ગુલાબસિંહ/તરંગ ૩:સ્વાત્મદર્શન
← પ્રેમની પ્રતીતી | ગુલાબસિંહ સ્વાત્મદર્શન મણિલાલ દ્વિવેદી |
એક પગલું આગળ → |
પ્રકરણ ૨ જું.
સ્વાત્મદર્શન.
હવે રમાના સુખમાં બાકી શી ! એનાં હૃદયચક્ષુ પરથી અંધકારનો પટ ખશી ગયો ! ચાલે છે પણ જાણે ઉડતી હોય તેમ ! એ સમયના હર્ષમાંજ કોઈ ગાન પણ આલાપતી હોય ! આ પ્રમાણે રમા ઘર તરફ જતી હતી. વિશુદ્ધ સ્વભાવનાં મનુષ્ય જ્યારે કોઈના પ્રેમમાં પડે છે ત્યારે અવર્ણ્ય સુખ અનુભવે છે–પ્રેમાસ્પદની મહત્તા જાણી તેના કરતાં પણ અધિક સુખ પામે છે. આ બેની વચ્ચે સંસારની અડચણો હતી–દ્રવ્યની, કુલની, સંબંધની; પણ જેથી મન પાછું હઠી હૃદય હૃદયનો કદી પણ યોગ ન થવા દે એવો પટાંતર હવે રહ્યો ન હતો. એ એના પર પ્રેમ રાખતો ન હતો. પ્રેમ ! રમા ક્યારે પ્રેમ યાચતી હતી ? પોતેજ તેને પ્રેમથી ચહાતી હતી ? નહિજ, કેમકે જો એમ હોય તો તે એકના એકજ પ્રસંગે છેક દાસત્વ જેવો નમ્રભાવ તેમજ સમાનતા જેવું પ્રાગલ્ભ્ય દાખવી ન શકે. હવે યમુનાના ઝીણા ઝીણા તરંગ કેવા મધુર લાગતા હતા ! પાસેથી જતા સામાન્ય ગામડીઆનું વદન પણ કેવું આલ્હાદકારક જણાતું હતું ! ઘેર પહોંચી; તુરતજ આકાશ સુધી પસરી રહેલા પેલા વૃક્ષને જોઈ બોલી “મારા વ્હાલા ભાઈ ! તારી પેઠે હું પણ જ્યોતિને પામી શકી છું.”
રજપૂત વર્ગની ઉચ્ચ શિક્ષણ પામેલી બાલાઓની પેઠે આપણે કોઈ દિવસ, આત્મોદ્ઘાટનનો આનંદ–મનના વિચારને કાગળપર ખડા કરવાનો આનંદ– અનુભવ્યો ન હતો. એકાએક એના હૃદયમાં કાંઈ થઈ આવ્યું. કોઈ નવીજ વૃત્તિ જાગ્રત્ થઈ, હદયે હૃદયનેજ જોવા માંડ્યું, સુવર્ણમય કલ્પનાના કોકડાની આંટીઓ ઉકલાવા માંડી, અને દર્પણમાં પોતાનું રૂપ જુએ તેમ રમાને પોતાના આત્માનું રૂપ જોવાનું મન થયું. પ્રેમ અને આત્માના યોગથી કલ્પનાનું જોર વધ્યું. શરમાતી ગઈ, ડુસકાં ભરતી ગઈ, રોતી ગઈ, થથરતી ગઈ, પણ લખ્યું–આત્માનું પ્રતિબિંબ જોયું ! આ સૃષ્ટિમાં આનંદ પામતી બેઠી છે એવામાં રાસભૂમિની સૃષ્ટિ માટે સજ્જ થવાની સૂચના થઈ. પૂર્વે ભવ્ય દીસતાં ત્યાંનાં ગાન તથા દર્શન હવે કેવાં નિસ્તેજ જણાવા લાગ્યાં : રંગભૂમિ ! વર્તમાન સમયમાં લુબ્ધ થયેલા સંસારની દૃષ્ટિએ તું સ્વર્ગ છે, પણ કલ્પના, જેનું ગાન માણસ સાંભળી શકતું નથી, જેના રંગીન પડદા માણસને હાથે હાલતા નથી, તેજ ભૂત અને ભવિષ્યની ખરી રંગભૂમિ છે.