ગુલાબસિંહ/તરંગ ૧:ભાડાની કોટડી

← અંબર ગુલાબસિંહ
ભાડાની કોટડી
મણિલાલ દ્વિવેદી
ક્ષત્રિયોની પડતી →


પ્રકરણ ૭ મું.

ભાડાની કોટડી.

આપણો પરદેશી મધ્યરાત્રિ વીત્યા પછી ઘણે વખતે મુકામ પર પહોંચ્યો, આખા અંબર શેહેરની નાના પ્રકારની ખુબીઓનું સંગ્રહસ્થાન હોય તેવા એક ભાડુતી મકાનમાં ગુલાબે મુકામ રાખ્યો હતો. એ મકાનના ઉંચા ઓટલા પોલા કરી નીચે ભોંયરાં જેવી નાની કોટડીઓ બનાવેલી હતી તેમાં સુતાર લુહાર જેવા ભાત ભાતના ગરીબ કારીગર ધંધાથી ભાગી જઈ લેણદારોના કબજામાંથી છૂટા થવા માટે ભાડે ભરાઈ રહેતા. અથવા કોઈ પંડિતાઈનું ડોળ કરનાર વિદ્વાન્‌ કહેવાતા ઢોંગીઓ લોકોને ધર્મ વિરુદ્ધ, રાજ્ય વિરુદ્ધ, કે નીતિ વિરુદ્ધ ઉપદેશ બતાવ્યા પછી લોકના તિરસ્કારથી છૂટા થવા માટે સંતાઈ પેસતા. ભોંયતળીએ તરહ તરહના સામાન ને કારીગરીના નમુના વેચનારની દુકાનો આવી રહી હતી. ઉપરના તથા વચલા માળામાં મધ્યમ સ્થિતિના અમીર ઉમરાવો વસતા હતા અને તે ઉપરનાં છાપરા સરસાં માળીયાંમાં ફેરીયા વગેરે વેપારી પડી રહેતા. આવા મકાનમાં ભાડાની જગો જ્યારે જ્યારે જોઈએ ત્યારે મળી શકતી; ગુલાબસિંહે પણ થોડા દિવસ ત્યાંજ એક કોટડીમાં બીજે માળ મુકામ રાખ્યો હતો.

આ પરદેશી જેવો દાદર ઉપરથી ચાલ્યો જતો હતો તેવોજ તેની પાસેના ઓરડામાંથી, જોતાં કંટાળો આવે એવી આકૃતિનો એક જવાન માણસ નીકળ્યો અને પાસે ઘસાઈને ચાલી ગયો. એની આંખ ચોરના જેવી અને છુપાતી તથા ક્રુર છતાં પણ સહજ ભયભીત હોય તેવી જણાતી હતી. એનું મોં ફીકું પડી ગયું હતું. અને એની આકૃતિ મનોવ્યથાથી પીડાતી હોય તેવી વ્યાકુલ હતી. પેલો જવાન જેવો દાદર ઉતરતો હતો તેવોજ આ પરદેશીની નજરે પડ્યો, અને તેનો બધો ભાવ એના મનમાં ઉતરી ગયો. વિચારમાં પડીને આપણો પરદેશી જોતો હતો તેવામાં જે ઓરડામાંથી એ નીકળી આવ્યો તેમાંથી કોઇને ડૂસકાં ખાતું એણે સાંભળ્યું. પેલા છોકરાએ બારણું બીલકુલ બંધ કરવાની તજવીજ તો કરી હતી પણ ઉતાવળમાં પોતાની પાછળ કમાડ ખેંચતાં વચ્ચે કાંઈ આવ્યાથી તે જરા ઉઘાડું રહી ગયું હતું. પેલા પરદેશીએ કમાડ ખુલ્લાં કરી અંદર જઈ જોયું તો ઘણી કંગાલ હાલતમાં પડેલા સામાનથી શણગારેલો એક ઓરડો જોયો. એ ઓરડાને સામે છેડે એક ડોસો ખાટલામાં પડ્યો હતો. કાંઈ દરદથી અમળાયાં કરતો હતો. એક ઝાંખો સરખો દીવો ગોખલામાં બળ્યાં કરતો હતો, પણ કોઈ નોકર ચાકર જણાતું ન હતું. પેલા ડોસાએ છેક મરતે મરતે કહ્યું “પાણી–પાણી ! મારૂં ગળું સૂકાઈ જાય છે, હું બળી જાઉં છું !” આ સાંભળી પેલો પરદેશી એના બીછાનાની પાસે ગયો અને તેનો હાથ ઝાલી કાંઈ કહેવા જતો હતો એટલામાં ડોસો બોલ્યો કે “તારૂં કલ્યાણ થાઓ કાળા ! તું વૈદ્યરાજને પાછા બોલાવી લાવ્યો તે ઠીક થયું. વૈદ્યરાજ ! હું તો ગરીબ છું, પણ આપને રાજી કરીશ. આ છોકરો જરા મોહોટો થાય ત્યાં સુધી જીવાય તો સારું” આટલું બોલતાંજ ડોસો બેઠો થયો અને પેલા નવા આવનાર માણસ તરફ આતુરતાથી જોઈ રહ્યો.

“તમને શું થાય છે ? શું રોગ થયો લાગે છે ?”

“આગ ! આગ ! મારા કાળજામાં જાણે આગ મૂકી છે. પેટમાં પણ તેમજ — અરે ! બળી મુઓરે !”

“તમને જમ્યાને કેટલી વાર થઈ ?”

“જમવાની શી વાત ! ફક્ત આ કાંજી જરા લીધી તેજ. આજ સવારથી આખા દિવસમાં બીજું કાંઈ નહિ, આ પડી વાડકી. એ પીધી કે તુરતજ આ દરદ ચાલું થયું.”

પેલા પરદેશીએ વાડકીમાં રહેલી થોડી કાંજી હતી તે જરા ધ્યાન રાખીને જોઈ લીધી, ને પૂછ્યું “તમને આ કાંજી કોણે પાઈ ?”

“બીજા કોણે ? મારા કાળાએ ! બીજું તે કોણ હોય ? મારે નથી ચાકર કે નફર, હું તો ઘણો ગરીબ, મુફલીસ હાલે છું. પણ તમે વૈદ્ય લોક તો ગરીબ દીઠો કે તેને ગણવાનાજ નહિ, તેથી લો હું ઘણો પૈસાવાળો છું એમ ધારો, પણ મને મટાડી શકશો ?”

“જેવી પ્રભુની મરજી; જરા રહો.”

ડોસાને કોઈએ ઝેર આપેલું હતું ને તેની અસરથી તેના ઉપર મોતનો પંઝો સખ્ત સપડાઈ ગયો હતો. પેલો પરદેશી પોતાની કોટડીમાં ગયો અને તુરતજ કોઈ એવી દવા લેઈ આવ્યો કે જે લેતાની સાથે ઝેર ઉતરી જવા લાગ્યું. દરદ બંધ થઈ ગયું. હોઠ ઉપરથી ભૂરો રંગ ખશી જવા લાગ્યો, અને ડોસો ગાઢ નિદ્રામાં જંપી ગયો. પેલા પરદેશીએ એની ઉપર ચાદર ઓરાઢી દીધી, અને હાથમાં દીવો લઈ ચારે તરફ જોવા માંડ્યું. આખા ઓરડાની ભીંતે એણે ઘણાં સરસ કારીગરીનાં ચિત્ર જોયાં; એક ગાંસડીમાંથી પણ તેવાંજ બીજાં મળી આવ્યાં. પણ ગાંસડીમાંનાં ચિત્રો ઘણાં ભયંકર તથા ભાત ભાતનાં દુઃખ વેઠતાં માણસની આકૃતિનાં હતાં તેથી કંટાળો પેદા કરતાં હતાં. આ છબીઓનાં વદન પણ એવા આકારના બનાવ્યાં હતાં કે તે જોતાંજ મનમાં કમકમાટ છૂટે, કેમકે ક્રૂરતાથી કરીને મોતના જેટલા આકાર કરી શકાય તે બતાવવાનો આ આકૃતિઓમાં પ્રયત્ન કરેલો હતો અને નીચે વળી લખેલું હતું કે “બડે સાહેબોનું સ્વરૂપ.” પુસ્તકો પણ જથા બંધ ગોઠવી રાખેલાં હતાં; નાસ્તિક અને ચાર્વાક તથા બૌદ્ધ લોકના ગ્રંથો તેમાં ઘણા જોવામાં આવતા હતા. એક ગ્રંથ તો વચ્ચે મેજ ઉપરજ ખુલ્લો પડેલો હતો; તેના પાના ઉપરથી જણાતું હતું કે તે ચાર્વાક મતનો ગ્રંથ છે; કેમકે તે જે ઠેકાણે એ લોક ઇશ્વર નથી એમ સિદ્ધ કરે છે તે સ્થલે ખુલ્લો હતો.

મધ્ય રાત્રીનો વખત વીતીને પ્રભાત થવાની તૈયારી હતી તેવામાં કોઇ આવતું હોય તેમ પગલાં વાગવા લાગ્યાં. પેલો પરદેશી બીછાનાની બાજુ પરના એક ખુણામાં ભરાઇ ગયો, અને અંદર આવનારની નજરે પડે તેમ રહ્યો નહિ. જે માણસ હાલ ઉંચે પગે ધીમે ધીમો અંદર દાખલ થયો તે પોતાને ઘસાઇને ગયો હતો તેનો તેજ હતો. તે હાથમાં દીવો લઇ બીછાના તરફ ગયો, ડોસાનું મોં, અવળું પાસું બદલીને સુતો હતો તેથી ફરી ગયેલું હતું. પણ તે એવી શાન્તિથી સુતો હતો તથા તેના શ્વાસોચ્છ્વાસ એટલા ધીમા હતા કે પેલા માણસની ઉતાવળી તથા સાશંક અને ભય ભરેલી દૃષ્ટિએ તો આની નિદ્રા મરણવત્‌ જણાયા વિના રહી નહિ. આ જોઇને પેલો પાછો વળ્યો, અને મંદ મંદ હાસ્યથી તેના અંતર્‌ની ખુશી બહાર ઉભરાઈ જવા લાગી. તેણે ઝડપથી દીવો ગોખલામાં મૂકીને ખીસામાંથી એક કુંચી ખેંચી કાઢી તુરતજ એક પેટી ઉઘાડીને તેમાંથી સોનાની લગડીઓ ઉપાડવા માંડી. આ વખતે પેલો ડોસો જાગ્રત્‌ થવા લાગ્યો ને આળસ મરડી આમ તેમ જોવા લાગ્યો. ધીમે ધીમે ક્ષીણ થતા પેલા દીવા ભણી તેની નજર ગઈ. એવામાંજ એણે પેલા ચોરને જોયો કે તુરત બેઠો થયો અને ભય કરતાં પણ આશ્ચર્ય પામી બે ચાર ક્ષણ સુધી સ્તબ્ધ થઇ રહ્યો. ખાટલા પરથી નીચે કૂદી પડી આખરે તે બોલ્યો “ભલા ભગવાન્‌ : આતે સ્વપ્નું કે ખરી વાત ! તું ! અરે તુંજ જેને માટે મેં આજ સુધી પેટ બાળીને મેહેનત કરી તેજ–તું !”

પેલો ચોર આ સાંભળીને ચમક્યો તેવું તેના હાથમાંથી સોનું જમીન ઉપર પડી ગયું. “વાહ ! હજુ પણ તું નથી મુઓ કે ! શું ઝેરથી પણ કાંઈ ન થયું !”

“ઝેર ! અરે છેકરા !” એમ બોલતાંજ ડોસાએ પોતાનું માથું કૂટવા માંડ્યું, અને એકદમ જોસમાં આવી કહેવા લાગ્યો “કાળીયા ! મારા કાળા ! તું ઝેર એ બોલ નથી બોલ્યો એમ કહે, તારી નજરમાં આવે તો મારૂં સર્વસ્વ લઇ જા અને સાફ કરી નાખ, પણ જે ફક્ત તારે માટેજ આજ સુધી જીવ ધારણ કરી રહ્યો છે તેને તું આમ મારવાની યુક્તિ કરે છે એવું ના બોલ. લે લે આ રહ્યું મારું બધું દ્રવ્ય અને સોનું. મેં તારા સિવાય બીજા કોઈ માટે એ ભેગું કરેલુંજ નથી. જા જા તારું કાળું કર.” આટલું બોલીને ડોસો જમીન પર ઢળી પડ્યો અને જે ખૂની થોડી પળ આગળ એનાથી દબાઈ ગયો હતો તેના પગ આગળ દુઃસહ મનોવ્યથાને લીધે લોટવા લાગ્યો. પેલો ચોર એના તરફ ઘણી તિરસ્કાર ભરી નજરે કરડે હૈયે જોઈ રહ્યો હતો.

“અરે દુષ્ટ ! મેં તારું શું બગાડ્યું ? નિરંતર તારા ઉપર પ્રેમ રાખીને તને ઉછેર્યો તેજ કે બીજું ! તારે માબાપ હતાં નહિ, તારે કોઇ સગું વહાલું પણ ન હતું, મેં તને સાચવ્યો, તને પાળ્યો અને મારો પુત્ર કરી લીધો. મને લોક કૃપણ કહેતા હશે, પણ તું મારો વારસ મારા મુવા પછી ભૂખે ન મરે તેથીજ. મારા મુવા પછી તને મારું સર્વસ્વ મળ્યું હોત પણ તારાથી રહેવાયું નહિ. હુ થોડા માસ કે દિવસ જીવ્યો હોત તો તારા જેવા જવાનને શી હરકત હતી. આટલું આટલું કરતાં મેં તારું શું બગાડ્યું હતું !”

“તું હજુ પણ મરતો નથી, તેમ તે દ્રવ્ય મને આપવાનું પણ કરતો નથી તે.”

“અરે પ્રભુ ! રે ભગવાન્‌ !”

“મેલ પૂળો તારા પ્રભુ ને ભગવાન ઉપર ! બેવકૂફ ! તેં મને મારા બાલપણથીજ ઇશ્વર નથી એમ નથી કહ્યું ! તેં મારા મગજમાં ફક્ત બુદ્ધિ અને દલીલને પૂજવાની વાત નથી ભરી રાખી ! જે વિશ્વાસ અને ભક્તિ તેં મને શીખવ્યાંજ નથી તે તારા પ્રતિ હું ક્યાંથી લાવીને બતાવી શકું ? તેં શુ એમ પણ નથી સમજાવ્યું કે સદાચાર, ભલાઇ, ન્યાય એ સર્વ માણસના ભલા માટેજ પાળવાનાં છે. બાકી મુવા પછી તો કાંઈ નથી. માણસને સારું ! મારે માણસ જાતિ ઉપર પ્રીતિ રાખવાનુ શું પ્રયોજન છે ? ભયંકર અને વિલક્ષણ આકૃતિની મનુષ્ય જાતિ તો રસ્તે જતાં મારો ઉપહાસ કરે છે; તું પૂછેછે તે મારું શું બગાડ્યુ છે ? તેં મને આ જગત્‌માં સર્વના ઉપહાસનો વિષય બનાવી મૂક્યો છે, અને હવે પછીના જગત્‌ની આશા તો મારા મનમાંથી પણ કાઢી નાખી છે. બોલ એ થોડું દુઃખ છે ! શું પુનર્જન્મ નથી ? તો ઠીક છે, બીજી જીંદગી ભલે નથી, જે છે તે તો સુખેથી તારું દ્રવ્ય લેઈ જઈને નિર્ગમન કરું.”

“અરે રાક્ષસ ! તારા અપકારને માટે તારો વિનાશ થશે તારું–”

“ચાલ ચાલ ! તારા શાપ કોણ સાંભળે છે ? તને તો ખાત્રીજ છે કે ઈશ્વર છે નહિ, પછી શાપ કેવા ? સાંભળ, મેં અહીંથી પલાયન કરવાની બધી તૈયારી કરી રાખી છે; મારે માટે ઘોડા બહાર ઉભેલા છે, અને આગળ પણ સામગ્રી હાજર છે. અને હવે તારું દ્રવ્ય પણ મળેલું છે.” આટલું બોલીને પેલા દુષ્ટે સોનાની મોહોરો અને લગડીઓ ઉપાડવા માંડી; ને વળી બોલ્યો “ને કદાપિ હું તને હવે જીવતો રહેવા દઉં તો તું મારી પાછળ માણસ નહિ દોડાવે તેની પણ શી ખાત્રી ?” આમ બોલતો કાલ જેવું કરાલ મોં કરીને તથા મારવાને હાથ લાંબા કરીને તે આગળ આવ્યો.

પેલો ડોસો ક્રોધમાંથી કેવલ ભયમાં દબાઈ ગયો ને પેલા ઘાતકી ખુનીની આગળ જવા લાગ્યો. “મને મારીશ નહિ, મારીશ નહિ કે–કે–”

“કે–કે શું ?”

“કે હું તારાં કર્મ ભુલી જઇને પણ સુખે પડી રહું. તારે મારા તરફથી કાંઈ ભય રાખવાનું કારણ નથી. હું શપથ લઇને કહું છું.”

“શપથ ! પણ તું કોના અને કીયા દેવ આગળ શપથ લઈ શકે ? તું જેમ કોઈ ઈશ્વરને માનતો નથી તેમ હું પણ તારું કહેવું માનતો નથી. તારુંજ કર્યું તારે હૈયે વાગે છે !”

એક ક્ષણમાં પેલા ખુનીના હાથે ડોસાનું ગળું ભાંગી નાંખ્યું હોત, પણ એ ખુની તથા ડોસાની વચ્ચે એકાએક બન્ને જણ જેને માનતા ન હતા તે દુનીયાંમાંથી જ આવ્યો હોય તેમ એક જણ આવી ૫ડ્યો–ભવ્ય તેમજ બલવાન્, તેજોમય તેમજ કાન્તિમાન,

ખુની પાછો પડ્યો, ને પેલા પુરૂષની સામું જોતાંજ થરથર ધ્રૂજતો ઓરડામાંથી નાશી છૂટ્યો. પેલો ડોસો મૂર્છાવશ થઇને જમીન પર ઢળી પડ્યો.