કલાપીનો કેકારવ/પ્રેમની ઓટ
← એક સ્વપ્ન | કલાપીનો કેકારવ પ્રેમની ઓટ કલાપી |
ક્ષમા → |
પ્રેમની ઓટ
તુજ પ્રેમ તણી થઈ ઓટ, સખે!
મમ પ્રેમની આ ભરતી ઉપડે!
વીચિઓ દિલની મમ ક્યાં ઠરશે?
ઘુઘવાટ હવે જઈ ક્યાં સમશે?
હતી હોંશ મળું ભરી બાથ સખે!
મમ ખાલી પડ્યા પણ હાથ, સખે!
થઈ દૂર સખે!
થઈ દૂર સખે!
વિષ ઘોળી મને ક્યમ આપ? સખે!
વ્યવહારી બન્યો પ્રણયી ટળીને!
વ્યવહાર શિખાવ મને ન, સખે!
તુજ પ્રૌઢ થયું દિલ, બાલક હું;
બન પ્રેમી ફરી બની બાલ, સખે!
"તુજ લાયક હું ન" કહીશ નહીં,
તુજ એ વદવું નહિ પ્રેમ, સખે!
'નથી પ્રેમ ઘટ્યો' કહી કેમ શકે?
ક્યમ કારણ હુંથી મનાય? સખે!
તુજ કારણ લાખ મને ન રુચે!
નહિ કારણ પ્રેમ કદી સમજે!
ફરી નેત્ર ગયું!
ફરી દિલ ગયું!
તુજ કાગળમાં મુજ નામ ફર્યું!
હજુ 'પ્રેમ ફર્યો ન' કહે તું, સખે!
હજુ સાબિત શું કરવું'તું? સખે!
તુજ પ્રેમની ઓટ થઈ જ, સખે!
૮-૩-'૯૬