ગુલાબસિંહ/તરંગ ૨:પ્રેમ અને જ્ઞાનનો કલહ

← પ્રેમતૃપ્તિના અંકુર ગુલાબસિંહ
પ્રેમ અને જ્ઞાનનો કલહ
મણિલાલ દ્વિવેદી
બે પ્રતિસ્પર્ધીઓ →


પ્રકરણ ૪ થું.

પ્રેમ અને જ્ઞાનનો કલહ.

ગુલાબસિંહે, પોતે રાખેલા એકાંત મહાલયમાંના ખાનગી ઓરડામાં દાખલ થયો, ને ત્યાં એના બે ખાસ માણસો એની સામા આવ્યા. આ નોકરો પણ વિલક્ષણ હતા. તેઓનો મિજાજ એવો શાન્ત હતો કે કોઇના મનની જિજ્ઞાસા પૂરી થાય અથવા પેદા થયેલો શક દૃઢ થાય એવો તેમના મોંમાંથી એક બોલ પણ નીકળતો નહિ. તેમની બોલી પણ સામાન્ય રીતે ન સમજાય તેવી હતી. આ બે નોકર ગુલાબસિંહની સાથે નિરંતર રહેવાવાળા હતા; એ સિવાયનો જે નોકર ચાકરનો વૈભવ હતો તે જરૂર પડ્યાથી કામચલાઉ રાખી લેવામાં આવેલો હતો. એના ઘરમાં તેમજ અની રીતભાતમાં એવું કાંઈ નજરે ન આવતું કે જેથી એના વિષે ચાલતી ગપ્પો જરા પણ ખરી ઠરે. પરિઓ આવીને એની નોકરી બજાવી ન જતી, પીર પેગંબરો આવીને એને ભવિષ્ય કહી ન જતા, કર્ણપિશાચી એના કાનમાં ગણગણતી નહિ, કે એના ઘરમાં નક્ષત્રની ગતિ જાણીને થવાની વાતો આંકવાનાં નલિકાયંત્રાદિક પણ મોજુદ ન હતાં; એની આટલી મહોટી અખૂટ દોલત છતાં એના બેસવા ઉઠવાના ઓરડામાં કીમીયાગર રાખે છે તેવો પણ સામાન નજરે પડતો ન હતો. આ ઉપરાંત એની વાતચિતમાં જે અધ્યાત્મ વિજ્ઞાનનો અંશ ઝળકી આવતો અથવા જે સામાન્ય પણ વિશાલ જ્ઞાન જણાઈ આવતું તે પ્રાપ્ત કરવાનાં કઈ સાધન-ગ્રંથાદિક-પણ એની પાસે જણાતાં ન હતાં. હાલ એ કોઈ પણ ગ્રંથનો અભ્યાસ કરતો હોય તો તે ફક્ત આ મહામાયારૂપે વિવર્તતા પરબ્રહ્મરૂપ ગ્રંથનોજ હતો, અને તે માટેનું સાહિત્ય એની ગહન સ્મરણ શક્તિથી મળી રહેતું. આ પ્રમાણે એના ઘરમાં તથા વ્યવહારમાં બધે જણાઈ આવતી તે પ્રકારની સાદાઈ છતાં, એવી પણ એક વાત હતી કે જેથી એ કોઇ ગુપ્ત વિદ્યાનો ઉપાસક છે એમ કલ્પવામાં આવે. દીલ્હીમાં, અંબરમાં કે હિમાલયના બરફમાં ગમે ત્યાં પોતે હોય ત્યાં, બધા ઘરથી જરા છેટે એક કોટડી રાખી, તેને ગમે તેવી યુક્તિથી પણ ઉઘડી ન શકે એવા નાના સરખા તાળાથી બંધ કરી રાખતો; ને એવું પણ એક વખત બનેલું કે ગુલાબસિંહ ઘેર ન હતો તેવામાં કોઈ ન જાણે તેમ, એક ચાકરે મધ્ય રાત્રિએ એ તાળાપર મહેનત કરી જોયેલી અને બીજે દિવસે તેને મુનીમ તરફથી કંઈ પણ કારણ જણાવ્યા સિવાય રજા પણ મળેલી. આ ચાકરે પણ પોતાના ક્રોધમાં ને ક્રોધમાં હજારો જૂઠી વાતો ઉમેરીને પોતાની વાત લોકમાં ચલવી મૂકેલી. તે કહેતો કે જેવો હું બારણા આગળ ગયો તેવુંજ કોઈ મને દૂર ખેંચી જવા લાગ્યું; ને તાળાને હાથ લગાડ્યો કે તુરતજ પક્ષપાત થયો હોય તેમ અંગ સજડ થઈ જઇને જમીન પર ચતાપાટ પડ્યો. એક ચાલાક તાન્ત્રિકે આ વાત સાંભળતાં જણાવ્યું કે ગુલાબસિંહ વિદ્યુત્‌નો અચ્છો ઉપયોગ કરતો હશે, પણ તે વાત રસિયા લોકને ભાવી નહિ, આ બધું ગમે તેમ હો. પણ એટલું તો ખરું કે આ કોટડી આવી રીતે એક વાર બંધ કર્યા પછી તેમાં ગુલાબસિંહ સિવાય બીજું કોઈ પેસવા પામતું નહિ.

દરબારની ઘડીપર વાગતાં ચોઘડીયાંના ઘોરથી, આ ભવ્ય મહાલયનો ધણી નિદ્રામાંથી જાગ્રત્‌ થયો.

“ઘડીમાં આંગળ પાણી વધારે ભરાયું !” તે જરા બેચનીથી બોલ્યો “તથાપિ શું થઈ ગયું ? તે અનાદિ અને અનંત પરમાત્માનાં કાલથી કરીને એક કણ પણ વધવાનો કે ઘટવાનો નથી. રે આત્મા ! પરમજ્યોતિ ! શિવ ! તારા સ્થાનથી શા માટે ભ્રષ્ટ થાય છે ? નિર્વિકાર, અનંત પરમાત્મભાવ તજી તું વિકારમય, પરિમિત પદાર્થો ઉપર શા માટે વૃત્તિ દોડાવે છે ? ક્ષણભંગુર વિષયના સહવાસથી પ્રાપ્ત થતા આનંદમાં પણ વિષાદજ થાય છે એમ સમજી તું કેટલી કેટલી વાર તારા સ્વરૂપમાંજ લય પામી આત્મધ્યાનમાં સંતુષ્ટ રહેલો છે ! આજ તે સંતોષ ક્યાં ગયો !”

આમ વિચાર ચાલે છે એવામાં પોતાની બારી નીચેના વાડીના ભાગમાં આવેલાં નારંગીનાં વૃક્ષમાંથી પ્રાતઃકાલને વંદન કરતા બુલબુલનો મધુર અવાજ ઉઠ્યો, અને જેમ જેમ વધારે તાનથી આલાપાતો ગયો તેમ તેમ જાગી ઉઠેલી તેની અંગનાએ સામે પ્રેમમય ઉત્તર પણ આપવા માંડ્યો. ગુલાબસિંહનું લક્ષ તે તરફ ગયું, અને જે શિવ રૂપ જીવને એ બોધ આપતો હતો તેમાં નહિ, પણ વિષયવાસનાની પ્રતિકૃતિરૂપ અંતઃકરણમાં કાંઈ કાંઇ વિતર્ક અને અવર્ણ્ય પણ આનંદકારક સળવળાટ થવા લાગ્યા. પોતે ઉઠ્યો, અને ઓરડામાં ઘણો વિવ્હળ થઈ આમ તેમ ફરવા લાગ્યો. છેવટ બેદરકારી અને અધીરાઈથી બોલ્યો. “બસ ! આ જગત્‌માંથી નીકળવુંજ; ગમે તેટલે કાલે પણ શું એનું દુઃખદાયક બંધન નહિ તૂટે ? આ ગૃહમાંથી બસ ચાલ ! તૂટો બંધન તૂટો ! પાંખો ! ઉઘડો” આમ બોલીને જુદા જુદા ઓરડામાં થઈને પેલી એકાંત કોટડીમાં ભરાયો.