ગુલાબસિંહ/તરંગ ૧:ક્ષત્રિયોની પડતી
← ભાડાની કોટડી | ગુલાબસિંહ ક્ષત્રિયોની પડતી મણિલાલ દ્વિવેદી |
પ્રિયતમે બતાવેલું વૃક્ષ → |
પ્રકરણ ૮ મું.
ક્ષત્રિયોની પડતી.
જ્યારે આપણો પરદેશી પેલા ડોસા પાસે ફરીથી ગયો ત્યારે તેની દૃષ્ટિએ એ ડોસો ગઇ રાતની વાત ભુલી જઇને તદન શાન્ત પડેલો તથા કાંઇ પણ બન્યું ન હોય અને બધું તેમનું તેમજ હોય એવો નિરાંતમાં જણાયો. તેણે આંખમાં આંસુ આણી આ પરદેશીનો ઘણો ઉપકાર માન્યો; અને કેહેવા લાગ્યો કે મારી પૂરેપૂરી વ્યવસ્થા કરવા માટે મેં મારા એક સગાને તેડાવેલો છે, તે થોડા દિવસમાં આવશે. મારી પાસે હજુ પણ દ્રવ્ય રહેલું છે; પણ કંજુસાઈ કરીને તેને સાચવી રાખવાનું હવે કાંઈ પ્રયોજન રહ્યું નથી. આમ કહ્યા પછી પોતાને મારી નાખનારના વિષે થોડી એક બીના કહેવા લાગ્યો.
આ ડોસાને નાની વયમાં પોતાનાં સગાં સાથે ક્લેશ થયો હોય એમ જણાતું હતું. આની રીતભાત તથા નાસ્તિકપણું એટલાં બધાં પ્રબલ થઈ પડ્યાં કે એનાથી ઘરમાં રહી પણ શકાયું નહિ. ધર્મમાત્રની વાતને એ કલ્પિત માનતો, તો પણ સર્વ નાસ્તિક લોક પોતાના અંતઃકરણની પ્રબલ થયેલી સ્વાર્થ બુદ્ધિનેજ પરમાર્થ રૂપે સમજે છે તેવી પરમાર્થ ઉપર પ્રીતિ રાખવાવાળો હતો, કારણ એની બુદ્ધિ મંદ છતાં પણ એનો સ્વભાવ ભલો હતો. પોતાને તો પ્રજા હતી નહિ, પણ કોઈનું બાલક રવડતું રવડતું મળી આવે તો રાખી લેવું એવો તેણે નિશ્ચય ધાર્યો હતો. આવું કોઈ બાલક જડે તો તેને કેવલ યુક્તિ અને વાદપદ્ધતિનુંજ જ્ઞાન વિશેષે કરી આપવું, એવા વિચારમાં હતો તેવામાં કોઇ હલકા કુલનો માબાપ વિનાનો છોકરો તેને મળી આવ્યો; તે એવો તો કદરૂપો હતો કે તેથી કરીને એને તેની ઉપર વધારે દયા આવવા લાગી અને આખરે તે એને ઘણો પ્રિય થઈ પડ્યો. આ બાલકને પોતાના પુત્ર જેવું પ્રિય ગણતો હતો એટલુંજ નહિ, પણ એ બાલક પોતાના તમામ તરંગોની મૂર્તિ રૂપ હતું એમ પણ માનતો. આવા વિચારમાં એણે આ બાલકને કેવલ તાર્કિક જ્ઞાનમાં કુશલ કરવા માંડ્યું. જન્માંતરના સંસ્કાર વિના આ જન્મમાંજ થઈ આવેલી સંગતિથી સર્વ રીતભાત અને જ્ઞાનનો આકાર બંધાય છે એમ એના મનમાં દૃઢ થઈ ગયુ હતું તેથી એણે આ બાલકના મનને પણ પોતાની મરજી મુજબના વિચાર ઉપર ચઢાવવાનું યોગ્ય અને સરલ ધાર્યું. આઠ વર્ષનો થયો એટલામાં તો એ છોકરો જ્ઞાન અને તર્ક અને સદ્ગુણની વાતો કરવા લાગ્યો, અને બુદ્ધિમાન્ પણ જણાવા લાગ્યો. એનું મન કોઈ પ્રકારના હુન્નર તરફ વધારે વળવા લાગ્યું. આ બાલકને માટે કોઈ શિક્ષક શોધવા માંડ્યો, અને શોધતાં એને કોઈ એવો નાસ્તિક હાથ લાગ્યો કે જે સર્વ લક્ષણે સંપૂર્ણ તથા ઘણો વિષયી અને અશ્રદ્ધાલુ તથા શાસ્ત્રવિમુખ નીવડ્યો. જેવા ગુરુ તેવા ચેલા પણ થવા માંડ્યા; તથાપિ પણ ચેલાની શરીરની ખોડો એટલી બધી હતી કે તેથી તેને બહાર હરતા ફરતાં પણ શરમ આવવા માંડી. એના બાપને સ્થાને થયેલા વૃદ્ધ પુરુષે ઘણાએ જ્ઞાનના ઉપદેશ સમજાવી સમજાવી એના મનમાંથી સ્વાભાવિક રીતે જે બન્યું તેનો ક્ષોભ કાઢી નાખવા મેહેનત કરી જોઈ પણ તેથી કાંઇ વળ્યું નહિ. જ્યારે છોકરે ડોસાને કહ્યું કે આ જગત્માં પૈસાની બલીહારી છે, હજારો અપલક્ષણ, એથી દશ ગણી શરીરની ખામીઓ અને એનાથી સહસ્ત્રગણું વૈકલપણું સર્વ દ્રવ્યની પીછોડીથી ઘણી સારી રીતે ઢંકાઈ શકે છે ત્યારે એનો આત્મા પ્રફુલ્લિત થયો અને એના મનને સંતોષ વળી ગયો. આખા જગત્માં જે વસ્તુ ઉપર પેલા ડોસાને પ્રીતિ હતી તે વસ્તુને જે વાતમાં આનંદ આવે તે કરવાને પોતે તત્પર થાય એમાં શી નવાઇ ! આ વાત સાંભળી ત્યારથી પૈસા પૈસા ને પૈસાજ ડોસાની નજરમાં વસી ગયા, અને જે તે રીતે પોતાના પ્રિયપુત્ર માટે ઘણો ભારે વારસો મૂકી જવાય તેવી ગોઠવણ તેણે કરવા માંડી. આમ કર્યાનો હેતુ હાલ ખરેખરો કૃતાર્થ થયેલો આપણે જોયો !
“પણ એ સાજો તાજો બચી ગયો એથી હું ઘણો રાજી છું.” વૃદ્ધ ડોસે પોતાની આંખમાંથી પાણી લોહી નાખતાં કહ્યું “કદાપિ એણે મને છેક ભીખારી બનાવી દીધો હોત તો પણ હું એને પકડાવવાનો પ્રયત્ન કરત નહિ.”
“નજ કરવો જોઇએ, કેમકે તમેજ એને આ બધાં પરાક્રમ ભણાવેલાં છે.”
“મેં ! હું અને વારંવાર સદ્ગુણનો આનંદ વર્ણવી બતાવતો, તમે ભુલો છે, જરા વધારે સ્પષ્ટ કહો.”
“અરેરે ! તારા શિષ્યની ગઇ રાતની વૃત્તિ ઉપરથી પણ જ્યારે તને આ વાત સ્પષ્ટ નથી થઈ શકી, ત્યારે તો આકાશમાંથી કોઈ દેવ આપીને તને ઉપદેશ કરે તો પણ વ્યર્થ છે.”
ડોસાના કાળજામાં આ જવાબ તીરની પેઠે લાગ્યો. તે પોતે પ્રતિઉત્તર કરવા જતો હતો પણ તેટલામાંજ જે સગાને એણે બોલાવ્યો હતો તે ઓરડામાં દાખલ થયો. એ માણસનું વય લગભગ ત્રીશ વર્ષનું જણાતું હતું; એનો ચેહરો છેક સૂકો, ચઢી ગયેલો, તથા પાતળો જણાતો હતો; એની આંખો ઘણી ચપલ હતી; તથા હોઠ એક બીજા સાથે ચોટી ગયેલા ચપટ હતા. પોતાના સગાએ પોતાના વીત્યાની વાત કહી બતાવી, તે તેણે ઘણો ભય પામતે પામતે, તથા માથું ધૂણાવતે ધૂણાવતે સાંભળી; અને એ દુષ્ટ ચોરની ખબર દરબારમાં કોટવાળને કરવા માટે તેણે ઘણુંએ કહ્યું પણ ડોસાને ગળે તે વાત ઉતરી નહિ.
“બસ બસ દોસ્ત !” ડોસાએ કહ્યું. “તું તો વળી મહોટો રાજદરબારનો બેસનાર છે. તમારા લોકને માણસના જીવની કીંમતજ ન મળે. કોઈ પણ માણસ જરા તમારે હાથ પડે તેવી રીતે ચાલ્યો કે તુરત તમે બોલી ઉઠવાના કે એને તો ગરદનજ મારો.”
“હું !” પેલો બોલ્યો “હું તે એમ ધારું; તમે તદ્દન ખોટો વિચાર કરો છો. આપણા દેશના દરબારી વ્યવહારથી મને જેટલો નિર્વેદ પેદા થાય છે તેટલો બીજાને ભાગ્યેજ થતો હશે. મારો અભિપ્રાય તો એ છે કે આખરે ગરદન મારવાની સજા તો કરવીજ ન જોઈએ, ખુની કેદીને પણ કરવી ન જોઇએ. જે ઉદાર વૃત્તિવાળા રાજકીય પુરુષો એમ કહે છે કે જીવે જીવ લેવો એ તો ફક્ત જુલમગારોએજ પોતાની સત્તા દૃઢ કરવા શોધી કાઢેલી રીત છે, તેની સાથે હું મળતો આવું છું; કેમકે હજારો શરીર પડે તેથી કોઇનાં મન તાબે થયાં કે નહિ તેની શી ખાત્રી ? આ૫ણા રાજ્યવ્યવહારમાં ઘણો સુધારો કરવાની જરૂર છે ને તેથીજ હાલના નવા મંડલમાં આપણે તો ઘણો ભાગ લઈએ છીએ.”
આ દરબારી અને નિપુણ ગૃહસ્થ એટલું બધું અને આ પ્રકારનું બોલ્યા કે તે બોલતા બોલતા થાકી ગયા; પણ પેલો પરદેશી એના તરફ ઘણા આશ્ચર્યસહિત જોઇ રહ્યો, અને મનમાં ઘણો ખેદ પામવા લાગ્યો.
“કેમ મેહેરબાન !” પેલો દરબારી બોલ્યો “તમને આ વાત ન ગમતી હોય તેમ લાગે છે; તમારું શું મત છે ?”
“માફ કરજો ભાઇ ! હું તો ફક્ત મારા મનમાં ભવિષ્યની કોઈ વાત આવવાથી જે ભય લાગતું હતું તેનું સમાધાન કરવામાં પડ્યો હતો, તેથી તમને એમ લાગ્યું, અને—”
“તે ભય—”
“તે એજ કે આપણે હજુ એક વાર મળીશું. અને તે સમયે રાજપ્રકરણના તથા લોકોનાં મન રીઝવી લેવાની બાબતના તમામ વિચાર હાલ કરતાં જુદાજ હશે.”
“એમ કદાપિ પણ થનાર નથી.”
“પ્યારા માનસિંહ !” પેલો ડોસો બોલી ઉઠ્યો “તમારા મનમાં ન્યાય અને પરોપકારબુદ્ધિના ઘણા સારા વિચાર બેઠેલા છે. ઘણી ખેદની વાત છે કે મારે ને તમારે આજ સુધી પિછાન ન થઈ શક્યું. તમે હાલમાં ચાલતા વિચારો પસંદ કરે છો, અને રાજા પણ નકામા છે, તથા રાજગુરુઓ ને આચાર્યોનો પણ એક જુલમજ છે એમ માનો છો. વાહ ! સર્વને સ્વતંત્રતા હોવી જોઇએ તથા બુદ્ધિમાં જે ખરૂં આવે તેમ થવું જોઇએ. આ તો બાપનો કૂવો માટે ખરૂં હોય તો પણ પીધાંજ કરે એવા બધા ભેગા થયા છે !”
“એ શું બોલ્યા ? મને તમામ માણસજાત ભાઈ જેવી લાગે છે એમ હું કહું છું, તે વખતે રાજાનો પથરો વળી માથે ઉચકવાની વાતને કદાપિ પણ કબુલ કરૂં ?”
“ત્યારે તો આ ભાઈ ધારે છે તેમ તમે નહિ ધારતા હો કે આ હરામખોર છોકરાને મેં જે સમજ આપેલી તે બીલકુલ ખોટીજ છે.”
“એમાં તમારો શું વાંક ? શિષ્ય ખરાબ નીકળે તેમાં ગુરુ શું કરે ?”
પેલા પરદેશી તરફ જોઇને ડોસો બોલ્યો “ સાંભળ્યું. વાહ માન ! હું હવે તને મારો ખરેખરો ચેલો ગણીશ ને તારા ઉપર વિશ્વાસ રાખીશ.”
પણ આ વાત ચાલતી હતી તેવામાં ગુલાબ તો ચાલતો થયો હતો ને છેક બારણાના ઉમરા સુધી પહોંચ્યો હતો. અરેરે ! જે પાકો નાસ્તિક થઇ ગયો તેની જોડે તે કોણ તકરાર કરી શકે ? આંધળો ભીંતે અથડાય ત્યારેજ ખબર પડે, બાકી સમજે નહિ, ગુલાબસિંહની પેઠે, આપણા કહેવાતા સુધારાવાળા આગળ આપણા પ્રવીણ શાસ્ત્રી પુરાણીઓ ન બોલે તો તેથી તેમણે જૂનાં શાસ્ત્રો પાણીમાં બોળાવ્યાં એમ માની ફૂલાવું ફોકટ છે; એ શાસ્ત્રીઓ વગેરે જે ચૂપ રહે છે તે પણ આપણા પવિત્ર ગુલાબની રીતે ચાલે છે. ગુલાબસિંહે અંબરમાં જે કાંઈ જોયું સાંભળ્યું તેથી કંટાળી ગયો; આર્યાવર્તનું ભાવિ બદલવાની જે સૂચના બદરીકાશ્રમ પાસેની ગુફામાંથી મળી હતી તે પાસે આવતી હોય એવી નાસ્તિકતા, અનાચાર, વર્ણસંકરપણું, એ આદિ, અનેક ચિન્હો એની નજરે પડવા લાગ્યાં. ક્ષત્રિયો પોતે જે દૂધ પીને મહોટા થયેલા તેનોજ તિરસ્કાર કરતા જણાયાથી ગુલાબસિંહને બહુ લાગી આવતું હતું. જે દેશના લોકો પોતાના પૂર્વજોને અને પોતાના ધર્મને ધિક્કારતા થયા તેનો ઉદય કેમ થઈ શકે ? મ્લેચ્છો આવશેજ એ વિચાર કરતાં ગુલાબસિંહને ભાવીના પરિવર્ત જોઇ, સ્વજાતિને ઉપયોગી થવાય તો થવાની બહુ ઉત્કટ ઈચ્છા હતી. પણ અત્યારે તો અંબરમાંથી નીકળી છૂટવાના વિચારથી જ એ ઝટ ચાલ્યો.
માનસિંહ તેની પાછળ દોડ્યો, અને કહેવા લાગ્યો “શું આપ ચાલ્યા ! આપે આ વૃદ્ધ માણસનો જીવ ઉગાર્યો તે માટે મારે આપનો ઉપકાર માનવો જોઈએ. એ ઉપકારનો બદલો હું ક્યારે વાળી શકવાનો છું ? કદાપિ પણ તમારે મારું માથું જોઇએ તો આપવા તૈયાર છું.” આ પ્રમાણે જેમ બને તેમ મધુર ભાષણ કર્યા પછી, જેવો પેલો પરદેશી બહારના ઓરડાના બારણા આગળ આવ્યો કે તુરત, માનસિંહે પૂછ્યું “મારે જલદી પાછા જવું છે, હું વધારે દિવસ ભાંગી શકું તેમ નથી. હું ધારું છું કે આ ખસેલા બેવકુફનું બધુંજ દ્રવ્ય પેલો હરામખોર સપાટી તો નહિ ગયો હોય ? કેમ તમે શું ધારો છો ?”
“મેહેરબાન માનસિંહજી સાહેબ ! સદ્ગુરુનો ઉપદેશ તો સચ્છીષ્યે ઠીક ગ્રહણ કર્યો છે !”
“વાહ રે ! તમે તો મહેણાં મારવા લાગ્યા ! ભલે કહો કહો. આપણે વળી મળીશું.”
“જરૂર !” પેલો પરદેશી પોતાની ભ્રૂકુટિમાં ક્રોધના વળ ચઢતાં ધીમેથી બોલ્યો. પોતાના ઓરડામાં જઇને તે દિવસ અને આખી રાત એણે એકાંતમાં બેશી કાંઈ મનન કરવામાં ગાળ્યાં. પણ એથી એના મનમાંનો ભય કે ખેદ ઓછો થયો નહિ.
માનસિંહને અને આ પરદેશીને શો સંબંધ હોઈ શકે કે તે ફરી મળનાર હોય ? અંબરની આનંદકારક હવા એને ભારે કેમ લાગવા માંડી ? ચોહાણની ઝલકદાર પ્રાચીન રાજધાનીમાંથી એને નાશી જવાની ઈચ્છા કેમ થઈ આવી ? ને અહીં પાછા આવતાં વિચાર રાખવો એવી એનેજ અંતર્થી ચેતવણી શા માટે ઉઠવા લાગી ? એનેજ-જીવન્મુક્તનેજ-નિડરનેજ-નિર્ભયનેજ ! એ ગમે તેમ હો, પણ અંબર નગર તજીને ગુલાબ પાછો દીલ્હી તરફ વળ્યો, હીમાલયની પવિત્ર શયામાં વસવા ગયો, મૃદુ, મધુર, કાન્તિમતી રમા ! જમનાના તરંગ સાથે તરંગિત હૃદયમાં ઉછળી રહેલી રમા : અમે પણ હવે તારા તરફ જ આવીએ છીએ.