← વીત્યાંને રોવું કલાપીનો કેકારવ
ક્રૂર માશૂક
કલાપી
જાગૃતિનું સ્વપ્ન →


ક્રૂર માશૂક

કપાવી માશૂકે ગરદન હમારી કોઈના હાથે !
વળી છે રિશ્વતે દૂરે રખાવ્યો મોતને હાથે !

ખુદાઈ મોત પણ તાબે ઈશારે માશૂકે કીધું !
જબાં આંખો વગર આવું હમોને લોટવું દીધું !

ખુદાએ પાથરી આપ્યું ફૂલોનું આ બિછાનું ત્યાં,
લઈને પાંખડી તોડી રખાવ્યા માશૂકે કાંટા !

નઝર એ શું નથી પ્હોંચી હજુએ આગની પાસે?
હજુ અજમાવવું એ જ છે રહ્યું બાકી ખુદા સામે !

અજબ આ દેખતાં મુર્દું બને જોનાર છે પાણી !
સનમને કાયદે એવે જહાંને દૂર છે તાણી !

રહેજો સોબતી દૂરે ! વહેજો અન્ય કો પૂરે !
મને ના ક્યામતે આશા ! પડ્યા આ ના ફરે પાસે !

જહાં, જૂની, જિગર ન્હાનું, અગર એથી ય કંઈ જુદું !
જહાં ન્હાની, જિગર જુનું, અગર એથી ય કંઈ જુદું !

જહાંને વખ્તના જેવી કરે છે વખ્ત વ્હેનારો !
સહી જાશે મ્હને એ આ સનમનો ખારનો ક્યારો !

અરે ! જો કોઈને હાથે હજુ ખ્વાહેશ બર લાવે !
સનમ રાજી, હમે રાજી, ખુદાની એ જ છે મરજી !

૪-૫-૧૮૯૭