← ફરિયાદ શાની છે ? કલાપીનો કેકારવ
વિદાય
કલાપી
એક ભલામણ →
છંદ : શાર્દૂલવિક્રીડિત


વિદાય

અરે ના ના! અરે ના ના! કાંઈ એ વદવું નથી!
ભલે જા તું! ભલે જા તું! પાછળે પળવું નથી!

સુખે જા તું, વ્હાલી! તુજ દિલ તને જ્યાં લઈ જતું,
બહુ ચ્હાજે તેને જિગર તુજ જેમાં ઠરી શક્યું;
નહીં આવું આડે, અહિત તુજ ઈચ્છું નવ કદી,
નડે આ દુર્ભાગી પ્રીતિ તુજ પ્રીતિને કદિ નહીં.

શીખી મીઠી પ્રીતિ જગત પર સૌન્દર્ય જનમે,
ચહાવું ને ચ્હાવું જનમથી જ સૌન્દર્ય સમજે;
શીખાવે શું તેને પ્રણય હીનભાગી હ્રદય આ?
તું માટે નિર્માયું જનહ્રદયતખ્તે વિહરવા.

તને ચાહું એમાં નવીન કથાવાનું નવ કશું,
હશે કિન્તુ તેનો પ્રણય અધિકો તું ઉપર કૈં;
અરે મ્હારી પ્રીતિ અધિક નવ હાવાં થઈ શકે,
હજો તેની પ્રીતિ અધિકી અધિકી તું પર સદા.

તને ચાહું આખું નકી નકી વિશાળું જગત ત્યાં,
દિવાનો ત્હારો એ અધિક મુજથી એક જ હશે;
દિવાના ત્હારાને અરર! નવ બેહાલ કરજે,
તહીં મ્હારા ઘાનું સ્મરણ કરીને તું અટકજે.

વિલાસો તે હૈયે અધિક મુજ હૈયાથી મળશે,
ફકીરી ઝોળી શું મમ જિગર તો ખાકમય છે;
નકી દુર્ભાગી તે મુજ દિલથી જે બાથ ભીડતું,
બન્યું છે કૈં એવું હજુ સુધી પ્રિયે! આ હ્રદયનું.

ઉદાસી ઊંડીની મમ હ્રદયને સોબત - અરે!
મને ચ્હાનારાં સૌ - અરર! પડતાં એ જ વમળે;
સુખોની આશાથી પ્રણય કરનારાં દુઃખી થતાં,
અરે! આ હૈયાને વધુ દુઃખ દઈ સૌ દૂર જતાં.

તને તે હૈયામાં મધુર રસનો મેળ મળશે;
અમી જેવી ત્યાંથી તુજ તરફ મીઠાશ ગળશે;

બહુ મ્હોટું તેનું તુજ હ્રદય માટે તપ હશે,
કંઈ એ જન્મોનાં તપનું ફલ તેને મળ્યું હશે.

નહીં આવું આડે, અહિત નવ ઇચ્છું પ્રણયીનું,
વળી ના ઝૂંટાતું ફલ મળી ચૂક્યું જે તપ તણું;
સુભાગી પ્રેમી! હા! તમ હ્રદયને તૃપ્ત કરજો,
અને મ્હારા જેવાં ઉપર કરુણાથી નિરખજો.

અહીં હું જન્મ્યો તે મુજ દિલની ચાવી તુજ થઈ,
મને કિન્તુ ચાવી તુજ હ્રદયની તો નવ મળી;
રડાવી તેં જાણ્યું, હસવી વળી જાણ્યું જિગર આ,
ન જાણ્યું મેં કો દી તુજ હ્રદયભાવો પલટવા.

હવે ત્હારે માટે તપીશ તપ હું ઝિન્દગી બધી,
હવે મૃત્યુનો એ ચીરીશ પડદો એ બલ વતી;
સુભાગી તે જેવો બનીશ નકી હું એક સમયે,
અને જન્મે જન્મે તુજ હ્રદય ભેટી રહીશ હું.

ઉભા સાક્ષી રાખી શશી, રવિ અને દેવ સઘળા,
સખી! ન્હાની તારી ગ્રહીશ કરથી હું કરલતા;
નવું કૈં શીખ્યો તે શિખવીશ સુખે ત્યાં સહુ તને,
અને મ્હારી પાંખો તુજ હ્રદયને અર્પીશ, પ્રિયે!

પછી મ્હારાં નેત્રે તુજ હ્રદયની ચાવી મળશે,
પછી મ્હારાં અશ્રુ તુજ નયનને કાંઈ કરશે;
પછી દુર્ભાગીના મુજ દિલથી જે બાથ ભીડતું,
પછી થાશે બિન્દુ મમ હ્રદય તો અમૃત તણું.

ન આ ફેરે તો હું તુજ મુખ હવે જોઈશ કદી,
બતાવી મ્હોં મ્હારૂં જિગર દુઃખી ત્હારૂં નહિં કરૂં;
થઈ માલીકી છો તુજ વદનની અન્ય દિલની,
વળી મ્હારૂં ટુંકું જીવિત મુખ જોવા બસ નહીં.

અરે! શું જોવું'તું હ્રદય વિણ લૂખા મુખ મહીં?
અને એવું એ મ્હોં મુજ નયન પાસે સ્થિર નહીં!
વળી ના મ્હારૂં કે જીવિતભર મ્હારૂં નવ થશે,
હવે તો જોવું છે વદન તુજ મ્હારૂં જ કરીને.


ડરે છે શું કાંઈ હ્રદય મુજ આવું નિરખતાં?
ન કાં નેત્રો ત્હારાં મમ નયનથી મેળવ પ્રિયા?
હવેના જન્મોનું કથન મુજ ઘેલું બહુ થશે,
છતાં બીજી આશા મમ હ્રદયને ના કંઈ મળે.

પ્રસાદી જોવી છે તુજ દિલની ત્હારાં નયનમાં,
મ્હને જોવા દે તે તુજ વદન હૈયે ચિતરવા;
હજુ જોવા ત્હારાં મૃગનયન છે એક વખતે,
નિરાશા શી આશા પછી હ્રદય મ્હારૂં પકડશે.

સુખે જા તું! સુખી થા તું! મ્હારે દર્દ કશું નથી!
હવે આ જોગી ત્હારાને ખાકની ના કમી કશી!

૨૦-૧૧-૧૮૯૬