← ક્ષમા કલાપીનો કેકારવ
હૃદયત્રિપુટી
કલાપી
શાન્ત પ્રેમ →


હૃદયત્રિપુટી

'રમતી'તી અહો! વિશ્વબાગમાં!
'શીતલ છાંયડો ત્યાં મને હતો!
'નવ હતું કશું ભાન તાપનું!
'નવ હતી મને લૂ કદી અડી!

'પણ પ્રભુ! પ્રભુ! કેમ શી રીતે?
'ઝપટ એકમાં અગ્નિ ધરી!
'નવ બળું હજુ! ખાક ના ઉડે!
'હૃદય પીગળી ના વહે અરે!'


ઝીણા આવા રુદનસ્વર આ કુંજ માંહીથી આવે,
નીલાં તેની ઉપર તરુઓ શીશ નીચાં નમાવે!
ના છે રાત્રિ દિવસ નથી વા સૂર્ય વા ચન્દ્રમા ના,
કિન્તુ તેના ઝળઝળ થતા તેજમાં વિશ્વ ન્હાતું.

કુંળી સંધ્યા છ વરસની એ બાપડી કન્યકાના,
ગાલે ઓઠે શરીર ઉપર ફેરવે હસ્ત સ્નેહે!
મીચેલાં એ નયનકમલો સારતાં અશ્રુબિન્દુ,
સંધ્યાનું એ હૃદય ગળતાં તારલાઅશ્રુ આવ્યાં!

સંધ્યાથી એ કુમળી વધુ ત્યાં આવી પ્હોંચી તમિસ્રા,
હેતે લાવી ઉર પર ધરી શીતળો હિમરશ્મી;
એ બાલાનાં નિજ કર વતી ચન્દ્રમા અશ્રુ લૂછે,
કિન્તુ તે એ પિગળી ગરતાં ગાલથી પાદ પાસે!

કુદરત વહે તેનું ભાન ના દુઃખી દિલને,
દુઃખીના દુઃખમાં કિન્તુ ડૂબે તારા,શશી, રવિ!

જહીં ઘેરાયેલું દુઃખમય તિમિરે જિગર છે,
તહીં પેસી કો દી જરી પણ ના શકે કિરણ કો!
અહો! એ અન્ધારૂં પ્રલય થકી એ કૈં વધુ ખરે,
વીતેલી તે જાણે, બિનઅનુભવી ના સમજશે.

જૂદાં જૂદાં શ્રવણનયનો કાર્ય કીધા કરે છે,
કિન્તુ ખેંચી મન લઇ સકે સર્વને એક સ્થાને;
જૂદા જૂદા બુદબુદ તરે કોઇ કાસાર માંહીં,
તેને જેવો લઇ જઇ શકે એક કાંઠે અનિલ.

* * *


આવે ગાયનના સ્વરો પિગળતા ચન્દા મહીં દૂરથી,
આવે કો સખીમંડલી રમતી ને ગાતી ભર્યા હર્ષથી;
તેમાં ચમ્પકની બીડેલ કલી શી નામે રમા એકલી,
સૌ વચ્ચે અગિયાર વર્ષની હતી કન્યા ધીમે ચાલતી.

તેના મ્હોં પર ને નસેનસ મહીં ઉચ્ચાર ને ચાલમાં,
ક્ષત્રીઓ તણું ઉગ્ર દિવ્ય ઝળકી લોહી વહેતું હતું;
ઊંચે અષ્ટમીનો હતો જ્યમ શશી ફિક્કા કરી તારલા;
તેવું ભવ્ય લલાટ ભૂષણ બધાં ફિક્કાં કરી નાખતું.

કર્યા એ ઉત્સાહી કર જરી હતા દીર્ઘ ગ્રહવા,
સુગન્ધી પુષ્પોને રમત કરતાં શાન્ત થઇને;
હતી જોતી ઊભી કુસુમકલીઓ હેત ધરીને,
દયા ના કિન્તુ ચૂંટી લઇ શકી કોઇ કલીને.

'રુદન તો હવે લોહીમાં મળ્યું!
'રુદનનો મને ઘા નહીં કરશો!
'રડી મરૂં અહીં સાંભળે ન કો!
'ન મુજ મૃત્યુથી કોઇને શું!'



રમાના કર્ણોમાં સ્વર પડી ગયા ઊતરી દિલે,
વલોવાયું તેનું હૃદય કુમળું એ રુદનથી;
ગઇ એ તો ચાલી અનુસરી સ્વરો એ રુદનના,
અને પ્હોંચી ત્યારે દુઃખદ ફરી આ ગાન સુણતીઃ-

'વિટપ ને તરુ મૂલથી ગયાં!
'ક્યમ કલી હજુ ના સૂકી મરે?
'કુદરતી ફર્યો આજ કાયદો,
'મુજ પતિતના કષ્ટકારણે!'



'કુદરતી ફર્યો આજ કાયદો,
'તુજ પવિત્રના પ્રેમકારણે!
'લઇ ગયો છતાં તું સુકી નહીં,
'વિટપ વૃક્ષ તો આપશે નવાં!'



આપ્યો આ વૃક્ષ આડેથી રમાએ સ્નેહઉત્તર,
બાલકી એ ઉઠી જાગી જુવે તો રાત્રિ છે પડી.

રમા દોડી ચાંપે રુદન કરતીને નિજ ઉરે,
વહ્યું પાણી પાણી હૃદય થ ઇને એ દુઃખી પરે;
મળ્યાં બન્ને હૈયાં જલ જલ સહે જેમ મળતું,
વહ્યાં અશ્રુ ચારે નયનકમલેથી બહુ બહુ.

દયા છે ઇશ્વરી માયા, આ સંસાર કટુ મહીં,
દયામાં બ્રહ્મપ્રીતિનું કંઇ ભાન જનો કરે.

'આ સંસાર અગાધના ચળકતા તું છે કિનારે હજુ,
'ત્યાં શું મૃત્યુની ક્રૂર પાંખ સુણી તે વ્હાલું ઉપાડી જતી?
'ઇચ્છે તું તુજ તે બનું, સખી બનું, માતા,ભગિનિ બનું,
'રોવું ના! પણ, કોઇ જો દિલ મળે તો ત્યાં વિરમી જવું.'

હૃદયરસ દ્રવેલો બાલકી પી રમાનો,
રોઇ હૈયું ઠલાવી હિબકી હિબકી રોતી,
રુદન મધુર લાગે કોઇ જો પ્રેમી લાધે,
રુદન જરૂર આંહીં પૃથ્વીમાં સ્વર્ગઅંશ.



અશ્રુ લૂછી રમા બોલી, 'ત્હારૂં નામ કહે સખિ!'
'શોભના,' બાલિકા બોલી પાછી ચૂપ થઇ રહી.

'બાપુ! બોલ હવે! નહીં દુઃખ વતી આવું પીડાવું ઘટે,
'બાપુ! બોલ હવે અને જલદી તું વૃતાન્ત તું ત્હારૂં કહે,'

કમ્પી ગાત્ર ગયાં અને હૃદયના તારો ઝણેણ્યા છતાં
લૂછી અશ્રુ ગરીબ ગાલ પરથી બોલી ધીમે શોભનાઃ-

'ડર હતો દિલે, મેં સુણ્યું હતું,
મરણને છતાં જાણતી નહીં!
'રુદન મેં દીઠું, દેખી બ્હીતી'તી!
'રુદન મેં કદી ના કર્યું હતું!

'પૂછતી માતને,'મૃત્યુ શું? કહો!'
રડી રહેતી એ! ના કહ્યું કદી!
'ક્યમ રડે? કહો!' બોલતી નહીં!
રુદન મૃત્યુ હું જાણતી નહીં!

'કરતી કાં રડ્યા જોઇ મા મને,
સમજું હું હવે, ના સુણ્યું કદી!
'મમ પિતા ગયા ગામ જ્યારથી
રડતી મા સદા જોઇ મુજને!'

'રડતી મા સદા,' બોલતાં રડી,
ગરીબ શોભના બોલતી વળી;
'તુજ પિતા ગયા ગામ છે.' કહ્યું!
ક્યમ જૂઠું ગણું વેણ માતનું?

'પણ કદિ ફર્યા ગામથી નહીં,
નયનમાં રહ્યું અશ્રુ માતને!
'રમત તો મને ભાવતી નહીં!
રમતી રે! છતાં સાથ મ્હારી તે?

'ઉધરસે પછી મા ગઇ ગળી,
ગઇ ગળી અને ના ફળી વળી!
'રુદન માતનું દ્રષ્ટિ આગળે,
કદિ કદિ અરે! ના ભૂલાય એ!

મુજ સહે રહી વૃધ્ધ ડોશી કો,
મુજ પડોશમાં એ રહેતી'તી;
'પછી ગઇ કહીં મા ન જાણું હું!
નવ પછી દીઠી મા અરે! અરે!

'પૂછતી હું,' કહીં મા ગઇ? કહો!'
તુજ પિતા ગયા એ જ ગામમાં!'
'રડતી ડોશીને રોતી હું વળી!
દિવસ એમ કૈં દુઃખના વહ્યા!

'દિવસ એક એ ડોશીમા હતા!
સૂઇ જતાં મને ચુમ્બીને કહ્યું:
'તુજ પિતા મર્યા! મા મરી અરે!
મરી જ જાઉં છું આ જ હું ય જો!

'કદિ નહી અમે આવશું અહીં!
તુજ હવે નથી કોઇ વિશ્વમાં!
'રડી રડી અરે! હું પડી ગઇ ,
ઉઠી અને હતું કોઇ પાસ ના!

'રડી મરૂં અન કોઇ ના રડે!
કહી શકું નહીં શું થયું પછી!'
જલ વહે વહે ચાર નેત્રથી,
દુઃખી વધુ હશે કોણ બે મહીં?

થાય છે પ્રેમ હૈયામાં ભક્તિ રસઐક્યથી;
થયાની પ્રેમઉત્પત્તિ તે જૂદી નકી નકી.

સખી પાસે બંને શિથિલ પગલે પ્હોંચી ગઇ ત્યાં;
રમાને બોલાવે 'સખિ!સખિ!' કહીને રમતી સૌ;
રમાને જોઇ સખી જરી વદી એક હસીને,
'અકેલી તું તો રહે સગપણ થયું જ્યારથી, સખિ!'

રમાએ શોભનાને ત્યાં ઓળખાવી અને રડી;
સખીઓ ચૂપ ઉભી ત્યાં દયાથી પીગળી બધી.

એવામાં તરુઓ મહીં ઉડી ઉડી કૈં આગિયા આવતા,
પાંખોના ચળકાટ અક્ષર લખે જાણે સુનેરી રૂડા;
તેઓના નિજ હાથમાં પકડવા દોડે સખી સૌ તહીં,
જોઇ સ્નિગ્ધ દયાર્દ્ર વ્હાલથી ધીમે ન્હાની કહે શોભનાઃ-

'અડકશો નહીં! ઝાલશો નહીં!
'સુખથી જે ફરે તે ભલે ફરે!
'ન સપડાવશો! એ ડરે નકી!
'ફીટી પડે અરે! હર્ષ તે તણો!

'ચળકતી અને દૂરથી રૂડી
'રજ ખરી જશે જો અડો તમે!
'અડકશો નહી! ઓ સખિ! સખિ!
'સુખથી એ ફરે તો ભલે ફરે!"

છોડી ખેલ દઇ તુર્ત સ્નેહે કો સખી બોલતીઃ-
'દુઃખી જે હોય તે જાણે પારકાંનાં દુઃખો નકી.'

નિજ ગૃહ જલદીથી ચાલી પહોંચી ગઇ સૌ,
ગરીબ થઇ ગૃહે એ શોભના તો રમાને;
નિજ દુઃખ વતી તેણે સર્વને દુઃખી દીઠાં,
ભળી ગઇ સહુ સાથે દિન થોડા મહીં એ.

ગયાં બે ચક્ર વર્ષોના ફરી તે રાત્રિ ઉપરે;
શોભના બાપડી કંઇ શીખી'તી હસતાં હવે.
                   * * *
સૂતાં છે સહુ શાન્તિમાં, રજની તો થોડી વહી છે ગઈ,
મીઠી વાયુની મન્દ લ્હેર વહતી નિદ્રાની પાંખો સમી;
નિઃશ્વાસો મૂકતી અને દુઃખી દિલે સ્ત્રી કો રમાને ગૃહે,
રૂમ ઝુમ જે વરસે અને ટમટમે તે મેઘ જોતી ફરે.

તેનું ભવ્ય લલાટ વીજળી સમું અન્ધારમાં દિસતું,
તેમાં એખ પડી રહી હદયના ઔદાર્ય ને શૌર્યની;
કાળાં વસ્ત્ર મહીં રહેલ મુખ એ લાંબા ઇતિહાસની,
વાતો કૈંક પરે વિચાર કરતું, છે શાન્ત ત્હોયે હજી.

પણ હૃદય પીડે તે કાંઇ છે દર્દ તાજું,
અગર કંઇ થવાનો આજ કે કાલમાં ઘા;
ડસડસી દિલ તેનું અશ્રુને થોભી રાખી,
'જઇશ! પ્રિય! અરેરે! કાલ તું' એમ બોલે.

'પરણીને જશે કાલે રમા ઘેર પતિ તણે!
'જશે કેમ દિનો મ્હારા?' બોલી માતા રમા તણી.

સૂતી હતી નહીં, જાગતી હતી,
ગરીબ બેય એ - શોભના, રમા;
રડી રડી હતી શાન્તિ મેળવી,
પણ દિલો થયાં ખોખરાં હતા.

'ક્યમ થશે? સખિ! કેમ કાઢશું
'દિવસ આપણા મા વિના અરે?
'ક્યમ થશે તને? શું થશે મને?
'સમજ ના પડે દિલ આ બળે!

'રુદન આ દિસે ઝિંદગી તણું
'રુદનમાં ડૂબી ઝિંદગી દિસે!
'રુદન જન્મીને મેં સદા કર્યું!
'રુદન આપશે શું તને પ્રભુ!

'હસીશ તું સખિ! હું પરે સદા,
'રુદન તો કરૂં હું ભલે સદા!'
કહી રડી પડી શોભના, અને
સુણી રડી પડી બાપડી રમા!

માતા તે સાંભળી વાતો આવી ત્યાં ઓરડા મહીં;
ને બોલે કંઠ ભારેથી અશ્રુ લૂછી રમા તણાં;

'કહું શું હું? બાપુ! ઉઘડી મમ હૈયું નવ શકે!
'જશે તું તો કાલે! સુખી બહુ તને ઈશ્વર કરે!
'હજુ ન્હાની તું છે! સમજણ વિનાનું દિલ હજુ!
'તરી જાવું ઊંડું જગતઉદધિનું જલ રહ્યું.

'સખી આવે સાથે, દિલ ન કદિ તેનું દુભવજે,
'મરી જાશે એ તો નજર તુજ જો કૈં જ ફરશે!
'હવે સોપું છું આ ગરીબ કર તેના તુજ કરે,
'ગણી તેને ત્હારી સુખદુઃખ તણી સાથી કરજે.'

કહેવાનું વધુ તે તો અશ્રુપૂર વતી કહ્યું;
ઉત્તરે નેત્ર ભીનાંએ અશ્રુપૂર વતી દીધું.

ઓહો! વિયોગ દિલને કરી ના શકે શું?
પંઝા મહીં વિરહના પડતું નહીં શું?
તેનાં બિમાર રડતાં જગમાં દિલો કૈં!
તેનાં બિમાર જગમાં મરતાં દિલો કૈં!

શોભનાને લઇ સાથે પિયુધેર ગઇ રમા,
છ વર્ષો ત્યાં ગયાં ચાલ્યાં , હૈયાં એ ખીલતાં હતાં.
                  * * *
ઉપવન મહીં ખીલ્યાં પુષ્પો, ખીલી કલીએ, કલી,
શીકર શીતળા વાયુ સાથે ઉડે જલયંત્રથી;

રવિ હજુ ઉગે તાજો તે એ હસે સહુ સૃષ્ટિથી,
રવિકર મહીં તાજાં થાવા ઉડે લઘુ પક્ષી કૈં.

આંહીં કોઇ યુવાન ભવ્ય દિસતો બેઠો મહા શાન્તિમાં,
તેનાં સ્વેદથી અંગ કૈં કસરતે ભીનાં થયેલાં હતાં;
મ્હોટું પુસ્તક કોઇ તે કર કને નીચે પડેલું હતું,
ચોંટી દ્રષ્ટિ રહી હતી જલ તણાં ફોરાં ઉડે તે પરે.

હતું તેનું હૈયું કમલ સરખું કોમલ, અને
હતો તેમાં દૈવી પ્રણયરસ મીઠો ટપકતો;
હતું તેને મ્હોંએ મધુર સ્મિત કાંઇ ચળકતું,
દિસે તેનાં ગાત્રો પુલકિત થતાં હર્ષમય સૌ.

દિસે તેવું કિન્તુ હૃદય ન હતું પૂર્ણ સુખિયું,
વિચારો ઊંડામાં ગરક થાય તે તો વહતું'તું,
દુઃખી કે સુખી તે કહી નવ શકે અન્ય નયનો,
દુઃખી કે સુખી તે સમજી નવ પોતે પણ શકે!

રમાના પ્રેમનો સ્તમ્ભ આ પિયુ પતિ કે પ્રભુ,
રમાના પ્રેમનો તારો કમ્પાવી કમ્પનાર આ.

વદે ઘેરા સાદે, મધુર ધ્વનિ એ સ્નિગ્ધ પ્રણયી,
છતાં તેમાં ઊંડે મધુર દુઃખ ભાર્યું કંઇ હતું:-
'ફુવારા તું વ્હાલા! વહીશ વહતો તેમ જ સદા,
'વહેવું ત્હારૂં આ મધુર ગતિનું એમ જ કહે!

'અહો! વ્હેવું! વ્હેવું! મધુર ગતિએ વહી જવું!
'ઝરા વ્હેતા તેવું રુદન કરતાં એ વહી જવું!
'વહે છે તો ક્યાંથી વહીશ તેમ જ સદા?
'વહેનારાં સર્વે નકી નકી ન વ્હેતાં બની જતાં!

'વહેશે તું ત્હોયે ગતિ તુજ જશે કાલ પલટી!
'સદા હું તો ઈચ્છું ગતિ તુજ રહેજો નભ ભણી!
'વહું છું,વ્હેતું'તું,વહીશ ત્યમ હું જ્યાં સુધી વહું,
'અરે! વ્હેનારૂં કો કદિ પણ ન આવું કહી શક્યું.

'ગયેલી વેળા ચિતરી મમ ભાવિ નવ શકું!
'છતાં એ વિચારી મમ હદય બાળી ક્યમ શકું?

'રમાનું હૈયું એ વચન નવ આપી કંઇ શકે,
'અને ના ના એ કૈં દરદ મમ જાણી કદિ શકે!

'સુખી એ છે એ તો મમ હૃદયનું છે સુખ નકી,
'કરી તેને ભાગી સુખી દિલ ના શકું ના કરી દુઃખી!
'પ્રિયાની વ્હાલી એ પણ મૃદુ સખી આ સમજતી!
'દુઃખી એ હૈયું તો મમ હૃદયની છે પ્રતિકૃતિ.

'કૃપા છે, માયા છે, છલકતી દયા છે જિગરની,
'રમા તેને ચાહે, પણ દરદ જાણી ન શકી!
'મને ચાહે, પૂજે, પણ દિલ ન ખુલ્લું કરી શકે!
'રમા મ્હારી ત્હોયે દરદ મમ જાણી નવ શકે!

'છ વર્ષોથી મ્હારૂં હૃદયઝરણું આમ વહતું!
'છ વર્ષોથી તેનું ગરીબ દિલડું આમ જ વહે!
'રમાને હું યાચુ! મમ હૃદય યાચે ગરીબ એ!
'રમાને તો વ્હાલાં હૃદયદ્વય છે એક સરખાં!

'જિગર જળી જતાં એ અંકુરો ખાક થાશે!
'રડી રડી કરમાશે શોભના બાપડી રે!
'ગરીબ દિલ ઉકેલે કોઇ એવું મળે જો,
'હૃદય મમ ઠરે રે! દાઝતું કાંઇ આ તો.
'
હાથમાં હાથ દેઇને આવે છે શોભના, રમા!
દિસે યુવાન પી જતો બંનેના ઉરનો રસ.

આવે કુરંગ વળી કો કૂદતું બીધેલું,
આવી યુવાન પગમાં પડી એ ગયું ત્યાં:
નેત્રો હતાં ચપલ બીક વતી થયેલાં,
ને શ્વાસથી હદય એ ધડકી રહ્યું'તું.

બોલી લેશ હસી રમા, 'પ્રિય અહો! આ છે દુઃખી કાં હજુ?
'આવ્યું છે એ તુજ એ હવે શરણમાં! પંપાળ તેને જરા!
'પાળેલું મુજ એ ગરીબ મૃગલું! તે આશરે જો પડ્યું!
'માગે જો કદિ છાંય કો જિગરથી તો આપવી તે ઘટે.'

'શરણ મમ થયું તે પૂર્ણ આનન્દમાં હો!
'શરણ મમ પડેલાં કોઇ દી ના દુઃખી હો!

'પણ શરણ પડેલાં સર્વ ના છે સુખી હા!
'હૃદય મમ બળે છે માત્ર તેથી જ વ્હાલી!'

મૂકી નિઃશ્વાસ બોલ્યો એ રમાનો કર ચાંપીને,
બગાસું ખાઇને બોલે ધીમેથી મૃદુ શોભનાઃ-

'હૃદયની દયા એ જ છે બધું,
બની શકે નહીં કૈં જ જો વધુ;
'શરણ આપવું એટલે, સખિ!
'હૃદય આપવું એ જ છે નકી.

'હૃદયની મળે કાંઇ જો દયા,
'શરણ જે પડ્યું તે દુઃખી ન તો;
'સુખી દુઃખી કરી વિશ્વમાં શકે,
'હદય એકલું! ના બીજું કશુ!

'હ્રુદય જો મળ્યું તો બધું મળ્યું!
'હૃદય જો નહીં તો નહીં કશું!
'શરણ તેં દીધું, ભાઇ! છે નકી
'હરિણીને, જુવો એ કૂદી રમે.'


'ના ના એમ બને નહી! હૃદયમાં શું સર્વ આવી રહ્યું?
'ક્ષત્રીનું નવ લોહી ભૂમિ કદિ એ પીવા શકી હોત તો
'જેને દિલ દીધેલ તે દુઃખી થતું પ્રેમી ન જોઇ શકે!
'ના જો એમ પછી, સખી! શરણ તો આવ્યું કહું નહીં!

'નકી સાચું રમા બોલી, પ્રીતિ એ જ નકી ખરી,'
ઊંડા કાંઇ વિચારોમાં બોલી ઉઠ્યો યુવાન એ.

નવીન કલી રૂપાળી શોભના ચુંટતી, ને
ગૂંથતી લઘુ કરે એ વાળમાં સૌ રમાના;
મધુર મધુર પુષ્પો ચૂટતો એ યુવાન,
કમલવત રમાના હસ્તમાં આપતો સૌ.
                 * * *
સળગી ઉઠતું હૈયું ત્યારે યુવાન તણું હતું,
હૃદય ઘડતું કાંઇ કાંઈ વિચાર નવા હતું;
નવ સુખી થયું તે દીથી એ! કદી નવ વા ઠર્યું,
પિગળી પિગળી ધીમે ધીમે વહ્યું,વહતું વહ્યું!

પ્રણય ઘસડે તોડી દેવા અહો સહુ પિંજરાં!
ફરજ ઘસડે કેદી થાવા અને મરવા દુઃખે!
ફરજ હતી આ,પેલી પ્રીતિ! રહ્યું રડવું હવે!
ફરજ લડતી પ્રીતિ સાથે! રહ્યું મરવું હવે!

શરણ પ્રણયી આવે તેને રખાય અરે નહીં!
શરણ પ્રણયી આવે તેને કઢાય નહીં વળી!
વચન પ્રિયને આપેલું,'હું થઇશ ન અન્યનો'
વચન પ્રિયનું પાળે તેથી મરે દુઃખી દિલ કો!

અરે! શાને આવો અધવચ રહે તું લટકતો?
હજુ જા ઊંડો તો પડ સહુ તહીં તૂટી પડશે!
વિભાગો કીધાથી પ્રણય ન ક્દી ન્યૂન બનતો,
અને તેથી, ભાઇ, પ્રણય પ્રભુ છે આ જગતનો.

આ વિચાર મહીં યુવાન દિલ એ ઝૂકી રહેલું હતું,
તેના તાર બસૂર સર્વ બનીને કમ્પી રહેલા હતા;
ઓહો! એક ઘડી રહી, પલ રહી, તે કાં ઢળે કે મરે!
તોડે પિંજર એક આ ક્ષણ મહીં, ના તો કદી એ નહીં!

કાર્ય છે સિન્ધુનું મોજું, ઘા છે કે ગતિ કાંઇ છે;
આમ કે તેમ કીધું તે કીધું ને તે થઇ ગયું!

થયું ને કીધું તે કદિ પણ બને ના 'નવ થયું'!
ક્ષણે કીધેલું તે જીવિતભર સાલે જિગરને!
અચમ્બો લાગે છે, સમજણ પડે ના ક્યમ થયું!
ઘણી વેળા પોતે દિલ પણ ઠગાયું સમજતું!

ઠગાવું જો હોય નિર્મ્યું ઠગાવું તો ભલે સુખે;
પરન્તુ જાય છે ખેંચી હૈયું તો તો જવું પડે!

કરે જો કાંઇ સુખથી કરજે ને સુખી થજે,
પરંતુ કાંઇ ઢચુપચુ રહીને કરીશ નાઃ
કરે છે સાચું તું જરૂર સમજી એમ કરજે,
નહીં તો પસ્તાવો દુઃખમય અગાડી બહુ થશે.

ફરજ ને પ્રીતિને તું દોરજે એક માર્ગમાં:
ધર્મથી પ્રેમ જુદો ના,ફરજ એ જ પ્રેમ છે.
                 * * *

ઉંચો છે રવિ મધ્યમાં નભ પરે, છે ચૂપ સંસાર સૌ,
ધીકેલી ધરતી દિસે, તરુ મહીં પક્ષી લપાયાં સહુ;
ગાઢા મંડપમાં યુવાન ફુલડાં વેરી નીચે છે પડ્યો,
કિન્તુ કંટકથી ભર્યા હદયને પીડી રહ્યાં છે દુઃખો.

આવે છે ચાલતી ધીમે દુરથી ત્યાં જ શોભના;
ઉદાસ એ દિસે ચ્હેરો,ગમ્ભીર નેત્ર છે ઢળ્યાં.

આછું એક જ શ્વેત સ્વચ્છ કપડું તેણે પહેર્યું હતું,
તેના અંગની દિવ્ય ઝાંય ઝળકી ર્ હેતી બહારે હતી,
તાપે તપ્ત થયેલ ગાલ પર એ ગાઢી ગુલબી હતી;
ને તેની પર મધ્યમાં ચળકતું બિન્દુ હતું સ્વેદનું.

ડાબો હતો કર કમાન વળેલ કેડે,
બીજો હતો પટકતો ગૃહી પુષ્પગુચ્છો;
યુવાનના પદ ભણી ઢળતી પ્રીતિ શાં,
ઓષ્ઠેથી લાલ નીકળી કિરણો છવાતાં.

ઊંચી એક જરા ગુલાલ ઝરતી પ્હાની હતી પાદની,
ઊભી એમ અર્હી યુવાન નિરખી નિઃશ્વાસ મૂકી જરી;
નેત્રે નેત્ર મળ્યાં અને ઢળી ગયાં! પાછાં મળ્યાં ને ઢળ્યાં!
રૂધાયું દિલ ત્હોય યત્ન કરીને બોલી ધીમું શોભનાઃ-

'પ્રીતિ ધરી રમા જે ઉછેરતી,
'પ્રથમ પુષ્પ તે આ ગુલાબનાં;
'કરતી સ્નાન એ તેથી મોકલી;
'પ્રિય સખે! મને આપવા તને.'

લાંબો કરી કર જરી નમી પુષ્પ આપે,
ત્યાં એ જરા લથડતી લપસી પડે છે;
પુષ્પો પડ્યાં,કર રહ્યો કરમાં ધ્રુજન્તો,
ખેંચ્યો નહીં મૂકી દીધો નહિ વા યુવાને.

ત્યાં કૈં થયું મગજમાં, કરમાં થયું કૈં,
કાંઇ નવું નયન ને દિલમાં થયું કૈં;
જે ખાળતાં હૃદય તે નિકળી પડ્યું કૈં,
જેનો હતો ડર દિલે થઇ એ ગયું કૈં.

ઉઘાડી બારીએથી ત્યાં દેખે છે કોઇ આ બધું;
યુવાને ઓળખી વ્હાલી, ખેંચી લીધો હસ્ત ઝટ.

ભોંઠી પડી શરમથી ચમકી ઉઠી એ,
જે ના થવું ઘટિત તે તો થઇ ગયું કૈં;
એ સ્વપ્ન, એ જખમ એ વિષઘૂંટડાને,
વિમાસતી, સળગતી ગૃહમાં ગઇ એ.

જોયું મનાય નહિ કદિ એ રમાથી,
જોયું ભૂલાય નહિ કદિ એ રમાથી;
કિન્તુ 'દીઠેલ કદિ આ નવ હોય સાચું'
સંકલ્પ એ દ્રઢ કરી સુખણી થઇ એ!

બિચારાનું હૈયું સળગી પણ ઉઠ્યું, બળી ગયું,
ફરે, ડોલે માથું, નયન પર ગાઢું પડ વળ્યું;
રહ્યા સ્વેદે ભીના થરરથર કમ્પી અવયવો,
ક્ષણો બે વીતી ને રુદનમય આ નાદ નિકળ્યોઃ-

'અરે! મ્હારી વૃતિ, હૃદય મમ, ને વૃત્ત મુજ એ
'ઘડીમાં શું જૂઠાં થઇ જઇ બન્યાં મોહવશ રે!
'અરે! નિર્માયું શું મમ હૃદયને ધૂળ મળવું?
'અરે! એ કન્યાના હૃદય કુમળાને સળગવું?

'રમા! વ્હાલી વ્હાલી! ઝળક તુજ ચોક્ખા હૃદયની
'હવે ઊંચી આંખે નિરખી શકવાનો કદિ નહીં!
હવે ક્યાંથી પૂજું? હૃદય તુજ ઊંચું અતિ રહ્યું!
'ગયું પાતાલે ને મમ હૃદય પાપી થઇ ગયું!

'પ્રભુ' એવું ક્હેજે કદિ નહિ મને તું, પ્રિય!હવે!
'પ્રભુ ત્હારો પાપી જખમ તુજને એ કરી શકે!
'અરે! ઉછેર્યું તેં મધુર મૃદુ કેવું કુસુમડું?
'બગાડ્યું મેં તેને કચરી કચરામાં પ્રભુ! પ્રભુ!

'કલી મીઠી દૈવી! રજ પડી હવે દૂર કરજે!
'ફરી આ જાળે તું લપટીશ, કલી! ના કદિ અરે!
'રમા જેવી પાછી ઝળકમય તેજે ચળકજે!
'ક્ષમા આ પાપીને કરી કદિ હવ તે ન સ્મરજે!'

ભૃં ભૃં ભૃં ગુંજતો આવે પુષ્પો ઉપર ભૃંગ ત્યાં,
ખીલેલાં કૈંક પુષ્પોને ચૂસતો તે ફર્યા કરે.

નઝર પડી ત્યાં પેલાની ને જરા ચમકી ઉઠ્યો,
નઝર પડતાં કાંઇ પાછો વિચાર નવો ઉઠ્યો,
હૃદય ગળવા લાગ્યું, પાછું થયું વહવું શરૂ,
હૃદય ગમતું શોધી લેવા વળ્યું, ફરીને ગળ્યું!

'અહો! કેવાં પુષ્પો ભ્રમર પર પ્રેમે ઝૂકી રહે!
'અને કેવાં ચુમ્બે સ્મિત અધરથી સૌ ભ્રમરને!
'અહો! કેવો ગુંજી ફુલ ફુલ પરે ભૃંગ ભમતો!
'અને કેવો ચોંટી કલી કલી મહીંથી રસ પીતો!

'અહો ! કેવી મીઠી કુસુમકલી એ સ્નિગ્ધ ઉઘડે !
'તહીં ચોંટ્યો જાણે કદિ નહિ હવે એ ઉખડશે !
'પરંતું આ ઉડ્યો નવીને કલીઓ ને કુસુમમાં !
'ફરી ઇચ્છા થાતાં લપટી પડશે એ જ કલીમાં !

'અહો! સ્વચ્છન્દી એ નવ કદિ રહે પિંજરપૂર્યો,
'વળી ભોગી સાચો કદિ નવ વિસારે કુસુમ કો!
'બધાંને ચાહે છે પણ ત્યજી ન દે કોઇ ફુલડું!
'હશે આવું પાપી કુદરત તણું શું રમકડું?

'અરે! હું માટે તો કુદરત તણો શું ક્રમ ફરે?
'મને શું સૌન્દર્યે લપટી પડતાં પાતક પડે?
'પ્રભુએ! આપી તે કુસુમરજ હું કાં નવ ગ્રહું?
'અરે! તે ખોવી તે પ્રણયી દિલને પાતક ન શું?"

આવે છે ગુંજતો બીજો તે પુષ્પો પર ભૃંગ ત્યાં,
જોઇ તે અશ્રુ અવ્યાં ને ઉદાસ થયો તે ફરી.

'ક્ષમાવાળાં હૈયાં કુદરતી ભલે આમ જ રમે!
'મનુષ્યો તે માટે નથી હજુ થયાં લાયક ખરે!
'સુખે આલિંગે છે કુમળી કલી કોઇ ભ્રમરને!
'નથી એ બન્ધાઈ અમુક ભમરાથી નકી નકી!

'વિભાગો ભોજ્યભોક્તાના પાડેલા છે વૃથા અમે!
'ભોકતાનો માર્ગ જુદો કૈં, ભોજ્યનો ય જૂદો વળી!

'દિસે એવો કાંઈ કુદરત તણો ના ક્રમ નકી,
'અહો!ભોજ્યે ભોક્તા કુદરત તણા એ ક્રમ મહીં!
'અહા! બન્ને પાંખો કુદરતની સ્વચ્છન્દ ફરતી,
'રહે તેથી ઊંચાં કુદરત તણાં બાલક ઉડી!

'ઉડી ક્યાંથી શકે લોકો, તોડીને એક પાંખને?
'ઉત્સાહી ઉડવાનું કો રડે તો તે ભલે રડે!

'તને છોડી વ્હાલી ક્યમ હું ઊડી કદિ હું?
'વિચારો મ્હારાથી જરૂર અપરાધી તુજ બનું;
'ઉડી હું જાઉં તો પછી તુજ રહે શું જગતમાં?
'ભલે કેદી થાતું તુજ હૃદયનું આ દિલ સદા!

'ભલે ભૃંગો ઉડે કલી પરે ને ફુલ પરે,
'મને તે ના છાજે, ફુલ મુજ રહ્યું એક જ હવે;
'ઉછેરેલી ત્હેં તે મધુર કલી વ્હાલી પણ મને!
 'મને વ્હાલી ત્હોયે તુજ કદિ હવે તે ન બનશે.

'પ્રભુ આપે તેને પ્રણયી રસીલો ભૃંગ કુમળો,
'પરન્તુ એ ચિન્તા મમ હૃદયનો એક ભડકો;
'ફરી કેદી ત્હારો જીવિત સધળાનો થઈ રહ્યો,
'હવે હું ત્હારો જરૂર અપરાધી નવ રહ્યો'!

રાખજે યાદ તું, ભોળા! ત્હારાં વેણ સદા હવે!
હવે જો ચૂક, તો ત્હારૂં કોઇ આ જગમાં નથી!

કલીની પ્રીતિ એ તુજ દિલ હજુ જો ઘસડી લે,
ભલે પ્રેમી થાજે! પણ વચન આ ના ભૂલી જજે;
કરે છે સાચું તું જરૂર સમજી એમ કરજે,
નહીં તો પસ્તાવો દુઃખમય અગાડી બહુ થશે.

સન્ધ્યા પડી રવિ હવે ડૂબતો જતો એ,
આવે સખી ફરતી બે ય યુવાન પાસે;
સુખી હતી ત્યમ હજુ સુખી છે રમા, ને
ઢાંકી દુઃખો રમતી બાપડી શોભના એ,

રમ્યાં ફર્યાં એ ત્રણ બાગની મહીં,
છૂપું હતું એ દિલમાં નવું કંઇ;

હતું દબાવ્યું પણ ઉછળી જતું,
ચકિત નેત્રો મળતાં પ્રકાશતું!

રમા કશું એ ગણકારતી નહીં,
છતાં નવું કૈં સમજી જતી હતી;
ન દેખતી હર્ષ પિયુમુખે અને
ન દેખતી હર્ષ સખીમુખે વળી!

'હશે એ શું સાચું? મમ હૃદય કાંઇ નવ કહે!
હજુ શું દેખું છું? સમજણ પડે ના કશી મને!
'કહેજો! ઓ વ્હાલાં! તમ હૃદયની ગ્રન્થિ પડી શુ?
'નહીં એ હું તોડું! દુઃખી કરી તમોને ક્યમ શકું?

'સુખી હું છું વ્હાલા! તુજ વધુ સુખે હું વધુ સુખી!
'છૂપું રાખો તેથી પણ બળી મરૂં હું જિગરથી;
'પ્રભુ! ત્હારૂં તેનું હૃદય કુમળાં છે અતિ અતિ!
'અરે! તેની ગ્રન્થિ ક્યમ કરી શકું તોડી જ કદી?

નકી બનું પાપી જ આ વિચારથી,
'ન રામ મ્હારો કદિ હોય, અન્યનો;
'અરે! ક્ષમા તું કરજે મને, પિયુ!
'ન સ્વપ્નમાં તે કદિ હોય તું, પ્રભુ'!

એવા કાંઈ વિચારોમાં રમા તો ડુબતી હતી;
અહોહો! પ્રેમીના દોષો પ્રેમી જોઇ શકે નહીં!

રમાની શુધ્ધિથી હૃદયદ્વયમાં શુધ્ધિ પ્રસરી,
અને એ શુધ્ધિ શો શશી પણ પ્રકાશ્યો નભ મહીં;

રમા વ્હાલા સાથે હસતી ગઇ જૂદી સખી થકી,
અને નિદ્રા આવી રજની વહતાં મીઠડી ઘણી.


અર્ધેક રાત્રિ વીતી ત્યાં, આવ્યું સ્વપ્ન યુવાનને;
સ્વપ્નમાં ત્યાં રમા દીઠી, નિદ્રા લેતી સુશાન્તિમાં.

વળી કોઇ મ્હોટી ઉડતી દીથી દેવી શિર પરે,
હતા તેના વાળો શિરથી પગ સુધી લટકતા;
હતી તીણી દૃષ્ટિ, મુખ પણ હતું સખ્ત દિસતું,
અને કાળી લાંબી લટકતી હતી દોરી કરમાં.

યુવાનના બે કરો બાંધી, બોલી ક્રોધથી દેવી એ;
'નામ મ્હારૂં નીતિદેવી, કેદી તું મુજ છે બન્યો!'

એ સુણતાં ગૃહ મહીં પ્રક્ટ્યો ઉજાસ,
આકાશમાં લટકતું કંઇ સત્ત્વ બીજું;
તેના પ્રકાશથી ગયો ઝટ બન્ધ તૂટી,
ને દેવી કેદી કરનાર ભળી હવામાં!

આ પાંખનો નભ મહીં સુસવાટ વાગે!
પાંખો કને કબૂતરો ઉડતાં દિસે કૈં!
તે શ્વેત છે કબૂતરો,વળી શ્વેત પાંખો!
ને શ્વેત વસ્ત્ર દિસતાં ઉડતાં હવામાં!

તે આસપાસ વીજળી સરખું કુંડાળું!
કૈં કિરણોમય દિસે ચળકાટવાળું!
તેમાં દિસે પદ ગુલાબી ફુલો સરીખા!
જેમાંથી અમૃતઝરો ઝરતો અથાગ!

તેના પડે શીકર સૂર્ય શશી પરે, ને
તેના પડે શીકર તારક ને ગ્રહોમાં!
સ્ત્રી શું દિસે મુખ શશીવત સત્વનું એ,
જેમાંથી ડોલર તણી ખુશબો વહે છે!

પ્રીતિદેવી તહીં આવી, ઊભી યુવાનની કને;
એક હસ્તે ગ્રહ્યો હસ્ત, બીજો હસ્ત દિલે ધર્યો.

તેના સ્પર્શથી અંગ અને અવયવો કમ્પી રહ્યાં સૌ, અને
મીઠું ઘેન ચડી ગયું મગજમાં ને જીવ જૂદો પડે!

દેવી પાંખ પસારી ઉડી ગઇ એ આત્મા લઇ સ્વર્ગમાં!
સામી આવતી દેખી ત્યાં હસમુખી તેની પ્રિયા શોભના!

કુમારિકાનો કર એક લીધો,
લીધો વળી એક યુવાનનો;ને
જરી હસી દેવી કહે "સુપ્રેમી!
"બનો હવે એકરૂપે સુખેથી!

'રમા વળી આવતી આ ઉડીને,
'ત્રણે દિલો એક જ આજ થાશે!

'સદા રહેજો મમ રાજ્ય માંહી,
'સુખી થશો! આશિષ મ્હારી! બચ્ચાં!'

કિન્તુ વ્યગ્ર થઈ યુવાન નભમાં જોઇ રહ્યો બીકથી,
નીચી ઉતરતી રમા નભથી તે જોઇને કહે દેવીનેઃ-
'હું ના અન્ય તણો બનું કદી, સખિ!'એ વેણ તૂટ્યું ગણી
'નક્કી એ દુઃખણી બને! હદય એ નક્કી ચીરાઇ જશે!'

'જા ચોર! તું! કહી ઉડી ગઈ દેવી એ ને,
નીચે પડ્યો ગબડતો જીવ એ ડરીનેઃ
સ્વપ્નું ગયું ઉડી, ગઇ વળી શાન્ત નિદ્રા,
હૈયું રહ્યું ધડકતું, ભય ને પીડાથી.

જુવે છે બાજુમાં તો ત્યાં રમા દીઠી સુખે સૂતી;
નિદ્રામાં તે હસી મીઠું,'પ્રભુ! વ્હાલા!'લવી જરી.

'જા ચોર! તું!' હૃદયમાં હજુ એ જ શબ્દો!
'જા! ચોર!' એ મગજમાં ભણકાર વાગે!
ત્યાં કૈં સ્વરો રુદનના ભટકાય કર્ણે,
તેનાથી ડરી ચમકી તુર્ત યુવાન ઉઠે.

અગાસિયેથી સ્વર આવતા એ,
યુવાન ઉભો ચડી બારીએ ત્યાં;
ચતી પડેલી હતી શોભના ત્યાં,
શરીરનું ભાન હતું કશું ના!

ચોક્ખું છે નભ ને હવા શીતળી છે, છે ચન્દ્ર ઊંચે ચ્ડ્યો,
તારા કોઇ જ આંહીં ત્યાં ટમટમે, ત્યાં એક નીચે ખર્યો;
મેદાનો, નદી ને તરુ સહુ પરે છે ચાંદની પાથરી,
તેમાં એક જ પુષ્પની કલી સમી દિસે રૂડી શોભના.

દિસે ઝુલતું એ કૃશ ઉદર કાસાર સરખું,
અને તેને દાબી કમલ સરખો છે કર રહ્યો;
પડેલી છે આંટી કદલી સરખા એ પગ તણી,
અને વચ્ચે ઊડે ફરફર થતી પાટલી ઝીણી.

અશીશા મ્હોટાથી શિર જરી રહ્યું છે અધર, ને
રહ્યો તેના ભાલે શશી ચળકતો વાસ કરીને;

વહે વારિ બ્હોળું નયન પરથી ગાલ પર છે,
તુષારે ભીંજેલા ફુલવત દિસે ગૌર મુખડું.

પડે છે કો બિંદુ ચિબુક પરથી એ સ્તન પરે,
અને ત્યાંથી ધીમે ટપકી પડતું જાજમ પરે;
સ્તનો બેની વચ્ચે ટપકી વળી કોઇ સ્થિર થતું,
દિસે જાણે મોતી શશીકિરણમાં કો ચળકતું.

બન્ને સ્તનો ધડકતા દિલથી ધ્રૂજે છે,
ને શ્વાસ ઉષ્ણ વહતાં ઝુલતાં રહે છે;
સંપુટ એ ધવલ કેતકીપુષ્પ કેરાં!
કે ચન્દ્રકાન્તકડકા સરખાં દિસે છે!

દિસ છે અંગ એ આખું, કામના શર શું રૂડું;
ઉઘડ્યા ઓષ્ઠ નાના બે,ને આવા સ્વર નીકળેઃ-

'પરની હું બની! મ્હારી હું નહીં!
'નહીં અરે! અરે! કોઇની નકી!
'મુજ થયો અરે! એ હજુ નથી!
'પરની હું બની! મ્હારૂં કો નહીં!

'કરીશ શું ક્ષમા તું, રમા! મને?
'સરપ હું બની ડંખું છું તને!
'નકી અજાણ તું!જાણ તું નહીં!
'સરપ પાળીઓ દૂધ પાઈ ત્હેં!

'નકી અજાણ છે તું રખે! વળી,
'પ્રીતિ રમા તણી રાખશે કહીં?
'દિલ હવે ઠર્યું આપવું મને!
'પછી રમા તણું રાખશે કહીં?

'હૃદયના પડે ભાગ ના કદી,
'હૃદય એકમાં બે સમાય ના;
'હૃદય પ્રેમ તો લાખથી કરે!
'સહુ કહે ભલે! ના બન્યું કદી!

'પ્રણયી ઓ! હવે ભૂલ તું મને!
'પ્રિય રમા અરે! છોડ તું મને!

'જઇશ હુ હવે એકલી વને.
'મરીશ હું હવે એકલી વને.

'કહીશ હું સહુ વાત આ ત્હને,
અરર! દુઃખ તો શું થશે ત્હને?
'કહી શકું નહીં તો દુઃખી થશે,
'તુજ પિયુ નકી વા મરી જશે!

'હૃદય એ ગળી જાય છે વહી!
'હૃદય આ વળી ખેંચી જાય એ!
'હૃદય તું તણી આડ જે રહી,
'તૂટી પડી જશે બે દિનો મહીં!

'તુજ પછી મને વિશ્વ આ બધું,
'પણ સખિ! સખિ! શું અરે કરૂં?
'તુજ દયા તણો ભાર છે બહુ,
'ફુલ ગણી સદા હું ઉપાડતી!

'રવિ નદી વતી સિન્ધુ પૂરતો
'ત્યમ દયાથી આ દિલ ત્હેં ભર્યું!
'હૃદયસિન્ધુનો ચન્દ્ર કિન્તુ એ,
'ઉછળી ઊર્મિઓ જે પરે પડે!

'હૃદયવારિમાં છાપ કૈં પડે,
'રવિ, ઉષા અને તારકો દિસે,
'ઘન ઝઝૂમતા ડોકિયાં કરે,
'શશીની છાપ તે રાત્રિ આખી ર્ હે.

'કઇ તરું અને કંઇ વિહંગમો,
'ઘડીક કોઇ ને વર્ષ કો રહે;
'ઘડીક છાય કો આભ ઢાંકતી,
'પણ બધી જતી આખરે ઉડી.

'પણ પિયુ! પિયુ! છાપ તું તણી,
'હૃદયવારિમાં આભ શી પડી!
'જલ સૂકાઇને રેતી ઉડશે,
'તહીં સુધી પિયુ એ નહીં ખસે!

'જખમ લાગશે! ઉર ફાટશે!
'જિગરથી અરે! રક્ત ચાલશે!
'સમય તે સહુ ત્યાગશે ત્હને!
'પ્રિયે સખે! દીધું એ જ મેં ત્હને!

'શકીશ ના કદી તું હવે હસી!
'રુદન એ તણો ચેપ લાગશે!
'મધુર હાસ્ય તો એ ઉડી જશે!
'પ્રિય સખિ દીધું એ જ મેં ત્હને!'

'પ્રણયીનાં કર્યાં ખૂન મેં અરે!
'હૃદય તેથી આ શું વિરામશે?
'ભટકીને હવે દેહ છોડવી!
'પ્રભુ! પ્રભુ! દીધું એ જ મેં મને?

'ન કરવું ઘટે એ જ મેં કર્યું !
'અરર! શું હરિ! એ જ છે થવુ?
'હૃદયયન્ત્રની કૂંચી ના મળે,
'વિધિ કને રહી! શું કરૂં અરે!

'હૃદયના સખે! પ્રાણના પિયુ!
'દિલની બેન ઓ દેવી! રે સખિ!
'નહિ કહી શકું કાંઇ હું ત્હને!
'નહિ કહી શકું કાંઇ હું ત્હને!

'મરી ત્યજી જવું એ જ માર્ગ છે!
'ત્યજી જવું અરે! રે! ત્યજી જવુ!
'નવ બને અરે! એ ત્યજી જવુ!
'હદય ઘા કરી એ કેમ શકે?

'વિધિ વિના અરે! હસ્ત કોઇનો
'પ્રણયીને કદી તોડી ના શકે!
'નવ મરી શકું! જીવી ના શકું!
'ખૂન કરી શકું માત્ર પાપી હું!'

શબ્દો, આંસુડાંથી આ, હૈયું યુવાનનું ગળ્યું;
ઘસડાયું ભૂલી ભાન, કાબૂ લેશ રહ્યો નહી!

હૃદય ઉપર લાગ્યો કારમો કૈંક ધક્કો,
કુદરતની ગતિએ અન્ધ દોરાઈ ચાલ્યો;
ડગ દ્વય ભરી આવી શોભના પાસ ઊભો,
કર થઈ જઈ લાંબો કુમળો હાથ ઝાલ્યો!

કમ્પી કાળજડું રહ્યું થરથરી ત્યાં શોભનાનું દ્રવી,
બચ્ચું પક્ષી તણું ઊડે જ્યમ ડરી પહેલું જ માળો મૂકી;
માળો છોડી દીધો અને પડી ગયું એ તો અરે! પિંજરે,
ને એ પિંજર પૂરમાં વહી જતાં કેદી તણાઈ વહે!

પ્રણયરસનું પીધું પ્યાલું નિશો જ ગયો ચડી!
મધુર ઝળકી લાગી ગાલે, રહ્યા અધરો સ્ફુરી!
શિથિલ ધ્રુજતાં અંગે અંગે ચડી ગઇ ખાલી, ને!
પરવશ થવું નિર્માયું એ થવાઇ ગયું, અરે!

ડર નવ રહ્યો! હૈયે હૈયું રહ્યું ધડકી, અને
પ્રિય અધરથી અશ્રુ ઉન્હાં લૂછાઇ ગયાં સહુ!
સમય મધુરો! પહેલી પ્રીતિ! અને રસએકતા!
હૃદય નવલાં લ્હાણું એવું સુખે મચવી રહ્યાં!

'તુજ થઇ હવે' એ કહેવાનું હતું નવ કૈં રહ્યું!
પ્રણયી હૃદયો વાંછ્યું પામ્યાં! પછી વદવું કશું?
ઉર ઉર વતી બોટાયાં એ! પછી હજુ ન્યૂન શું?
સભર દરિયે વાયુ મીઠે સુવ્હાણ વહ્યું! વહ્યું!

ઊંચે ઉડે કરંટો! [], ક્ષિતિજ પર દિસે મેઘમાલા સુનેરી!
ફૂલેલા એ ધ્રૂજે છે શઢ ફરફરતા દૂરની વાદળી શા!
વાગે વીણા મધૂરૂં તુતક પર તહીં પંખીડું નાચતું કો!
મ્હોં સુધી છે ભરેલાં ઝગમગ ધ્રુજતાં પાત્ર બે આસવોનાં!

ભાને તેને જરી નવ હતું દૂરની વાદળીનું!
કાળી કાળી પ્રસરી ચડતી મેઘથી પૂર્ણ ભીની!
વ્હાણે ડોલ્યું! ખળભળી ગઇ સિન્ધુની એ સપાટી!
ચાલ્યું કિન્તુ સુખમય વહ્યું ધ્રુવ સામે અગાડી!

ગિરિ સમ ઉંચાં મ્હોટાં મોજાં હજુ ચડશે, અને
તુતક તૂટશે! વંટોળોમાં શઢો વિખરી જશે!

પણ દૃઢ રહો ત્યારે એ તો ભલે સુખ માણજો!
નિકર મધુરો લ્હેજો આ તો ઘડીબધડી તણો!

અનિલ ફરકે ધીમો થંડો પ્રભાત તણો હવે,
હૃદય રસમાં ઝોકાં ખાતું, સુશાન્ત બન્યું હવે;
પિયુકર ફરે ગાલે, ઓષ્ઠે અને નયનો પરે,
સૂઇ ગઇ સુખે માથું મૂકી પિયુપદ ઉપરે.

યુવાનની પડી દૃષ્ટિ અન્ધારા એ ખૂણા મહીં,
ઝરે છે અગ્નિ નેત્રેથી , એવી રોતી રમા દીઠી!
તાકી જોયું ફરી ત્યાં તો અન્ધારે નવ કૈં હતું,
કિન્તુ છાતી ગઈ ધૂજી! થંડું રક્ત થઇ ગયું!

વીજળી શું ફરી કાંઇ અંગે અંગ મહીં ગયું!
હતું શું એ? થયું શું એ? જાણી કૈં જ શક્યો નહીં!

ઓહો! સૂતી પરમ શાન્તિથી શોભના છે,
ને પ્રેમહાસ્ય મુખમાં ઝળકી રહ્યું છે;
તેને નિહાળી ફરી શાન્ત થયો યુવાન,
ચુમ્બી લઈ અધરને કર ચાંપી ઉઠ્યો.

ગયો રમા જ્યાં સુખમાં સૂતી છે,
થયો રમાનો ફરી મ્હોં નિહાળી,
'પિયુ! પ્રભુ!' એમ લવી રમા,ને
યુવાન ભૂલ્યો ફરી શોભનાને.

'પડું જૂદો હું નકી શોભનાથી,
'રહ્યો હવે એક જ માર્ગ એ છે!'

વદી ધરી ગાલ પ્રિયા કરે એ,
સૂઇ ગયો શાન્ત થઇ ફરીને.

'આ સાચું ને કરીશ ત્યમ હું કાલથી,'એમ, ભાઈ!
ભાવિ જાણ્યા વિણ ક્યમ શક્યો ગર્વના બોલ કાઢી!
ભોળો તું છે! અનુભવ તને વિશ્વનો કાંઇ ના ના!
એવા બોલો કહીશ ફરી ના બોલ તો ભૂલજે ના!

દોરાવું એ સહુ હૃદયનું, ભાઇ! નિર્માણ આંહીં,
ભાવિ વિના જનહૃદયનો અન્ય ના કો સુકાની;

જે ચાવીનું જડ રમકડું નાચનારું જ છે તું,
તે ચાવીને તુજ કર લઈ ફેરવી ના શકે તું.
                   * * *
રાત્રિ ગઇ, રવિ ઉગ્યો, શુક ઉડતા કૈં,
બાગે કૂદી રમતિયાળ કુરંગ ખેલે;
વચ્ચે ઉડે મધુર તે જલને ફુવારે,
આવે ઉડી કબૂતરો જલપાન માટે.

રમા ઉઠીને પિયુને ઉઠાડી,
અગાસિયે જાય મ્રુદુ હસી બે;
હજુ સૂતી એકલી શોભના ત્યાં,
રમા ઉઠાડે લઇ ચુમ્બી તેને.

'પિયુ! વ્હાલા!' લવી ઉઠી, હસી તે સુણતાં રમા;
'કયો વ્હાલો?' રમા પૂછે, રહ્યો જોઈ યુવાન તે.

જરી મજાકમાં એ ત્રણે હસ્યાં,
ગઇ પછી નીચે તુર્ત શોભનાઃ-
'મમ સખી હવે પ્રેમ શોધતી.'
કર ગ્રહી કહે પિયુને રમા.

નથી તું જાણતી, બાઈ! શોધતી તે મળી ચૂક્યું!
શોધ્યું તે તું સુણી રોશે! હસી લે પણ ત્યાં સુધી.

'રમા એ ત્હારી છે! તુજ હૃદય છે! તુજ રૂપ છે!
છતાં તે કૈં શોધે! તુજ શરણ છે, દેવું જ ઘટે;
'અરે! કિન્તુ હૈયું જગત પર ક્યાં શોધીશ? સખિ!
અને વ્હાલી! ચાલ્યું ઝરણ દિલનું એ વહી વહી!'
    
શું દેવું તું? વદ્યો જૂઠું?'શોધે તે હું?'ન કાં કહે?
પ્રેમના જૂઠમાં એ શું, પ્રેમી! કાંઇ મીઠાશ છે?

'અરે વ્હાલા!સાચું! મમ હૃદયમાં જે નવ મળે,
'નકી તે તે શોધે! હૃદય નવ ક્યાં એ પણ મળે!
'બહુ એ રોઇ છે!રુદન વળી શું આવ્યું ફરીને?
'અરે! તે લાધ્યાથી જગત વિષ કે અમૃત થાશે?

'આ બ્રહ્માંડ અનન્તની નિસરણી કે સિન્ધુની વીચિઓ!
'ઊંચીનીચી સહુ, જૂદી ગતિ તણી, જૂદે જ માર્ગે જતી!

'કોઇ એક જ છાપની છબી બની ક્યાં એ દિસે બે નહીં!
કોઇ નિસરણી, વીચિ, પગથિયું સાથે વહેતું નહીં!

'ઓહો! એક જ બિન્દુ પાસ ધપતાં બિંદુ એ વહે,
'તેની સાંકળમાં ન કોઇ કડી બે સાથે જોડાઇ છે!
'કિન્તુ સાંકળ આખીમાં દર કડી ખેંચાઈ ખેંચી શકે!
'તે ખેંચાણ અનન્ત પ્રેમ! પ્રભુ એ! તું હું ની ગ્રન્થિ ય એ!

'પ્રભુ! તે તે શોધે! રસ નિજ ભળે તે રસ બીજો
'ઘટે તેને દેવો! નિકર પિયુ! એ તો ગળી જશે!
'તને સોંપું છું હું હૃદય કુમળું એ સખી તણું,
'થઇ એ તો ત્હારી! પ્રિયતમ! હવે મિત્ર બન તું!'

કાર્ય તેં પ્રેમનું કીધું! પ્રેમ સાચવી રાખજે!
ઉદાર માર્ગ લીધો તેં, એ ઔદાર્ય ન ત્યાગજે!

'હૃદય સુખી થશે એ આપું છું કોલ, પ્યારી!
'કળી નવ કરમાશે! ખીલશે પૂર્ણ! પ્યારી!
'સહુ તુજ દિલ ઇચ્છ્યું આપવા ધર્મ મ્હારો.'
'તુજ સખી તણું ઈચ્છ્યું આપવા ધર્મ મ્હારો.'

કહી કાંઇ કરે કાંઈ, જેની ખાતર આ બધું;
અરે! તે કાર્યથી તેને, શું તું સુખ દઈ શકે?

દોરી જવું હૃદય તે તુજ ધર્મ સ્થાપ્યો,
છે માર્ગ અટપટો વળી ના દીઠેલો!
ખેંચાણ છે ગજબ ને ઉપરે જવું છે!
તો પાંખ સાવધ કરી ઉડ, ભાઈ! ઊંચે.
                * * *
'રમા વાંચે, મને તો કૈં વાંચવું ગમતું નથી!
'નકી છે એ બગીચામાં,જોઉં એ મુખ ત્યાં જઇ!'

વીત્યું પ્રભાત હજુ ના રવિ ઉગ્ર કિન્તુ,
તાજાં હજુ ચળકતાંસહુ પક્ષીઓ છે;
છે દીર્ઘ છાય તરુની, સહુ પર્ણ તાજાં,
અતૃપ્ત છે ભ્રમર સૌ મકરન્દ પીતા.

ધડકતે દિલે ચાલી શોભના ઉતરી નીચે,
ધડકતું હતું હૈયું, તેને ત્યાં મળવા જતી.

'મયુર! નાચ તું શી કળા કરી!
'મમ દિલે ગમે એ નિહાળવી!
'પિયુ નકી અહીં આવીને ગયો!
'પિયુ નકી તને જોઇને ગયો!

'હૃદય એ થશે તું સમું ન શું?
'મમ ઉર અરે! નાચશે ન શું?
'પિયુઉરેથી જે આંસુડું ખરે,
'ક્યમ ગળું નહીં હું ઢેલ બની?'

વિસામો લે! વિચારી લે! ઉભી રહે!અભિસારિકા!
હોય જો કૈં ભીતિ ના, તો દોરાઇ ભલે જ જા!

અભિલાષા થજો પૂરી! મીઠો આ અભિસાર છે!
કિન્તુ ચીરી ચીરાશે જો શંકાચૂં ક રહી હશે!

પ્રેમી મળે ત્યમ મળ્યાં દિલ એ ફરી બે,
ના ઝિંદગી સુધી હવે વિખૂટાં પડે તે;
'મ્હારી થઈ!તુજ થઇ જ!' લવી ગયાં એ
અંગો જુદાં થયાં પણ થયાં મળાવા ફરીને!

નેત્રે નેત્ર મળ્યે જરા મલકતાં, ક્યારે ઈશારા થતા,
ક્યારે ચુમ્બન ને સુ કોઇ વખતે વાતો કરી ભેટતાં!
ક્યારે વેણી ફુલો વડે પ્રિય કરે ગૂંથાઈને મ્હેકતી,
ને ક્યારે બસ એક બે ક્ષણમાં કમ્પી રહેતાં મળી!

જ્યારે જેવો સમય મળતો તેટલું લ્હાણું લેતાં,
ને બાકીનો સમય સઘળો ખૂબ ખેંચાઈ રહેતાં!
છૂપી પ્રીતિ, પ્રણયી! મધુરી કેમ કેવી દિસે છે?
બી વાવો છો તમ હૃદયમાં ઝેરનાં કિન્તુ ભોળાં!

સમય ના મળ્યો તેથી પીધું ઝેર હજુ નથી!
ભર્યા છે માત્ર પાત્રો આ! તેનું ઘેન ચડી ગયું!

ભોળા યુવાન! તુજ પિંજર કેમ તોડ્યું?
શું ભૃંગ માફક હવે ફરવા જ ઈચ્છ્યું?

સ્વાતંત્ર્ય તોપણ ન મેળવી શક્યો તું છે!
રે! એક પિંજર ત્યજી તું બીજે પડ્યો છે!

ત્હારૂં હતું જરી કહે! હજુ તે શું ત્હારૂં?
તેમાં હવે જઈ ફરી વસી તું શકે શું?
તે પુષ્પમાં રસ હવે પડતો નથી કૈં!
તેના ગુણો ઉપર માત્ર નિગાહ ત્હારી!

ત્હારી હજુ નઝર ત્યાં પણ પ્રેમ ના ના!
ત્હારૂં હજુ મગજ ત્યાં, પણ દિલ ના ના!
તે વાંક કિન્તુ તુજ હું કદિ એ ગણું ના!
'સ્વાતંત્ર્ય મેળવી શક્યો' પણ તે કહું ના!

જૂઠો ગણ્યો તુજ હિસાબ! ભૂલી ગયો તું!
તેં બે અને ત્રણ ગણ્યા ક્યમ, ભાઈ! સાત?
તોળી તપાસી દિલ બે પ્રીતિત્રાજવામાં
જો! જો અને ભૂલ જ જોઇ શકાય છે ત્યાં!

ત્હારી નવીન કલી પાંખ મહીં બિડાતી,
ત્યારે ય તે ફૂલ પરે તું શું આફરીન?
શું પુષ્પ્ચુમ્બન સમે મશગૂલ તેમાં?
તું પુષ્પનો મટી થયો કલીનો જ, વ્હાલા!

રે! ભૃંગથી ગત ફૂલો ન સ્મરાય કો દી!
કો લાધતાં નવીન ભૃંગ ત્યજે જે જૂની!
તો કેમ ના નવીન આ કલી છોડી દેશે?
તું પ્રેમી છે! પણ ન કોઈ તણો રહ્યો છે!

તું કેમ બે ય કલી પુષ્પ ન બાથમાં લે?
'સ્વાતંત્ર્ય મેળવી શક્યો' ક્યમ તું કહેશે?
શંકા રહી! ડર રહ્યો! દુઃખી તું થયો છે!
આધીનતા દુઃખની લૈ સુખની ત્યજી તેં!

ના અન્યનો પણ સીતા કદિ રામ માને,
તે કિન્તુ કાંઇ સમજી દુઃખણી થઇ છે;
તે કાંઇ ખામી નિજ પ્રેમ મહીં ગણે છે!
શું એ ઉરે,અરર! ખંજર ભોંકવાનો?

ભૂલી જ, બાઈ! ઉપકાર બધા ય તું શું
ત્હારી સખી ઉપર શું ભૂલથી ઉગામ્યું?
ભક્તિ, દયા, પ્રણયની શું દયા ય ખોઈ?
તું ભૃંગની ઉપર આમ જ છેક મોહી?

તું શું કરે? ડગમગ્યા ગિરિ મેરુ જેવા!
ખેંચાઇ જાય રવિ ત્યાં ગ્રહ શું બિચારા?
તું તો ગરીબ દ્રવતું ફુલડું બિચારૂં!
ચોળાઇ તું પણ અરે! ધૂળમાં જવાનું!

ઓ દેવિ! ઓ પ્રણયની પ્રતિમા! રમા રે!
શું તું શકીશ તુજ પ્રેમ સદા ભજાવી?
છે હર્ષ તો ગત થયો! પણ ભક્તિ ત્હારી
બ્રહ્માંડ આખું ડુલતાં ડગશે કદી ના!

પતંગો છો! જળી જાશો! નવા રંગ નિહાળશો!
ચડચડાટ ના થાશે! આ તો છે પ્રેમદીવડો!

                * * *
તાજું સ્નાન કર્યાથી છે જલ તણાં બિન્દુ શરીરે હજી,
ને એ ગૌર મુખે વિશેષ ચળકી લાલી રહી છે દીપી;
ચાંલ્લો કુંકુમનો લલાટ પર છે, ગાત્રો હસી છે રહ્યાં,
ભીના વાળ છૂટા સ્તનો પર ઉડે જાણે પિયુ બાંધવા!

તાજું પાન લીધેલ છે મુખ મહીં તેથી ભરેલા રૂડા
સ્વાભાવિક દિસે હજુ સુરખ છે ન્હાના સુબિમ્બાધરો;
લીસા ગાલ, કટિ, કરો, પિયુ સ્મરે તે દીર્ઘ નેત્રો, અને
શું ના મોહક શોભના શરીરનું? વ્હાલું પિયુને ન શું?

વ્હાલો છે હૃદયે, અહો! હૃદયમાં એ મૂર્તિ છે કોતરી,
ને તેમાં જ અરે! રમા હૃદયની ચિન્તા ડૂબેલી વળી!
બન્ને ઉપર ચારણી થઈ દ્રવે હૈયું ઝરો પ્રેમનો!
શું ના મોહક શોભનાહૃદયનું વ્હાલું પિયુને ન શું?

પ્રેમમાં તું પિયુ જીતી! ન્હાની અજ્ઞાન શોભના!
તેનાથી ના થયું તે તેં પ્રેમમાં ભજવી દીધું!

અરે! શું જુવે છે પ્રણયી તુજ વ્હાલી? રસિક ઓ!
અગાસીમાં ઊભી પ્રણયી નિજ વિચાર સહ છો!

અરે! ના જો તેને! શરીર ચિર ના સુન્દર રહે!
અરે! જો દેખે તો પ્રિય હૃદય જો દૂર જઇને!

ન જા! જો જો તું જો! તુજ હૃદય તે લાયક નકી!
રસીલો ભોગી તે ક્યમ નવ શકે દિલ સમજી?
અરે! તો હે ભાઈ! ક્યમ પ્રિય રમા છોડવી પડી?
રસીલી દ્રષ્ટિ એ અરર! નબળી શું થઇ ગઇ?

પ્રીતિ તણો નવ થયો! નવ નીતિ રાખી!
આ પ્રેમ ના! પણ નકી નબળાઇ આવી!
તું ચેત,ચેત,નહિ તો નકી 'ચોર' ભાઈ!
પ્રીતિ નીતિ ઉભય ભ્રષ્ટ રહી ગુમાવી!

કરવામાં જ મુશ્કેલી! શીખવવું સહેલ છે!
નબળો નહિ તું ભાઇ! આ દુનિયા જ નબળી જ છે!

કહેનારાં ભલે કહેતાં!કહેવું પણ ઠીક છે!
કહેનારાં કરી જોશે! પછી ક્હે વિરલાં જ છે!
શોધશે ભાઈ! એવાં તો એવાં એ મળશે અહીં!
પરંતુ તે કહે કોને? ત્હારે કાન રહ્યા નથી!

ભલે, ભાઈ! વહેતું હૃદય તુજ સંતુષ્ટ કરતો,
ભલે બન્ને ભોળાં નયન નયને મેળવી હસો!

ત્હમારૂં ભાવિ તો પવનલહરી શું થઇ રહ્યું!
વહો ને ચીરાઓ! ફરી વળી મળો યા નવ મળો!

થઇ ગઇ વાત નેત્રોની, આમન્ત્રણ મળી ચૂક્યું;
નિસરણી ચડે દોડી તેને જોતી ઉભી રહી.

ચડી જજે! જો પડી ના જતો તું!
ડગી સીડી રે! લથડી પડે શું?
ચડી જજે હસ્ત ગ્રહી પ્રિયાનો
રહ્યો કને દીર્ઘ રૂડો લતા શો.

કર ગ્રહી લીધો, આવ્યો ઊંચે અને લપટી પડ્યાં!
હૃદયરસની લ્હેરો વાતાં સમાધિ મહીં ચડ્યાં!
રસ અમર હો વ્હેતો આવો ઉરો તમ ઉપરે!
અતિ સુખ તણા લ્હેઝા કિન્તુ ન દીર્ઘ બની શકે!

ત્યાં બારી એક ઉઘડે ગૃહની જરાક,
ડોકાય છે સ્મિતભર્યું મુખડું રમાનું;
જોયું! મનાય નહિ! ગાભરી શી બની એ!
જોયું ફરી! હૃદય તૂટી પડ્યું ખડીને!

'રે રે પ્રભુ!' લવી ઢળી ધરણી પરે તે,
ને મગ્ન પ્રેમી ચમકી ઉખડી પડ્યાં બે;
પ્હોંચી જતાં સમય તે પડદો ચીરાયો,
ભોળાં! અરે! થઇ ગયું સહુ ધૂળધાણી!

રે રે! જીવે ગયો ઉડી શોભના ને યુવાનનો,
'થયું શું આ!' ગયાં દોડી લવી બન્ને રમા કને.

બોલી ન કૈં પણ રમા ગઇ ચાલી તુર્ત,
જોઇ રહ્યો સુરખ મ્હોં નયનો યુવાન;
એ બે જ ત્યાં ફરી રહ્યાં ધ્રૂજતાં અકેલાં,
એ ચાર ત્યાં ફરી મળ્યાં નયનો ઝરન્તાં.

હૈયાં તણાં નયન એ ઉઘડી ગયાં, ને
બ્રહ્માંડકમ્પ સરખું કંઇ નેત્ર દેખે!
રે! શું થયું? ક્યમ થયું? ક્યમ ખૂન કીધું?
તે સૌ રહ્યું તરી જ સ્વપ્ન શું નેત્ર પાસે!

છેલ્લી સલામ કરી નેત્ર પડ્યાં વિખૂટાં!
યાચી ક્ષમા ગળગળાં વિખૂટાં થયાં એ!
રે રે! ખૂની! ખૂનની લિજ્જત કેવી લાગી?
રે! આપઘાત તણી લિજ્જત કેવી લાગી?

                  * * *
ન ધાર્યું સ્વપ્નમાં એ તે બન્યું બાપુ રમા અરે!
ઝીલશે ભાર હૈયું શે? રે રે આભ તૂટી પડ્યો!

નિચોવાયું હૈયું! રડી રડી ગઇ ખાટ પલળી!
વળી હેલા આવે! રડી રડી વળી એ ગળી જતી;
ખૂટ્યાં અશ્રુ ત્હોયે રુદન નવ ખૂટ્યું હૃદયનું,
મુખે છૂટો રસ્તો પછી હૃદયને એ દઈ દીધો.

'પિયુ! હું તો પાપી જરૂર અપરાધી તુજ બનું!
'નકી એ દીઠેલું! પણ અરર! માની ક્યમ શકું?

'ન માનું! ના માનું! પણ હૃદય માને! ક્યમ કરૂં?
'અરે!દીઠું દીઠું! પછી ક્યમ કરૂં? ના ક્યમ રડું?

'રડું! વ્હાલા! વ્હાલા! જરૂર અપરાધી તુજ બનું!
'અરે! મ્હારી પ્રીતિ તુજ પર છતાં હું ક્યમ રડું?
'રડું છું વ્હાલા! મમ પ્રણય શું ખૂટી જ ગયો?
'હજુ છે પ્રીતિ તો જીવિત મમ આ કાં કટુ થયું?

'અરે!મ્હારા વ્હાલા! પ્રણયી નવ ઇચ્છે મરણને,
'અરે હું તો ઈચ્છું! જરૂર અપરાધી તુજ બનું;
'મને વ્હાલો તું તો મરણ ક્યમ વ્હાલું થઇ શકે?
'ગઇ પ્રીતિ મ્હારી! નવ રહી શકી! માફ કરજે!

'કહ્યું ના કાં વ્હેલું? દુઃખ કરી તને શું શકત હું?
'અજાણ્યે શું, વ્હાલા!મુજથી કદિ એવું થઈ ગયું?
'નથી લાવ્યો એવું પણ કદિ દિલે તું, પ્રિય સખે!
'ન જાણું હું ભોળી! કદિ થઇ ગયું તો કર ક્ષમા!

'શક્યું તોડી ત્હારૂં હૃદય કદિ સંકોચ ન હશે?
'શક્યો ના શું ધારી મુજ દિલ મહીં શું દુઃખ થશે?
'ન કાં મારી નાખી? અરર રિબાવી ક્યમ શકે?
'કર્યું ના કૈં તો તેં ક્યમ નવ છૂપું રાખ્યું જ સદા?

'થયું! - બાઈ! કિન્તુ કંઈ નવ તને તો દુઃખ દીધું!
'તને તો ના ખૂંચ્યું જરી પણ કદી આ દિલ હતું!
'તને રે! શું કહેવું? તુજ હૃદય તો બાલક હજી.
'સુખી એ જેમાં ત્યાં સુખી જ મુજને તું સમજતી!

'હતું એવું તો કાં ક્યમ કદી હસીને નવ કહ્યું? -
મને એ ચાહે છે, મમ હૃદય તેનું વળી થયું,'
'હશે બાઈ! તું એ મમ પ્રિય તણી છે પ્રિય - છતાં,
'બનું પાપી ત્હોયે નવ કદિ તને ચાહી જ શકું.

'તને છોડી, વ્હાલા! સ્મરણ તુજ લેવા નકી કરૂં!
'તને જોવો છોડી મુજ દિલ મહીંની છબી ભજું!
'અરે કિન્તુ ત્હારી નવીન પ્રીતિઓ ના ચિર થશે!
'વિના પ્રીતિ પ્રેમી જીવી નવ શકે તું કદિ સખે!

શકું છું હું જાણી તુજ દિલ દુઃખી છે અતિ અતિ!
મને ત્હારૂં હૈયું કદિ પણ શકે રે! નવ ત્યજી!
'કહે કે 'ચાહું છું!' મમ હૃદય તો આ તુજ હજી!
'કહે ના ત્હોયે હું તુજ વિણ શકું ના ક્ષણ જીવી!'

ગઇ પ્રીતિ અરે! ભોળી! સમાધાન બને નહીં!
હૃદય તો ગયું ફાટી! રે! સાંધા કરવા હવે!

તું તારા રામને જોતી, ફુલાતી 'રામ' બોલતાં!
ગયું એ જોર છાતીનું! ધર્મને વળગી રહી!

'ચાહું છું હું!' ભલે કહેતી! એ મુશ્કેલ થયું હવે!
ન્હાનકું દિલ ત્હારૂં એ આભનું થીગડું નહીં!

ભૂલ્યો! બાઈ! શકું શું હું માપી દિલ મનુષ્યનું!
ભક્તિના પ્રેમથી ભીનું શું ના દિલ કરી શકે?

છે નેત્ર લાલ મુખ લાલ રડી થયેલાં,
છે અંગ સૌ ધગધગી દુઃખથી રહેલાં;
છાતી કરી કઠિન અશ્રુનું પૂર ખાળી,
ત્યાં શોભના થરથરી રહી આવી ઊભી.

મળ્યાં ચારે નેત્રો! મળી ઢળી વળી એ ફરી ગયાં!
બન્યાં ક્રોધે રાતાં નયન કરી ઉંચાં વદી રમાઃ-
'હવેથી તું તેને મુખ તુજ બતાવીશ કદિ ના,
'અને ત્હારે તેનું મુખ કદિ હવે જોવું જ નહીં!'

તૈયારી એ કરી જ સુણવા આવી'તી શોભના, ત્યાં,
ત્હોયે લાગ્યો સહન ન થતો કારમો વજ્રપાત!
જોયાં તેણે કદિ નવ હતાં નેત્ર આવાં રમાનાં,
મ્હોટાં મ્હોટાં પગ પર પડ્યાં અશ્રુનાં ચાર ટીપાં.

ચાલી ગઇ એ રડતી તહીંથી,
હૈયું ન તેનું કબજે રહ્યું એ;
જોવું નહીં રે! મુખ એ પિયુનું!
જોઇ શકાયે નવ મ્હોં સખીનું.

* * *

યુવાનનો એ વ્રણ ના રૂઝે કદી,
ગળી જતો યોધ ધીમે ધીમે જ એ;
વહ્યા દિનો કૈં કૃશ અંગ એ થયું,
જ્વરે ઝલાયો બહુ કાળ વીતતાં.

ઘડી ન જોતો એ હસતું રમામુખ,
ઘડી ન જોતો પ્રિય શોભનામુખ,
દુઃખી થતો ને ગભરાઈ એ જતો,
સ્થિતિ મહીં આ ક્યમ જીવી એ શકે?

રમા બિચારી કરી ના શકે કશું,
રમા ય અધીમે ગળતી જતી હતી;
હસાય કયાંથી? રડવું ભર્યું હતું,
હસાય ક્યાંથી? દિલ શૂળ ભોંકતું.

અહો! ભૂલાયા વત દર્દ દિસતું
ન કિન્તુ એ નાબુદ તો થયું હતું;
હતો કૃમિ તો વિષનો ધીમે ધીમે
ત્રણે દિલો કોતરી ખાઇ એ જતો.

થઇ વાત વા ભૂત શોભના હતી,
અ ભાન તેને દિનરાત્રિનું હતું;
સફેદ વાળો શિરના થયા કંઇ,
અને ગળી છેક જ એ ગઇ હતી.

* * *


'અરર! માવડી બ્હેન ઓ સખિ!
'હસીશ શું નહીં ઝિંદગી મહીં?
'મમ શિરે હવે મૃત્યુ આ ભમે?
'ન મુખ એ મને શું બતાવશે?

'અમ વચે રહી આ દિવાલ છે,
'પણ પહાડથી એ બૂરી મને!
'હૃદય આ ભર્યું તર્ક લાખથી,
નવ કશું ભલું ભાવિનું સૂઝે!

'ફરજ ના, સખિ! એ વિચારવું!
'હૃદયને અરે! કેમ બાંધું હું?

'મન વળોટતું આણ ત્હારી એ,
'જિગરમાં પિયુ તે રમ્યા કરે!

'તુજ કરે, સખિ! ખડ્ગને લઇ
'તડફું હું નહીં - કત્લ જો કરે;
'મુજથી એ થઇ સહેજ્થી શકે,
'પણ ત્યજાય ના એ પિયુ અરે!

'તુજ વિરોધી આ દિલ છે થયું!
'તુજ વિરોધી એ મ્હોરૂં હોય ના;
'ઘુઘવતી વહે આ નદી અહીં,
'હૃદય સાથ હું ત્યાં મરૂં પડી!

'મમ ગયા પછી કૈં સુખી થજે!
'રડતું કોઇ તો અશ્રુ લૂછજે!
'જરૂર તું ક્ષમા આપશે મને!
'જઇશ હું હવે માતની કને!

'હૃદય આ ઘણું સાચવ્યું સખિ!
'પણ હવે મને ચેન કૈં નથી!'
ચડી ગઇ કહી એ અગાસિયે,
ઉભી નદી જુએ વ્હેતી પૂર જે.

'કમલ! કમલ! ત્હારી પાંખ ભૃંગે જ ચીરી,
મરીશ મરીશ ના ના! કેમ તો જીવશે એ!
'મરણ પ્રિય છતાં એ સાથ આવી શકે ના!
'હૃદયમણિ રમાનું કેમ તોડી શકે એ?'

ગ્રહ્યો યુવાને કર શોભનાનો
હતો રહેલો તપી તાવથી જે;
રમાની દાસી કંઇ કામ માટે
ચડી,દીઠું ને ગઇ તુર્ત નીચે.

બન્ને મળ્યાં! અરર! એ મળવું શું છેલ્લું?
છેલ્લું જ હશે નહિ તો દિલ કેમ ફાટે?
આંસુ તણી નદી વહે જલપૂર નેત્રે,
ને ત્હોયે તે ન ઉભરા શમતા હજી એ.

છૂટાં પડ્યાં ફરજનું કંઇ ભાન થાતાં!
રે! ક્રૂર તું ફરજ છે દિલ ચીરનારી!
રે! ક્રૂર તું પ્રણય ઓ! દિલ રેંસનારો!
રે! ક્રૂરતા જ વિધિએ સરજી દિસે છે!

આ ઝેરના જગતમાં અમીની કૂપી શી
ભૂલે વિધિથી પડ્યું અમૃતબિન્દુ એવી
બેભાન ને લથડતી એ નકી રમા શું?
શે ઓળખાય દુઃખમાં હસનાર પ્રાણી?!

લપેટી લે છે ઉર શોભના રમા,
મહા પ્રયત્ને વદી એટલું એઃ-
'પિયુ વિના તું જીવી ના શકે નકી,
'ન તું વિના એ પિયુ દેહ રાખશે.'

'થઇ તું એની! સુખિયાં થજો તમે!'
જલે ભર્યાં નેત્ર જ એમ સૂચવે!
રમા!ગઇ તું ભવ આ તરી નકી!
ઉદાર, પ્રેમી, પ્રિય, ભક્ત બેની!

'નહીં રમા!' ઉત્તર એ જ આવ્યું!
ગયું ચિરાઇ દિલ શોભનાનું;
હવે ગળ્યું એ વિષ તેં! અરેરે!
પરન્તુ જો સ્વર્ગ દિસે તહીં છે!

* * *



'રજની ગઇ છે! વાયુ ફૂંક્યા! તુફાન પૂરાં થયાં!
'ઉડી ગઇ હવે નિદ્રા! પેલો રવિ પણ ઉગશે!
'ફડફડ થયા, કંપ્યા દીવા! છતાં ન બુઝ્યા તમે!
'અનિલ મધુરો! થાવા આવ્યું પ્રભાત! બુઝો હવે!'

અગાસિયે બે ય સૂતાં હતાં તહીં
ભરેલ તાવે પિયુ એ લવ્યો, અને
સુનેરી કુળાં કિરણો રવિ તણાં
ગયાં છવાઇ પિયુપ્રેયસી પરે.

મૂર્ચ્છા મહીંથી ઉઠ ચાતકી તું!
તારા શશીને હજુ જોઇ લેને!

જો જીવશે તો ફરી આ જ સ્થિતિ!
પીળો થયો છે!ડુબી એ જશે!જો!

'રેરે! રમા! હૃદય ઓ! કર માફ! વ્હાલી!
'હું જાઉં છું! તલસું છું! કર માફ! વ્હાલી!
'છાતી પરે કર હવે તુજ રાખ!વ્હાલી!
'ને શોભનાકર વતી મુજ નેત્ર ચાંપ!'

રમા કમ્પી ઉઠી નયન નયને એ મળી રહ્યાં!
પડ્યાં ના આંસુ કે નયન પણ ભીનાં નવ થયા!
ગઇ જાણી સર્વે! ફટકી ગઇ! ને એ ગઇ નીચે!
પિયુના લોહીને ચકર ફરવાં ના બહુ હવે!

દેખે યુવાન ફરી સ્વપ્ન નવાઇ જેવું,
તે દેવી તે કબૂતરો નભમાં ઉડે છે;
ઊંચે ઝુમે સુરભથી ભરપૂર સ્તંભ,
ને ઝાલરો ચળકતી નભમાં તરે છે.

તે દેવીએ શિર પરે કર આવી મૂક્યો,
વીતેલ કાલની કંઇ થઇ ઝાંખી ઝાંખી;
ત્યાં શોભના પ્રિય રમા હસતી દિસે છે,
તે જોઇને મુખ જરા સ્મિતથી પ્રકાશે.

ગુલાબનાં ફુલ સમું મુખ એ પ્રકાશ્યું,
ને ભાલની ઉપર તેજ રહ્યું છવાઇ;
'વ્હાલી રમા! દિલ હવે દિલ સાથ ચાંપ!
'હે શોભના!' લવી ગયો વળી સ્વપ્ન દેખે..

ત્યાં એક હસ્ત કુમળો દિલને અડે છે,
 ને એક હસ્ત શિર ઉપર કમ્પી ર્ હે છે;
યુવાનનાં નયન અર્ધક ઉઘડે છે,
ને નેત્ર એ ગળગળાં સુખથી બને છે.

કાંઇ નવો રસ ત્રણે દિલ એ પીએ છે!
કાંઇ નવા રસ મહીં હૃદયો ગળે છે!
ઘેરાં થતાં નયનને પ્રિય હસ્ત દાબે!
ને ધ્રૂજતા હૃદયને દિલ પ્રેમી ચાંપે!

છાતી પરે પગ પરે લથડી પડી ને
મૂર્ચ્છા મહીં ઢળી પડી વળી એ લતા બે!
મહાલ્યાં ત્રણે હૃદય એક જ સ્વપ્ન માંહીં,
સાથે મળી જ્યમ મળે દરિયે નદી બે.

સંગીત શો મધુર એ કંઇ નાદ સુણે,
બ્રહ્માંડ નાદમય આ સઘળું દિસે છે!
ભાવિ મહીં ચળકતા કંઇ સૂર્ય ભાસે,
બ્રહ્માંડ તેજમય આ સઘળું દિસે છે!

એ નેત્ર ચાર મૃગ શાં વળી અર્ધ ખૂલ્યાં,
ગમ્ભીર ભાવમય એ મળીને બિડાયાં;
વીતી પળો કંઇ અને ફરી શોભનાનાં
છેલ્લાં જ વિશ્વ પર નેત્ર ફરી મિચાયાં.

રજની ગઇ એ,વાયુ ફૂંક્યા! તુફાન થયાં પૂરાં!
ઝળહળ થતો ઉગ્યો ભાનુ! તુષાર ઉડી ગયા!
દીપક ધ્રૂજતા તે બૂઝાઇ ગયા રવિમાં ભળી!
ધપતી ધપતી વ્હેતી વ્હેતી નદી દરિયે મળી!

આ મૃત્યુ! આ પ્રણય ને રસએકતા આ!
આ મધ્યબિન્દુ સહુ જાળની ગૂંથણીનું!
જે પ્રેમ એક જ હતો બહુરંગધારી!
તેનો જ આ અસલ રંગ રહ્યો ઝળેળી!

હર્ષ શું ઝિન્દગીમાં ને હર્ષ શું હોત મૃત્યુમાં,
પ્રેમના રંગથી જો ના રંગાયું વિશ્વ હોત આ!
                                                ૭ - ૪ - ૧૮૯૬
                          *

  1. કાગડાઓ