કલાપીનો કેકારવ/મ્હારું કબૂતર

← પુષ્પ કલાપીનો કેકારવ
મ્હારું કબૂતર
કલાપી
સમુદ્રથી છંટાતું બાળક →
છંદ = શિખરિણી


મ્હારું કબૂતર

સુખે ચાલ્યો જતો દિવસ સુખમાં ના ગત થશે!
મળ્યા અલ્પાનન્દો મનુજ દિલને તે ખરી જશે!
રહેશે રોવું! તે રુદન મનુનું બાન્ધવ ખરૂં:
બધું વ્હાલું બીજું મરણશરણે જાય વહતું.

હતું મેં પાળ્યું ને કબૂતર રહ્યુ’તું ઘૂઘવતું,
ઊછેર્યું ’તું પ્રેમે, કનકમય આ પિંજર પૂર્યું;
પહેરાવ્યાં મુક્તાજડિત રૂડલાં ઝાંઝર પગે,
ફરન્તું ભોળું તું સૂરખ પગ ન્હાના ઠમકતે !

અરેરે ! પૂર્યું કાં? જડ કનક પ્યારું ન તુજને;
સુવર્ણે લોભાયા કૃપણ શઠ એ તો જન અમે;
તને નીલી વ્હાલી ઘટ વનઘટા નીલમ સમી;
ગણે મોતી હીરા વિભવરચના તુચ્છ સઘળી.

તને બન્ધે નાખ્યું ! દિલ મતલબી કાં મુજ થયું?
અરે ! ત્હોયે ત્હારૂં મુજ પર વ્હાલ અધિકું!
અહો ! ત્હારૂં હૈયું પ્રણયરસભીનું પરગજુ,
દુઃખી હું હોઉં તો મન રીઝવવા નૃત્ય કરતું !

તને કેદી કીધું ! હૃદય ! મમ પ્રેમે ન સળગ્યું !
હતું સ્વચ્છંદી તું, પરવશ કર્યું મેં અહ પ્રભુ !
મનુષ્યો સંહારી સુખદ રતિબન્ધો કુદરતી –
અરે ! ભોળાં પ્રાણી પર ચલવે રાજ્ય જુલમી !

મીઠાબોલી ભીરુ કબૂતરી વિયોગે મરી હશે,
મર્યું આજે તું ઝૂરી ઝૂરી પ્રિયાના જ વિરહે;
વિયોગે ભૂલાયે પ્રીતિ, જન વૃથા એમ વદતાં,
ભૂલાયે ભૂંસાયે પ્રીતિ નહિ જ, એ સ્વાર્થસપનાં !

પૂરું આનન્દી ને પરમ સુખિયું બ્રહ્મરૂપ તું,
અહો ! ‘ઘૂઘૂ’ શબ્દે પ્રણયધ્વનિ ઊંડો ગજવતું;

અરે ! પંખી ! મ્હારૂં પતિત દિલ આ પાવન કરી,
સ્વધામે ચાલ્યું તું, કસૂર મમ શું માફ ન કરી!

પ્રિયે ! બચ્ચાં વ્હાલાં ! તમ સમ હતું તે મરી ગયું,
જતાં તે પારેવું ગૃહ મમ થયું શૂન્ય સરખું;
થયું થાવાનું તે, થઇ ગયું ‘થયું ના’ નહિ થશે,
ઉન્હાં અશ્રુ ત્હોયે દિલ રુધિર શાં વ્યર્થ વહશે!

અરે ! કો’ પ્યાલામાં શરબત ભર્યું તે પડી ગયું,
ઢળ્યું પાણીમાં ને ઉદધિવીચિ માંહી મળી રહ્યું;
ન પીવાયું, ખોયું, પણ નવ ગયું પૃથી પરથી,
રહ્યાં તત્વો મીઠાં ઉદધિ કડવામાં ભળી જઈ!

અહો ! આ પારેવું શરબત હતું, અમૃત હતું,
બૂરાં ભાગ્યે મ્હારાં મમ ગૃહ તજ્યું, એ મરી ગયું;
મર્યું, ખોવાયું, વા ઢળી ગયું કહો, કે ઉડી ગયું,
ભળ્યાં ભૂતે ભૂતો; લય નથી થયું એ કબૂતરૂં!

૨૨-૩-૧૮૯૪