ગુજરાતની ગઝલો/છેલ્લો આશરો
← ખપના દિલાસા શા ? | ગુજરાતની ગઝલો છેલ્લો આશરો [[સર્જક:|]] ૧૯૪૩ |
ખુદાનો બંદો → |
હતા જે કાફીશાળાઓ મહીં સાથે થનારા,
થઈ ભેગા બજારોમાં કરે કર આપનારા,
ખુશાલીના વખતમાંહે ખબર મુજ રાખનારા
રફીકે ક્યાં ગયા આજે ખુશામતિયા અમારા ?
મુસીબતમાં નથી કોઈ સલામત પૂછનારા,
કબરમાં છે નહીં શમ્સો કમર અથવા સિતારા;
હતા બિસ્તર ઉપર જેઓ દિલે દિલ દાબનારા,
જનાજામાં સૂઈ સાથે નથી તે આવનારા.
મને જીવતે દફન કરવા થયા તૈયાર, મારા,
ભૂલું હું કેમ તમને, ઓ મને ભૂલી જનારા ?
રહ્યો છું એકલો હું ચાલી આ રસ્તે મહારા,
મહારી માલિકીઓમાં મઝાથી મહાલનારા !
નથી લેવા મને ઈચ્છા સમરકંદો બુખારા,
ખરાં બે લાગણીનાં માંગું છું આંસુ ખારાં.
અગર ખંજર જિગરમાં છે તમે આ ભેંકનારા,
દુઆ માગી રહ્યો છું હું સદા હકમાં તમારા.
ન પાસે આશરો લીધો પતીલે કોઈ પ્યારા
રહ્યો છે આશરો તારો ફક્ત પરવરદિગારા !