કલાપીનો કેકારવ/સમુદ્રથી છંટાતું બાળક

← મ્હારું કબૂતર કલાપીનો કેકારવ
સમુદ્રથી છંટાતું બાલક
કલાપી
જ્યાં તું ત્યાં હું →
છંદ = શિખરિણી , અંગ્રેજ કવિ મેથ્યુ આર્નોલ્ડના Gipsy Child નામના કાવ્ય પરથી.


સમુદ્રથી છંટાતું બાલક [૧]

નિગૂઢાર્થો આવા તુજ નયનને કોણ શિખવે?
ઉદાસી ભાવો આ, શિશુ ! તુજ દિલે કોણ છૂપવે?
વિચારો ઊંડામાં શિથિલ સહુ છે આ અવયવો;
ભર્યો તારા ભ્રૂમાં ગમગીન અને શાન્ત ભડકો !

વહી જાતાં વ્હાણો બગ સમ દીસે દૂર દરિયે,
ઝૂલંતાં પાણીમાં શિખરવત મોજાં કૂદી રહે;
વિના હેતુ ના ના જલધિ ધરતી કાર્ય કરતાં,
ન પક્ષી ન્હાનાં આ ભ્રમણ કરતાં વ્યર્થ અથવા.

તને તો ભાસે છે વિષમય બધાં ક્ષુદ્ર સુખ આ,
વિચારો ત્હારા છે ગંભીર અતિ કોથી ન ડગતા;
સમાધિ સાધી તેં સજડ તુજ આત્મારટનની,
દુઃખો તારાં ધૈર્યે વહન કર આશા દિલ ધરી.


પિગાળે , ગાળે છે, રસમય કરેછે, જગત જે,
અહો ! એ નેત્રોથી દિલસ્ત્રવઝરાનું જલ વહે;
જનેતા ત્હારી ના હૃદય તુજ ભોળી સમજતી !
મનુષ્યો શું જાણે ગહન રચના દિવ્ય દિલની ?

થતાં તારામૈત્રી નયન તુજ ગોષ્ટી મચવતાં,
મીઠા ઝીણા ઘેરા પ્રણયરસના નાદ કરતાં;
પડી એ મોહિની મુજ પર મને મત્ત કરતી,
અહં ભૂલાયું ને રતિ રહી દિલે આ ટપકતી !

અરે ! ત્હારા જેવી ગમગીની ન ગંભીર નિરખી !
ખરે ! શાન્તિ મ્લાનિ તુજ જિગરની તીક્ષ્ણ વિજળી,
અહો ! મ્લાનિ મીઠી મૂરખ જગની વૃદ્ધિ સઘળી,
દુઃખો સંસારીનાં પરમ સુખનાં સાધન નકી.

ખરા મધ્યાહ્‌ને જ્યાં મૃગજલ ઢળે દૂર સઘળે,
નીચે જામેલું ત્યાં શૂરવીર તણું યુદ્ધ ગરજે,
નિહાળે એકાન્તે ગિરિ પર ચઢી કો’ મનુજ એ,
ખરે ! તે જેવું મ્હોં કુતૂહલભર્યું , બાલ તુજ છે !

નહીં ભીરુ તેવું - વનપતિ સમાં ગાત્ર તુજ આ,
હજારો સેનાને કતલ કરનારાં દગ ખરાં;
લલાટે અગ્નિ છે; અધર પર છે તેજ બળતું
મચ્યું યુદ્ધે તેવું મુખ તુજ દિસે રુદ્ર સરખું!

સ્મરી વીત્યાં સુખો મરણસમયે પાન્થ રડતો,
બધી આશા ત્યાગી હૃદય પર તે હાથ ધરતો;
અરે ! આવું હૈયું તુજ દિલ સમું ના દુઃખભર્યું,
નિરાશાનું જોડું જગ પર દિસે ના તુજ સમું.

બહુ જોયું જાણ્યું , ખટપટ પ્રપંચો પણ કર્યા,
ગયું આયુ આખું, ધવલ શિર ને ભ્રૂ થઈ ગયાં;
વહ્યો મ્હોટો બોજો શિર પર પ્રજાના દુઃખ તણો,
હવે કાંઠે આવી નરપતિ રહ્યો કાલ સ્મરતો.

વિચારો, વર્ષો ને દુઃખવતી મુખે છે કરચલી,
બહુ ચિન્તા વેઠી, જીવન પર ના પ્રેમ , અરૂચિ !

અરે! એવું, બાપુ! તવ મુખ દિસે પાત્ર દુઃખનું !
ગયા જન્મોનું શું તુજ દુઃખ સ્મરે જે અનુભવ્યું !

તને ખામી લાધી જગત પર કાંઈ કટુ અતિ,
બધું ધિક્કારીને મન તુજ વળ્યું શું વન ભણી ?
અરે! જ્ઞાની! જ્ઞાની! જડવત કર્યું તેં હૃદય શું ?
ખરો જ્ઞાની પ્રેમી ! સમજ રજ તો પ્રેમ ધર તું !

અહો! પ્રેમી! જ્ઞાની! પ્રીતિ વિણ હશે શું દુઃખ તને ?
દયા, આશા, ગ્લાનિ પ્રણયઝરણાના શીકર છે;
તને એ છંટાયા, હૃદય તુજ પ્રેમે નિગળતું,
વહે, ધીકે, કૂદે, રુધિર તુજ પ્રીતિભર ઉન્હું,

ઠગારી આશાનું કપટ સમજ્યું છે જરુર તું,
અગાડીથી જોયું ભવિષ તુજ તેં ત્હોય જીવ તું !
અહો ! પૂર્વજ્ઞાની ! દિલ તુજ નિહાળે ધ્રુવ દુઃખો,
શક્યો જે જોઈ કો’ બુધ સમ ન વિદ્વાન સરખો.

ચમત્કારો કેવા વખત તુજ હૈયે છુપવશે !
કયાં વ્હેતા દા’ડા રુદનસ્વર ઉત્ફુલ્લ કરશે !
કઈ રત્નગર્ભા , રવિ ગ્રહ કયા તું સમજશે !
કયાં તારાં કાર્યો જગત વશ આખુંય કરશે !

અરે ! સર્વાશી આ મરણ તુજને બાથ ભરશે,
નિશા કાળી પેલી તુજ પર ભરી ફાળ પડશે;
ખરે તે પ્હેલાં તેં જનજીવિત ત્યાગ્યું પુરૂં હશે,
હશે જાણ્યું સર્વે , નહિતર ગયું ભૂલી સઘળું !

નિશા અન્ધારીમાં જગત ઘસડી કો’ લઈ જતું,
બધી જ્ઞાનેન્દ્રી ને દુઃખની વચ તેણે પડ ધર્યું,
હજારો નિદ્રાથી જનમગજ લેપી જડ કર્યું,
ઝીણા તન્તુ, સ્નાયુ, રુધિર, નસમાં જાદુ દપટ્યું !

મહાત્માનું હૈયું પણ જરી ડરે ના તિમિરથી
ડગે ના માયાથી સમજી સહુ એ જાય કપટી;
કરોડો જાદુને તૄણવત ગણી જે વિહરતું !
ચૂકે તે ફન્દોમાં નહિ નહિ કદી લક્ષ્ય નિજનું,

કરી જૂદું પાણી પય જ્યમ પીએ હંસ સઘળા,
ભલે તુંએ તેવું ગુણ ગ્રહી રહે આ જગતમાં;
ભલે ઝૂઝે યુદ્ધે, જગત પર છે યુદ્ધ સઘળે,
વિના લોભે કીર્તિ તુજ બલ ભલે મેળવી ઘૂમે !

ભલે તેજસ્વી તે રવિ તુજ પરે કિરણ ધરે,
ભલે તારું આયુ-કટુ ઝરણ-તેજે ઝળહળે;
કદી અંજાયે તો નયન તુજ તે તેજથી ભલે,
ભલે શાન્તિ પામે હૃદય તુજ આનન્દ ઉભરે.

અરે! ત્હોયે છેલ્લે જીવનરવિના અસ્ત સમયે,
ઝઝૂમેલી સંધ્યા સરકી જતી જ્યારે નિરખશે,
પહેરી લેશે તું શરીર પર તે શાન્ત ઝભલું,
અને પાછું ત્યારે ગ્રહીશ દુઃખ તે ઉગ્ર બળતું !

૧૬-૫-૧૮૯૪

  1. * અંગ્રેજ કવિ મેથ્યુ આર્નોલ્ડના Gipsy Child નામના કાવ્ય પરથી.