ગુલાબસિંહ/તરંગ ૨:પ્રેમની તાણાતાણ

← નવો આશક ગુલાબસિંહ
પ્રેમની તાણાતાણ
મણિલાલ દ્વિવેદી
પ્રેમતૃપ્તિના અંકુર →


પ્રકરણ ૨ જું.

પ્રેમની તાણાતાણ.

જવાન લાલા પાસે દોલત હતી; ઘણી નહિ, પણ કોઇના એશીઆળા થયા સિવાય આનંદમાં રહી શકાય તેટલી તો ખરી, એનાં માબાપ ગુજરી ગયાં હતાં અને એનાં સગાંમાં પોતાનાથી ઘણી નહાની એક બહેન હતી; તેને જયપુરમાં પોતાની કાકીને સોંપેલી હતી. નાનપણથી જ લાલાને ચિત્રકલાનો ઘણો શોખ હતો. આમાં એણે કેવલ શોખની ખાતર પણ કેટલીક માહિતી સારી મેળવી હતી. લાલાજી ઘણો બુદ્ધિશાલી છે એમ એના મિત્રો ધારતા, તેમ તે ઘણો ઉતાવળીઓ અને ઝંપલાવી પડે તેવો છે એમ પણ સમજતા. એને કોઇ બાબત પર ટકીને મેહેનત કરવી પસંદ પડતી નહિ; અને એનું મન બીજ રોપવા કરતાં એકદમજ ફલ ખાઈ જવાની આશામાં વધારે ભમ્યાં કરતું. કારીગર અને એવા ધંધાદારીની સાધારણ પ્રકૃતિ પ્રમાણે એ પણ મોજ મઝા અને તોફાનમાં આનંદ માનતો, અને જે કાંઇ વાત પોતાની કલ્પનામાં ઉતરે અથવા પોતાના હૃદયને ગમતી આવે તે તરફ વગર વિચારે ઘૂમતો. પોતાને જે બાબતનો શોખ હતો તેમાં વિશેષ ચાતુરી મેળવવા માટે હિંદુસ્તાનમાં પ્રખ્યાત પ્રખ્યાત શેહેરોમાં એણે ખરા ઉમંગથી મુસાફરી કરી હતી. પણ સર્વ સ્થલે ચાતુરી કરતાં એની શોકીન પ્રકૃતિ વધારે પ્રબલ થઈ પડતી, અને નિર્જીવ ચિત્રના કાગળ ઉપરથી એની દૃષ્ટિ વારંવાર જીવતા નમુનાઓ તરફ ખેંચાઈ જતી, હિંમતવાન્, સાહસિક, મગરૂર, અસંતોષી તથા સર્વ વાતમાં માથું મારવા તૈયાર રહેનાર લાલો નિરંતર ગમે તેવા અનિયમિત તરંગ ઉડાવ્યાં કરતો, અને મનમાં જેવી કલ્પના થાય તેવી પ્રવૃત્તિ કરતાં પણ પાછો હઠતો નહિ.

આ સમયે મુસલમાન લોકનાં ટોળાં વાયવ્ય દિશા તરફથી હિંદુસ્તાનની રસાલ ભૂમિ ઉપર તૂટી પડવા સારું વરૂની પેઠે ટાંપી રહ્યાં હતાં, તેથી આખા દેશમાં ભય અને ઉદ્વેગ દાખલ થઈ બધે અસ્વસ્થતા પ્રસરી રહી હતી. આવા પ્રસંગોમાં વિવિધ પ્રકારની સાચી જૂઠી કલ્પિત વાતો ચાલી રહે છે, ને કોઈના અકસ્માત્ બચાવની તો કોઈના મહા દુર્ધર્ષ પરાક્રમની કથાઓ કાને કાને ફરે છે. ભૂત, પ્રેત, મંત્ર, જંત્ર, જે જે માણસની કલ્પના સ્વરક્ષણાર્થે ખડું કરી શકે, તે સર્વે છૂટથી ચારે તરફ ઘૂમવા મડે છે ને નિર્બલ મનના માણસો ડરી ડરીને હેરાન થઈ જાય છે. લાલાએ પણ પોતાની મુસાફરીમાં ફરતે આવી હજારો વાત સાંભળેલી હતી, તેથી એનું મન ગુલાબસિંહ જેવા અકલ માણસે પોતાની ઉપર જે અસર કરી હતી તે અસર પામવાને તૈયાર થઈ રહેલું હતું. લાલાના આવા ભોળા સ્વભાવનું કારણ બીજું પણ કલ્પી શકાતું હતું. એના મોસાળ પક્ષનો કોઈ વડો મહા તવજ્ઞાની તથા કીમીયો વગેરે જાણનાર તાન્ત્રિક તરીકે પ્રસિદ્ધિ પામ્યો હતો; અને તેના વિષે તરહવાર વાતો ચાલતી હતી. એમ માનવામાં આવતું હતું કે માણસના સાધારણ આયુષ્ય કરતાં એ વિશેષ જીવ્યો હતો અને છેક મરતા સુધી કેવલ જવાન જણાતો હતો. આ યોગીના રચેલા ગ્રંથ દુર્લભ છતાં પણ લાલાના ઘરમાં મોજુદ છે, એમ કહેવાતું હતું, તેમાંની યોગની તથા સિદ્ધિની અને એવી જ બીજી વાતો વાંચી વાંચીને લાલાનું મન પલળી ગયું હતું. એનાં માબાપ, ચાલતા જમાનાનો સુધારો એના મનમાં આવા વિચાર દાખલ નહિ થવા દે એમ માની એના અભ્યાસમાં અડચણ ન કરતાં એટલું જ નહિ, પણ રાતે વાળું કર્યા પછી એની સાથે પોતાના પૂર્વજની વાત કરતાં; અને એની મા જ્યારે લાલાને કહેતી કે તું તારા દાદા જેવોજ થશે ત્યારે લાલાને ઘણી અસાધારણ ખુશી પેદા થતી.

લાલાને મોજ મઝા ઘણી પસંદ પડતી એ આપણે કહી ગયા છીએ. દીલ્હી શહેરની તમામ ગંમતો લાલો પેટ ભરીને ભોગવી રહ્યો હતો તેવામાં માના વદન તથા સ્વરની મોહિનીમાં એ સપડાઈ ગયો. પણ જેમ એનો શોખ અનિયમિત અને અસ્થિર હતો, તેમ એનો પ્રેમ પણ ધડા વગરનો હતો. એના આખા દિલમાં પ્રેમનું પુરું આવાહન થયું ન હતું, એનો આત્મા તન્મય બન્યો ન હતો; નહિ કે લાલાનામાં પ્રેમોત્પત્તિને અનુકૂલ ગુણ ન હતા, પણ તે ગુણ અદ્યાપિ પાકીને એટલે સુધી ગળ્યા ન હતા કે પ્રેમના ફૂટતા અંકુરને પુષ્ટિ આપવા તરફ હૃદયરૂપી જમીનના કસને વળવા દે. હજી હૃદયવાટિકમાંથી નિંદી નાખવા જેવું બહુ હતું. કલી આવવાની ઋતુ જુદી હોય છે અને ફૂલ આવવાની ઋતુ જુદી હોય છે, તેમ જ્યાં સુધી કલ્પનાની તરંગની કલીઓ ખરી નથી પડી ત્યાં સુધી, એ કલીઓ ઉપરથી જે ફળની આશા રાખી શકાય તે ફલ હૃદયરૂપી વૃક્ષ ઉપર પાકું થઈ શકતું નથી. ચિત્રની પીછી લઈને એકાંતમાં બેઠા હોય ત્યાં, અથવા પોતાના દિલોજાન મિત્રોમાં હોય ત્યાં, સરખી જ મઝા માનતા લાલાએ, હજુ ગાઢ પ્રેમનું માહાત્મ્ય સમજવા જેટલું દુઃખ વેઠ્યું ન હતું. માણસ સંસારની અમૂલ્ય વસ્તુની યોગ્ય પરીક્ષા કરી શકે તે પહેલાં, સાધારણ વસ્તુઓનો પરિચય થઈ તેનો નિર્વેદ કે તેની પરિપૂર્ણ પરિતૃપ્તિ પામવાની તેને આવશ્યક્તા છે. બાહ્યદૃષ્ટિથી કેવલ વિષયવાંછનાને જ પ્રેમ સમજનાર લોક પ્રેમને ગાંડાઈ મૂર્ખાઈ, મોહ ભલે કહે, પણ યથાર્થ સમજાય તો પ્રેમ સમાન જ્ઞાન કે ડહાપણ બીજા કશામાં નથી. પરંતુ લાલો આપણે ઉપર કહી ગયા તેવો છોકરવાદ હતો એટલું જ નહિ, પણ તે ચઢાઉ પણ તેવો જ હતો. પોતાને જે કલાનો શોખ હતો તેની કૃતાર્થતા, ઉપર ઉપરથી વગર વિચારે વાહવાહ કરનાર મુઠ્ઠીભર લોક, જેને આપણે જગત માની છેતરાઈએ છીએ, તેની સ્મૃતિ પામવામાં સમજતો ! પરંતુ આ ડાકણ જેવી સ્તુતિના તેજમાં કોની આંખ ઉઘાડી રહી શકી છે ? એની પાછળ રખડવામાં તો મોહોટા કવિઓ અને પંડિતોએ પણ મરણ પર્યંત્ અસંતોષ સિવાય બીજું ફલ લીધું નથી ! એનાથીજ પ્રેમના અમૃતમય પ્રવાહમાં વિષયનો ગુપ્ત ઝરો ફૂટી નીકળ્યો છે અને એનો તિરસ્કાર કરી પોતાના સત્ત્વ ઉપર તથા ખરા પ્રેમબલ ઉપર વિશ્વાસ ન રાખનાર મહા- દુઃખનાં પાત્ર બન્યાં છે.

બીજાને છેતરું છું. તેમ રખેને હું પોતે તો છેતરાતો નહિ હોઊં એમ લાલો પોતાના મનમાં વારંવાર ડરતો; માના નિર્દોષ માધુર્ય ઉપર પણ એને શક આવ્યાં કરતો. એક ગવૈયાની દીકરી સાથે લગ્ન કરવાની તો હિંમત ચાલે નહિ, તેમ તે કુમારિકાની લાજાલ પણ ભવ્ય આકૃતિથી તેની આગળ એ કરતાં બીજી કાંઈ વાત પણ કરી શકાય નહિ. આમ થવાથી મા અને લાલાનો સ્નેહ પ્રેમ કરતાં કેવલ માન અને પરસ્પર મમતાથી ઉત્પન્ન થયેલો જણાતો. રાસગૃહમાં તે નિરંતર જતો, લાગ આવે તો મા સાથે રંગભૂમિની પાછળ જઈ જરા વાતચિત પણ કરી લેતો, અને જે કાન્તિએ પોતાનું મન હરણ કરેલું હતું. તેનાં જુદી જુદી સ્થિતિનાં ચિત્ર કાઢી લઈ પોતાનું ખીસ્સું ભરતો. દિવસે દિવસે એના મનમાં શંકા અને અનિશ્ચયની વૃદ્ધિ થવા લાગી, પ્રેમ અને વેહેમ વચ્ચે એણે ઝોકાં ખાવા માંડ્યાં. આમ એની અવસ્થા કરવામાં કેવલ બૂઠી વૃત્તિનો એનો મિત્ર રામલાલ પણ. મદદગાર હતો.

આપણે વાત શરૂ કરી તે સાંજને બીજે દિવસે લાલો જમનાના કીનારા ઉપર ઘોડે ચઢીને એકલો ફરતો હતો. બપોર નમી ગયા હતા. એટલે સૂર્યનો તાપ જરા મંદ થઈ ગયો હતો, અને જમનાના તરંગોમાંથી ઝીણી પવનની ઠંડી લહર છૂટી રહી હતી. તેવામાં રસ્તાની એક બાજુએ રોપેલા પથ્થરના પાળીઆ આગળ નમી રહેલો કોઈ માણસ એણે દીઠો, અને પાસે જતાં ગુલાબસિંહ નજરે પડ્યો.

લાલાએ એને રામ રામ કરી પૂછ્યું કે “તમને કોઈ જૂનો લેખ સાંપડ્યો છે કે શું? આ રસ્તે તો એવા પથરા કંકરાની પઠે અથડાય છે.”

“ના ના ” ગુલાબસિંહે કહ્યું “હું તો એવા લેખની શોધમાં હતો કે જે સૃષ્ટિના નિર્માણ સમયથીજ રોપાયલો છે. અને જેને ઈશ્વર વારંવાર કરમાવે છે ને ખીલાવે છે.” આમ કહીને એણે ફીકા ભુરા રંગનો ફૂલવાળો નાનો છોડ લાલાને બતાવ્યો અને લાગલો તે પોતાના ખીસ્સામાં નાખ્યો.

“તમે તો વનસ્પતિની શોધ કરતા જણાઓ છો ?”

“હા.”

“મેં સાંભળ્યું છે કે વનસ્પતિનો અભ્યાસ પણ અતિશય આનંદકારક છે.”

“જે સમજે તેને તો ખરે એમજ છે.”

“ત્યારે શું એ વિષયનું જ્ઞાન ક્વચિત્ જ પરિપૂર્ણ થઈ શકતું હશે ?”

“કવચિત્ ? ગૂઢ જ્ઞાન તો હાલની કલાચાતુરીના ભપકા આગળ તથા ઉપર ચોટીઆ જ્ઞાનની બડાઈઓ આગળ સંતાઈ રહેલું છે, તમે એમ ધારો છો કે ઘણા કાલથી ચાલી આવતી વાત બીલકુલ પાયા વગરની છે. પર્વતના શિખર ઉપર જડી આવતાં શંખલા છીપલાઓથી પણ સિદ્ધ થાય છે કે દરીયો કયાં પહોંચ્યો હશે, તો આ વાતોમાંથી કાંઈજ સાર જડતો નહિ હોય ? આપણા લોકના મંત્ર તંત્ર એ શું છે? ફક્ત કુદરતી નિયમો–પણ વધારે બારીક નિયમો—નો અભ્યાસ. અગ્ન્યસ્ત્ર અને પવનાસ્ત્રની વાતો ગપ જેવી જણાય, પણ એમાં કાંઈ નવાઈ નથી, દંતકથાથી એમ પણ સંભળાય છે કે પોતાના શત્રુઓને ગમે તેટલે દૂરથી માત્ર ઈચ્છા વડેજ મારી નાખે એવા પણ સિદ્ધ થઈ ગયા છે. જે વનસ્પતિ પર તમે ચાલો છો તેમાં, યુક્તિથી કરી બતાવી શકાય તેવી માતબર બંદુક કરતાં પણ વિશેષ સામર્થ્ય હશે ! હાલના તમારા વૈદ્ય અને હકીમ નકામી ગણીને ફેંકી દે તેવી અમૂલ્ય વનસ્પતિ ભેગી કરવા માટે પૂર્વે ઋષિ મુનિઓ અત્રે આવતા ! કીમીયાના ચમત્કાર પણ એ ઓષધિને બલે થતા ને થાય છે. મને સ્મરણ છે કે અશોક રાજાના વખતમાં— *****

“પણ આ બધી વાતમાં શો સાર છે, કેવલ મારો ને તમારો બન્નેનો વખત ખરાબ થાય છે.” જરા વાર થોભી લાલા તરફ એકી નજરે જોઈ બોલ્યો “રે જવાન ! એમ ધારે છે કે ક્ષણમાં થઈ આવેલી જિજ્ઞાસામાત્રથીજ અતિશ્રમે પ્રાપ્ત કરેલું જ્ઞાન સાધ્ય થશે ? મારાથી તારું દિલ વર્તાય છે, તારે હું કોણ છું તે જાણવું છે; આ વનસ્પતિ સાથે તારે કાંઈ લેવા દેવા નથી ? પણ તું તારે રસ્તે જા, એ તારી ઈચ્છા કદી પણ પૂર્ણ થનાર નથી.”

“આ તરફના લોક જે વિવેક અને નરમાશ માટે પ્રસિદ્ધ છે તેમાંનુ તમારામાં તો કાંઈ જણાતું નથી. ધારો કે મને તમારી સાથે સ્નેહ કરવાની ઈચ્છા થઈ આવી, તો તમારે મારો તિરસ્કાર શા માટે કરવો જોઈએ?”

“હું કોઈનો પણ તિરસ્કાર કરતો નથી; જેને મારૂં ઓળખાણ કરવાની મરજી હોય તેને મારે સારી રીતે ઓળખવો જોઈએ, પણ મને ઓળખવાની તો તેણે આશા જ ન રાખવી. તમારે મારી સાથે સ્નેહ રાખવો હોય તો મારે ના નથી, પણ હું તમને પ્રથમથી જ કહું છું કે મારાથી દૂર રહેવામાં તમને વધારે લાભ છે.”

“તમે એટલા બધા ભયંકર હોવાનું કોઈ કારણ?”

“આ વિશ્વસંકલનામાં વારંવાર એમ બને છે કે માણસો પોતાની કૃતિ સિવાય પણ બીજાને ભયનું કારણ થઈ પડે છે. જ્યોતિષી લોક વ્યર્થ વાતો કરે છે તેમ હું તમારૂં ભવિષ્ય કહેવા ધારું તો કહી શકું કે મારો તમને ગ્રહ તમારા આયુષભુવન ઉપર કરડી દૃષ્ટિ રાખે છે. માટે તમારાથી બને તો મારા સંબંધથી દૂર રહો. આ હું તમને પ્રથમ કે આખર સર્વ વખતને માટે એક જ વાર સૂચના કરું છું.”

“તમે જ્યોતિષીની મશ્કરી કરતા હો એમ લાગે છે, પણ શબ્દો તો તેમના જેવા જ નિરર્થવત્ બોલો છો. હું નથી જુગાર રમતો કે નથી કોઈ સાથે તકરાર કરતો; ત્યારે પછી મારે તમારો ભય શા માટે રાખવો?”

“જેમ તમારી મરજી; મેં તો મારે કહેવું હતું તે કહ્યું.”

“વધારે સ્પષ્ટ રીતે કહું તો ગઈ રાત્રીએ તમે જે વાત કરી તેથી મારા મનમાં આનંદ પણ થયો અને ગુંચવણ પણ થઈ આવી.”

“મને તે વાતની ખબર છે. તમારા જેવા માણસના મન ઉપર કોઈ પણ અદ્ભુત વાતથી ઝટ અસર થાય છે.”

(લાલાના મનમાં જરા માઠું તો લાગ્યું, જો કે ગુલાબસિંહની બોલવાની રીતભાતમાં તેવું કાંઈજ હતું નહિ.) “મને લાગે છે કે તમને હું તમારો મિત્ર થવા યોગ્ય જણાતો નથી. ભલે. રામ રામ !”

ગુલાબસિંહે કંઈ પણ દરકાર વગર સામા રામ રામ કહ્યા, અને લાલાના ગયા પછી પાછો પોતાને કામે લાગ્યો.

તેજ રાત્રીએ લાલો હંમેશના રીવાજ મુજબ રાસભવનમાં ગયો. મા રંગભૂમિ ઉપર કોઈ અતિ ચિત્તાકર્ષક ભૂમિકાનું નિરૂપણ કરતી ઉભી હતી, તેને એક દૃષ્ટે નીહાળતો રંગભૂમિના પાછલા ભાગમાં ઉભો. બધા પ્રેક્ષકોના મુખમાંથી આવતા અનુમોદનના શબ્દે આખું ગૃહ ગાજી રહ્યું; જવાનીને વિષે સહજ જે ગર્વ તથા પ્રેમાંકુર હોય છે તેના આવેશમાં લાલો આનંદ પામતો મનમાં કહેવા લાગ્યો કે “આ ભવ્ય અપ્સરા હજુ પણ મારી થઈ શકશે.”

આવા મીઠા તર્કમાં લાલો ડુબી ગયો હતો, તેવામાં એના ખભા ઉપર કોઇનો સ્પર્શ થયો. થતાંજ ફરીને જુવે છે તો ગુલાબસિંહ ! “તમારે માથે મોહોટું ભય આવી પડેલું છે” તે બોલ્યો “આજે ચાલીને ઘેર જતા ના, અથવા જાઓ તો એકલા જશો નહિ.”

લાલો આશ્ચર્યમાંથી જાગ્રતું થતા પહેલાં તો ગુલાબસિંહ જતો રહ્યો હતો; ચારે પાસા જુએ છે તો એને દીલ્હી શહેરના કોઈ મોહોટા ઉમરાવ સાથે બેઠેલો જોયો. એટલે ત્યાં લાલાથી જઈ શકાયું નહિ.

મા આ વખતે રાસભૂમિમાંથી બહાર આવી, તેવોજ લાલો ઘણા પ્રેમથી તેનો આદર કરવા લાગ્યો. પણ મા પોતાની રોજની રીતિથી વિરદ્ધ પોતાના પ્યારા ઉપર મ્હોં મચકોડી ચાલતી થઈ. પોતાની વૃદ્ધ દાસી (જે રંગભૂમિ પર પણ સાથે જ રહેતી) તેને દૂર લઈ જઈ કહ્યું કે “અરે માડી ! પાછો એ તો અહીં આવ્યો જણાય છે - જે પરદેશી વિષે મેં તેને કહેલું તે. આખા પ્રેક્ષક વર્ગમાંથી એજ મને અનુનમેદન આપતો નથી ! ”

“એ કીયો ! એવો તે કોણ છે ? એનામાં અક્કલજ નહિ હોય, એવાનો તે વિચાર શો ?” રમા પેલી ડોશીને જરા આગળ તેડી ગઈ, અને એક સ્થલે બેઠેલા, આકૃતિથી અને કાંતિથી તથા પોતાના સાદા પહેરવેશથી સર્વમાં આગળ પડી આવતા પુરુષને બતાવવા લાગી.

"એવાનો તે વિચાર શો? એવાનો તે વિચાર શો ! હેં બુઢ્ઢી ! પણ એનો વિચાર ન કરવો એ તો જેને બુદ્ધિ ન હોય તેનાથી બને.”

એવામાં માને સુત્રધારે બોલાવી, તેથી દાસીને “એનું નામ શોધી કહાડજે” કહીને મા રંગભૂમિ પર લાલાને ઘસાઈને ગઈ.

જે ભૂમિકા હાલ ભજવતી હતી તે ઘણીજ હૃદયભેદક તથા પોતાની સર્વ શક્તિનું સામર્થ્ય એકત્ર કરે તોજ યથાર્થ નિરૂપિત થઈ શકે તેવી હતી. તમામ પ્રેક્ષકો એકે એક શબ્દ શબ્દ વિણી લેતા હતા, છતાં માની દૃષ્ટિ તો પેલો અડગ પ્રેક્ષક જ્યાં બેઠો હતો, ત્યાંજ ચોંટી રહી હતી. ગુલાબસિંહ બધું સાંભળતો હતો, જોતો હતો, પણ એના મોંમાંથી અનુમોદનનો એક શબ્દ પણ નીકળતો ન હતો; તેમ એનો સખ્ત તથા સહજ મીજાજ ભરેલો ચેહેરો જરા પણ નરમ પડતો ન હતો. મા જે ભૂમિકામાં હતી તે પ્રેમબદ્ધ પણ સામેથી પ્રેમ પામ્યા વિનાની કોઈ રસિક અંગનાની હતી, આ વખત માને પોતાની કૃત્રિમ ભૂમિકા નિરૂપણ કરતાં પણ હૃદયમાં જે ખરો આવેગ ચાલતો હતો તેવો કદાપિ થયો ન હતો. એનો અશ્રુપાત ખરા હૃદયના ઝરામાંથી વહેતો હતો, એનું દુઃખ સ્વાભાવિક હતું; બધું નીહાળતાંજ દયા થઈ આવ્યા વિના રહે નહિ તેવું હતું. પ્રેક્ષકોના ધન્યવાદની ધૂમ વચ્ચે માને કેવલ બેશુદ્ધ સ્થિતિમાં અંદર લઈ જવી પડી. સધળે વાહવાહની ગર્જના થઈ રહી, રંગભૂમિ પર પુષ્પની વૃષ્ટિ થવા માંડી. પુરુષો પોતાની આંખો લોહોવા લાગ્યા, સ્ત્રીઓ સંભળાય તેમ ડુસકાં ખાવા લાગી.

“અરે દોસ્તો !” દીલ્હીનો એક મહોટો ઉમરાવ બોલ્યો “આણે તો મારે રોમ રોમ અગ્નિ પેદા કર્યો. આજ રાતેજ એને લાવો. કેમ ફક્કડ ! તૈયાર છે કે ?”

“તૈયાર જનાબ—પણ પેલા જયપુરીઆનું?”

"ગધેડો છે, બેવકુફ બની ગયેલ છે, ભલે માથું ખુવે.”

“પણ રજપૂત છે, તપાસ થશે.”

“તું પણ બેવકુફ જણાય છે. મના નદી શું એટલી પણ ગહન નથી, અથવા પૃથ્વી એટલી પણ ઉંડી નથી કે એક લાશ છુપાવી નહિ શકે? આપણા મારા કાબેલ છે, ફૂટે તેવા નથી, ને મારૂં તો નામ કોણ દેનાર છે ? આજ રાતેજ બંદોબસ્ત કરો. ચોર લોકોએ મારી નાખ્યો—સમજ્યો કે નહિ? પાસે કાંઈ હોય તે લઈ લેજો એટલે એ વાત સાચી ઠરશે, ત્રણ માણસો લેઈને જા.”

નોકર તો ડોકું ધૂણાવતો “જો હુકમ” કહીને ચાલતો થયો.

દીલ્હી શહેરમાં તે દિવસે ગાડીઓ હાલના જેવી મળતી નહિ; તેમ જ્યાં હાલ ચાંદની ચોકની લજજત ખીલી રહી છે તેવા રસ્તામાં એ રાતને વખતે જવું ભય ભરેલું ગણાતું. માએ જે ગાડી રાખી હતી તે ન જડવાથી મા તથા એની દાસી વિચારમાં પડી ગયાં. લાલાએ પોતાની ગાડી આપવા કહ્યું, પણ રમાએ તેને કોણ જાણે શા અવર્ણ્ય કારણથી તિરસ્કાર કર્યો. લાલો નિરાશ થઈ વિચારમાં ચાલ્યો જતો હતો, તેવામાં દાસીએ ઉભો રાખ્યો, અને પોતાની બાઈનો મિજાજ ઠીક નથી કહી, આખરે માને જેમ તેમ સમજાવી ગાડી લીધી. લાલો એકલોજ ઉભો રહ્યો. તે જ વખતે ગુલાબસિંહની ગેબી સૂચનાનું એના મનમાં સ્મરણ થઈ આવ્યું. કોઈનો સંગાત કરવા માટે આસપાસ જોવા લાગ્યો, પણ કોઈ જાણીતું માણસ નજરે પડ્યું નહિ. એવામાં રામલાલનો અવાજ સાંભળી એ તેની તરફ ગયો, તો તે એનેજ શોધતો હતો, "ચાલ આપણે હમીરની ગાડીમાં સાથે ઘેર જઈશું,” રામલાલે કહ્યું.

"ભાઈ તેં મને શી રીતે શોધી કાઢ્યો ? તારો બહુ ઉપકાર થયો.”

"મને ગુલાબસિંહ રસ્તામાં મળ્યો. તેણે કહ્યું કે તમારો મિત્ર દરવાજા આગળ ઉભો છે, તેને એકલો ઘેર ન જવા દેશો. દીલ્હી શહેરના રસ્તા ભય ભરેલા કહેવાય છે. એ વાત થતી હતી તેવામાં હમીર મળ્યો. તેને મેં કહ્યું– પણ આ હમીર આવ્યા; ચાલો.”

હમીરના આવી પહોંચવાથી વિશેષ ખુલાસો થઈ શક્યો નહિ, પણ જેવો લાલો ગાડીમાં બેઠો તેવાજ એણે ચાર માણસને પોતાના તરફ ધારીને જોતાં દીઠા.

તેમાંનો એક બોલ્યો “અલ્યા ! પેલો જયપુરીઓ ! પેલો-" તે લાલાએ સાંભળ્યું. પણ સહીસલામત ઘેર પહોચી ગયો.

પોતાના જ હાથમાં ઉછરેલી તથા માબાપ વિનાની મા એકલી, તેથી એની દાસી એના ઉપર ઘણી મમતા રાખતી હતી. સ્ત્રીઓના હૃદયમાં જે વિકાર થઈ આવે છે તેનો આ દાસીને ઘણો અનુભવ હતો, ને તેના બલે તે એક દિવસ જ્યારે મા રાસભવનમાંથી ઘેર આવી રોવા લાગી, ત્યારે તેના પેટની વાત એટલે સુધી કઢાવી શકી હતી, કે એનું રોવું પોતે જોયેલો કોઈ એક ગૃહસ્થ હાલ બે વર્ષથી ફરી જણાતો નથી તેને માટે છે. સૂક્ષ્મ વૃત્તિઓના વિવિધ આવિર્ભાવ તો એ દાસીના સમજવામાં આવ્યા નહિ, પણ કોઈ પ્રેમનું ચેટક લાગ્યું છે એ નિર્ણય તે કરી શકી. આ બાબતમાં આ દાસી રમાની બહુ દયા ખાતી અને પોતાથી બને તેટલો દિલાસો આપી મદદ કરતી.

“પેલો કોણ હતો એ જાણ્યું કે ?” રમાએ પૂછ્યું.

“હા. એ તો પ્રખ્યાત ગુલાબસિંહ, જેના ઉપર આખા ગામની બાયડીઓ ગાંડી થઈ છે તે. કહે છે કે ઘણો પૈસાદાર છે. પણ લાલાજી—”

“બસ ગુલાબસિંહ ! લાલાનું નામ ન દે.”

આ વખતે ગાડી રમાના ઘર ભણીના એકાન્ત ભાગ તરફ વળી, તેવીજ એકદમ અટકી. દાસીએ બારી બહાર ડોકીયું કર્યું તો ઝાંખી ચાંદનીથી માલુમ પડ્યું કે ગાડીવાનને કોઈએ પકડી ને બાંધી રાખ્યો છે. એ જોતી હતી તેવામાં તો કોઈ મહોટો લાંબો માણસ માટે માથે બુરખો ઓઢીને ગાડીનું બારણું ઉપાડી ઊભો રહ્યો.

"બીહીતી ના, મા ! તને કંઈ અડચણ થનાર નથી” એમ કહેતાંજ તેણે રમાને કમરથી ઉપાડી. પણ પેલી દાસીએ એવો તે એક ધક્કો માર્યો કે પેલો મરદ પણ પાછો હટી ગયો.

"આની પાસે તો ચોકી મજબુત જણાય છે. ટેલા ! એ વેલા ! દોડો, પકડો પેલી બુઢ્ઢીને—જુઓ છો શું ? ”

એજ વખતે એક બીજો બુરખાવાળો માણસ ગાડી આગળ આવ્યો અને “મા ! હું તને ખરેખર જરા પણ ઈજા નહિ થવા દઊં” એમ કહેતાં બુરખો આઘો ખશેડી પોતે ગુલાબસિંહ છે એવી ખાત્રી તેણે આપી.

“શાન્ત થા, ધીમી પડ, હું તને બચાવી શકીશ” એમ કહી માને આશ્ચર્ય પામતી મૂકીને ગુલાબસિંહ ચાલી ગયો. બધા મળીને આ ઠેકાણે નવ માણસો હતા. બેએ ગાડીવાનને ઝાલ્યો હતો, એક ઘોડા પાસે ઉભો હતો, એક બધાંના ઘોડા સાચવતો હતો, ગુલાબસિંહ તથા જે પહેલાં આવ્યો હતો, તે સિવાય બીજા ત્રણ, એક બીજી ગાડી આગળ માને લઈ જવા ઉભા હતા. આ ત્રણને ગુલાબસિંહે બોલાવ્યા. ને જે બુરખાવાળો પ્રથમ ગાડી આગળ ગયો હતો, (એ માને પકડાવનાર અમીર હતો) તેને બાંધવાનો હુકમ કર્યો.

તેણે બૂમ પાડી “હરામખોરો ! આ શું” પણ ગુલાબસિંહે કહ્યું કે એને એની ગાડીમાં નાખો, ને જો વધારે તકરાર કરે તો મરજી મુજબ કરો.

ગાડીવાનને પકડી રહ્યા હતા તેમની પાસે જઈને, ગુલાબસિંહે કહ્યું “જાઓ તમારા શેઠની સાથે જાઓ, તમે ત્રણ છો ને અમે પણ હથીઆર બંધ છીએ. એટલી દયા સમજજો કે જીવતા જવા દઇએ છીએ.”

માણસો ડરીને દૂર ગયા, અને ગાડીવાને ગાડી પર ચઢી ઘોડાને હાંકી મૂક્યા. ગુલાબસિંહ પણ માની ગાડીમાં દાખલ થઈ ગયો અને કહેવા લાગ્યો કે “મારે આ ગુપ્ત વાતનો ખુલાસો કરવો જોઈએ. તારી સામે થયેલું તરકટ મેં ગમે તે રીતે પણ જાણ્યું હતું, ને તે આ રીતે તોડી પાડ્યું, જે અમીર ઘણા વખતથી તને હેરાન કરવા ધારે છે તે અને તેના બે માણસો, રાસગૃહ આગળથીજ તારી પાછળ લાગ્યા હતા અને બીજા છને જ્યાં આપણે મળ્યાં ત્યાં ઉભા રહેવા માટે આગળથીજ મોકલ્યા હતા. જ્યાં આ માણસો ઉભા હતા, ત્યાં જઈને મેં તેમને કહ્યું કે તમારા શેઠને તમારી જરૂર નથી તેથી તે ગયા અને મારા માણસો ત્યાં ઉભા રહ્યા. બાકીની બીના છે તે તો તને ખબરજ છે. આ તારું ઘર આવ્યું.”