ !
બહુ ય રસ છે મને, હ્રદય છે હજુ તો, અહો !
અરે ! હ્રદય જો ગયું , રસ ગયો પછી તો બધો;
ભલે મૃદુ રહી સહી જખમ છેક ચૂરો થતું,
કઠિન ન બનો કદી હ્રદય એ જ ઈચ્છું, પ્રભુ !
૨૪-૬-૧૮૯૬