← માફી કલાપીનો કેકારવ
એક સ્વપ્ન
કલાપી
પ્રેમની ઓટ →
છંદ= શિખરિણી


એક સ્વપ્ન

અહો! કેવું મીઠું મમ જીવિતવ્હેળું વહી જતું!
અરે! તેમાં કેવું વિષ ભળી ગયું ક્યાંથી કડવું!
અહા! એ રાત્રિથી સમજણ પડી આ જગતની,
અને એ ગાફેલી મધુર સઘળી એ ઉડી ગઈ!

હતો મ્હારી નિન્દ્રા ઉપર શીતળો ચન્દ્ર દ્રવતો,
હતો વાયુ થંડો ફરફર કરીને સરકતો;

હતો વ્હાલો ન્હાનો મમ ઉર પરે હસ્ત પ્રિયનો,
હતો ક્યાં એ ના ના હૃદય પર છાંટો દુઃખ તણો.

અમે ઊંઘ્યાં ત્યારે સ્મિતભર હતાં મ્હોં મલકતાં;
હતી ચિન્તા ના ના જરી પણ કશાની મગજમાં.
અરે! તેમાં ક્યાંથી દુઃખમય થયું સ્વપ્ન મુજને?
નથી એ ભૂલાતું હજુ પણ પીડે છે જીગરને!

* * *


અહાહા! મેં દીઠાં વન, વળી વને કૈંક ઝરણાં,
ઝરાની ગુફામાં ખળખળ થતા ધોધ પડતા;
શિકારે ઉડન્તાં ઘુવડ રજનીમાં ઘુઘવતાં.
પતંગો વૃક્ષોમાં ઉડી ઉડી મશાલો પ્રકટતાં!

તહીં સર્પાકારે વહી જતી હતી એક સરિતા,
તરંગો વિલાસી કૂદી કૂદી રમન્તા વહી જતા;
પડી કો પોલાણે ધ્વનિ કરતી શેવાલ પર તે
અહો વૃદ્ધાવસ્થા અતિ દુઃખભરેલી જ્યમ રડે!

શિલાઓમાં ક્યારે રમત અથવા નૃત્ય કરતી,
હજારો શેડો ત્યાં શશીમય બનીને ઉછળતી,
અને તાળી દેતી દ્રુમકર રૂડાં પર્ણ પર તે-
મીઠી બાલ્યાવસ્થા હસતી નિજ માર્ગે જ્યમ વહે.

સપાટી સીધીમાં વહતી પછી ધીમે મદભરી,
બધાં ગુલ્મોને ને કુમળી કળીઓને દિલ ધરી;
બધી એ છાયામાં પ્રણયરસ મીઠો ટપકતો,
યુવા જેવા તેના વહનમય પોતે થઈ જતો.

પ્રિયાની વાણી શું ઝરણધ્વનિમાં કાંઈ સુણતાં
દ્રવી મ્હારો આત્મા ચૂપ થઈ રહ્યો શાન્ત સ્થિર ત્યાં,
ડર્યો મ્હારો આત્મા રુદન કરતી સાંભળી પ્રિયા,
અને ચોક્ખા આવા મમ શ્રવણમાં અક્ષર પડ્યા :-

ઝરા! રે વ્હેનારા! ગહન તુજ છે ગૂઢ વહવું,
કયા માર્ગે ત્હારૂં વિમલ જલ વ્હે છે ખળક્તું?

રહી ચોક્ખી તુંમાં મમ જીવિતની છે પ્રતિકૃતિ,
અરે! ચિતારાએ કયી કલમથી કેમ ચિતરી?

મહા અન્ધારી આ તુજ સલિલની શાન્ત ચૂપકી?
મને આંજી દે તે તુજ વીચિ તણી દિવ્ય ઝળકી;
ફુવારા, ને ધોધો, વમળ, વળી વાંકી તુજ ગતિ,
બધાં એ ત્હારાંની મમ હૃદય એ એક જ છબી?

ભરાયું આ મીઠું તુજ જલ કઈ વાદળી વતી?
તને ચૂસી ઘૂમે નભ ઉપર તે વાદળી કઈ?
ભરાયું ક્યાંથી ને મુજ હૃદય ક્યાં ખાલી બનશે?
અરે! તેનો પત્તો નભ વિણ ન બીજો દઈ શકે.

હવે મ્હારૂં હૈયું તુજ ફુલ પરે શાન્ત બનશે,
હવે શ્વાસોની એ જરી નવ રહેશે ગતિ મને,
ભરેલી વ્હાલાંથી જરદ તુજ હું પત્ર સરખી,
અરે! હું તો કોઈ પવનલહરી છું ભટકતી'!


'હું ત્હારો મકરન્દ છું, અનિલની તું લહેર મીઠી ભલે,
'તું જો પર્ણ ખરે, અરે! હૃદય આ ઠુંઠું બની તો બળે;
'હૈયું તું સરિતા તણું ભરી અને પીનાર હું મેઘ છું,
'તારા દિલની છાપ જ્યાં ભરી રહે આકાશ તે હું જ છું!'


કહેવા બોલ આ કિન્તુ શક્તિ ના જરીએ હતી;
ના જાણ્યું મેં થયું શું કે અક્ષરે ના વદી શક્યો.


છેલ્લા શ્વાસો કર દિલ પરે મૂકીને લેતી'તી એ,
ન્હાનું ન્હાનું દુબળું દુબળું અંગ તેનું હતું એ;
શૈયા તેની ફુલ પર હતી, શાન્ત મૂર્તિ હતી એ,
કોઈ તેનું જગત પર ના એમ રે ધારતી એ.


નિરાશા આશાની સૂઈ ગઈ હતી પીડ દિલમાં,
ન શાન્તિમાં તેને દુઃખ ભય રહ્યાં ધ્વંસ કરવા;
કમી એ અંગોથી જરી જરી હતું ચેતન થતું,
જહીં સુધી છેલ્લે મધુર વદને હાસ્ય ચમક્યું!


જેનું શૃંગ હતું પીળું લટકતું ઝાંખું દૂરે પશ્ચિમે,
જેની સાથ રહ્યો હતો કિરણમાં અંધાર ગૂંથાઈને;

તે મીઠા શશી ઉપરે નયન એ છેલ્લાં વિરામ્યાં હતાં,
ને તેની સહ ગોષ્ટી કૈં પ્રણયની મીઠી મચાવી રહ્યાં.

શિખરિણી

ભરાયું એ જ્યારે ગિરિખડકમાં શૃંગ શશીનું,
ફરન્તું'તું ત્યારે શિથિલ ગતિએ રક્ત પ્રિયનું;
પછી નીચે નીચે ઉતરી પડતો એ શશી હતો,
હતો ઊંડો ઊંડો પ્રિય ઉદરમાં શ્વાસ ફરતો.

(?)

શશીના છેડાનાં જરીક જ હતાં બિન્દુ દિસતાં,
રહ્યા નાડીમાં પ્રિય જીવનના બે જ ધડકા;
પછી અન્ધારામાં કુદરત બધી આંધળી બની,
પછી અન્ધારામાં પ્રિયરહિત હુંએ થઈ રહ્યો.

શિખરિણી

પડ્યો જાણે હું તો દરદમય આખો સળગતો,
પડ્યો હું મૂર્ચ્છામાં નવીન કંઈ ભૂતો નિરખતો;
વળી એ સ્વપ્નામાં દુઃખમય ઉગ્યો સૂર્ય બળતો,
ઉઠી તેની હુંફ્રે 'પ્રિય! પ્રિય!' કહી સાદ કરતો.

મંદાક્રાંતા

ઓચિન્તો હું ચમકી ઉઠતાં પાસથી હંસ કોઈ
ઉડી ચાલ્યો ફડ ફડ કરી શ્વેત પીછાં પસારી;
મ્હારી દૃષ્ટિ ઉડતી ગતિની સાથ ચાલી ઉડન્તી,
ને હૈયું, એ સળગી ઉઠતાં નીકળી ઝાળ આવી:-

(?)

'ઉડી ઝટ જજે ત્હારી હંસી પછી તુજને મળે,
'હૃદય રસીલું એ હું ધારૂં તને નકી નોતરે;
'ચપલ નયનો તેનાં તુંને તહીં અભિનન્દશે,
'ધવલ વળી એ ગ્રીવા બાઝી રહે તુજ કંઠને.

(?)

'ભટકીશ અહીં! તું ઉડી જા! નથી મુજ હંસલી!
'ભટકીશ અહીં ખાલી ભૂરી ભમે જ્યમ વાદળી!
'અનિલલહરી ઉડી જાતાં પરાગ પડ્યો ધૂળે,
'હૃદયરસ આ મ્હારો તેવો મળ્યો રજમાં હવે!

'મુજ તરસને છીપાવવાની ગઈ સરિતા સૂકી,
'ભટકી ભટકી પ્યાસો પ્યાસો જવુંતરસે મરી;
'મુજ હૃદયનાં નીલાં પર્ણો જતાં સઘળાં ખરી,
'મરણઝરણું ખેંચી જાશે રડીશ તહીં સુધી.'

* * *

મુંઝાઈ આ જતાં હૈયું હું જાગી ચમકી ઉઠ્યો;
ધડકતું હતું લોહી, વેદના દિલમાં હતી.

શિખરિણી

પછી ઉઠી જોયું વદન પ્રિયનું ચન્દ્ર સરખું,
અને ગાલે ઓષ્ઠે ફરી ફરી સુખે ચુમ્બન કર્યું;
છતાં એ પીડા તો કદિ નવ ખસી આ જિગરથી,
ખરે! એ ગાફેલી મધુર સઘળી એ ઉડી ગઈ!

(?)

હરિ! હરિ! અરે! અન્તે શું છે? ન સૂઝ કશી પડે!
મરણ નકી છે! રે! પ્હેલું કો અને પછી કોણ છે?
પ્રથમ કદિ હું, વ્હાલીનું તો થશે પછી શું પ્રભુ?
પ્રથમ કદિ એ, રે! તો મ્હારૂં થશે પછી શું પ્રભુ?

*


૩-૩-૧૮૯૬