ગુલાબસિંહ/તરંગ ૨:સિદ્ધાઈ ઉપર પાણી
← સિદ્ધિની લાલસા | ગુલાબસિંહ સિદ્ધાઈ ઉપર પાણી મણિલાલ દ્વિવેદી |
ભાવિનું સામર્થ્ય → |
પ્રકરણ ૮ મું.
સિદ્ધાઇ ઉપર પાણી.
ગુલાબસિંહ સાથે જે વાત થઈ હતી તેથી લાલાના મનને ઘણી શાન્તિ વળી અને તેની અસર તેના મન પર લાંબા વખત સુધી રહી. સૂર્યમાંથી કિરણોની પેઠે, એની ગુંચવાઈ ગયેલી કલ્પનામાંથી આકાશ સુધી પહોંચી જવાનાં અને આખા વિશ્વને આનંદમય બનાવવાનાં સુવર્ણમય સ્વપ્ન ફૂટવા લાગ્યાં. આવા તરંગની સાથે, પોતાના આખા જીવતરમાં ન જાણેલા એવા સ્વચ્છ અને અગાધ પ્રેમના વિચાર પણ આવવા લાગ્યા. બુદ્ધિમાન્ પુરુષો બાલક જેવા અજ્ઞાનથી જે રસમય કલ્પનાઓ ખડી કરે છે, ને તેમાં, કલ્પેલી વસ્તુ પ્રાપ્ત ન થતા સુધી પરમ આનંદ પામે છે, તેવી કલ્પનાઓમાં લાલાજીનું મન ભમવા લાગ્યું. એની મેળેજ એની કલ્પનામાં એવા ઘરના તરંગ ઉઠવા માંડ્યા કે જેમાં પોતાની કલાથી સર્વ આનંદ પ્રાપ્ત થઈ રહે, અને રમાના પ્રેમથી સર્વ વસ્તુ સુખમય બની રહે, આવા મનોરાજ્યમાંથી તુરતજ તેને તેના મિત્ર 'રામલાલે જગાડી પ્રત્યક્ષનું ભાન કરાવી દીધું !
જે માણસમાં નિશ્ચયવાળી બુદ્ધિ કરતાં કલ્પનાનું વધારે જોર હોય તેવાનાં ચરિત જેમણે અવલોક્યાં હશે, અને તેમનું દુનિયાંદારી સંબંધી જ્ઞાન કમતી છે એમ સમજી, તેમના મનમાં ગમે તેવા વિચારો ઝટ દાખલ થઈ શકવાની સુલભતા જાણી હશે, તેમના ધ્યાનમાં આવ્યું હશે કે તેવાં માણસ પર કોઈ સાદો, હિંમતવાન્ અને દુનિયાંદારીનો બૂઠો માણસ બે ને બે ચાર સમજાવીને કેવી જબરી અસર કરી શકે છે ! લાલાને પણ આ પ્રસંગે એમજ બન્યું. એના મિત્રે એને ઘણી વખત ભયમાંથી બચાવ્યો હતો, અને એના વિચારનાં પરિણામથી ઉગારી લીધો હતો; રામલાલની વાણીમાંજ એવું કાંઈક હતું કે, જેથી લાલાની તમામ ઉચ્ચાભિલાષા ક્ષીણ થઈ જતી, અને એને તેવી અભિલાષાના આનંદ માટે, નાહિંમત થઈ ગભરાઈ જવા કરતાં પણ વધારે થઈ આવતું, અને બહુ શરમ લાગતી. કારણ કે રામલાલ સારો પ્રામાણિક છતાં પણ માણસની ઉદારતાથી થઈ આવેલા છૂટાપણાને, તેમજ લુચ્ચા માણસોના ધીટપણાને અને ભોળાંની દીનતાને, સહન કરી શકતો નહિ. દુનિયામાં એ સીધે રસ્તે જનાર માણસ હતો, તેથી જે માણસો તે રસ્તો તજીને ટેકરા ટેકરી ઉપર ચઢી, ગમે તો એક નાના પતંગીયાને પકડવા કે ગમે તો કલ્પવૃક્ષની શાખાને પકડવા ફરતા હોય તેમને તિરસ્કારનીજ નજરથી નીહાળતો.
રામલાલે હસતે મોઢે કહ્યું “'લાલા ! જો કે હું ગુલાબસિંહ નથી તો પણ તારા મનની વાત કહું ? તારી આંખમાં આવેલાં ઝળઝળીયાં અને તારા હોઠનું મલકાવું એ બે ઉપરથી હું અનુમાન કરી શકું છું. તું પેલી જક્ષણીના વિચારમાં છે, પેલી નાની નટડી !”
“નાની નટડી !” લાલો સાંભળતાંજ ચમકી ઉઠ્યો; ને બોલ્યો “જો હું એની સાથે ઘર માંડું તો તું એને આવા નામથી બોલાવતો બંધ થશે ?”
“હા, કેમકે તે વખતે મને જે તિરસ્કાર આવવાનો તે તારાજ ઉપર. લોક ઠગને તો ધિક્કારેજ છે, પણ ઠગાનાર ભોળાના ઉપર વધારે ફિટકાર પડે છે.”
“તને ખાતરી છે કે એમ કરવામાં હું ઠગાઈશજ ? આવી નિર્દોષ અને પ્રેમમય બાલા મને ક્યાં મળવાની ! અરે એવી ક્યાં મળવાની કે જે આટલી આટલી લાલચો છતાં પોતાની લાજ સાચવી રહી છે ! રમાને નામે કોઈ વાંકી વાત પણ સંભારે છે ?”
“હું દીલ્હી શહેરની તમામ ગપસપ જાણતો નથી કે જવાબ આપી શકું; પણ આટલું તો જાણું છું કે જયપુરમાં કોઈ એમ નહિ માને જે જયપુરનો ખાનદાન ફરજન દીલ્હીની એક નૃત્ય કરતી સ્ત્રીને પરણી લાવ્યો તેમાં ઠગાયો નથી. આવી ગેરઆબરૂમાંથી હું તને બચાવવા ઈચ્છું છું. વિચાર કે તારે શું શું વેઠવું પડશે, તારે ઘેર કેટલા કેટલા ફક્કડ લોક ભાઈબંધ થતા આવશે, તારા ઘરમાં કેટલી જવાન સ્ત્રીઓ સાવધ રહી કદાપિ નહિ આવે ?”
“હું મારે મારો રસ્તો લેઈશ, તેમાં દોઢડાહી દુનિયાને શી લેવા દેવા છે ? દુનિયા મને માન આપે તો ભલે મારી કલાને આપે, પણ મારાં સગાં કે દોલતનું તેને શું કામ છે ?”
“એટલે કે તું હવે વળી તારી બીજી બેવકુફાઈની મગરૂરી કરવા લાગ્યો !–શા ચીતારા ! ચિત્રકલાના હિમાયતી થયા છે ! ઈશ્વર કરે ને મારે, તું રોટલો કમાઈ ખાવા જે ધંધો ચલાવે છે તેની સામા બોલી તને નાઉમેદ ન કરવો પડે, પણ તારે સાધન છે અને સારા સંબંધ થશે એટલે તેની ગરજ રહેશે નહિ. છતાં શા માટે એક ચીતારો થવાનું મન કરે છે ! નવરાશનો વખત ગાળવાની એ ઠીક મઝા છે, પણ આ જન્મારો એનેજ સ્વાધીન કરવો એ તો કોરી બેવકુફાઈજ ! ચીતરામણોને કોઈ તપેલીમાં ઓરી નહિ શકાય.”
“અરે કલાવાન્ લોકો તો મહોટા બાદશાહોના પણ મિત્ર હતા !”
“આપણા વિચારવાન્ દેશમાં તો ભાગ્યે એમ હોય. જો હું તને બે ચિત્ર કાઢી બતાવું. લાલો જયપુર પાછો જઈ, પોતાના સમાનકુલની કોઈ પૈસાદાર કન્યાને પરણે, ને ખાતો પીતો તથા આબરૂદાર થઈ સારો હોશીઆર કહેવાઈ દુનીયાંદારીમાં દાખલ થાય. એને લાભ મળે, મિત્રો વધે, એની આબરૂ બધે ગવાય. આસ્તે આસ્તે રાજદરબારમાં જતો થઈ પરિણામે પચાસ વર્ષનો થતાં શું થાય તે તુંજ વિચારી લે ! આ એક ચિત્ર, હવે બીજું સાંભળ. લાલો જયપુરમાં આ નટીને લેઈને જાય, ત્યાં એને ગાનતાનમાં મોકલ્યા વિના ખાવાનું પણ પામે નહિ. એને જોતાં સર્વે પૂછવા માંડે કે આ કોણ ? ને સમજે કે પેલી દીલ્હીવાળી રમા ! આમ થતાં લાલો વળી કાગળો બગાડવા માંડે, પણ એનાં ચિત્ર કોઈ લે નહિ, કેમકે એ કોઈ જાણીતા ચીતારાનો શિષ્ય નથી. લાલો કોણ ? પેલી નાચનારીનો ધણી ! આ અવસ્થામાં પ્રજા થવા માંડે. પછી શી વલે ! લાલો કંટાળીને દુનિયા ખરાબ છે કહી નાશી છુટે. પચાસ વર્ષની ઉંમરે ક્યાં હોય તે તુજ વિચાર.”
“અહો જો બધી દુનિયાં તારા જેવી હોત, તો દુનિયામાં ચીતારા કે કવિ એમનું કાંઈ થયું ના હોત.”
“અને એમના વિના પણ દુનિયાં તો આમની આમજ ચાલત. ચાલ ચાલ હવે જમવા બેસીએ. આ ગામમાં મિષ્ટાન્ન ઠીક મળે છે !”