કલાપીનો કેકારવ/ઝેરી છૂરી
← છેલ્લી જફા | કલાપીનો કેકારવ ઝેરી છૂરી કલાપી |
તરછોડ નહીં → |
ઝેરી છૂરી
છુરી કટાઈ ગઈ તે ઉરમાં ધરીને
હૈયું નિહાલ કરનાર ગઈ વિભૂતિ;
તેને સજું જિગરની મુજ આ સરાણે,
આશા ધરી અમર કો રસ પામવાની.
તે કાટ આ હૃદયરક્ત વતી ચડેલો,
તેમાં હલાહલ ભરું સ્મૃતિનું ઉમંગે;
તેને જરી ખટક એક જ આવતામાં
તે કાલનાં ફિતૂર સર્વ વિરામ પામે.
ક્યાં ક્યાં સુધી અદબથી શિર ઝૂકવીને
દોરાઈ કાલકદમે નમતો ગયો હું;
કાઢ્યા અનેક નદ પ્હાડ અનેક ખોદી,
આવી શિરીન બસ ખંજર અર્પવાને.
મ્હારી હતી ન તકલીફ મજા વિનાની,
આરામ તો પણ હવે દિલ યાચતું આ;
કાલે કહ્યું ભટકવા, ભટક્યો બહુ હું,
મ્હારા હવે કળતરે પગ ઉપડે ના.
'આ ભૂલ' એમ સુણતાં જ અનેક ભૂલ્યો,
કિન્તુ હવે હુકમ એ ગણકારતો ના;
આજે ઉરે મધુર ભાવ રમી રહ્યા છે,
તેને જ આ ઉર સદા રટતું રહેશે.
ખાલી થયું નવ હજી દિલ દર્દ રોતાં,
ત્યાં કોઈ અશ્રુ નયનેથી સુકાવવાનો
પ્રેમી મૃદુ હૃદય ઉપર ફાળ દેવા
ના કાલને હક મળ્યો પ્રભુનો કશો એ.
ચૂંટી અપક્વ ઉરપુષ્પ કદી ય લેવા,
આશાભર્યા જિગરને ઉંચકી જવાનો,
મૃત્યુ અકાલ વતી કો સ્મૃતિ લૂંટવાને,
ના કાલને હક મળ્યો પ્રભુનો કશો એ.
દાવા પ્રચંડ વત વિશ્વની ઝાળ માંહીં
વાત્સલ્યની નઝર કૈં હરિએ કરીને
અશ્રુ અને સ્મિત તણા ફુલડે ભરેલા
સૌ પ્રેમના ચમન તૃપ્ત થવા જ રાખ્યા.
શું છે વળી વધુ કશું ય ઉડી જવાથી ?
ના લાધતા ઉપર તારકના પ્રદેશો !
શું છે નવીન કટુ સિન્ધુ બધો ય ડોળ્યો ?
માશૂકયોગ્ય મળતાં નવ મોતી ક્યાં એ !
એ પ્રેમ ક્યાં હૃદય ઉત્તમ જે બતાવે ?
ક્યાં છે અહં વિસરનાર રતિ જહાંમાં ?
ક્યાં કોઈ છે પડ સહુય બતાવનારૂં ?
આનન્દથી હૃદયનું સહુ આપનારૂં ?
નિઃશ્વાસ આ હૃદયના સહુ આગ ફૂંકી
એ ઐક્યને જ જપતા સળગી વિરામ્યા;
આ અશ્રુનું ય સહું તેજ તહીં ગુમાવ્યું,
એ તો નવ મળ્યું, નવ જાણતો હું !
તો તે શિરીનકરની પ્રિય તેજ છૂરી
બેઠો સજીશ મુજ આ ઉરની સરાણે !
જેથી સજું જરૂર તેજ કપાઈ જાશે !
તે ઝેર આખર કદાચ ગળાઈ જાશે !
૧૦-૧૧-૯૭