← તા. ૧-૧૧-૯૧ કાશ્મીરનો પ્રવાસ
તા. ૩-૧૧-૯૧
કલાપી
તા. ૫-૧૧-૯૧ →


તા. ૩-૧૧-૯૧ :- આજ મારી તબીઅત નાદુરસ્ત હતી તેથી અમે બહાર ફરવા જ‌ઇ શક્યા નહિ, તોપણ કેટલાક વેપારીઓ કાશ્મીરમાં બનાવેલાં કેટલાંક રૂપાનાં અને ત્રાંબાના વાસણૉ અમારે ઉતારે લઈ આવ્યા હતા તે જોયાં. નકશીનું કામ ઘણુંજ વખાણવા લાયક હતું. કાશ્મીરની આ કારીગિરી ભુજના નકશીના કામની બરાબરી કરી શકે તેવીજ છે.

તા. ૪-૧૧-૯૧ :- આજ મારી તબીઅત સારી હતી. સૂર્યોદય થયો ત્યાર પછી ટાઢે થરથરતા બીછાનામાંથી ઉઠી, ગંગરીઓ ખોળામાં રાખી, દાતણ પાણી, સ્નાન વિગેરે નિત્ય કર્મ કરી, અને મિત્રોને કાગળ લખી જમી લીધું. બાર વાગ્યા હતા, સૂર્ય માથા પર આવ્યો હતો, તોપણ ઠંડી લાગતી હતી, તેથી ગરમ કપડાં પેહેરી લીધાં અને અમારી સોબતી ગંગરીઓ પણ કિસ્તીમાં સાથે રાખી લીધી. અમારે ડાલસરોવર જોવા જવું હતું. કિસ્તી ચાલવા લાગી, માંજીઓ હલેસાં મારવા લાગ્યા અને જ્યારે બીજી કિસ્તી નજરે પડતી ત્યારે સરત કર્યા વિના રહેતા નહિ. આ પ્રમાણે સરત કરતાં કોઇ વખત એકાદ માંજી પાણીંમાં ગબડી પડે છે. એક વખત અમારા જોવામાં પણ એવો પ્રસંગ આવ્યો હતો. અમારા ઉતારાથી આ સરોવર ચાર માઇલ દૂર હતું. ચોતરફ સુંદર દેખાવો જોતાં જોતાં બે કલાકની અંદર સરોવર પાસે પહોંચી ગયા.

આ રમણીય સરોવરમાં જતાં પહેલાં એક દરવાજામાંથી પસાર થવું પડે છે. આ દરવાજા પાસે સફેદ અને ભુરાં બદકોનાં વિખરાઇ ગયેલાં ટોળાં, ઊંચા નીચાં થતાં નજરે પડે છે. તેઓના કઠોર કલકલ અવાજ પાણીના ઘુઘવાટ સાથે મળી જાય છે. કિસ્તીની આવજા આ જગ્યોએ થોડી છે. આ દરવાજામાંથી પાણી એટલા જોરથી બહાર આવે છે કે, કિસ્તીને તળાવમાં દાખલ કરવી એ મુશ્કેલીનું કામ છે. અમે દરવાજામાં પ્રવેશ કર્યો. માંજી લોકો બુમો પાડી હલેસાં મારવા લાગ્યા પણ કિસ્તી બહાર નીકળી ગ‌ઇ. પછી ભીંતોમાં વાંસ ભરાવી મહા પ્રયત્ને ડાલ સરોવરમાં લીધી.

અહો ! આ બિચારા માંજીઓ માત્ર કાશ્મીરી જાર જેવા ચોખા, કમળની ડાંડલીઓ અને પાણીમાં ઉગતા કેટલાક છોડો પર પોતાનું ગુજરાન ચલાવે છે. દિવસમાં એકજ વખત પકાવે છે. અને પછી ટાઢું અનાજ ખાય છે. પંડિતોની લાકડીયો, ગાળો, અને જુલમ સહન કરે છે, વળી કાશ્મીરમાં શિયાળાની શરદીમાં માત્ર એક ફાટેલો જભ્ભો જ પહેરે છે છતાં તેઓની અજ્ઞાન અવસ્થાને લીધે તેઓ આને દુઃખ માનતા નથી, નફિકરા રહે છે અને પશુની માફક મજુરી કર્યા કરે છે.

સરોવરની અથવા સ્વર્ગની અંદર દાખલ થયા. પાણી પર કોમળ નીલા અને જરદવેલા, તેનાં કુમળાં, સુંદર અને પોપટિયા રંગનાં પાંદડાં, કેટલીક જગ્યાએ મખમલ જેવો દીસતો લીસો ચળકતો શેવાળ, અને કમળનાં નાનાં, ગોળ, લીલાં અને સુકાઇ ગયેલાં સોનેરી રંગનાં, અડાળીનાં આકારનાં પાનો છવાઇ ગયેલાં હોય છે ; તેઓ પર નાના, મોટાં, લાંબા, અને ગોળ, ચળકતાં, આમ તેમ રડતાં, ઘડીમાં મળી જતાં અને ઘડીમાં છૂટાં પડતાં સુશોભિત જલબિંદુઓ આકાશ પરના ખરતા તારાગણ અને અચલ ગૃહો જેવાં ભાસે છે. આ પાણીનાં ટીપાં અને આ પાન, ઘણે દીવસે ઘેર આવતા ભાઈને વધાવવાને જેમ બેને સાચાં મોતીથી સોનાનો થાળ ભરી રાખ્યો હોય તેવાં, વર્ષા ઋતુના અંધારા દિવસમાં કાળા ભીલોએ ધીટ જંગલના મદમત્ત વનગજોનાં ગંડસ્થલમાં તરવારોના પ્રહાર કરી લોહીથી ખરડાઈ ગયેલી રકાબીયોમાં મુક્તાફળ કાઢી લીધાં હોય તેવાં, અથવા રાતે જોસભર પડતા વરસાદનાં કણો જેવા વિજળીથી ચળકે છે તેવાં, નજરે પડે છે. તેઓના પર સૂર્યનાં કિરણો પડે છે તેથી તેઓ યુદ્ધ કરતાં પહેલાં કોઈ પૃથ્વીપતિનાં જડાવ કર્ણ પલ્લવ અથવા શરદ્‌ ઋતુની ચાંદની સમે શ્રીકૃષ્ણે કરેલી રાસક્રીડા સમાપ્ત થયા પછી તે જગાએ પડી રહેલાં ગોપ વધૂઓનાં રત્નજડિત રત્નપ્રભાથી ભરાઇ ગયેલાં ગાળાવાળાં નેપૂર જેવાં દીસે છે. તેઓમાં સૂર્યનાં સેંકડો બિંબ પડે છે, તેથી પ્રલય સમયના બ્રહ્માંડ જેવાં ભાસે છે. હલેસાંથી પાણીની શીતલ ફરફર ઊડે છે, અને તેમાં સૂર્યનો તડકો પડવાથી આમતેમ દોડતાં, ઘડીમાં દ્રષ્ટિમાં પડતાં અને ઘડીમાં અદૃશ્ય થ‌ઇ જતાં, વિચિત્ર આકારનાં અનેક ઇંદ્ર ધનુષો રચાય છે. આથી આ સરોવર પંચરત્નની અખુટ ખાણ દેવદાનવોએ મંથન કર્યા પહેલાંના ચૌદ રત્નથી અલંકૃત રત્નાકર અથવા વસંત જેવું દિસે છે. આ અલૌકિક તળાવની એક બાજુએ હલતાં અને સ્થિર ગાઢાં કાળાં વાદળોથી કેટલાક ભાગમાં છવાયેલી, બરફની ઢંકાયેલી, ગંધકના રંગવાળી, નાની મોટી ધાર અને પાણીથી હાલતાં દીસતાં છરેરા, ઊંડી કોતરો, વૃક્ષઘટા અને ધુમ્મસથી ભયાનક, અંધારી અને વધારે ઉંડી દેખાતી ગુફાવાળી ટેકરીઓવાળા, આકાશને ટેકો દેતા પર્વતો આવી રહેલા છે. આ ભવ્ય મહાન ડુંગરો પરના બરફ પર કેટલીક જગાએ સૂર્યનાં ઉજ્જવળ કિરણ પડવાથી તેઓ ચાંદીનાં પત્રાંથી ઢંકાયેલ હોય, કાચથી છવાયેલ હોય અથવા જાણે કેમ અનેક ચંદ્રવાળાં અનેક રૂપ પ્રકટ કરેલ મહાદેવનાં કપાળ તેવા દીસે છે. આ તડકો ક્ષણેક્ષણે વધારે-ઓછા ચળકાટવાળો થયા કરે છે અને તેથી બરફના રંગ પણ પળે પળે બદલાયાં કરે છે.

૫. બીજી બાજુએ, કિનારાપર, સુંદર નીલાં, સોટા જેવાં લાંબા સફેદાનાં, લાલ પાંદડાં વાળાં, સુવર્ણમય દીસતાં, ભમરડા આકારનાં, મનોરંજક ચીનારનાં અને એવાંજ બીજાં અતિ સુંદર વિવિધ પ્રકારનાં બીજાં અતિસુંદર વિવિધ પ્રકારનાં વૃક્ષોની એકલ છાયા આપતી કુંજોથી સુશોભિત બગીચા શોભી રહ્યા છે. તેઓની ઉપર તોળાઈ રહેલા, પાછળ ઉભા રહી ચોકી કરતા,દૃષ્ટિમર્યાદા સુધી દીસતી નાટકશાળાની બેઠકો જેવી, દૃષ્ટિને ખેંચી લેતા ટેકરીઓવાળા, બીજી બાજુના ડુંગરો સાથે જોડાઈ જઈ તળાવની આસપાસ કિલ્લો કરી દેતા પર્વતો પડેલા છે. એક ખુણા પરના શિખર પર ગરૂડ જેવું શંકરાચાર્યનું મંદિર અથવા તખ્તે સુલેમાન નજરે પડે છે. કીનારા પર ચોતરફ આવી રહેલા આ દેખાવોનું ચંદ્ર જેવા શીતળ, સ્ફટિક મણિ જેવા સ્વચ્છ અને કાચ જેવા પારદર્શક જલમાં પ્રતિબિંબ પડે છે જેથી આ પ્રદેશની રમણીયતા બેવડાય છે. આ બિંબને જોકે હમેશાં પાણીમાંજ રહેવાનું છે તોપણ જળની શીતળતાથી તે કોઈ કોઈ વખતે જરા ધ્રૂજ્યા કરે છે. કેટલેક સ્થાને આ જળના વિશાલ દર્પણ પર લીલી લુઈ પથરાયેલી છે. જો આ જગત્‌ પર કોઈ સ્થલ મહાશ્વેતાનું અચ્છોદ સરોવર હોયતો તે આજ છે. આવા અદ્વિતીય દર્શનીય વસ્તુઓમાં ઉત્તમ પ્રદેશમાં અમારી કિસ્તી ધીમે ધીમે ચાલી કીનારા પાસે આવી પહોંચી. આ કિસ્તી તે જ વિમાન અને આ ડાલ તે જ સ્વર્ગ; ઓ દેવ ! આહા ! એ પણ એક સમય હતો ! કિસ્તી ઉભી રહી એટલે અમે ઉભા થયા અને નીચે ઉતર્યા. પહેલાં અમારે ચશ્મેશાઈ જે કીનારાથી આશરે સવા માઈલ દૂર છે, ત્યાં જવાનું હતું. દ્રાક્ષના વેલાઓની અંદર નાની સડક પર આડા અવળા અમે ચાલવા લાગ્યા. ટાઢ ઉડી ગઈ, ડગલા ઉતાર્યા, અગાડી ચાલ્યા. જમણી બાજુએ એક નાના ડુંગર પર પરીમહેલ જ્યાં જહાંગીર કોઇ કોઇ વખતે નૂરજહાં સાથે રહી આનંદમાં દિવસ ગુજારતો હતો તે નજરે પડ્યો. તે હાલ ખંડેર જેવો દેખાય છે. અમે ત્યાં ગયા નહિ પણ સડક પર ઉભા રહી દુરબીનથીજ તેનાં દર્શન કરી અગાડી વધ્યા. અર્ધા કલાકમાં ચશ્મેશાઈ પહોંચી ગયા. શાહજહાંનો ચણાવેલો એક નાજુક બંગલો અહીં છે તેની અંદર ગયા. અહીં પર્વત પરથી પાણીનું એક ઝરણ આવે છે, આ ઝરણને અટકાવવાથી પાણી ફુવારામાં ચડે છે. બંગલાના એક ખુણા પાસે એક શીતળ જળનો ચશ્મો છે. આ પાણી ઘણુંજ સ્વાદિષ્ટ અને ઠંડું છે. મને તરશ નહોતી લાગી, નહિતો ખરેખાત ધરાઈ ધરાઈને તે પાણી પીત; તોપણ સૌએ પર્વતનું ચરણામૃત અથવા ચશ્માની પ્રસાદી લીધી. આ બાગ જોકે હાલ પડતીમાં છે, તોપણ ઘણો સુંદર છે તો જહાંગીરના વખતમાં તેની ખૂબી કેવી હશે ? ૬. આ જગાએ કડીના રહીશ બાબુ કાલિદાસે અમારે માટે ચાર ટટ્ટુ અને એક ખચ્ચર તૈયાર રાખ્યાં હતાં. બાબુ કાલિદાસની સાથે અમારી મુલાકાત બીજી તારીખે થ‌ઇ હતી. તળાવની વચમાં બે તરતા ટાપુ છે એમ અમે સાંભળ્યું હતું, તેથી તે જોવાની જિજ્ઞાસાથી, ઘોડાં અને ખચ્ચરને નશાદબાગ મોકલી આપી, કિસ્તીમાં બેસી, તે આશ્ચર્યકારક અસાધારણ બેટ તરફ ચાલ્યા. ટાપુની પાસે જ‌ઇ તપાસી જોતાં માલૂમ પડ્યું કે આ તરતા ટાપુ નથી પણ માત્ર ટાપુજ છે. તેને છોડી નશાદબાગ તરફ અમે ચાલ્યા. થોડા વખતમાં ત્યાં પહોંચી ગયા. અહિં પણ એક નાનો બંગલો છે, અને ફુવારાની ગોઠવણ પણ સારી છે. બાગનો દેખાવ સાધારણ છે, નશાદબાગ જલદી છોડી, ટટ્ટુપર અસ્વાર થ‌ઇ શાલેમ્હાર બાગ તરફ ચાલવા લાગ્યા, કિસ્તીઓ પણ ત્યાં મોકલી આપી.

૭. અમે જે ટટ્ટુપર બેઠા હતા તે કાશ્મીરી હતાં. આ ટટ્ટુ કદમાં નાનાં પણ મજબુત હોય છે, ડુંગર પર ઝડપથી અને સંભાળ રાખી ચડી જાય છે. ખચ્ચર પર રા. રા. રૂપશંકરભાઇ જે કુમાર શ્રી ગીગાભાઈ સાથે આવ્યા છે તે બેઠા હતા. ખચ્ચરને આ ઘોડાં સાથે દોડતાં ઘણી મુશ્કેલી પડતી હતી અને વારંવાર અટક્તું હતું તોપણ સોટીથી જરા શીખામણ આપવામાં આવતી ત્યારે દોડવા લાગતું હતું. આ પણ એક નવું વિમાન !

૮. આહા, આ ઝાડનું પ્રતિબિંબ તળાવમાં કેવું મનોહર દિસે છે ! આ વાદળાંનો રંગ કેવો વિચિત્ર દેખાય છે ! જુઓ ! જુઓ ! ત્યાં તે ટેકરી પરના બરફનો રંગ વાદળું ખશી જવાથી, એકદમ કેવો બદલાઈ ગયો ! જમણા હાથ તરફના ડુંગરપર, જુઓ તો ખરા ! કેવા વિચિત્ર આકારનું વાદળું છવરાઈ રહ્યું છે ! અને ત્યાં પણ કેવાં નાનાં નાનાં વાદળાં દોડા દોડ કરે છે ! આવી આવી આનંદની વાતો કરતા કરતા કલાઇના પત્રોના બનાવેલા એક દરવાજાની પાસે અમે આવી પહોંચ્યા. આ દરવાજો શાલેમ્હાર બાગનો હતો. આ બાગની આસપાસ એક દીવાલ છે, તેની અંદર અમે ગયા. અગાડી જોયેલા બાગ જેવોજ આ બાગનો દેખાવ છે. અમે સાંભળ્યું હતું કે અહિં શાહજહાંનું એક ઘણું સારૂં તખ્ત છે. માળીને તે બતાવવા કહ્યું. તે અમને એક સુંદર બંગલામાં લઈ ગયો પણ તખ્ત અમે ક્યાંઇ જોયું નહિ. માળીને પુછતાં માલૂમ પડ્યું કે આ બંગલો તે જ તખ્ત કહેવાય છે. આ બાગમાં આમતેમ ફરી અમે બહાર નીકળ્યા. અને ટટ્ટુ પર બેશી કિસ્તી તરફ ચાલ્યા. આ બાગના દરવાજા સુધી એક નહેર ખોદેલી છે પણ તેમાં માત્ર વસંત ઋતુમાંજ પાણી રહે છે. વસંતમાં પાણી દરેક જગાએ વધારે હોય છે કેમ કે તે વખતે પર્વત પરના બરફ પીગળે છે. આ સુકાઈ ગયેલી નહેરની બન્ને બાજુએ ચીનારના ઝાડની સીધી હાર છે. આ વૃક્ષોની સુંદર ઘટા નીચે અમે ઘોડાંને દોડાવતા ચોતરફ આવેલ ખુબસુરત દેખાવો પર નજર ફેરવતા ચાલવા લાગ્યા. થોડે દૂર ગયા એટલે કિસ્તી ચાલી શકે તેટલું પાણી આવ્યું. અહિં અમારી કિસ્તીઓ તૈયાર હતી તેથી ઘોડા પરથી ઊતરી, તેઓને બાબુ કાલિદાસને ઘેર લઈ જવા ખાસદારોને કહી કિસ્તીમાં બેઠા. ને નસીમબાગ તરફ ચાલ્યા. પાણી પર કમલ અને લુઇ એટલાં ઘીટ ઉગેલાં છે કે માણસો તેના પર ધુળ પાથરી ચિભડાં અને બીજી વનસ્પતિ વાવે છે. આ પ્રદેશ જમીન જેવો દેખાય છે પણ જો કોઇ માણસ અજાણતાં તે ઉપર ઉતરે તો બુડી જાય અને વેલાઓમાં એવો ઘુંચવાઇ જાય કે પાછો બહાર નીકળી કે તરી શકે નહિ. આ તરતી, ત્રિશ્ંકુના સ્વર્ગ જેવી જમીનની અંદર ન્હાંની કિસ્તી ચાલી શકે તેવી ગલીઓ રાખેલી છે. કમલનાં પાન, લીલી લુઇ, તે પર ઉગેલી વનસ્પતિ, ધુળના ક્યારા અને પાણીની સડકો અતિશય સુશોભિત અને રમ્ય ભાસે છે. ૯. નસીમબાગ નજદીક આવી ગયો પણ સાંજ પડી જવા આવી અને અમારો ઉતારો દૂર હતો તેથી અમે તે બાગ દૂરથીજ જોઈ લીધો ; અંદર ગયા નહિ. આ બાગ તળાવના એક કીનારા પર આવેલો છે તેથી તળાવમાંથી ઘણો સુંદર દેખાય છે પણ બગીચાની અંદર ગયા પછી તે ખુબી નજરે પડતી નથી.

૧૦. સૂર્ય પશ્ચિમમાં અધોગતિ કરવા લાગ્યો, સંધ્યારાગ ખીલી નીકળ્યો. પૃથ્વી, આકાશ, પાણી અને વિશેષ કરીને પશ્ચિમ દિશાનું મુખ લાલચોળ થ‌ઇ ગયાં. સૂર્ય દેવતાનાં તપાવેલા સુવર્ણના રેષા જેવાં કીરણો, લાંબા થ‌ઇ પૃથ્વીના પશ્ચિમ છેડાને સ્પર્શ કરવા લાગ્યાં, જળમાં પડતાં વૃક્ષાદિનાં પ્રતિબિંબ ભુંસાઈ જવા લાગ્યાં, વૃક્ષ ઘટામાં નાનાં ચકલાં ચીંચીં કરવા લાગી ગયાં. કાગડાનાં ટોળાં કઠોર છતાં તે વખતે આનંદકારી લાગતાં; કૌંચ શબ્દો કરતાં જુદી જુદી દિશામાં ઉડી જતાં નજરે પડતાં હતાં. થોડીવારમાં તો આ સુંદર દેખાવ અને આ મધુર અવાજ દેખાતાં અને સંભળાતાં બંધ પડ્યા. સૂર્ય બિંબ અદ્રશ્ય થ‌ઇ ગયું. નાના છોડ, કુમળી વેલી, અને મહાન વૃક્ષો એક બીજા સાથે મળી જતા હોય, એક રૂપ થ‌ઇ જતા હોય, અને દિશાઓ વિસ્તાર પામતી હોય તેવું ભાસવા લાગ્યું ! ઋષિઓ ચારે દિશામાં હોમ કરતા હોય અને વેદિઓમાંથી ધુમાડાના ગોટા ઊંચા ચડતા હોય, બીજા જન્મેજયે સર્પ કુલનો નાશ કરવા યજ્ઞ આરંભ્યો હોય અને તેથી જાણે ચોતરફ આકાશમાંથી કાળા સર્પનો વરસાદ પડતો હોય, કાળા વેલા જાણે એકદમ પૃથ્વીમાંથી નીસરી ઘુમ્મટ જેવા આકાશ પર ચારે કોર ચડી જતા હોય, પૃથ્વીને ઘેરી લેવા કલિનું કાળું લશ્કર જાણે આવતું હોય અથવા ભૂમિના પર્વત ભાગો જાણે મહાપ્રલયના જળમાં ડુબી જતા હોય, તેમ અંધારૂં વ્યાપવા લાગ્યું ! નાના મોટા તારા સતેજ થયા અને અંધારાને મદદ આપતા ધુમ્મસમાં ચળકવા લાગ્યા; આકાશ પાસે આવવા લાગ્યું. આગિયા અહિં તહિં ઝબકવા લાગ્યા. ઠંડી પડવા લાગી તેથી અમે ગરમ કપડાં પહેરી કિસ્તીમાં બેસી ગયા. માંજીલોકો ગંગરીમાં કોલસા ભરવા લાગ્યા.

૧૧. ' ગંગરી ' એ શબ્દ વારંવાર વાપરવો પડે છે તેથી તે શબ્દનો ખરો અર્થ સમજવો જોઈએ. માટીના હાંડલી જેવા વાસણની ચારે બાજુ બરૂ ગુંથેલ હોય છે, તેની ઉપર એક નાકું હોય છે. આ વાસણમાં અંગારા ભરી ગરીબ માણસો નાકામાં દોરી નાંખી ટાઢ પડતી હોય છે ત્યારે જભ્ભાની અંદર ડોકે તેને ટાંગી દે છે. આ ગંગરી બે પૈસાની એક મળી શકે છે. ઘરમાં જેટલાં માણસ હોય છે તેટલીજ ગંગરીયો હોય છે. ન્હાનું બાળક પણ ગંગરી ડોકમાં પહેરી ફર્યા કરે છે. જેમ સુધરેલ હમશાં હાથમાં સોટી રાખે છે તેમ માંજી લોકો ગંગરી હમેશાં સાથેજ રાખે છે.

૧૨. જે દરવાજામાંથી અમે તળાવમાં દાખલ થયા હતા તેજ દરવાજામાંથી બહાર નીકળ્યા. આ વખતે કિસ્તી તીરની માફક દરવાજા બહાર નીકળી ગઈ, કેમકે પાણીનું તાણ અનુકૂળ હતું. આ તળાવ સારી રીતે જોતાં એક અઠવાડીઊં થાય તે અમે માત્ર એકજ દિવસમાં જોયું ! એક સ્વપ્ન જેવું થઈ ગયું ! કિસ્તી બજારમાં ચાલવા લાગી, કેટક્લાક પંડિતોનાં લગ્ન હતાં તેથી સ્ત્રીઓ ગીત ગાતી હતી તે અમે સાંભળતા સાંભળતા ઉતારા પાસે આવી પહોંચ્યા.

૧૩. પંડિતાણીઓ જે સફેદ ટોપી પહેરે છે તેમાં બે તરફ ન્હાનાં કાણાં રાખે છે, અને તેની અંદર લાંબા ઢોળિયા જેવાં ઘરેણાં પહેરે છે. વળી આ ટોપી પર નાનું ઓઢણું ઓઢે છે. આ રીવાજની મને આજજ ખબર પડી.

૧૪. રાતના આશરે આઠ વાગે ઉતારે પહોંચ્યા, વાળુ કર્યું અને સગડી(હાર્થ)માં લાકડાં સળગાવી બિછાનામાં સુતા, સુતાં સુતાં હું વિચાર કરતો હતો કે : ખરેખાત કાશ્મીરમાંજ ઈશ્વરની રમણીય રચનાનો વર્ષાદ વર્ષી ગયો છે. વળી હિંદુસ્તાન આવાં સુંદર સ્થળોનો માળીક હોવાથી કેવો ભાગ્યશાલી કહેવાય ! વિંધ્યાટવીનો પ્રદેશ પણ કાંઇ ઓછી ખુબીવાળો ગણાતો નથી, અને દક્ષિણ પણ રમણીયતામાં ઉતરે તેમ નથી. ભવભૂતિ, કાલિદાસાદિ કવિઓની અગાધ કલ્પના શક્તિનું પણ આજ સૃષ્ટિ સૌંદર્ય મુળ કારણ છે. પણ અતિશય થવાથી કઈ વસ્તુ હાનિ કરતી નથી ? આ દેખાવો આનંદની સાથે દુઃખ દેનાર પણ ક્યાં ઓછા થયા છે ? આર્યાવર્તમાં કુદરતની અતિશય ભવ્યલીલાથી માણસોની કલ્પનાશક્તિ અતિશય વધી ગ‌ઇ અને તેથી ખરી વિચારશક્તિની ખામી રહી ગ‌ઇ ! અને માણસો વહેમીલાં થ‌ઇ ગયાં. કાળીના બલિદાનાર્થે હજારો માણસના જીવ ગયા છે, પિતૃ પીડા અને ભૂતપલિતથી સેંકડો માણસો રીબાય છે, આવતા જન્મમાં સુખી થવા માટે, કાશીમાં કરવત મેલાવી, ગિરનાર પર ભૈરવજપ ખા‌ઇ, હિમાલયમાં ગળી, કમલપૂજા ખા‌ઇ અને એવા અનેક પ્રકારે કરોડો અજ્ઞાની અને વહેમી આર્ય બંધુઓએ કમકમાટી ઉત્પન્ન કરે તેવી રીતે આત્મઘાત કરેલ છે! કુદરત સામે બાથ ભીડવા શક્તિમાન ન હોવાથી હજારો જડવસ્તુઓને ઈશ્વરપદ આપેલ છે, દેવ બનાવેલ છે અને પૂજેલ છે. પરમબ્રહ્મની કૃપાથી તે ધુન્ન હવે મગજમાંથી દૂર થવા લાગી છે, તોપણ દૃઢ આગ્રહથી હીંમત રાખી એક કાર્ય પાછળ મંડ્યા રહેવું એ બ્રિટનોની ખાસીયત હજી હીંદુ ભા‌ઇઓથી ઘણી દૂર રહેલી છે. અલબત ક્યાંઇ ક્યાંઇ આ ગુણ પણ ચમત્કારો બતાવે છે, પણ તે મહા ગુણ સર્વવ્યાપક ક્યારે થશે ? હજી ઘણી વાર છે. તેમાં આર્ય બંધુઓનો દોષ નથી. જ્યારે જ્ઞાન વહેમને દૂર કરશે ત્યારે એની મેળે બધાં સારાંવાના થશે. હવે તો વિદ્યાની સાથે ગાઢ પ્રેમ બાંધવો જોઇએ. એ શસ્ત્ર ક્યાંઇ છૂપું રહે તેવું નથી. સૂર્ય ઉગ્યો એટલે અજવાળું થવાનુંજ અને ધુમ્મસ ઉડી જવાનો, અસ્તુ.

૧૫. આવા આવા વિચારોમાં મને ઉંઘ આવી ગ‌ઇ અને સુસ્વપ્નમાં રાત્રી નીકળી ગ‌ઇ.