← વીણાનો મૃગ કલાપીનો કેકારવ
મતભેદ
કલાપી
ત્હારો બોલ →



મતભેદ

નહિ નહિ નવો કિન્તુ આ તો જુનો મતભેદ છે,
મુજ હ્રદયને ત્હારી સાથે છતાં મળવું ગમે;
કદિ કદિ અહીં આવી વેળા કટુ મતભેદની,
કદિ કદિ હશે આનન્દોની વળી લહરી અહીં.

કથન કરવું શાને, વ્હાલી! અહીં મતભેદનું?
જગ રમકડું આ તો આખું નકી મતભેદનું!
મળી મળી રહે હુંથી, વ્હાલી! મળાય જહીં જહીં,
જુદી જુદી વહે જ્યાં શ્રેણી ત્યાં જુદાઈ ભલે રહી.

પડ છુપી રહ્યાં હૈયે હૈયે અનેક જુદાઈનાં,
પ્રતિ હ્રદયમાં કિન્તુ મીઠી કંઈક સમાનતા;
મુજ જિગર આ, વ્હાલી! તુંને સદા અનુકૂલ હો,
રસ તુજ દિલે જેવો તેવો સદા ધરતું રહો.

હ્રદયરસ આ ઝીલાયેલો બને, કદિ ના બને,
મુજ જિગરને ધોખો આશા નહીં કંઈ એ હવે;
મળતર તણી આશા જૂઠી જનો ધરતાં દિસે,
ગતિ કંઈ કરી તે કીધામાં બધો બદલો મળે.

જગત પર આ જન્મ્યાં પ્રાણી સહુ મતભેદથી,
ફરજ સહુને શીર્ષે આંહીં જુદી જ જુદી પડી;
મુજ જિગર આ ત્હારા જેવું બરાબર હોય જો,
મુજ જિગરની આ સંસારે જરૂર કશી ન તો.

મત કંઈ મળ્યું - બાઝી બાઝી ઉરો ક્ષણ બે રહ્યાં,
અરર! તહીં એ છુપા કાંટા હતા મતભેદના;
નહિ સમજશું, ત્યારે ક્યાં તે જુદાઈ વસી હશે,
નહિ સમજશું, હાવાં ક્યાં આ ઉરો મળતાં હશે.

સ્મૃતિ તણી અને આશાની ના અહીં પરવાનગી,
ક્ષિતિજ પછી તો કોઈની એ ન દૃષ્ટિ પડી કદી;
અટકી અટકી અન્ધારામાં ભમ્યાં, ભમવું હજુ,
રુદન કરવું થોડું, થોડું વળી હસવું હજુ.

પ્રિય! પ્રિય! અરે! લૂછું ત્હારૂં જરા જલ નેત્રનું,
પ્રિય પ્રિય! અરે! મ્હારૂં હૈયું જરા હલકું કરૂં;
પ્રિય પ્રિય! તને વાતો ઊંડી જરા દિલની કહું,
મુજ જિગરથી જે થાશે તે પ્રયોગ કરી લઉં.

મુજ જિગરના ખાલી ખાલી પ્રયોગ બધા પડ્યા,
કુદરત તણા સાચા સાચા પ્રયોગ બધા થયા;
રુદન કરવું ત્હોયે શાને? નહીં રડવું ભલું:
હ્રદયજલને ખારાઈમાં ન ભેળવવું ભલું.

મુજ જિગરની આશાઓથી ચણાય નહીં ગિરિ,
સમય કરશે તે આ મ્હારા બલે બનશે નહીં;
મુજ હ્રદયની વાતો હું તો કહી ન શકું, પ્રિયે!
કદિ સમજશે ત્યારે ક્હેવા જરૂર નહીં રહે!

તુજ મત તણા ઊંડા પાયા ન માનીશ તું કદી,
મૂલરહિત છે આ તો ભોળું નકી તરુ માનવી;
કુદરત મહીં તમ્બુ તાણી સહુ વસતાં દિસે,
કુદરત કદી કોઈને એ ગૃહો ચણવા ન દે.

સમજણ નહીં, ક્યારે ત્હારૂં વહાણ ડુબી જશે,
કઈ લહરીથી? ક્યારે? ક્યાં? એ પલાશ ફરી જશે;
સમજણ નહીં, નેત્રો કેવાં તને મળશે હવે -
મુજ નયન ના જાણું ક્યારે ફરી ફરશે હવે.

વરસ કરતું તે ના દહાડા કદી નિરખી શકે,
જીવિત વહતાં થાતું કાંઈ નવીન ક્ષણે ક્ષણે;
નઝર કરતાં ભૂતે દૃષ્ટિ કંઈ કંઈ ભાળતી,
પણ ન સમજું ક્યાંથી? શાથી? પડ્યો ઉપડી અહીં.

મુજ જિગર આ ત્હોયે શાને પુકાર કરી રહ્યું?
સમજણ નહીં, ત્હારામાં શું મને ઘસડી રહ્યું?

ચડતી ભરતી વ્યક્તિ માટે ન બન્ધ કદી ઘટે,
પણ પ્રણયમાં શું ના દેવું? ન શું કરવું ઘટે?

૧૦-૧-૧૮૯૭