← તા. ૩-૧૧-૯૧ કાશ્મીરનો પ્રવાસ
તા. ૫-૧૧-૯૧
કલાપી
તા. ૬-૧૧-૯૧ →


તા. ૫-૧૧-૯૧ :- આજ સવારમાં રાવ બહાદૂરે ફૉરેન સેક્રેટરીને ચીઠી લખી વાઈસરૉયને મળવાનો વખ્ત પૂછાવ્યો. લાલા જયકિસનદાસની અઢી વાગે એક ચીઠી આવી તેમાં લખ્યું હતું કે : નામદાર વાઈસરૉય સાહેબ પોણાત્રણ વાગે તમારી મુલાકાત લેશે અને જો તમે તેટલા વખતમાં ન પહોંચી શકો તો જ્યારે આવશો ત્યારે મળશે. આથી અમે જલદી કપડાં પહેરી ઉતાવળથી જ્યાં વાઈસરૉય ઉતર્યા હતા ત્યાં ગયા અને ચાર વાગે અમે ત્યાં પહોંચી શક્યા. ત્યાં જ‌ઇ તપાસ કરતાં માલુમ પડ્યું કે વાઈસરૉય સાહેબ બહાર ફરવા ગયેલ છે તે સાંઝે પાછા આવશે. તે બંગલામાં જવાને એક હોડીનો પુલ બાંધ્યો હતો ત્યાં અમે રોકાણા અને પ્રાણજીવનભાઇ ફૉરેન સેક્રેટરીને મળવા ગયા અને દોઢ કલાકે પાછા આવ્યા પણ મુલાકાત થ‌ઇ શકી નહિ. સાડાપાંચ વાગે અમે મહમુદશાહની દુકાને ગયા અને ત્યાં કેટલીક શાલો વગેરે સામાન જોયો. અમને ત્યાં માલુમ પડ્યું કે. વાઈસરૉય સાહેબ આ દુકાને આશરે દોઢ કલાક રોકાણા હતાં અને તેઓ સાહેબ હમણાંજ ગયા. અમે જો જરા વહેલાં આ દુકાને આવ્યા હોત તો તેઓ નામદાર ત્યાં જ મળત.

૨. સાંજે ઉતારે પાછા આવ્યા, વાળુ કર્યું અને સગડી પાસે બેઠા હતા તેટલામાં રાવબહાદુરને એક સ્વારે ચીઠી આપી. આ ચીઠી રેસિડન્ટની હતી તેમાં લખ્યું હતું કે : મેહેરબાન વાઈસરૉય સાહેબ તમારી મુલાકાત આજ પોણા ત્રણ વાગે લેશે !

૩. આજ અમે આ પ્રમાણે અમારી ધારણામાં ના‌ઉમેદ થ‌ઈ સુઈ રહ્યાં.