ગુલાબસિંહ/તરંગ ૨:સિદ્ધિની લાલસા

← મહાત્મા ગુલાબસિંહ
સિદ્ધિની લાલસા
મણિલાલ દ્વિવેદી
સિદ્ધાઈ ઉપર પાણી →


પ્રકરણ ૭ મું.

સિદ્ધિની લાલસા.

જે જે આરામના સ્થાનમાં તથા મોજમઝાની જગોમાં લાલો રખડતો ત્યાંથી ગુલાબસિંહ સંબંધી હકીકત સાંભળતો; પણ તેટલાથી એના મનનું સમાધાન થતું નહિ. ગુલાબસિંહથી પોતે છૂટો પડ્યો તે રાતે મા પણ રાસગૃહમાં ન આવી; બીજે દિવસે પણ એના એજ તર્કવિતર્કમાં લાલો રામલાલની મશ્કરીઓથી કંટાળીને ગામના બાગબગીચાઓમાં ફરવા નીકળી પડ્યો. ફરતો ફરતો, જે વૃક્ષ નીચે ગુલાબસિંહની ને પોતાની પ્રથમ મુલાકાત થયેલી, ત્યાં આવી પહોંચ્યો. વાડીમાં કોઈ હતું નહિ, એટલે લાલો પાસેના ઝાડ નીચે જરા લાંબો થયો કે તુરતજ જે થથરાટ એને તે દિવસે થવા માંડ્યો હતો તેજ ફરી થવા લાગ્યો.

લાલો ઘણો પ્રયત્ન કરીને આ ગભરાટથી મુક્ત થઈ ઉઠ્યો તો પોતાની પાસે, ગુલાબસિંહે જે મલિન ભૂતપ્રેતનું વર્ણન કહેલું તેનો ભાઈ હોય એવો એક માણસ બેઠેલો જોયો. આ માણસ ઠીંગણો હતો અને શરીરે કપડાં પણ સાધારણ લોકના કરતાં વિલક્ષણ જાતનાં પહેરતો હતો. સાદાઈ અને ગરીબાઈનો ડોળ ભજવવામાં એણે જે તુમાન પહેર્યો હતો તે ઢીલો ઢીલો ને ખુબ જાડા લૂગડાનો રાખ્યો હતો, મેલું બદન પણ તેવાજ કોઈ લઠ્ઠાનું બનાવેલું હતું, ને તેમાં જાણી જોઈને પાડ્યાં હોય તેવાં ઠામ ઠામ કાણાં હતાં, અને કાળા ગુંચળાંવાળા મેલા વાળ, માથે ખોશી ઘાલેલી ટોપીમાંથી ગમે તેમ બહાર લટકતા હતા. આ બધું છતાં એની પાસે દ્રવ્ય હોય એમ પણ જણાતું હતું. ગળા આગળ ફાટલા બદનમાંથી સોનાનો દોરો તથા તેમાં મધ્યે જડેલો હીરો જણાઈ આવતાં હતાં, અને કેડે પણ તેવુંજ કાંઈ આભૂષણ હશે એમ અનુમાન થઈ શકતું હતું.

આ માણસનું શરીર કેવલ કદ્રૂપુ નહિ તો ઘણું તરહવાર ને ખરાબ દેખાય તેવું હતું. એના ખભા ઉંચા અને ચોખંડા હતા, અને એની છાતી અંદર દબાઈ ગઈ હોય તેમ પાછળ પડતી હતી. હાથની આંગળીઓને સાંધે સાંધે મોહોટાં હાડકાંના ગાંઠા જણાતા હતા, અને હાથ મજબુત તથા કૌવતદાર છતાં જેમ કાંડા સાથે કોઈ સંબંધ જ ન ધરાવતા હોય તેમ કંતાઈ ગયેલાં કાંડાંમાંથી લટકતા હતા. એની મુખાકૃતિ સાધારણ કરતાં વધારે ખુલતી તથા વિલક્ષણ હતી; નાક લાંબુ વધીને દાઢીએ પહોંચ્યું હતું, આંખો નાની પણ હોશીઆરીમાં રમી રહેલી જણાતી હતી, અને મોંઢું એવા તો તરહવાર હાસ્યથી ખુલ્લું રહેલું હતું કે તેમાંથી મહોટા પાવડા જેવા તથા આડા અવળા ઉગેલા અને ભાગલા તૂટલા દાંતની હાર જણાઇ રહેતી હતી. આવી ભયંકર આકૃતિ ઉપર પણ કોઈ તરહવાર જાતની હોશીઅરીની છાયા છવાઇ રહી હતી; મુખમુદ્રા ઘણી ખળતરાઇ અને હિંમતની સાક્ષી આપતી હતી. આ રૂપ જોતાં પેદા થયેલા અચંબાથી જાગ્રત્‌ થઈ લાલો જુએ છે તો પોતાના મુલક તરફનો એક જાણીતો ચિત્રકાર જેને પોતે ઓળખતો હતો તેજ એ છે એમ જોઈ, પોતાને જે ભય થયું તે ઉપર હસવા લાગ્યો. એમ કહ્યા વિના ચાલે નહિ કે જે જાતે આવો કુરૂપ હતો તે ચિત્ર તો ઘણાં ભવ્ય અને રૂપાળાં આલેખતો. એનાં ચિત્રોમાં રંગની મીલાવટ જરા ભભકાદાર રહેતી, તો પણ અંગસૌષ્ઠવ, કોમલતા, તથા ભરાવને માટે એની છબીઓ વખાણવા જોગ થતી. કસર માત્ર એટલીજ કે સર્વાંશે સંપૂર્ણ એવાં કાલ્પનિક ચિત્રોની ગંભીર મહત્તા એમાં આવતી નહિ. પુરાણોમાંના દશ અવતાર કે કૃષ્ણલીલાનાં વર્ણન કરતાં તે જાણીતા રાજકીય ઇતિહાસમાંથી કોઈ પુરુષોનાં ચિત્ર કરવાં વધારે પસંદ કરતો; અર્થાત્‌ એનાં ચિત્રમાં જે મહત્તા આવતી તે દૈવી નહિ પણ કેવલ માનુષી જ હતી. એનાં ચિત્ર પર જે નૂર જણાતું તેથી દૃષ્ટિ કદાપિ તૃપ્તિ પામે, પણ અંતરાત્મા તો તેને પ્રમાણ ગણે નહિ. તાત્પર્ય કે એનાં ચિત્રના નમુના દુનિયામાં વારંવાર મળી આવે તેમાંનાજ હોય. આ માણસનામાં બીજી પણ જાણવા જોગ વિલક્ષણતા એ હતી કે પોતે પ્રસંગ આવ્યે સ્નેહ કે દ્વેષ ઉભયની અયોગ્ય સીમાએ પહોંચનારો, ઘણો અસહનશીલ, તથા કેવલ વિષયાનંદમાં ડુબેલો છતાં, વારંવાર સદાચાર વિષે ઘણા ઉત્કૃષ્ઠ અભિપ્રાય જણાવતો તથા પરોપકારના પુણ્યનું માહાત્મ્ય બતાવતો. આમ છતાં પણ એના મરડાતા હોઠ પરથી માલુમ પડી આવતું કે જે વાત એ બોલે છે તેને જ મનમાં ગણકારતો નથી, અને પોતાના શુભ બોધને અનુકુલ જગત્ બને તોપણ તેથી પોતે જુદો છે એમ જણાવવા ઇચ્છે છે.

છેવટ એટલું જણાવવું જોઈએ કે આ માણસ ફઘાનીસ્તાન તથા ખોરાસાનમાં જમા થતાં મુસલમાન ટોળાંના શહનશાહ સાથે મસલહતમાં હતો. ચીતારાનો ધંધો કરતાં, લોકોમાં રજપૂતોના જુલમની વાત સમજાવી મુસલમાનોના ગુણ ગાઈ તે પ્રિય થઈ પડ્યો હતો. કોઈ વાર ફકીરીનો ઢોંગ ભજવીને ગરીબ લોકોના મનની વાતો પણ ભેગી કરી લાવતો. એનું નામ બંદા કરીને હતું.

"ઓહો લાલાજી ! ઘણે દિવસે મળ્યા ! તમને મળીને મને ઘણો આનંદ થયો. કેમ શા વિચારમાં છો?"

"એમાં કાંઈ મઝા ન હતી, તમે મળી આવ્યા એજ સારું થયું.”

"જુઓ જુઓ લાલાજી ! અમારું કામ ઠીક વધવા માંડ્યું છે” બંદાએ ખીસામાંથી થોડા ઉર્દુ કાગળો ખેંચી કાઢી કહેવા માંડ્યું “અલ્લા ને પરમેશ્વર એક જ છે, જો કે મારા મનમાં તો કોઈ નથી. તમે અહિયાં મહોટા ને નાના એમ એક એકથી પીડાઓ છો, પણ જ્યારે અમે આવીશું ત્યારે બધું સમાન થઈ જશે. કોઈને દુઃખ રહેશે નહિ, અને હાલમાં જે સદ્‌ગુણ ગણાય છે તે તે વખતે નીચપણું સમજાશે, અહા ! તે પરમસૂખ ! ઉપકાર એ શબ્દજ પછી ક્યાં રહ્યો ? અલ્લાહની નિગાહમાં તો ઈનસાન માત્ર સરખાં છે.”

આમ વાત ચાલતી હતી તેવામાં પાસેથી એક ત્રીજો અવાજ સંભળાયો "હાં પછી, પછી;” તે સાંભળીને બન્ને જણ ચમકી ઉઠ્યા, લાલાએ તો આ નવા માણસને તુરતજ ઓળખ્યો કે ગુલાબસિંહ !

બંદા તરફ કરડી નજરે ગુલાબસિંહ જોઈ રહ્યો, અને બંદો લોચો થઈને નરમ બની ચંપાઈ ગયો. વાહ બંદા ! ઈશ્વર કે પિશાચ ઉભયની ભીતિ ન રાખનાર ! માણસથી તું ડરી ગયો !

"રે દગાબાજ ! પરોપકારની નિંદા કરતાં મેં તને વળી આજ ફરીથી સાંભળ્યો.”

મોઢે આવેલ બોલ ખાઈ જઈ, ગુલાબસિંહને લુચ્ચાઈથી નીહાળતો બંદો ધ્રૂજતે ધ્રૂજતે બોલ્યો “તમે કોણ છો ? શું માગો છો ?”

“તું અહીંથી તારું મોં સંતાડ એટલુંજ.”

બંદો દાંત કચડતો, ને હાથ અફાળતો, ચટ ઉઠીને વેગળો ખસ્યો. ગુલાબસિંહ ઉભો ઉભો હસતો હતો; તેની દૃષ્ટિથી જેમ જડાઈ ગયો હોય તેમ બંદો એકદમ અટકી ઉભો રહ્યો, આખે શરીરે થથરવા લાગ્યો, અને મહા ખેદથી અને જેમ કોઈ ખેંચી જતું હોય તેવા કષ્ટથી ચાલતો થયો.

લાલો તો એના તરફ આશ્ચર્યથી જોઈ રહ્યો. ગુલાબસિંહે પૂછયું “આ માણસ વિષે તમે શું જાણો છો ?”

“મારા જેવો ચિત્રવિદ્યાનો એ પણ ઉપાસક છે, એટલુંજ.”

“વિદ્યા ! એ પવિત્ર શબ્દને એવા માણસ સાથે જોડી અભડાવો ના. જેમ ઈશ્વરને મન પોતાની શક્તિ છે, તેમ માણસને મન વિદ્યા હોવી જોઈએ — ભવ્ય, સુખમય, આનંદમય અને અનુકૂલ રચના કરવાવાળી હોવી જોઇએ. આ હરામખોર ચીતારો હશે પણ ચિત્રવિદ્યાનો ઉપાસક તો નહિજ હોય.”

“મને ક્ષમા કરજો. પણ જેની તમે આટલી નિંદા કરો છો તેના વિષે તમે શું જાણો છો ?”

“હું એટલું જ જાણુંછું કે એ માણસ પાપી છે એવી ચેતવણી તમને આપવાની જરૂર હોય તો તે હુંજ તમને આપું. એના શબ્દોજ એનું હૃદય ઓળખાવી આપે છે, એણે જે પાપ કર્યાં છે તે કહી બતાવવાની જરૂર નથી; એની વાણીજ પાપમય છે. જેનો વિશ્વાસ પ્રાપ્ત કરવા એ યત્ન કરે છે તેનોજ વિઘાત ઈચ્છે છે; મોઢા સામું જોઈ વાત કરતાં પણ માણસના પગ તકાસે છે.”

“અહો મેહેરબાન ગુલાબસિંહ ! ત્યારે તો તમે રાજ્ય ખટપટની જે વાતો ચાલે છે તેને માનતા નહિ હો; તમને એ વાતજ પસંદ નહિ હોય; તેથી તો તમે આ માણસને ધિક્કારતા નથી ?”

“કયી વાત ?”

“જેમાં નાત, જાત, કુલ અભિમાન બધું બાજુએ રાખી સર્વ માણસો સરખા થઈ સુખે રહે તે વાત તમને ભાગ્યેજ નાપસંદ હશે.”

“મુસલમાનો આપણા મુલકમાં આવી સર્વને એમ રાખવાના છે કેમ વારૂં ? રાખવા ઇચ્છતા હશે તો પણ રાખી શકશે ખરા ? સ્વાભાવિક વિશ્વરચનાના સ્થૂલ અને સૂક્ષ્મ નિયમાનુસાર થઈ આવતા બુદ્ધિ, વૃત્તિ અને એકંદર પ્રકૃતિના ભેદને તે નિર્મૂલ કરવાનો દાવો કરે છે ? અવાસ્તવિક અને અસત્ય કલ્પનાઓને ઓપ ચઢાવી પરમ કલ્યાણરૂપે દર્શાવવાના સ્વાર્થને પણ શું તું ઓળખી શકતો નથી ? એવી સ્વદેશદ્રોહી વાતો કાને પણ કેમ પડવી જોઈએ ? તમને મારી મારીને ટુકટા કરશે, અને દીન દીન પોકારી સત્યાનાશ વાળશે, એમના ધર્મમાં ઐક્ય છેજ ક્યાં ? ઐક્ય એટલે શું ? બહારના વ્યવહારનું ઐક્ય થાય જ કેમ ? આંતર્‌ તત્ત્વભાવનાથી અભેદ રૂપે ઐક્ય છે, પણ પોતાનેજ ખરા માની અન્યને કાફર કહેનાર લોક તેને ક્યાંથી સમજી શકે ? પોતાની વાત ન કબુલ કરે તેમને મારવા, એ જેનો નિયમ, તે તે આવી વાત પણ કેમ ઉચ્ચારી શકે ? કદાપિ કહે તો પણ શું ? રજપૂતોમાં એમ છેક પાણી નથી કે આવી વાતોને નામે અસત્ય અને અનાચારને પોતાના દેશમાં પેસવા દે ! કે એ નિર્જીવ મ્લેચ્છને અહીં બેસવા દે ? સર્વ સમાનતા તો આપણને પણ ક્યાં કરતાં નથી આવડતી ? પણ આજે સર્વ સમાન બનાવીએ તો બીજેજ દિવસ એવી કોઈ અસમાનતા જરૂર બનવાની કે જેથી વળી ફરી વ્યવસ્થા કરવાની જરૂર પડે. આમનું આમ ઉત્તરોત્તર થયાંજ જવાનું; માટે એવી ગપ્પો ઉપર વિશ્વાસ ન કરતાં ખરી સત્યભક્તિ અને ખરી દેશભક્તિ રાખી ચોહાણની પક્ષે રહેવામાંજ તમારો ધર્મ છે ને તમારું કલ્યાણ છે એ વાત ખુબ લક્ષમાં રાખો.”

“ત્યારે શું સંસારમાં જે દુઃખદાયક અસમાનતા છે તે કદાપિ દૂર થવાનીજ નહિ ?”

“સ્થૂલદેહ સંબધી જે અસમાનતા તેજ દૂર થાય એવી નથી ત્યાં સૂક્ષ્મદેહ સંબંધીની તો વાત જ શી ? દુનિયામાં સર્વની બુદ્ધિ, નીતિ, ગુણ, સમાનજ ! કોઇ કોઇને ઉપદેશ કરનાર ક્યાંથી જ હોય ! આવી સ્થિતિ જો અશક્ય ન હોત તો માણસ જાતિનું શું થાત ? પણ નહિ, જગત્‌ ચાલે છે ત્યાં સુધી તો સૂર્યનાં કિરણ મેદાનમાં આવતા પહેલાં ઉંચાં ગિરિશિખરને વેહેલાં તેજિત કરવાનાજ. ગમે તો આજે સવારે તમામ લોકોને, દુનિયામાં જે જ્ઞાન છે તે સરખે ભાગે વહેંચી આપો, પણ ખાતરી રાખજો કે આવતી સવારે કોઈને કોઈ બાકીના કરતાં વધારે ડાહ્યાં જાગી ઉઠવાનાંજ, આ નિયમમાંજ માણસનું શ્રેય છે, એથીજ દિનપ્રતિદિન માણસની સુધારણા ચાલી આવે છે અને છેવટ જે ભૂમિકા ઉપર સર્વથા ઐક્ય છે ત્યાં પહોંચવાની દૃષ્ટિ ઉઘડે છે.”

આમ વાત કરતાં ગુલાબસિંહ ને લાલાજી ખીલી રહેલા બગીચામાં આગળ વધતા ગયા. એજ વખતે મૃદુ પવનની લહરથી સૂર્યનો તાપ નરમ પડવા લાગ્યો અને જમનાનું જલ ઉછાળા મારવા લાગ્યું, અને તે સમયની એવી અવર્ણ્ય ખુબી બની રહી છે તેથી સર્વ અંગ આનંદમય થઇ રહ્યાં. આવી પ્રોત્સાહક હવામાં જાણે આત્મા પોતે પણ વધારે પુનીત અને આનંદિત લાગવા માંડ્યો.

ગુલાબસિંહ સહજ બોલી ઉઠ્યો “વળી આ બંદો તો નાસ્તિક છે, માણસને સમાન કરવાની વાતોમાં પરમેશ્વરને લાત મારે છે. જગત્‌નું ચૈતન્યરૂપ કારણજ માનનો નથી — ઈશ્વરને સ્વીકારતો નથી ! તું સત્યવિધાનો ઉપાસક છે ? તો વિશ્વચમત્કૃતિનો અભ્યાસી હોઈ આવી વાત કેમ સાંભળી પણ શકે ? ઈશ્વર અને બુદ્ધિ એ વચ્ચેનો સંબધ દૃઢ છે, એ ઉભયને તે વાત કરવાની ખાસ ભાષા પણ જુદી છે. ઠીક કહે છે એના એજ મુસલમાનો કે હુસ્ન — શરીરનું કે મનનું — તેજ ઐશ્વર્ય છે, તેજ ઈશ્વર છે.”

જેને કોઈ પ્રેતપિશાચ સાથે સંબંધ છે એમ ધારતો હતો તેનાજ મોંમાંથી આવા બોલ નીકળતા સાંભળીને લાલાના મનમાં આશ્ચર્ય લાગ્યું અને બોલી ઉઠ્યો “આટલું તમે માનો છો છતાં એમ કહે છે કે તમારું જીવતર બીજા માણસોથી વિલક્ષણ હોઈ બીજાને ભોગવવાથી ભય થાય એવું છે ? ત્યારે શું પરમ ધાર્મિકતા અને ચમત્કાર વચ્ચે કાંઈ સંબંધ છે ?”

“ચમત્કાર ! ચમત્કાર એ શું છે ? પોતાની શક્તિથી જે નથી બનતું તે બીજાથી બની શકે એમ સાધારણ લોક માનતા નથી. પણ ચમત્કાર શબ્દથી જો તું એમ સમજતો હોય કે, વિશ્વના અજાણ્યા પણ અમુક નિયમ પ્રમાણે બને તેવા બનાવ; તો હું કહું છું કે તેવા ચમત્કારનો હું અભ્યાસી છું. અને યાદ રાખજે કે જે એવો અભ્યાસ કરે છે તે સર્વધર્મ અને શ્રદ્ધામાત્રના મૂલ નિયમોની વધારે સમીપ છે. સ્થૂલ વિશ્વનેજ જે લોક માને છે તે નાસ્તિક કહેવાય છે, જે લોકો આત્મસત્તાને અને ચૈતન્યને સ્વીકારે છે તે આસ્તિક કે ધાર્મિક કહેવાય છે; સ્થૂલના નિયમોને જેમ નાસ્તિકો સમજે છે તેમ ચૈતન્યના નિયમોને આસ્તિક સમજી શકે છે. એ વાત ન જાણનારા નાસ્તિકો તેને ચમત્કાર અથવા વહેમ કહે છે, પણ એમાં તેમની સમજણનોજ દોષ છે. ચમત્કારની એ ગુપ્તવિદ્યા છે; અને ધાર્મિક લોકો યદ્યપિ તેમાંજ મોક્ષ માનતા નથી. તથાપિ તેને સમજી શકે છે શું તે અસલ ભણવામાં ન આવતી ? પણ ક્યારે ? છેક પરમહંસ અવસ્થામાં ગુપ્તમંડલના મહાત્માઓ તે બનાવતા. તું પોતેજ ચિત્રવિદ્યામાં કુશલ છે તે શું આવી વિદ્યા તરફ નથી લક્ષ દેતો ? જમાનામાં થઈ ગયેલાં રૂપનું અવલોકન કરી, હવે પછી થનાર રૂ૫ની આકૃતિ મનમાં ખડી કરી લેવી, એ શું તારું કામ નથી ? તને ખબર નથી કે ચીતારો હો કે કવિ હો, પણ તે જો સત્યનો શોધક હોય, તો તેણે નજરે પડે છે તે સ્થૂલ સૃષ્ટિને કેવલ વીસરી જવી જોઈએ, અને વિશ્વચમત્કૃતિને કાબુમાં લેવી જોઈએ, પણ તેને તાબે થવું ન જોઈએ ? તું ભૂતકાલની વાત સમજી ભવિષ્યનો તર્ક બાંધે છે; તે ખરી વિદ્યા એજ નહિ કે ભૂત ભવિષ્ય ઉભયને મેળવવાં અને નિરંતર વર્તમાનમાંજ વિહરવું ? તારી કલ્પનાના મંત્રથી તું હજારો અદૃશ્ય સત્ત્વ ઉભો કરવા ચહાય છે, તો ચિત્રવિદ્યા બીજું શું છે ?–અદૃશ્ય સત્ત્વને દૃશ્ય સત્ત્વરૂપે સ્થાપવું તેજ. તને આ જગત્ ગમતું નથી ? એ જગત્ ખરા બુદ્ધિમાનને માટે બનાવેલુંજ નથી. બુદ્ધિશાલી માણસોએ તો પોતાને રહેવા માટે નવુંજ જગત્ બનાવી લેવું જોઈએ. ગમે તેવો ગુપ્તવિદ્યાભ્યાસી ચમત્કાર કરનાર સિદ્ધ એથી બીજું શું કરી શકે તેમ છે ? અથવા કયું પદાર્થવિજ્ઞાન એની બરાબરી કરે તેમ છે ? માણસના મનમાંની વિષયવાસનાથી અને જગત્‌નાં સંકટથી છુટવાના બે રસ્તા છે, તે સ્વર્ગ અથવા નરક સિવાય ગમે ત્યાં લઈ જાય છે :—પરાવિદ્યા અને અપરાવિદ્યા; પણ પરાવિદ્યાજ ખરી દૈવી છે. અપરાવિદ્યા જેને તમે કલા, સાહિત્ય શાસ્ત્ર, વ્યવહાર આદિ નામ આપો છો તે મિથ્યા છે. અપરાવિદ્યા શોધી લાવે છે, પરાવિદ્યા નવી રચના કરે છે. તારામાં એવી શક્તિ છે કે તું પરાવિદ્યાને પાત્ર થાય, પણ હવણાં જે છે તેથી સંતોષ માન. જે ખગોલવેત્તા અગણિત તારાગણનું અવલોકન કરી તેની ગણના કરે છે તે, છે તે સૃષ્ટિમાં, એક કણ પણ નવો નીપજાવી શકવાનો નથી, પણ કવિ હશે તે એક કણમાંથી આખી સૃષ્ટિ ખડી કરી શકશે; કોઈ રસાયન જાણનાર, માણસના શરીરનાં દરદ દૂર કરશે; પણ કોઈ ચીતારો કે શલાટ, ખરાં દૈવી પૂતળાંને સનાતન રૂપ આપી જરા- મરણથી મુક્ત કરશે. તારા મનમાં જે ગરબડ થાય છે ને જેને લીધે તું ઘડીમાં મારી તરફ વળે છે ને ઘડીમાં જગત્‌ને સમાન કરનાર પેલા હરામખોર તરફ તણાય છે, તે તજી દે. તારી પીંછી એ તારો જાદુનો દંડ સમજ ને તે વડે એ બંદો કે એને બાપ કહી બતાવે તે કરતાં પણ વધારે રંગીલાં જગત્ ભલે ખડાં કર; તારી ભાવનાએ રચેલા વિશ્વને જ દૃશ્ય કરતાં શીખ. એમાંજ ખરા સત્યનું અને આર્યત્વનું તત્ત્વ છે. એથી વિરુદ્ધ વિચારો કરનારા બંદા જેવા દ્રોહીનો વિશ્વાસ ન કર. તારો આખરનો વિચાર હજુ પણ હું પૂછતો નથી; પણ કયો ખરો બુદ્ધિમાન્ માણસ પ્રેમ અને કીર્તિ કરતાં બીજી વાતને વધારે અમૂલ્ય ધારી તે વાતને મરતા સુધી ભોગવવા ઈચ્છશે ?”

લાલો ગુલાબસિંહ તરફ એક દૃષ્ટે જોઈ બોલ્યો “મરણજ ન થાય એવી કોઈ શક્તિ હોય તો ?”

ગુલાબસિંહની ભ્રમર ચઢી આવી, ને બોલ્યો “એમ હોય તો જે તારાં પ્રેમાસ્પદ હોય તેમને તારી નજરે મુવેલાં જોવાં ગમશે ? જનસમૂહ સાથેના સર્વ સંબંધ એમ તજવા ફાવશે ? સંબધ માત્રને કે સુવારી તારી આંખ કોરી રહી શકશે ! ભલા માણસ ! દુનિયામાં ખરેખરૂં અમરપણું તો મારા સમજવા પ્રમાણે નિષ્કલંક નામ મૂકી જવામાં છે.”

“તમે મને સ્પષ્ટ ઉત્તર આપતા નથી, આડી વાત કરો છો. કોઈ સિદ્ધ લોક માણસની સાધારણ ઉંમર કરતાં ઘણી આશ્ચર્યકારક મુદ્દત સુધી જીવ્યાની વાત મેં સાંભળી છે. જે અકસીરથી માણસ અમર થાય છે તેની વાત શું ગપ છે ?”

“ગ૫ ન હોય, ને તું કહે છે તેમને જડી હોય, પણ તેઓ મુંવા તો ખરા, કેમકે તેમણે જીવવાની તૃષ્ણા મૂકી ! તારા મનમાં જે સંશય થયો છે એમાં કાંઈ સમજવાનું હશે. જા, જા, તારાં પીંછી ને કાગળ સંભાળ.”

આમ કહી ગુલાબસિંહે લાલાને અણસારાથી રજા આપી ને પોતે આંખો નીચી ઢાળી, ધીમે પગલે ગામ તરફ ચાલી ગયો.