← વનમાં એક પ્રભાત કલાપીનો કેકારવ
મસ્ત ઇશ્ક
કલાપી
કટુ પ્રેમ →


મસ્ત ઇશ્ક

અયે કાતીલ! સીને તું સૂતું રહેજે; પડ્યું રહે તું:
નથી તકસીર ત્હારી એ: ગુનેહગારી હમારી છે!

બિસમિલ્લાહ ખતમ થઈ જા: જિકર કર ના : જિગર ગમ ખા!
હૃદય નાદાન પ્રેમીલા, દિગમ્બર રાખ ચોળી થા!

કિતાબો ઇશ્કની ખોળી: ઉથાપ્યાં પ્રેમનાં પોથાં:
વિષમ છે ડંખ પ્રીતિનાં : વિકટ છે સ્નેહરસ્તા ત્યાં!

આશક આ પડ્યો બેહોશ : મરી જાશે હિજરાઈ:
આ ફરહાદની કબરે નથી શિરીન સૂવાની!

બસ કમ્બખ્ત દિલ ભોળા! ઉધામા છોડ ઉલ્ફતના:
ન કર મુફ્ત અફસોસી: મળશે દાદ ના અહિંયાં!

આ દરબાર દરવાઝે ડંકા પ્રેમના બાજે:
પરન્તુ બેવફાઈનાં ઉપર નિશાન ફરકે છે!

કરી ખામોશ પછડા માં: આ તો ખ્વાબનાં નખરાં:
આ ગુલઝાર જાદૂનો: ફરેબી ને દગાવાળો!

મળે જો ના તને હીરો લગાવી કોયલો કાળો,
બન્યું રહે મસ્ત મસ્તાનું અખંડાનન્દમાં રાચી!

માયિક પ્રેમ તરછોડી અનલહકનો તું કર દાવો:
બન્યું રહે મસ્ત મસ્તાનું; મસ્તીનો તું લે લ્હાવો!
૭-૪-’૧૮૯૩