← ઝેરી છૂરી કલાપીનો કેકારવ
તરછોડ નહીં
કલાપી
પ્હાડી સાધુ →


તરછોડ નહીં


મુજ ખાતર ત્હેં બહુ, નાથ ! સહ્યું,
કટુ વેણ છતાં હજુ ત્હેં ન કહ્યું;
તરછોડીશ કાં ? અપરાધી નહીં નકી !
આ જગમાં ક્યમ જાય રહ્યું ?

ઉરનું પુષ્પ ન પોષી શકી,
રડતું નિરખ્યું તુજ આ મૃદુ અન્તર;
એ દવમાં ઉર આય નિરન્તર,
ના મુજ આંખ થઈ હલકી.

રસ કૈં મૃદુ આ ઉરથી ઝર્યો કદિ,
સુન્દર ભાવ હશે ન ધર્યો કદિ.
તું ય અતૃપ્ત અતૃપ્ત ફર્યો કદિ,
ત્હેં મુજ ત્હોય નિભાવ કર્યો !

નવ રાવ તણું સ્થલ તું વિણ છે,
પરવારી રહી સહુ અન્ય, સખે !
જ્યમ રાખીશ તેમ હશે નયને,
તરછોડ નહીં ! જલ લૂછ, સખે !

૨૩-૧૦-૯૭