← મસ્ત ઇશ્ક કલાપીનો કેકારવ
કટુ પ્રેમ
કલાપી
પ્રેમ અને મૃત્યુ →
વસંતતિલકા


કટુ પ્રેમ

અશ્રુ હવે નયનનાં નયને જજો હો !
નિ:શ્વાસ આ હૃદયના હૃદયે રહો હો !
આશા બધી દિલ તણી દિલ ત્યાગજો હો !
આનન્દ આ નદ તળે જલમાં પડો હો !

આસક્ત આ હૃદય ક્રૂર વિરક્ત તે હા !
હૈયું કઠોર પ્રિયનું: કુમળું અરે આ !
આ પુષ્પ, એ બરફનો કટકો ખરો છે :
આ યોગ એ વિધિબલે નિરમ્યો અરેરે !

શૂળી પરે પણ પ્રિયા પલ ના વિસારું,
મ્હારી ગણી તન મને સમ પ્રાણ જાણું;
તે તો ન કિન્તુ સમજી મમ શાન્ત ચિન્તા !
આયુ વહ્યું વહી જશે કટુ પ્રેમ પીતાં !

પીયૂષ આ છલકતું છલક્યું ઢળ્યું ત્યાં,
આ સ્નેહશીત લહરી લપટી પડી ત્યાં;
ત્યાં તો હલાહલ રહ્યું મુજ આશસ્થાને,
જ્યાં સ્વચ્છ પ્રીતિ મુજ મૃત્યુ સુધી વિરામે !

૨૪-૪-૧૮૯૩