કલાપીનો કેકારવ/પ્રેમ અને શ્રદ્ધા

← પ્રેમ અને મૃત્યુ કલાપીનો કેકારવ
પ્રેમ અને શ્રદ્ધા
કલાપી
ચંચલ પ્રેમસુખ →
ઇંગ્રેજ રાજ કવિ ટેનિસનના એક ગીત ઉપરથી.



પ્રેમ અને શ્રદ્ધા*[૧]

પ્રેમ પ્રેમ હોય જો, પ્રેમ આપણો જો હોય,
તો પ્રેમમાં શ્રદ્ધા અશ્રદ્ધાનુ સંઘાતે બલ ન હોય:
અશ્રદ્ધા અણુ માત્ર તે અશ્રદ્ધા છે બધી ખરે!

અદૃશ્ય ને ઝીણો પડે ચીરો કો’ વીણામાં જરી,
ધીમે ધીમે તે મધુર રવને કુંદ કરી નાખે કદી:
પહોળો થતાં મ્હોટો થતાં તે સ્વરહીણું કરી નાખશે!

પ્રેમી દિલવીણા મહીં ચીરો કદી ઝીણો પડે.
કે મુરબ્બાની બરણીમાં ફલ એકને ચાંદી પડે.
તો પ્રેમસ્વર ઉડી જશે : ફલ મિષ્ટ સૌ બગડી જશે!

અશ્રદ્ધાનું બીજ પણ નથી ગ્રાહ્ય: ફેંકી દે તું એ:
પણ એ જશે? રે! રંગ કાળો પ્રાણ સાથે તે ખસે!
રાખ શ્રદ્ધા પૂર્ણ ને નહીં તો નહીં રતિભાર પણ!

મુજ નામ જે મ્હારું હતું ત્હારું થયું: બન્યું એક એ:
મને કીર્તિ જો મળે તો તે બધી ત્હારી જ છે:
લાગે તને કદી ડાઘ કાળો તો મને લાગી ચૂક્યો:
તો રાખ શ્રદ્ધા પૂર્ણ ને નહીં તો નહીં રતિભાર પણ!
૯-૫-’૯૩

  1. * ઈંગ્રેજ રાજકવિ ટેનિસનના એક ગીત ઉપરથી