← મતભેદ કલાપીનો કેકારવ
ત્હારો બોલ
કલાપી
બ્હોળો રસ →


ત્હારો બોલ

સૂતું નીલવરણું ઘાસ,
ઝાકળમોતિડાં ચોપાસ,
ગણતી બિન્દુડાં તું જાય,
ને મુજ મ્હોં ભણી મલકાય.
તે દિ' પ્રેમનો તે કોલ,
દીધો તેં મને અણમોલ.

સુણતું પંખિડું તે એક,
તરુમાં પાસ બેઠું છેક;
ત્હારૂં સાંભળી એ હાસ્ય,
ચમકી તે ઊડ્યું આકાશ.

ને આ ઝરણ ચાલ્યું જાય,
તેમાં આપણી છે છાય;
તે તું જોઈ બોલી આમ :
'વ્હાલા! તું જ મ્હારો રામ!

'મ્હારું તું જ વ્હાલું નામ!
'મ્હારો તું જ છે આરામ!
'છબી તુજ નીરમાં દેખાય
'લ્હેરે લ્હેર લેતી જાય;

'મ્હારી બાથમાં ગૂંથાય,
'ત્યાં એ પ્રેમ ઉભો થાય!

'કિન્તુ મુજ ઉરે આલેખ
'ત્હારો છે વધુ સુરેખ!
'ત્યાં તું નેણ ઊંડાં નાખ!
'ત્યાં તું રૂપ ત્હારૂં ઝાંખ!

'પલટી યુગો છો બહુ જાય,
'ત્યાંથી તે ન પણ ભુંસાય!

'મ્હારો તું જ! મ્હારો તું જ!
'ત્હારી જન્મેજન્મે હું જ!'
તે તો કાલની હજુ વાત,
ત્યાં તો તેં કરી મુજ ઘાત!

ઝખમો કેમ આ રૂઝાય?
જ્વાલા કેમ આ બૂઝાય!
પાણી ગયું તાણી બોલ?
કાલે કર્યો જૂઠો કોલ!
તમરૂં લવી કાંઈ વાત
હાંસી કરે મ્હારી આજ!

આજે એકલી છે છાય,
જગમાં અન્ય ના દેખાય!
બીજે કર્યો બીજે વાસ!
ને મેં ત્યજી તેની આશ!
સૂકું થઈ ચૂક્યું ઘાસ!
મોતી નથી એકે પાસ!

આખું ફર્યું છે આકાશ! રે!
હું પડ્યો છું ઉદાસ!
ફરવાનું હતું આ સર્વ
તેનો શું ધરૂં હું ગર્વ!
તેં તો કરી કિન્તુ પ્હેલ!
આશાએ ચણ્યા જ્યાં મહેલ!

જૂઠું પુષ્પ! જૂઠી વાસ!
જૂઠો પ્રેમનો વિશ્વાસ;
સાચો એક આ નિ:શ્વાસ
જે છે હજુ મ્હારી પાસ !


દિન તે સ્મરું છું દિનરાત,
મૂકું છું છૂપો નિ:શ્વાસ;
પંખી રખે કો' દુભાય
માળો મૂકી ઉડી જાય!
ઉડી રખે જૂદાં થાય,
પછી કો' એકલું રીબાય!

હુંથી દુઃખ તને દેવાય,
કિન્તુ પંખી ના દુભાય!
કુણા પંખીના દિલમાં જ!
સાચા પ્રેમનો છે વાસ!
તેનો ફરે ના કો બોલ,
મીઠો સદા તે કલ્લોલ!

૧૦-૧-૧૮૯૭