કલાપીનો કેકારવ/હું ત્હારો હતો

← નિર્વેદ કલાપીનો કેકારવ
હું ત્હારો હતો
કલાપી
વીણાનો મૃગ →


હું ત્હારો હતો

વ્હાલી! વ્હાલી! મુજ હ્રદય આ ડોલતું આજ ભાસે,
ઓહો! એ તો મુજ હ્રદયનો કમ્પ જૂનો નકી છે;
મ્હારૂં હૈયું સ્થિર તુજ દિલે શાન્તિ આવાહતું'તું,
ત્યારે એ તો ગતિમય હતું કાંઈ છુપું જ છુપું.

હું જાતાં તું ગણીશ નહિ એ દીર્ઘ સંયોગ તૂટ્યો,
આ સંસારે કદિ પણ કશો દીર્ઘ સંયોગ કેવો?
પ્રીતિ, મૈત્રી, પ્રણય સઘળાં સ્વપ્ન ટુકાં જ, વ્હાલી!
સ્વપ્નો ટૂંકાં વળી રજની છે છેક ટૂંકી જ ટૂંકી.

બન્ધાઈ છે શિથિલ સઘળી લગ્નની ગાંઠ આંહીં,
સંયોગોની કુદરત નહીં દીર્ઘતા સાંખનારી;
સંયોગોની કુદરત કદી પૂર્ણતા સાંખતી ના,
બન્ધાયાં તે લથબથ થયાં એકતા કિન્તુ ના ના.

લાધે આંહીં હ્રદયપ્રતિમા, ચિત્ર વા કાંઈ એવાં,
હૈયાની છે પણ જગતમાં આરસી ક્યાંહી એ ના;
ચિત્રે શિલ્પે કદિ પણ થતી પૂર્ણ સમ્પન્નતા ના,
મ્હારૂં હૈયું જગ પર કહીં અન્ય સ્થાને મળે ના.

ના કોઈની કદિ પણ અહીં ઝિન્દગી બેવડાય,
રે રે! કોઈ કદિ હ્રદયનો ભાગ વા ના પડાય;
પ્રીતિ, મૈત્રી મૃગજલ તણા માત્ર મ્હેલો કળાય,
ને મોંઘા સૌ અનુભવ પછી રેડતાં રક્ત થાય.

સ્પર્શે ગોળા પણ અડી શકે એક બિન્દુ જ માત્ર,
આલિંગે છે હ્રદય પણ તે બિન્દુ એ એક માત્ર;
મ્હારો ત્હારો નકી નકી હતો એ જ સંબન્ધ, વ્હાલી!
ના લાંબો કે દૃઢ પણ નહીં! તૂટતાં શી નવાઈ!

તુમાં હુંમાં બહુ બહુ હતાં બિન્દુ ના સ્પર્શનારાં,
તે સૌ ધીમે બહુ સમયથી કમ્પતાં વાસનામાં;
અન્તે ગોળો મુજ હ્રદયનો કમ્પની તીવ્રતાએ
છોડી ચાલ્યો તુજ હ્રદયને, અન્યને ભેટવાને.

બીજું બિન્દુ અવર રસમાં અન્યથી ભેટશે ત્યાં,
ને તેમાંથી રસ લઈ લઈ પામશે તૃપ્તિ તે ત્યાં;
આવી રીતે રસ નવનવે બિન્દુએ કૈંક સ્પર્શી
બિન્દુ બિન્દુ સ્થિર થઈ જશે પામતાં તૃપ્તિ તૃપ્તિ.

ગોળા આવા અગણિત ભમી એક ગોળે સમાય,
સૌ બિન્દુની રસમય તહીં એકતા પૂર્ણ થાય;
ત્હારી પ્રીતિ મુજ પ્રણયીથી હોય ના દીર્ઘ ગાઢી,
ત્હારો, મ્હારો, જગત સહુનો એક છે રાહ - વ્હાલી!

ત્હોયે, વ્હાલી! તુજ હ્રદયને ત્યાગતાં કૈં રડાય,
ને અશ્રુ આ તુજ નયનમાં ઉછળીને ભરાય;
ત્હોયે કહેવું, પ્રિય પ્રિય અરે! કાલ ત્હારો હતો હું,
ને અત્યારે વહી જઈ હવે આજથી અન્યનો છું.

૩-૧-૧૮૯૭