ગીતાધ્વનિ/અધ્યાય ૭
← અધ્યાય છઠ્ઠો | ગીતાધ્વનિ અધ્યાય ૭મો : જ્ઞાનવિજ્ઞાન કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા |
અધ્યાય આઠમો → |
અધ્યાય ૭મો
જ્ઞાનવિજ્ઞાન
શ્રી ભગવાન બોલ્યા—
આસક્ત મુજમાં, મારા આશ્રયે યોગ યોજતો,
જેમ સમગ્ર નિ:શંક મને જાણીશ, તે સુણ. ૧
વિજ્ઞાન સાથ આ જ્ઞાન સંપૂર્ણ કહું છું તને,
જે જાણ્યાથી પછી બીજું જગે ના જાણવું રહે. ૨
હજારો માનવે કોક સિદ્ધિનો યત્ન આદરે;
ને સિદ્ધ યતિઓમાંયે કો’જ તત્ત્વે લહે મ’ને. ૩
ભૂ, જળ, અગ્નિ, વા, વ્યોમ, મન, બુદ્ધિ, અહંકૃતિ-
આ આઠ રૂપના ભેદે મારી પ્રકૃતિ છે રહી. ૪
આ આઠ રૂપના ભેદે મારી પ્રકૃતિ તે થકી;
જીવરૂપ થઈ જેણે, જાણ, આ જગને ધર્યું. ૫
આ બેથી સઘળાં ભૂતો ઊપજે એમ જાણજે;
આખા જગતનો, પાર્થ, હું જ ઉત્પત્તિ ને લય; ૬
બીજું કોઈ નથી તત્ત્વ મારાથી પર જે ગણો;
હું-માં આ સૌ પરોવાયું—દોરામાં મણકા સમું. ૭
રસ હું જળમાંહી છું, પ્રભા છું સૂર્યચંદ્રમાં,
ૐ(૩)૧ વેદે, નભે શબ્દ, નરોમાં પુરુષાતન. ૮
પવિત્ર ગંધ પૃથ્વીમાં, અગ્નિમાં હું પ્રકાશ છું;
જીવન સર્વ ભૂતોનું, તપસ્વીઓ વિષે તપ. ૯
તું જાણ સર્વ ભૂતોનું , મ’ને બીજ સનાતન,
છું બુદ્ધિમાનની બુદ્ધિ, તેજસ્વીઓનું તેજ છું. ૧0
કામ ને રાગથી મુક્ત બળ હું બળવાનનું;
ધર્મથી ન વિરોધી જે એવો છું કામ ભૂતમાં. ૧૧
વળી સાત્ત્વિક જે ભાવો, રજ ને તમનાય જે,
મારા થકી જ તે જાણ, તેમાં હું, નહિ તે હું—માં. ૧૨
આવા ત્રિગુણના ભાવે મોહેલું સર્વ આ જગત;
ઓળખે ના મ’ને, જે છું તે સૌથી પર અવ્યય. ૧૩
દૈવી ગુણમયી મારી માયા આ અતિ દુસ્તર;
મારે જ શરણે આવે, તે આ માયા તરી જતા. ૧૪
મારી ન શરણે આવી પાપી, મૂઢ, નરાધમો,
માયાએ ગ્યાન લૂંટેલા, આસુરી ભાવ સેવતા. ૧૫
ચાર પ્રકારના ભક્તો પુણ્યશાળી ભજે મ’ને;
આર્ત, જિજ્ઞાસુ, અર્થાર્થી, ચોથો જ્ઞાની પરંતપ ! ૧૬
તેમાં જ્ઞાની, સદાયોગી, અનન્ય ભક્ત, શ્રેષ્ઠ છે;
જ્ઞાનીને હું ઘણો વા’લો, તેયે છે મુજને પ્રિય. ૧૭
તે સૌ સંતજનો તોયે જ્ઞાની આત્મા જ છે મુજ;
મારામાં તે રહ્યો યુક્ત, જેનાથી શ્રેષ્ઠ ના ગતિ. ૧૮
ઘણાયે જન્મને અંતે જ્ઞાની લે શરણું મુજ;
‘સર્વ આ બ્રહ્મ’જાણે તે મહાત્મા અતિ દુર્લભ. ૧૯
કામોએ જ્ઞાન લૂંટેલા ભજે તે અન્ય દેવતા
તે તે નિયમો રાખી—બાંધ્યા પ્રકૃતિએ નિજ. ૨0
ઇચ્છે જે રૂપમાં જે જે દૃઢ શ્રદ્ધાપૂર્વક પૂજવા,
તેની તેની હું તેવી જ દૃઢ શ્રદ્ધા કરાવું છું. ૨૧
તેવી શ્રદ્ધા ભર્યો તેની વાંછતો તે પ્રસન્નતા;
તેનાથી મેળવે કામો, મેં જ નિર્માણ જે કર્યા. ૨૨
નાશવંત ફળો પામે જનો તે અલ્પબુદ્ધિના;
દેવોના ભક્ત દેવોને, મારા ભક્ત મ’ને મળે. ૨૩
અવ્યક્ત તે થયો વ્યક્ત, માનો મૂઢ જનો મ’ને,
ન જાણતા પરંભાવ, મારો અવ્યય ઉત્તમ. ૨૪
ઢંકાયો યોગ-માયાએ ના હું પ્રગટ સર્વને;
આ મૂઢ લોક જાણે ના અજન્મા, અવ્યયી મ’ને. ૨૫
ભૂતો જે જે થયા પૂર્વે, આજે છે ને હવે થશે,
હું તો તે સર્વને જાણું, મ’ને કો જાણતું નથી. ૨૬
રાગ ને દ્વેષથી ઊઠે દ્વંદ્વોનો મોહ ચિત્તમાં,
તેથીસંસારમાં સર્વે ભૂતોને મોહ થાય છે. ૨૭
પણ જે પુણ્યશાળીનાં પાપકર્મ ગળી ગયાં,
તે દ્વંદ્વ મોહ છૂટેલા મ’ને દૃઢ વ્રતે ભજે. ૨૮
જે મારે આશ્રયે મંડે છૂટવા જન્મમૃત્યુથી,
બ્રહ્મ, સંપૂર્ણ અધ્યાત્મ, સર્વ કર્મેય તે લહે. ૨૯
સાધિધિદૈવે જે, સાધિયજ્ઞે મ’ને લહે,
જાણે પ્રયાણ કાળેયે મને તે યુક્તચિત્તના. ૩0