ગુલાબસિંહ/તરંગ ૩:એક પગલું આગળ

← સ્વાત્મદર્શન ગુલાબસિંહ
એક પગલું આગળ
મણિલાલ દ્વિવેદી
ગુહ્યાગારનો દરવાજો →


પ્રકરણ ૩ જું.

એક પગલું આગળ.

બીજે દિવસે મધ્યાન્હે ગુલાબસિંહ માને ઘેર જઈ મળ્યો, એજ પ્રમાણે તે પછીને દિવસે અને તે દિવસ પછીને દિવસ–એમ ઘણા દિવસ–જે બધા માને પોતાના આયુષમાંના ઉત્તમમાં ઉત્તમ દિવસ જણાતા. આટલું છતાં પણ જે પ્રશંસા અને ખુશામદ સાંભળવાને માને પરિચય હતો તેનો એક શબ્દ ગુલાબસિંહના મોંમાંથી નીકળ્યો ન હતો. એની યથાયોગ્ય ગંભીરતાને લીધજ આ ગુપ્તગંમત ચાલ્યાં જતી, એ માની વયનાં ગયેલાં વર્ષોમાં થયેલા બનાવો વિષે વાતચીત કર્યાં કરતો; અને મા પણ હવે એનું ભૂતકાલનું આવું સૂક્ષ્મ જ્ઞાન જોઈ આશ્ચર્ય પામતી નહિ. માને એના બાપની વાત વારંવાર પૂછતો, સરદારનાં તરંગી ગાનમાંથી કાંઈ કાંઈ ગવરાવતો-અને એ ગાન સાંભળી પોતે પણ કોઈ અવર્ણ્ય મનોરાજ્યમાં ગરક થઈ જતો.

“જેમ એ ગવૈયો એના ગાયનને ગણતો” ગુલાબસિંહે કહ્યું “તેવીજ બુદ્ધિમાન્‌ને પોતાની વિદ્યા હોવી જોઈએ. તારા પિતા જગત્‌ને જોતા; પરમાત્માની ગહન રચના જેના સર્વે અવયવ અન્યોન્યને તેમ આખા સમૂહને યથાયોગ્ય અનુકૂલ છે. તેની સાથે એકતાર થયેલા તેના આત્માને જગત્‌ની રીતિ પ્રતિકૂલ પડતી. લોભની સ્પર્ધા તેમ તજ્જન્ય નીચ વૃત્તિઓ તેનાજ ઉલ્લાસમાં ગાળવાનું જીવિત ઘણું નીચ, સંકુચિત છે. એણે તો પોતાનો આત્મા જેવા વિશ્વમાં વસવા યોગ્ય હતો તેવું વિશ્વ પોતાના આત્માથી રચી લીધું હતું, મા ! તું પણ તે આત્માની પુત્રી છે; અને તેજ વિશ્વમાં વસશે.”

પ્રથમની મુલાકાતમાં ગુલાબસિંહ લાલાનું નામ સંભારતો ન હતો; પણ તેવું ઘણા દિવસ ચાલ્યું નહિ. મા પણ ગુલાબસિંહ પર હવે એટલાં શ્રદ્ધા, ભક્તિ ને પ્રેમ રાખતી હતી કે અપ્રિય છતાં પણ એ નામ સાંભળી પોતાનું દિલ દબાવી રહી. અને ગુલાબસિંહે જે કહ્યું તે શાંતિથી સાંભળી રહી.

છેવટ એક દિવસ ગુલાબસિંહે કહ્યું “રમા ! મારી સલાહ પ્રમાણે ચાલવાનું તેં વચન આપ્યું છે, ત્યારે જો હવે હું તને પેલા પરદેશીનો પાણિગ્રહણ કરવાનો આગ્રહ બલ્કે હુકમ કરૂં તો શું તું તેમ કરવા ના પાડશે ?”

પોતાની આંખમાં ઉભરાઈ આવતાં આંસુ ખાળીને, આવા દુઃખમાં પણ કોઈ અવર્ણ્ય આનંદ અનુભવતી–પોતાના હૃદયને આજ્ઞા કરનારને અર્થે તે હૃદયનો પણ ભોગ આપતાં થાય તે આનંદ અનુભવતી–ગદ્‌ગદ શબ્દે બોલી : “જો આવી આજ્ઞા કરવાનું સામર્થ્ય તમમાં રહ્યું હોય– શા માટે–.”

“પછી, પછી.”

“તારી ધ્યાનમાં આવે તેમ કર.”

ગુલાબસિંહ થોડી વાર ચૂપ થઈ રહ્યો; પોતાના હૃદયમાં ચાલતી ઘડભાંગ જે આ બાલા છુપાવી શકી છું એમ જાણતી હતી તે પણ એ સમજી ગયો; સહજ તે એની તરફ ગયો, અને એનો હાથ ધીમેથી પકડી તે પર ચુંબન દીધું. તેની સ્વાભાવિક ગંભીરતાનો આ પ્રથમ જ વ્યતિક્રમ હતો, જેથી મા તેને અને પોતાના વિચારને ઓછો ભયકારક ગણવા લાગી.

ગદ્‌ગદ કંઠે ગુલાબસિંહ બોલ્યો “તારા પર આવતી વિપત્તિ, જેને અટકાવવી હવે મારા હાથમાં નથી, તે જો તું દીલ્હીમાં રહ્યાં કરશે, તો પ્રતિક્ષણ તારી સમીપ આવતી જશે. આથી ત્રીજે દિવસે તારો જે તે નીકાલ થવોજ જોઈએ. મને તારા વચન પર વિશ્વાસ છે. ત્રીજા દિવસની સાંજ પેહેલાં, ગમે તે થાઓ, પણ હું તને આ વખતે આજ સ્થલે મળીશ, ત્યાં સુધી હવે રામરામ.”