← હૃદયત્રિપુટી કલાપીનો કેકારવ
શાન્ત પ્રેમ
કલાપી
જ્વરમાં પ્રિયાને →


શાન્ત પ્રેમ

નવું આજે કાંઈ તુજ મુખ પરે ને હ્રદયમાં,
નવી રીતે કાંઈ મુજ ઉપર દૃષ્ટિ ઢળી પડે,
અહો! બાલુશિરે તુજ કર ફરે તે પણ નવો,
નવાં ગાત્રો એ થઈ નવીન રસમાં આજ પલળે.

બની માતા આજે ગૃહિણી તુજનું આ દિલ વહે,
અહા! એ વાત્સલ્યે તુજ હ્રદય આજે ગરક છે;
ફુલેલી છાતીમાં સુખની મગરૂરી છલકતી,
સુખી તું જેવું કો જગત પર ના અન્ય ગણતી!

સુખી તું છે સુખી! મધુર સુખ આમી ન તુજને;
અને બાલુ સામે નિરખતી સદા જોઉં તુજને;
ગૃહિણી દેવી તું દિલની મમ માતા પણ થજે,
અહો! કેવું મીઠું પ્રણય સહ વાત્સલ્ય ભળશે?

સુએ બાલુ ત્હારા કદલી સરખા આ પદ પરે
અને ત્યારે જેવાં નયન તુજ તેને નિરખતાં,
સખિ! હું યાચું તે નયન તુજનો એક જ રસ,
સુઉં છું હું જ્યારે તુજ પદ પરે શિર ધરીને.

મને વ્હાલાં લાગે ચપલ દૃગથી શાન્ત નયનો,
પતિ હુંને ના ના, પણ હ્રદયનો મિત્ર ગણવો.
મને બન્ધુ, વ્હાલો, પિયુ, તુજ પિતા, પુત્ર ગણજે
અને એ ભાવોથી મમ હ્રદયનો આ રસ પીજે.

નકી દૈવી રીતે હ્રદય પ્રણયીનો રસ પીતું,
ખરા સ્નેહે જ્યારે શરીરસુખ સૌ ગૌણ બનતું;
વસે સ્વર્ગે તે ના અધિક કંઈ આવા પ્રણયથી
અને સ્વર્ગે તેથી પ્રણયી દિલનું ઇચ્છિત નહીં!

૧૬-૪-૯૬