કલાપીનો કેકારવ/જ્વરમાં પ્રિયાને

← શાન્ત પ્રેમ કલાપીનો કેકારવ
જ્વરમાં પ્રિયાને
કલાપી
આકાશને →


જ્વરમાં પ્રિયાને

અરે! તું વૈદ્ય કાં તેડે? ગળે કાં ઔષધિ રેડે?

ભૂલી વૈદક શું ગઈ? વ્હાલી વ્હાલી પ્રાણ!
કૂપી અમૃતની પ્રિયે! તું તું ઔષધખાણ!

ભૂલી તું તો બતાવું હું ! ભરે જલ નેત્રમાં આ શું?
લલાટે રાખ કર ત્હારો પછી એ તાવ પણ પ્યારો!

વૈદ્ય રડે તેથી પ્રિયે! આ દરદી મૂંઝાય,
નાડી જો દિલની અને કર તું કાંઈ ઉપાય.

હ્રદયનો વૈદ્ય મ્હારો તું ! હ્રદય રાજી દરદ તો શું?
મને આ તાવ સારો છે! મધુરી હૂંફવાળો છે!

જ્વરથી જોઈ શકાય છે ત્હારું હૈયું! પ્રાણ;
બીજી કોઈ સ્થિતિ નહીં, જ્વર તે મીઠી લ્હાણ!

અરે! એ લ્હાણ કાં ખોવી? મને તો ભાવતી એવી!
કટુ કાં ઔષધી લેવી? મળે છે જો મધુરી કૈં!

દિલબૂટી તુજથી ઝરે કુળા રસની ધાર!
જોવું જો કૈં પારખું તો મુખ દર્પણ ધાર!

મને એ મ્હોં અતિ વ્હાલું, ગરીબ મૃદુ ને ફિકરવાળું!
અહીં અહીં આવ ચુમ્બી લઉં! હવે પગ ચાંપતા થાકી!

સ્મિત મુખ છે પ્રિય મુજને, શું ના પ્રિય તુજ હોય?
ચિન્તાગ્રસ્ત પરન્તુ આ તુજ મુખ કેવું સ્હોય?

મને મ્હોં એ વધુ વ્હાલું! કંઈ તેમાં નવું પ્યારૂં!
અહાહા! ગોળ ગોરૂં એ જરા શરમાઈને નમતું!

એ મુખ પાસે હોય તો મીઠું શું નવ હોય?
તાવ હોય કે કાંઈ હો જે હો તે છો હોય!

પ્રિયે! મુખ એ હસે છે હા! ગયો જ્વર ક્યાંય ઉડી આ!
અહીં તું આવ આલિંગું! નયન મૃગ શાં મીચે છે શું?

૧૭-૪-૯૬