કલાપીનો કેકારવ/મ્હારો ખજાનો
← જીવનહાનિ ચોવીશ વર્ષ | કલાપીનો કેકારવ મ્હારો ખજાનો કલાપી |
વ્હાલાં → |
મ્હારો ખજાનો
જેણે ખજાનો જ્યાં કર્યો તેનું જિગર ત્યાં ત્યાં નકી;
જેનું જિગર જ્યાં જ્યાં ઠર્યું તેની ઠરી ત્યાં ઝિન્દગી !
હાવાં મોતની એ મહફિલે,
ચાવી ખજાનાની રહે !
મહેતલ નકાં પૂરી બને ?
શું એ જ માંગે આંખડી !
આ ચશ્મની દૂરબીનને
શું રૂપ તે મોતે હસે !
ક્યાં એ સનમ ! ક્યાં મોત એ !
પલટ્યો ખજાનો શું બની?
ના ના ફુલોવાળી સનમ !
ના ઇશ્કના હાથે દફન !
આકાશનું હોજો કફન !
મુજ ત્યાં જિગર ત્યાં ઝિન્દગી !
માશૂક પ્યારી સર્વને !
આ મોત તો કૈં ના ગમે !
મ્હારા જિગરને જે દમે !
તે મોત માશૂક છે ઠરી !
એથી સનમ બ્હીતી હતી !
એ દૂર : હું રાજી નકી !
પાસે હવે લાવ્યે ખુશી !
આશા એ હમારી ઈદની !
મ્હારી સનમના ઝુલ્ફની
શાહી હમે જોઈ નહીં !
જોવી સફેદી એ નથી !
લાલી, સફેદી મોતની !
મૂડી હવે જો મોતમાં;
તો ઝેરના પ્યાલા ઘણા
બેભાન જો પીને બન્યા,
તો લ્હેરમાં જાવું પતી !
જે મેઘભીની વાદળી,
માશુકની સાડી બની,
ત્યાં એ છબીએ મોતની,
આજે નઝર આગળ ખડી !
જ્યાં જ્યાં દીદારો માશૂકી :
જ્યાં એ જ ગાલોની સ્મૃતિ :
તે તે ગુલોની એ કલી
ચીંધે મોત સામી આંગળી.
મ્હારો ખજાનો જોઉં હું !
છે પાસ કાં ના લેઉં હું !
માશૂક વરવી કાં ગણું ?
લાગી નઝર તો એ ભણી !
એ રીઝતી કે ખીજતી
ત્હોયે સનમ રૂડી હતી !
શું મોત છે એની છબી !
કેવી શિકલ, રે રે ફરી !
પ્હેલી જઈફી આવતાં
શું એ મુખો આવાં થતાં ?
શું મોતનાં તે મોતમાં ?
તેના બુઢાપા એ વળી !
'રે ! ઓ ! સનમ ! રે ! ઓ ! સનમ !
ત્હારા જભાઓ કર ખતમ !
'દેખાડી ત્હારૂં દે બદન !
તું તું સનમ ! ભૂલું નહીં !'
એ બોલતાં એ શી ફરે !
એ લાલ રંગો શા તરે !
સુન્દર જઈફી તો કરે;
ત્હોયે ન કાં ભેટું હજી !
જે મત્ત તરુઓ મદ ઝરે:
જે કેફમાં વેલી ચડે:
તે આંસુડાં ખારાં બને,
સુરભે ગઈ ! વેલી કહીં ?
જડ વૃક્ષ થઈ એ ઝૂરવું !
શશીહીન વા કુમુદું થવું !
દૃઢ શીદને બનવું કશું !
નકી મોત કોમલ પ્રીતડી !
કે કોઈને શું ના ગમી
આવે સનમ જે આપથી ?
તું ભીખતો તે આ ઉભી !
જા, પુણ્યશાલી ! ભેટની !
દેતો ખજાનાઓ ખુદા,
એ પામતાં તે પાપ શાં !
તું કાલનો થઈ આજ જા !
જા, પુણ્યશાલી ! ભેટની !
૧૯-૫-૯૮