ગુલાબસિંહ/તરંગ ૨:બે પ્રતિસ્પર્ધીઓ

← પ્રેમ અને જ્ઞાનનો કલહ ગુલાબસિંહ
બે પ્રતિસ્પર્ધીઓ
મણિલાલ દ્વિવેદી
મહાત્મા →


પ્રકરણ ૫ મું.

બે પ્રતિસ્પર્ધીઓ.

બીજેજ દિવસે લાલો ગુલાબસિંહના ઘર તરફ આવ્યો. સહજમાં ઉશ્કેરાઈ જાય એવું આ જવાનનું મગજ, આ વિલક્ષણ પુરુષ વિષે જે થોડું ઘણું અંબર તથા દિલ્હીમાં જે સાંભળ્યું હતું તેથી ખુબ ઉશ્કેરાઈ ગયું હતું—અને કોઈ પ્રકારના અનિવાર્ય તેમજ અવર્ણ્ય આકર્ષણથી એને આ ગૃહસ્થ પાસે જવાનું મન થઈ આવ્યું હતું. ગુલાબસિંહનું સામર્થ્ય એને ઘણું ગૂઢ અને મોહોટું લાગ્યું. તેની ઈચ્છા એને પરોપકારપરાયણ જણાઈ, પણ તેનો સ્વભાવ કેવલ અનુત્સાહક અને અતડો દેખાયો. એક વખતે પોતાના ઓળખીતાની પણ દરકાર ન કરવી, બીજે જ વખતે તેને મહા ભયમાંથી બચાવવો, એ તે શું ! લાલો પોતે જાણયો ન હતો તેવા ગુપ્ત શત્રુરઓ વિષેની ગુલાબસિંહે શી રીતે ખબર મેળવી હશે ? આ બધું વિચારતાં લાલાને ઘણી જિજ્ઞાસા પેદા થઈ. ગુલાબસિંહનો ઉપકાર ઘણો લાગ્યો તેથી તેણે તેણે એ અતડા પરદેશીનું વિશેષ ઓળખાણ કરવાનો પ્રયત્ન કરવાની ફરી ઈચ્છા કરી.

ગુલાબસિંહ ઘેરજ હતો. લાલાને એક ભવ્ય દીવાનખાનામાં બેસાડ્યો. ગુલાબસિંહ પણ તુરતજ ત્યાં આવીને એને મળ્યો.

“કાલે રાતે તમે જે સૂચના કરી હતી તે માટે તમારો ઉપકાર માનવા આવ્યો છું.” લાલાએ કહ્યું “ને વળી વિશેષમાં એમ પણ વિનતિ કરવા આવ્યો છું કે, મારે હવે પછીથી કઈ તરફથી ભય રાખવું તે બતાવો.”

“તમે કોઈની ઉપર આશક થયેલા છો.” ગુલાબસિંહે હસતે હસતે જવાબ વાળ્યો “છતાં પણ દીલ્લી શહેરના રીવાજથી એટલા અજાણ્યા છો કે એટલું પણ જાણતા નથી જે આશકોને માથે શત્રુ હોયજ !”

લાલાએ શરમાને શરમાતે કહ્યું “ભાઈ: મશ્કરી તો કરતા નથી કે ? ”

“બીલકુલ નહિ. તમે માને ચહાઓ છે, પણ તમારા પ્રતિપક્ષી આજ ગામનો ઘણો સમૃદ્ધિવાન્ અને વગવાળો કાઈ ઉમરાવ છે. તમારે માથે જોખમ ઘણું છે !”

“મને માફ કરજો સાહેબ ! પણ એ બધાની તમને કેમ ખબર પડી ?”

“આ જગત્‌નાં ક્ષણભંગુર મનુષ્યોને હું મારી વાતનો હીસાબ કરી બતાવતો નથી, તેમ તમે મારી સૂચના સમાણે વર્તશો કે નહિ તેની મને લેશ પણ દરકાર નથી.”

“ભલે, તમને મારે કાંઈ પૂછવું નહિ, એમ તમારી મરજી હોય તો તેમ; પણ હવે મારે શું કરવું તે તો કહો.”

“તમે મારી શીખામણ પ્રમાણે કરશો ?”

“શા માટે નહિ ?”

“કેમકે તમે શરીરે મજબુત અને હિંમતવાન છો, તમારા વિશે જરા વાતચિત લોકોમાં ચર્ચાઈ કીર્તિ થાય તેમાં રાજી છો; અને ઉપરાંત ઘણાં ઉત્સુક છો. ધારો કે હું તમને એમજ કહું કે દીલ્હીમાંથી એકદમ નાશી જાઓ, તો કોઈ શત્રુની બિહીકને લીધે. કાળજું કાપી લે એવી સુંદરી મૂકીને તમે જશો?”

પેલો જવાન યપુરવાસી આવેશમાં આવી બોલ્યો. “તમે ખરૂં કહો છો, નહિજ ! તમે પણ મારા આમ બોલવાથી મારો દોષ નહિજ કાઢો.”

“પણ એ સિવાય એક બીજો રસ્તો બતાવુ. તમે ર'માને ખરા દિલથી ને પ્રેમથી ચહાઓ છો ? એમ હોય તો એની સાથે લગ્ન કરીને તમારા ગામમાં લઈ જાઓ.”

“ના ના, એમ તો નહિઃ માનુ કુલ મારાથી નીચું છે, વળી એનો ધંધો–પણ ટુંકામાં હું એની કાન્તિ ઉપર ફીદા છું. પણ પરણી તો શકું નહિ.”

ગુલાબસિંહે ભ્રમર ચઢાવી કરડી આંખે કહ્યું “ત્યારે તો તમારો પ્રેમ તે સ્વાર્થી વિષયવાસનામાત્રજ જણાય છે ! એમ છે એટલે તમારા સુખનો રસ્તો બતાવવાની મારી મરજી થતી નથી. રે જવાન ! તું ધારે છે તે કરતાં વિધિનો ક્રમ વિશેષ સરલ છે. જગન્નિયતાનાં સાધનોની જાલ એવી વિકટ કે વિરલ નથી કે જેથી માણસનામાં પુરુષ પ્રયત્નનો અવકાશ જ ને રહે; આપણે સર્વ આપણો રસ્તો કરવાને સમર્થ છીએ; કેમકે પરમાત્માની યોજનામાં જે દિવ્ય પરિણામો ઉપજવાના છે, તે માટે આપણને ભાસતા વિરુદ્ધ વિરુદ્ધ બનાવોને પણ અનુકૂલ યોગ થઈ રહે છે. તારે બેમાંથી એક વાત પસંદ કરવાની છે. ઉજળો અને ખરો પ્રેમ તને સુખ આપી ભયમાંથી બચાવશે, ગાંડી વિષયવાસના તને દુઃખમાં ને મહા નરકમાં ફસાવશે પરણવાનો હેતુ વિષયવાસનાની તૃપ્તિ જેટલો જ ન સમજીશ; જે આત્મા અજ્ઞાનથી સ્વ કરતાં અન્યને અનુભવતો નથી તે પોતાના પ્રદેશને સર્વમય કરી લે તે માટેની કેળવણીને અર્થે પરણવું છે એ જાગ્યા વિના દુઃખજ પ્રાપ્ત થશે.”

“તમે તો ભવિષ્યની વાત સમજવાનું સામર્થ્ય પણ રાખતા જણાઓ છો !”

“બસ, મારે જેટલું કહેવાની મરજી હતી તેટલું મેં કહ્યું.”

લાલાએ જરા હસતે મોઢે કહ્યું “મારા મહેરબાન ગુલાબસિંહ ! મને તમે આવો ઉપદેશ આપવાનું લઈ બેઠા છો, ત્યારે તમને એટલું જ પૂછું કે, તમે ? પોતે કન્તિ ભરેલા જવાનીના બહાર તરફ એટલી ઠંડી નજરે જોઈ શકો છો કે તે તમે તેના આકર્ષણ આગળ પથ્થરની પેઠે સ્થિર રહી શકો ?”

ગુલાબસિંહે મનમાં દિલગીર થતાં સહજ હસીને કહ્યું: “જેનો આચાર વિચાર સાથે મળતો આવે તેજ શિક્ષા આપવાને યોગ્ય છે એવો જો નિયમ હોય તો આપણને ઉપદેશ આપનારની સંખ્યા બહુ થોડી નીકળે. કોઈ અમુક માણસને આચાર, પોતાના સિવાયના બીજા બહુજ છેડા માણસની દૃષ્ટિએ ચડે છે ને અસર કરે છે; પણ જે સારું કે નરતું તે હમેશને માટે કરી જાય છે, તે તો જે વિચાર પોતે પ્રવર્તાવી શકે તે ઉપર આધાર રાખે છે. માણસનાં અમુક અમુક કર્મ કેવલ ક્ષણિક અને થોડામાંજ અસર કરવાવાળાં છે, તેના વિચાર આખા જગતમાં પ્રસરી. મહાપ્રલય પર્યન્ત પણ માણસને શુભ બોધદાયક થઈ પડે તેવા છે. આપણાં પ્રસિદ્ધ અને વન્દ્ય સદ્‌ગુણો, કાયદાઓ, શાસ્ત્રો એ સર્વે પુસ્તક અને લોકવાર્તામાંથી ઉપજી આવેલાં છે અને પુસ્તક, લોકવાર્તા વગેરે કેવલ વિચારજ છે, આચાર નહિ, આચારે જોઈએ તો સર્વપુજ્ય કૃષ્ણ મહાવ્યભિચારી અને લંપટ દીસતા, પણ વિચારે જોઈએ તે તેમનાં ગીતામૃતમયવચનથી જગતમાં મોક્ષની પ્રવૃત્તિ ચાલુ છે, આચારે જોઈએ તો વિશ્વામિત્ર મહાક્રોધી ભાસતા પણ તેમના વિચારથી શ્રોતાઓ સંસારજાલથી મુક્ત થાય છે. નઠારામાં નઠારા ગામડીઆ કરતાં કંઈક મહાત્માઓની કૃતિ કનિષ્ઠ જણાઈ છે, પણ તેમના સદ્વિચારેજ જગત્ ટકી રહ્યું છે, સુખનું મૂલ રોપાયું છે, ને માણસને સમાધાન રૂ૫ ફલ મળ્યું છે. લાલાજી ! આપણા વિચાર એ આપણો દિવ્ય અંશ છે, આપણા આચાર એ માનુષ અંશ છે, આપણા વિચાર અમર છે, આચાર ક્ષણિક છે.”

“અહો દીલ્હીના ફક્કડોમાં ફરતે ફરતે પણ વિચાર તો બહુ ગંભીર જણાવ્યો !”

“તને તેની શી ખાત્રી છે કે હું દીલ્હીનો ફક્કડ છું ?”

“તમે દીલ્હીના નથી ?, છતાં પણ જ્યારે તમે આપણી ભાષા આમ બોલો છો ત્યારે મને લાગે છે કે —”

“ચૂપ !” ગુલાબસિંહે કહ્યું. વળી થોડી વાર પછી ધીમેથી બોલ્યો : “કેમ લાલાજી ! ત્યારે તમે માને જવા દેશો ? કે મેં જે કહ્યું તે પર થોડા દિવસ વિચાર કરશો ?”

“જવા દેશો ? —કદાપિ નહિ.”

“ત્યારે તો એને પરણશોજ.”

“એ પણ કેમ બને ?”

“ખેર, એમ કરો ! : એજ તમને તજી દેશે. હું તમને એટલુંજ કહું છું કે તમારે બીજા પ્રતિપક્ષી છે.”

“હા, પેલો —; પણ હું એનાથી ડરતો નથી.”

“પણ એ વિના બીજો છે, જેનાથી તે તમારે બિહીવુંજ પડશે.”

“તે કોણ ?”

“હું પોતેજ !”

લાલો તો આ શબ્દ સાંભળતાં જ ફીકોજ પડી ગયો, અને બેઠો હતો ત્યાંથી ચમકીને બોલ્યો “તમેજ ! ગુલાબસિંહ ! તમેજ ! ને તમે પોતેજ મને એમ કહેવાની હિંમત ધરો છો ?”

“હિંમત ધરો છો ! અરે ! એવો પણ પ્રસંગ હોય છે કે જ્યારે હું એમ ઈચ્છું કે હું સદાય ડરતોજ રહું !”

આ ગર્વભર્યા શબ્દો ગર્વથી બોલવામાં આવ્યા ન હતા, પણ ઘણી શોકયુક્ત નિરાશા સહિત, કર્તવ્ય માત્રનેજ મુખ્ય ગણી, કહેવામાં આવ્યા હતા. લાલો ગુસ્સે થયો, ગભરાયો, પણ ડરી ગયો. છતાં એનામાં રજપૂતનું લોહી હતું. તેથી ધીમે રહીને બોલ્યો “મેહેરબાન સાહેબ ! આવા ગંભીર શબ્દોથી કે આ ગુહ્ય વચનોથી હું છેતરાવાનો નથી, મારામાં નથી તેવું અથવા મારાથી સમજી ન શકાય તેવું સામર્થ્ય તમારામાં હશે, અથવા તો તમે કોઈ ચાલાક ધૂતારાજ હશો, પણ તેમાં મારે શું ?”

“હાં, પછી,”

“તમારે સમજવું” જરા ફીકા પડીને પણ દૃઢતાથી લાલાએ કહ્યું : “તમારા જેવો અજાણ્યો માણસ મને મા સાથે પરણવાની જેમ કદી પણ ફરજ પાડી શકે તેમ નથી, તેમ હું પણ એમનો એમજ એને બીજાને હાથ જવા દઉં તેમ નથી.”

પોતે બોલતો હતો તે કરવાનું પોતાનામાં પાણી છે એમ દીપ્ત થયેલા મુખારવિંદ ઉપરથી તથા ચમકતી આંખો પરથી સ્પષ્ટ જણાતું હતું, તે થોડી વાર નીહાળ્યા પછી ગુલાબસિંહ બોલ્યો “વાહ હિંમત ! ઘટે છે, રજપૂતને ઘટે છે ! પણ હું કહું છું તે સાંભળ; આજથી નવમે દિવસે મને કહી જજે કે તું સર્વથી સુંદરમાં સુંદર કાન્તાને પરણશે કે નહિ.”

“પણ જો તમે એને ચહાતા હો તો શા માટે—”

“શા માટે હું એમ કહું છું કે તમે તેને પરણો ? મને પરણવાથી એને જે દુઃખ થશે તેમાંથી બચાવવા માટે. સાંભળ. એ ગરીબ અને અભણ છોકરીનામાં ઘણા ઉત્કૃષ્ટ સદ્‌ગુણોનાં બીજ મારી નજરે પડે છે. જેને એ ચહાશે તેનું સર્વસ્વ પોતે થઈ રહેશે — જે જે વાત કોઈ પોતાની અર્ધાંગનામાં ઈચ્છે તે એનામાંથી નીકળશે. પ્રેમથી પ્રફુલ્લ થયેલો એનો આત્મા તારા આત્માનો ઉદ્ધાર કરશે; તારા કર્મને જુદી જ અસર કરશે, તને ભાગ્યશાલી બનાવશે; તું ઘણો પ્રસિદ્ધ અને સુખી પુરુષ નીવડશે. પણ જો એ બીચારી મારો ભોગ થઈ પડી તો એનું શું થશે તે હું સમજી શકતો નથી. પણ મને ખાત્રી છે કે આ એવી કસોટી છે, જેમાંથી બહુ થોડાંજ નિષ્કલંક પાર પડે છે; એમાંથી આજ પર્યંત કોઈ સ્ત્રી તો બચી જાણીજ નથી.”

ગુલાબસિંહનું વદન આ બોલતાં ફીકું પડી ગયું, અને એનો અવાજ એવો થઈ ગયો કે જેથી આ વાત સાંભળનાર પણ ટાઢો હિમ થઈ ગયો.

પોતાની જિજ્ઞાસાને કબજે ન રાખી શકવાથી લાલો બોલી ઉઠ્યો “આ તે શો ગુંચવાડો ? તમે બધાં માણસ કરતાં નિરાળા છો ? માણસો સાધારણ રીતે જ્ઞાનની સીમા જેટલે બાંધે છે તેની પાર તમે ગયા છો ? અર્થાત્‌ શું તમે જાદુગર, ભૂત સાધનાર કે એવા કોઈ છો, કે અમથા—”

“બસ !” ગુલાબસિહે ધીમેથી, પણ વિલક્ષણ તથા ખેદકારક મૃદુતાયુકત સ્મિત સહિત કહ્યું “આવા પ્રશ્ન મને પૂછવાનો તને અધિકાર છે ? અહીંયાં મારા વિચાર માટે કે ધર્મ માટે જ મને કોઈ મારી નાખે એમ છે, બુદ્ધ અને શંકરાચાર્યના વખત તો ગયા. રાજાઓ આખાં ગામ ધર્મ માટે ઉજ્જડ કરતા તે દિવસ વીત્યા. એમ છે ત્યારે, હું તને જવાબ ન દઉં તો માફ કરજે,”

લાલો સહજ નાખુશ થયો, ને ઉઠ્યો. મા ઉપર પોતાની દૃઢ આસક્તિ છતાં અને આવો ભયંકર પ્રતિપક્ષી છતાં, તેજ પ્રતિપક્ષીની તરફ કોઈ અનિવાર્ય આકર્ષણથી લાલો ખેંચાવા લાગ્યો — ગુલાબસિંહ તરફ પોતાનો હાથ લાંબો કરી બોલવા લાગ્યો કે “ખેર ! આપણે પ્રતિપક્ષીજ ઠરીશું તો તે વાતનો હીસાબ આપણી તરવાર પતવશે, પણ તે પેહેલાં તો આવો આપણે મિત્ર તરીકે જુદા પડીએ.”

“મિત્ર !— તું શું માગે છે તેની તને ખબર નથી.”

“વળી માથાફોડ !”

“માથાફોડ !” ગુલાબસિંહે જરા જુસ્સાથી જવાબ દીધો “હા ! તું એ માથાફોડનો નીવેડો કરી શકશે ? તેમ ન થાય ત્યાં સુધી તો હું મારો હાથ તારા હાથ સાથે મેળવી તને મિત્ર કહેનાર નથી.”

“માણસને નથી મળી શકતું તેવું જ્ઞાન પ્રાપ્ત થતું હોય તો હું સર્વ રીતે તૈયાર છું,” એમ બોલતાં લાલાના મોં ઉપર અતિગાઢ અને વિલક્ષણ ઔત્સુક્ય છવાઈ રહ્યું.

ગુલાબસિંહ એના તરફ ગંભીરતાથી જોઇ રહ્યો, મનમાંજ બોલવા લાગ્યો. “પોતાના બાપદાદાના ગુણ પેઢીએ ઉતરતા આવેજ ! એ પણ–હજી–" એમ કહી વાત તોડી નાખી, ને વળી બોલ્યો “જા લાલા ! આપણે વળી મળીશું, પણ નિશ્ચય કરવાની જરૂર પડ્યા સિવાય હું તારો છેવટનો નિર્ણય પૂછીશ નહિ,”