← પ્રિયતમે બતાવેલું વૃક્ષ ગુલાબસિંહ
નવો આશક
મણિલાલ દ્વિવેદી
પ્રેમની તાણાતાણ →




તરંગ ૨.

પ્રકરણ ૧ લું.

નવો આશક.

એક રાત્રીએ ખુશનુમા ચાંદનીમાં દીલ્હી શહેરની એક વાડીએ કેટલાક મિત્રોની મંડલી કોઇ ઘટાદાર વૃક્ષ નીચે બેશી ભાંગ, દૂધ વગેરે પીતાં વાતના તડાકા મારતે મારતે કે વચમાં વચમાં ગાયનના ઝીણા તાનમાં ઝુક્તે ઝુકતે મોજ કરી રહી હતી. આ મંડલીમાં અંબરથી આવેલા એક જવાન પણ હતો. પૃથુરાજાના આશ્રયથી ધણાક કલાવંત લોકોનો નિર્વાહ થતો એટલે એની પાછળ પાછળ યપુર, અંબર આદિ સ્થાનેથી ઘણાક કુશલ લોકો દિલ્હીમાં આવતા. આ માણસ પણ એક બે મિત્રો સાથે જયપુરથી આવ્યો હતો. જો કે એ અત્યારે આખા મંડલના આનંદરૂપ હતો તથાપિ થોડો વખત થયાં કાંઈ વિચારમાં ગુમ થઈ ગયેલો જણાતો હતો. એજ મંડલમાંનો કોઈ એનો દેશી એની આવી સ્થિતિ જોઈને એની પીઠે હાથ ફેરવી બોલ્યો “કેમ લાલા! શું છે ? તને કાંઈ થાય છે? ગભરાઈ કેમ ગયો છે ? ધ્રૂજે છે કેમ? તને ટાઢ ચઢી આવી છે? તેમ હોય તો બહેતર છે કે તું ઘેર જા. આ ગામની ઠંડી રાત્રી આપણા શરીરને માફક આવતી નથી.”

“કાંઇ નહિ. હવે મને સારું છે. મારા મનમાં કાંઈક ધ્રૂજારો ભરાઈ ગયો હતો, પણ શાથી ? તે સમજાતું નથી.”

ત્યાં બેઠેલા સર્વ કરતાં વધારે ભવ્ય આકૃતિવાળો આશરે ત્રીસેક વર્ષની ઉમરે પહોંચેલો કોઈ જવાન એકદમ લાલાજીની તરફ નજર કરીને જોવા લાગ્યો. “તમે જે કહો છો તે હું સમજ્યો હોઉં એમ મને લાગે છે.” તે હસતે વદને બોલ્યો “અને તમારા કરતાં તેનો હું વધારે સારો ખુલાસો આપી શકીશ એવી મને ખાત્રી છે.” મંડલીમાંના સર્વ તરફ જઈને કહેવા લાગ્યો કે “ભાઈઓ ! તમને સર્વેને અનુભવ તો હશે જ કે કોઈ રાત્રીએ જ્યારે આપણે એકાંતમાં બેઠા હોઈએ છીએ, તે વખતે કોઈ પ્રકારની અપૂર્વ અને અનિર્વચનીય વૃત્તિ આપણાં અગેઅંગને ભયથી ટાઢાં કરી નાખે છે; આપણી નાડીઓ ચાલતી બંધ પાડી દે છે, અને આપણા હૃદયનો ધબકારો પણ પૂરો સાંભળવા દેતી નથી; શરીર ધ્રુજવા મંડે છે, રૂઆં ઉભાં થઈ જાય છે, જ્યાં જોઈ રહ્યા હોઈએ ત્યાંથી દૃષ્ટિ ઉઠાવતાં અથવા ઓરડાના અંધારા ખુણા ખોચરામાં નજર કરતાં દીલ ડરે છે; અને કોઇક અમાનુષી સત્તા આપણી આગળ ખડી છે એવી ભયકર કલ્પના થયાં કરે છે. એકજ ક્ષણમાં આ બધી મોહિની લુપ્ત થઈ જાય છે, અને આપણને આપણી નામરદાઈ ઉપર તિરસ્કાર આવે છે. આ જે ભાગુંટુટું વર્ણન હું કરી ગયો તેનો અનુભવ તમને નથી થયો શું ? જો થયો હોય તો તમે સહજમાં સમજી શકશો કે આ આપણા મિત્રને આ આનંદને પ્રસંગે પણ શું થઈ આવ્યું હતું.”

“મારા મેહેરબાન !” લાલાએ ઘણાં આશ્ચર્યસહિત કહ્યું “મારા મનમાં જે થથરાટ પેશી ગયો હતો તેનું તમે યથાર્થ વણન કર્યું છે, પણ મને નવાઇ એ લાગે છે કે મારી સહજ ચેષ્ટા ઉપરથી તમે મારા અંતર્‌નો ભાવ આટલી સૂક્ષ્મ રીતે કેમ સમજી શક્યા ?”

પેલા અજાણ્યા માણસે ગંભીરતાથી જવાબ દીધો “માણસના શરીરમાં જ્યારે કાંઇ પ્રવેશ કરે છે ત્યારે હું સમજી શકું છું, મને જે અનુભવ છે તેવા અનુભવવાળા કદાપિ પણ આ વાતમાં ચૂક કરે નહિ.”

લાલાનો દેશી ભાઈ રામલાલ જે પૂર્વે બોલ્યો હતો તે કહેવા લાગ્યો કે “ભાઈ આપણા લોક તો એમ કહે છે કે આવું થાય ત્યારે કાંઇ વળગાડ જાણવો !”

“દેશેદેશમાં આ સાધારણ વાતના જુદીજુદી રીતિના ખુલાસા માલુમ પડે છે,” પેલો અજાણ્યો ગૃહસ્થ બોલ્યો “આરબો માં કેટલાક એમ માને છે કે એવી વેળાએ આપણા અથવા કોઇ નિકટ સ્નેહીના મરણનો કાલ ઈશ્વર નક્કી કરવા બેઠો છે. હબશી લોકમાં વળી એમ મનાય છે કે એ વખત તો યમના દૂત આવીને આપણી ચોટલી પકડી ખેંચે છે. આમ બધે આવી વાતનો કાંઇ વિલક્ષણ અથવા ભયંકર ખુલાસો સર્વ લોક આપે છે.”

આ સાંભળી દીલ્હીનો એક ઉગતો જવાન બોલી ઉઠ્યો કે “એમાં તે શું મહોટી મહોટી ગપ્પો મારો છો, શરીરમાં કાંઈ વિકાર થઇ આવે તો એમ પણ લાગે !”

“એમ હોય તો હંમેશ ભિન્નભિન્ન દેશના લોકોમાં પણ આ બનાવનો કાંઇક વેહેમ ભરેલો ખુલાસો શા માટે ઉત્પન્ન થઈ આવ્યો હશે ? સર્વેએ આપણા સ્થૂલ શરીર સાથે આપણી દૃષ્ટિએ નથી પડતાં તેવાં પ્રાણીનો સંબંધ શા પરથી કલ્પ્યો હશે ? હું તો એમ ધારું છું કે ”—

લાલાએ બહુ આતુરતાથી વચમાં કહ્યું “હાં ભાઈ શું ધારો છો ! બોલો !”

“એમ ધારું છું કે એમ બને છે તેવામાં તો આપણી પ્રકૃતિમાંનો સત્ત્વાંશ, જે કાંઈ અદ્રશ્ય પણ આપણને પ્રતિકુલ છે, તથા જેનું દર્શન આપણી ઇન્દ્રિયોની અપૂર્ણતાને લીધે સારા ભાગ્યે થઈ શકતું નથી, તેથી ઢંકાઈ જઇ મલિન થઈ જતાં, તામસી સત્ત્વોના પ્રભાવથી અંગ કંપે છે.”

“ત્યારે તો તમે ભૂતપ્રેતના વેહેમમાં ફસાયલા જણાઓ છો.” રામલાલે કહ્યું.

“નહિ નહિ, ભૂતપ્રેતની હું વાત કરતો નથી, પણ જેમ આ હવામાં કે પેલા ફુવારામાં ઉડી રહેલું છે તે જલમાં, આપણી દૃષ્ટિએ ન ચઢે તેવા અગણિત જીવ છે, તેમ તેવાંજ અદૃશ્ય પણ પ્રકૃતિમાંથીજ ઉત્પન્ન થયેલાં બીજાં સ્થૂલ સૂક્ષ્મ શરીર પણ કેમ ન હોય ? જલના સૂક્ષ્મ બિન્દુમાં પણ પોતાથી નાનાં જંતુને ખાઉંખાઉં કરી રહેલો જે રાક્ષસ રહી શકે છે તેનો ક્રોધ કે તેની ક્રૂરતા પ્રત્યક્ષ જણાતા વાઘ કે સિંહની ક્રૂરતા કરતાં ઓછાં સમજવા નહિ. એવા પણ કરોડો પદાર્થ હશે કે જેમની સત્તામાત્રજ માણસને હાનિકારક હશે, છતાં આપણાં અને તેમના બંધારણમાં ફેરફાર રાખી ઈશ્વરે અન્યોન્યની વચ્ચે પડદો રાખ્યો છે એજ ઠીક કર્યું છે.”

“ત્યારે શું” લાલાએ વચમાં પ્રશ્ન કર્યો “તમે એમ ધારોછો કે આ પડદો કદાપિ પણ ખશેડી ન શકાય તેવો છે ? ને એમ હોય તો જાદુગર અને માંત્રિકોની વાતો બધી ગાંધર્વનગરમાત્રજ છે ?”

“એમ હોય અથવા નએ હોય; તથાપિ આ જમાનામાં જ્યાં બુદ્ધિ સર્વશિરોમણિ થઈ બેઠી છે, ત્યાં એવો બેવકૂફ કોણ હોય કે જે પોતાની અને એવા મહા ભયંકર અજગર તથા સિંહની વચ્ચે આવેલા પડદાને ખશેડવા તત્પર થાય ? જે નિયમથી વિકરાલ મગર અને મચ્છ સમુદ્રમાંજ પૂરાઈ રહે છે તે નિયમને ઉલટાવવાની મરજી કોણ કરે ? એવી ગપસપમાં કાંઈ માલ નહિ.”

આમ કહેતાંજ પેલો અજાણ્યો ગ્રહસ્થ ઉઠ્યો અને સર્વને રામરામ કરી પોતાને રસ્તે પડ્યો.

લાલાએ ઘણી આતુરતાથી પૂછ્યું “આ કોણ છે ?” પણ સહુ જવાબ દીધા વગર એકેકની સામે જોઈ રહ્યા.

છેવટ રામલાલે કહ્યું “મેં તો એને કદાપિ જોયો નથી.”

“મેં પણ નહિ.”

દીલ્હી શહેરનો જે જવાન હાલ આ મંડળમાં મળી ભૂતપ્રેતની વિરુદ્ધ શંકા કરતો હતો તે આપણો જાણીતો હમીર હતો; તે બોલ્યો કે “ હું એને સારી પેઠે ઓળખું છું. તમને સર્વેને યાદ હશે કે એ મારી સાથેજ અહીં આવ્યો હતો. આજથી બેએક વર્ષ પર એ દીલ્હીમાં આવ્યો હતો, તે પાછો આજ આવ્યો છે. એ ઘણો પૈસાવાળો છે, અતિશય દ્રવ્યનો માલીક છે માણસ પણ પૂરો મીલનસાર છે. આ પ્રમાણે આજ એને વાતો કરતો જોઈ હું દિલગીર છું; કેમકે એના વિષે મૂર્ખ લોક જે આડી અવળી ગપ્પો ચલાવી રહ્યા છે તેમાં આથી કરીને વધારો થાય તેવો સંભવ છે.”

એક બીજો દીલ્હીનિવાસી બોલી ઉઠ્યો “એ તો ઠીક; પણ હમીર ! તારા પોતાના અનુભવમાં આવેલી એની તે દિવસની બીનાથી જે વાતનો તું નિષેધ કરે છે તે જ સાબિત નથી થતી શું ?”

લાલાએ એ સાંભળી કહ્યું કે “અરે યારો ! હું અને આ મારો દોસ્ત રામલાલ આખો દિવસ ઘરમાં ને ઘરમાં ભરાઈ રહીએ છીએ ને અજાણ્યા હોવાથી કહીં બહાર જતા નથી એટલે અમે તે કાંઈ જાણતાજ નથી. હમીર ! શી વાત છે તે તો કહો !”

“ભાઈ ! લોક તો એ ગુલાબસિંહનામાં કાંઈ ચમત્કાર ધારે છે. પોતાનામાં એવું સામર્થ્ય હોય તો સર્વે રાજી થાય, પણ સામાનામાં હોય તે, જાણોજ છો તો, ખમી ન શકાય. એટલે પછી ભૂત ને પ્રેત ને મંતર ને જંતર ને સાધનામાં ગપ્પાં ચલાવી બીજાને હલકા પાડવાની યુક્તિઓ રચે. આ ભાઇ જે વાત કરે છે તેમાં પણ આવી જ જાતનો કોઈ ચમત્કાર લાગે છે. તમે સર્વે રમતા તો હશોજ, (સર્વેએ હા કહી) હું એક દિવસ રમતમાં ચઢ્યો તે જેટલા પૈસા પાસે હતા તે તમામ આંકી ચૂક્યો તે આખરે ખાલી થઇ ગયો. નિરાશ થઇને ઉભો થયો તેવો મેં ગુલાબસિંહને જોયો. મારે ને એને પીછાન તો આગળથી થયેલું હતું, એટલે એણે મારો હાથ પકડીને કહ્યું હમીર ! તમે ઘણું હારી ગયા એથી હું દિલગીર છું, મને તો રમવાની ટેવ નથી, પણ જો તમે આટલા પૈસા લેઇને મારે માટે રમો તો નુકશાન થાય તે મારે માથે ને નફો આપણે અર્ધો અર્ધ. હું પણ મને જીતનાર ઉપર વેર વાળવા તલપી રહેલો એટલે ગુલાબસિંહ પાસે નફો નુકસાન બન્ને અર્ધો અર્ધ કબુલાવી રમવા લાગ્યો. ગુલાબસિંહ મારી પાસે બેઠો ને મેં આંકવાનું શરૂ કર્યું. હું તો એકી સરતે જીતવા જ લાગ્યો ને આખરે સર્વેનાં ખિસ્સાં ખાલી કરાવી ઉભો થયો, રમનારમાંનો એક જણ ગુલાબસિંહ ઉપર કરડી નજર કરીને, એણે કાંઈ દગો કર્યાથી હું જીત્યો, એવું ધારી તકરાર કરવા લાગ્યો. ગુલાબસિંહ શી અજબ તરહની ધીરજ રાખી રહ્યાં છે ! એક અક્ષર પણ બોલ્યો નહિ, ફક્ત એટલું જ કહ્યું કે ગમે તે લાભ થાય તો પણ હું એવું કરૂં તેવો માણસ નથી, અને દિલગીર છું કે રમવામાં એકના ખોયા વગર બીજો જીતી શકતો નથી. આ સાંભળી પેલો ઘણો ઉકળવા લાગ્યો ને હાથ પગ ઉછાળતો ગુલાબસિંહની સામે જઈ ઉભો. ગુલાબસિંહે બીજું કાંઈ ન કરતાં એના તરફ એવી દૃષ્ટિ કરી કે તેથી પાધરો બકરી જેવો થઇને પોતાની જગો ઉપર બેશી ગયો. ગુલાબસિંહ જોડે ન ફાવ્યું ત્યારે મને બાઝ્યો, ને આખરે મારામારી થતાં તરવારો પણ નીકળવાનો વખત આવ્યો. એ માણસને મેં તરવારનો કારી ઝખમ કર્યો, ને તેથી એ મુવો. તે પહેલાં ગુલાબસિંહે મને કહ્યું કે એ જાતનો મુસલમાન છે, એને પૂછી જુઓ કે એને એના બાપની નજીક દટાવું છે કે બીજે કહીં, મેં પેલાને જઇને આ પ્રમાણે પૂછ્યું, એના બાપનું નામ સાંભળતાં જ એણે ચીસ પાડી અને લોહીને મહોટો કોગળો ઓકીને તે મરણ પામ્યો. એને એના બાપની ભેગો દાટવા લેઈ ગયા, ને ત્યાં એના બાપની લાસ કાઢી જોતાં માથાની ખોપરીમાં એક ઝીણો લોઢાનો તાર ભોંકી દીધેલો જણાયો. ગુલાબસિંહે આ બધું ક્યાંથી જાણ્યું હશે તથા આ તારની મતલબ શી હશે તે મેં એને પૂછ્યું, પણ એણે તો ફક્ત એટલુંજ કહ્યું કે એ માણસે ગયે વર્ષે એના બાપને માથામાં વિષવાળો ઝીણો તાર ખોશી મારી નાખેલો ને તે વાત કોઇના જાણવામાં આવેલી નહિ. હું એક દિવસ કબરસ્તાનમાં કબરો વાળાનાં નામ સહજ પૂછતો હતો ત્યારે મને કોઈ ચાકર્‌ જેવાએ આ ખબર કહેલી. તમારો રમનાર સોબતી એ મરનારનોજ દીકરો થાય એ પણ રમતમાં મેં તેનું નામ સાંભળેલું તે પરથી ધારી લીધેલું.”

રામલાલ બોલી ઉઠ્યો કે “એમાં શું આશ્ચર્ય જેવું છે ?”

“ગમે તેમ હો, પણ અમે તો જરા વેહેમી ખરા એટલે આ બધી વાતમાં કાંઈક ચમત્કાર માનીએ છીએ. બીજે દિવસે એ વાત બધા ગામમાં ચુંથાઈ રહી, ને એને હજારો લોક જોવા ભેગા થવા લાગ્યા. મેં પણ તેને ઘણા સારા લોકો સાથે પિછાન કરાવી આપ્યું. એનું રૂપ, તથા એની સમૃદ્ધિ આ બેથી છીએ પણ ટોળે ટોળાં થઈ એને જોવા ભેગી થવા લાગી.”

રામલાલે જવાબ દીધો “બહુ સરસ વાત, એમાં શક નહિ. કેમ લાલા ! હવે તો છેક વહાણું વાવા આવ્યું ચાલ ઉતારા તરફ જઈએ.”

રામલાલ અને લોલો રસ્તે ચાલતા હતા, તેવામાં લાલાએ પુછ્યું “કેમ દોસ્ત ! આ ગુલાબસિંહનું શું ધાર્યું ?”

“એમાં શું ધારવાનું છે ? કોઈ પહોંચેલો ઠગ દેખાય છે, સિદ્ધસાધક વિના વાત બંધ બેસે નહિ. આ હમીર એનો ઢંઢેરો પીટે ને ગુણ ગાય ને પોતે જરા ઠાવકું મોં રાખીને વાત કરે એટલે પછી બધું ચાલ્યું જાય.”

“ના, મને એમ લાગતું નથી. રજપૂતનો દીકરો ને તે પણ બહાદુર. કાબેલ તથા પૈસે પરિપુર્ણ એવો હમીર આવા જુઠાણામાં હાથ ઘાલે નહિ, તેમ ઠગારા લોક જેવો ડોળ રાખે છે તેમાંનું આ ગુલાબસિંહની શાંત તથા શરમાલ પ્રકૃતિમાં કાંઈ જણાતું પણ નથી.”

“તને હજુ દુનીયાંનો અનુભવ નથી. એ પરદેશીનાં ચેહેરોને આકૃતિ જરા ભવ્ય છે, તેનો એ થાય તેટલો ઉપયોગ કરે છે ને શરમ ને શાંતિ એ ઠગાઈનાં ભાઈ બેહેનજ સમજવાં. બેઠાં પાણીજ ઉડાં વહે છે. પણ મરશેએનું આપણે શું કામ બળ્યું છે !- કેમ તારી પ્યારી શું કરે છે ?”

“આજ તે રમા મને મળી શકી નહિ.”

“જોજે એને પરણવાનો વિચાર કરતો, જયપુરમાં લોક શું કહેશે ?”

“અરે યાર ‘જો હાજર સો હુઝુર’ –આપણે જવાન છીએ, પૈસાવાળા છીએ ને વળી દેખાવડા છીએ, તો આજ જે થાય તે તો કરો, કાલની વાત કાલે છે.”

“રંગ છે લાલા ! આ આપણો ઉતારો આવ્યો, જા હવે જઇને સુઈ રહે; ગુલાબસિંહની વાત મનમાંથી કાઢી નાખજે.”