ગુલાબસિંહ/તરંગ ૨:ભાવિનું સામર્થ્ય

← સિદ્ધાઈ ઉપર પાણી ગુલાબસિંહ
ભાવિનું સામર્થ્ય
મણિલાલ દ્વિવેદી
આશામાં નિરાશા →


પ્રકરણ ૯ મું.

ભાવિનું સામર્થ્ય.

જેમ કોઈ અવિચારી સ્વાર્થી ઉપદેશક, પોતાના શિષ્યનું ધ્યાન, જેને પોતે ખોટી રીતે વાસ્તવિક માની ભુલાવામાં પડ્યો હોય તેના તરફ લગાડી દઈ, ખરી વાસ્તવિક વાતનું દુર્લક્ષ કરાવી નીચ બુદ્ધિ ઉપજાવે છે; એમ સમજતો પણ નથી કે ખરી ખુબી તો જે જણાય છે તેનું અનુકરણ કરવામાં નથી, પણ જે ચીતરનાર છે તેના મનમાં રહેલી છે; દરેક કલામાં ખુબી તો-કાવ્યનાં મધુર વચનરૂપે છે, કે શલાટના તાદૃશ પથ્થરરૂપે હો, કે ચીતારાના વિવિધ રંગરૂપે હો, કે ગવૈયાના દ્રાવક સ્વરરૂપે હો પણ કહી તેવીજ છે, ને દુનિયાંમાં મળે તેનું અનુકરણ કરવું એ ફક્ત સાધારણ વેપારીનું કે નવા શિખાઉનુંજ કામ છે;– તેમ વ્યવહારમાં પણ દુનિયાંદારીના દોઢ ડહાપણમાં કાબેલ થયેલા માણસો, દૈવી પુરુષોની, નિડર મનથી આગળ ધસતી ઉત્કૃષ્ટ અભિલાષાને ઉદારતા તથા શ્રદ્ધાની ઉત્કર્ષકારક ઉત્તેજક વાતોને, હલકા તથા દગા ભરેલા રૂપે બતાવી, ટાઢા કરી નાખે છે તથા નીચ બનાવી દે છે. આમ થવાથી માણસની મહા આનંદરૂપ અમૃત હેલીમાં ઝેરના કણ ભળી જાય છે, અને તેને ભાગે દુઃખ વિના બીજું કાંઈ રહેતું નથી. અરે ! હજાર ફિટકાર હો તેવા બેવકૂફોને કે જે ખરું દિલ ન સમજતાં પોતાની દોઢડાહી અક્કલની ખીલી આવી સોનાની થાળીઓમાં મારે છે ! તમે તમારા પરમેશ્વરને–પૈસાને, આબરૂને, લોકકસ્તુતિને–ભજો, ભલે તેમ કરી–દગો, ફટકો, આડાં અવળાં કરી–બાદશાહી ભોગવો–પણ રહેવા દો બીચારા તરંગી આનંદીને તેના એકાંત આનંદમાં, તેણે રચેલી તેની દુનીયાંમાં ! ગમે તો તેનાં ગીત ગાઓ, ગમે તો ગાળો ભાંડો, પણ શા માટે તેનો આનંદ ભંગાવો છો ? શું આનું નામ તમે ડહાપણ કહો છો ? એક સમર્થ વિદ્વાને સામાન્ય સાવચેતી અને ડહાપણનો તફાવત બતાવ્યો છે : ખરા ડહાપણમાં કાંઈક એવું સાહસ સમાયેલુંજ રહે છે કે જેનો સાવધાની તિરસ્કાર કરે છે : “ટુંકી નજરવાળા જે કીનારેથી વહાણ ચાલવા માંડે છે તેનેજ જોયાં કરે છે, પણ જે સામે કીનારે મુસાફરીના સાહસથી પહોંચાશે તે પર દૃષ્ટિ દોડાવતા નથી.” વસ્તુગતિ આવી છતાં પણ દુનિયાંદારીના ડાહ્યા લોક કોઈ વાર એવી તકરારો ને દલીલો લાવે છે કે જેનું ઉત્તર કરવું કઠિન પડે છે. તમારામાં કોઈ સમર્થ રસજ્ઞતા હોવી જોઈએ–જેમાં આત્માર્પણ કરવાનું હોય, જે કેવલ ઇશ્વરરૂપ હોય, તે ઉપર શ્રદ્ધા હોવી જોઈએ-પછી કોઈ વિદ્યામાં, કલામાં, ધર્મમાં, કીર્તિમાં, પ્રેમમાં કે ગમે ત્યાં, પણ તેવી શ્રદ્ધા હોવી જોઈએ; નહિ તો વ્યવહારબુદ્ધિ તમને આત્માર્પણનો માર્ગ તજવાનાં ઘણાં કારણ સૂચવી તમારા પરમેશ્વરને પણ બજારની જણસ જેવો ટકાનો તેર બનાવી મૂકશે. અહો ! સાવધ રે’ માણસ ! દુષ્ટ દુનિયાંના ઉપદેશથી ! સ્વાર્થની જાલ ગહન છે ! પરખવીજ અશક્ય જેવી છે.

ચિત્રવિદ્યાના મહા ગુરુઓનો એમ સંપ્રદાય છે કે વિશ્વરચનાનું અનુકરણ કરવામાં એ હુન્નરની ખુબી નથી. પણ તે રચનાને જોઈ, તેને છે તેથી ઉચ્ચતર બનાવવામાં મહત્તા છે. ખરી વિદ્યામાત્રનો ઉદ્દેશ આવી રચનાઓ કરતે કરતે મર્ત્યભાવ તજી અમર સમીપ પહોંચવામાં છે. ખરી વાત છે કે સમર્થ ચીતારો તેમજ સમર્થ લેખક બને, માણસોમાં જે હોઈ શકે તેનું બ્યાન આપે છે, છતાં પણ માણસોમાં સામાન્ય રીતે સર્વત્ર મળે તેવાનું નથી આપતા. ર્મ, રામ, કૃષ્ણ, રિશ્ચંદ્ર, અરે યમંતી, કુંતલા, સાવિત્રી, તિ, તેમજ હિરણ્યકશિપુ, રાસંધ, કંસ, રાવણ એ અને એવાં અનેક એ સર્વે સત્ય છે; પણ દરરોજ બજારમાં મળતાં નથી, કવિના મનનોજ ખેલ છે. આવી કવિકલ્પના ગાઢ અભ્યાસ અને સંસ્કારનાં પરિણામ છે. એ અભ્યાસનું રહસ્યજ એ છે કે સામાન્ય વાતને ઉચ્ચરૂપે બતાવવી. રે ! અંગયુક્ત, હાડકાં ચામડાંનો, આપણા જેવોજ અનંગને પણ ચીતર્યો હોત તો કેવો વિરૂપ, અધમ, નકામો બની રહેત !

એક ચીતારાને કોઈએ પૂછ્યું કે તારા ચિત્રના નમુના તેં ક્યાંથી આણ્યા. ત્યારે તેણે ઉત્તર ન આપતાં એક મજુર કોથળો માથે ઉપાડી જતો હતો તેને બોલાવ્યો, ને તેના મુખ ઉપરથી મહા વિલક્ષણ ખુબસુરતીવાળું મુખ ચીતરી કાઢ્યું. અલબત તે મુખ એ મજુરના મુખને મળતું હતું પણ ચિત્રમાં મજુરનો મહાત્મા બની રહ્યો હતો ! તે સત્ય હતું, પણ ખરૂં ન હતું. પામર લોક, ખરા જ્ઞાનીઓ અને ખરા પંડિતોના જ્ઞાન અને પંડિતાઈનું રહસ્ય જે આ ઉચ્ચીકરણનો નિયમ તેને લેશ પણ સમજતા નથી.

પણ પ્રકૃત વિષયનો વિચાર ચલાવીએ; વ્યવહારના આચારમાં તો આથી પણ થોડે દરજ્જે પામર લોક આ મહાનિયમનું સ્વરૂપ કામ લાવે છે. એમ થવાથી વ્યવહારડાહ્યા લોકની સાવચેતીને લીધે ખરો અભેદ ભાવનારો આનંદ પામવાનું સાહસ જેમ થઈ શકતું નથી, તેમ પાપનાં માઠાં પરિણામથી પણ બચી જવાય છે એ ખરી વાત છે; છતાં જેમ વિદ્યાકલામાં તેમ આચારમાં પણ માણસોએ સામાન્ય અને હંમેશની વાતોને ખરી ઉચ્ચતાને ધોરણે પોહોચાડવી જોઈએ. આ સ્વાભાવિક નિયમ ઠરે છે.

લાલો રામલાલની ડાહી વાત સાંભળી જરા ડાહ્યો થઈ ગયો. રામલાલે બતાવેલું બીજા પ્રકારનું ચિત્ર–તેની દેવરૂ૫ બુદ્ધિના આધારરૂપ કર્મ- તેનાથી પાછો હઠવા લાગ્યો; જે મહા પ્રેમ યોગ્ય રીતે વાપરતાં મોક્ષમાર્ગે પહોચાડે તેમ છે તે પ્રેમના માર્ગથી પણ વિમુખ થવા લાગગ્યો. આત્માર્પણનો ગુણ ખશીને ધીમે ધીમે સ્વાર્થની જડતા પ્રસરવા લાગી. પૂર્વે કહેલી વાતનુંજ આ ઉદાહરણ ! આમ સંશયદોલા પર ચઢ્યે છતે પણ માને મૂકી દેવાની તેને હિંમત થઈ નહિ. ગુલાબસિંહની સલાહ તથા પોતાના મનના વલનને વશ થઈ જવાની બિહિકથી લાલાજી બે ત્રણ દિવસથી ગમે તેમ કરીને પણ પેલી મોહિનીરૂપ પૂતળીને મળતો નહિ. પણ ગુલાબસિંહને મળ્યા પછી રામલાલને મળ્યો તેની બીજી રાતે એના મનમાં એવો માર્મિક, સૂચક તથા આનંદકારક સ્વપ્ન આવવા લાગ્યા કે જાગ્યા પછી તે સ્વપ્ન જાણે ગુલાબસિંહેજ પોતાના જાદુની શક્તિથી મોકલ્યાં હોય એમ તેને તાબે થઈ લાલાએ માને મળવાનો નિશ્ચય કર્યો; અને કાંઈ અમુક નિશ્રય બાંધ્યા વિના લાલો પોતાના મનના તુરતના તરંગને વશ થઈ ચાલી નીકળ્યો.