ગુલાબસિંહ/તરંગ ૩:પ્રેમની પ્રતીતી

← આશામાં નિરાશા ગુલાબસિંહ
પ્રેમની પ્રતીતી
મણિલાલ દ્વિવેદી
સ્વાત્મદર્શન →


તરંગ ૩.

પ્રકરણ ૧ લું.

પ્રેમની પ્રતીતી.

જે વૃદ્ધ ગવૈયો પોતાના પિતાનો મિત્ર હોવાથી માની સંભાળ રાખતો હતો તેના ઉપકારનો બદલો વાળવાનો માનો હાથ, હાલ, સારો પ્રસંગ આવ્યો હતો. એ ગવૈયાને ત્રણ પુત્ર હતા, તે સર્વે ગાયનનો ધંધો શીખી દિલ્હી શહેર મુકીને હિંદુસ્તાનમાં ધંધો શોધવા નીકળી પડ્યા હતા. વૃદ્ધ ગવૈયાને અને તેની પત્નીને આનંદ આપનાર એક નાની આઠ વર્ષની બાલકી— તેના બીજા પુત્રની દીકરી–હતી. આ બાલકીની મા તેના પ્રસવસમયેજ મરી ગઈ હતી; ઘરમાં ડોસા ડોશીને તે આંખની કીકી સમાન વહાલી હતી. અકસ્માત્‌ આ ડોસો પોતાના ધંધામાંથી કમાણી કરી લાવવા અશક્ત થઈ ગયો હતો, તેને પક્ષઘાત થયો હતો, અને તેણે ઉડાઉપણામાંને મોજ શોખમાં કાંઈ બચાવી રાખેલું ન હોવાથી ખરચખુટણે હેરાન હતો. આ પ્રસંગે મા પોતાના ઉદાર દિલથી જે બને તે આપતી અને મદદ કરતી એટલુંજ નહિ, પણ ખરા ઉદાર સ્વભાવનાં સુજનની રીતિ પ્રમાણે નિરંતર ડોસા ડોશીની પાસે જઈ બેસતી અને તેમને મીઠી મીઠી વાતો કરી ખુશી કરતી તથા દુઃખ વીસરાવી દેતી. પણ આથી એ વિશેષ ઉપકારનો અવસર પાસે હતો. પેલી નાની, લટક મટક રમતી, કુદતી, સર્વને રમાડતી, રીઝવતી, લાડકવાઈ બાલકી એકાએક માંદી થઇ ગઈ. એમ થતાંજ ડોસો ડોશી ગભરાઈ ગયાં, અને તુરત માને બોલાવા મોકલ્યું. મા ઉપર આ બાલકીનો ઘણો પ્રેમ હતો, તેથી મા આવતાં તેના જીવમાં જીવ આવશે એમ આશા હતી, પણ તે આવી પહોંચી ત્યારે તે બિચારી બાલા બેશુદ્ધ થઈ ગઈ હતી ! તે રાત્રીએ રાસમાં જવાનું હતું નહિ, એટલે મા આખી રાત પોતાની માંદી સખીના બીછાના પાસે ઉઘાડી આંખે બેશી રહી.

મધ્યરાત્રીએ બાલકની અવસ્થા વધારે ખરાબ થતી ચાલી. વૈદ્ય માથું ધૂણાવીને હિરણ્યગર્ભની માત્રા લેવા ઘેર સટકી ગયો, પેલો ગાનમસ્ત ડોસો મહાશોકમાં ડુબીને એક સ્વર પણ ઉચ્ચાર્યા વિના એકી નજરે જોતો બેશી રહ્યો હતો; એને શ્મશાનની સોડે સુતાં અટકાવનારી, રૂમઝુમ કરી રહેલી, એના ઘડપણની પાલણહાર, એનો જીવ, આજ બાલા હતી. અરે ! મરવાને ભોંય સુંઘતા વૃદ્ધ માણસને પોતાના આધારરૂપ કુમાર વદનની ઉડી જતી પ્રભા ઉઘાડી આંખે જોવાનો વખત ! કોઈ રાક્ષસના પણ હૃદયને ભેદી નાખવાને એવો બનાવ બસ છે. ડોસાના તો રામ રમી ગયા હતા; પણ ડોશી જરા વધારે આશા રાખતી હતી, વધારે મહેનત કરતી હતી અને ઘણાં આંસુ પડતી હતી. રાસીતાની મૂર્તિ આગળ બેઠી બેઠી સ્તુતિ કરતી હતી ત્યાંથી એકદમ ઉઠીને, શરીરે કામળી ઓઢી ડોશી બહાર ચાલી નીકળી; મા તેની પાછળ ગઈ.

“માજી ! ઉભાં રહો. હું વૈદ્યને બોલાવું છું; બહાર ટાઢ ઘણી લાગે છે, માટે તમે પાછાં જાઓ.”

“બેટા ! હું વૈદ્યને બોલાવા જતી નથી. મેં આ ગામમાં એવો માણસ આવ્યો સાંભળ્યો છે જે ગરીબનો બેલી છે, ને મરનારને બચાવનારો છે, હું એની પાસે જઈને કહીશ, ‘બાવા ! અમે બીજી બધી રીતે તો ગરીબ છીએ, પણ ગઈ કાલ સુધી પ્રેમનો ભંડાર અમારે ત્યાં ભરપૂર હતો. અમે મરવાને ભોંય સુંઘીએ છીએ પણ અમારી નાનકડીના નાનપણથી નાનાં હોઈએ તેમ ટટાર છીએ. અમને અમારો ભંડાર પાછો અપાવો; અમને અમારું જતું રહેતું. નાનપણ પાછું લાવી આપો. અરે ! અમે એમ અમારા લોહીને પાછળ મૂકી મરીએ એવું હે પ્રભુ ! કરી આપો.”

ડોશી ગઈ. મા ! તારા હૃદયમાં કેમ ઉકળાટ થયો ! એવામાં દરદીએ ચીસ પાડી કે મા તુરત પથારી આગળ જઈ ઉભી. ડોસો એમનો એમ કરડી નજરે જોતો દાંત પીસતો બેઠો હતો. ધીમે ધીમે શ્વાસ ઉપડ્યો, અને ખરેરો બોલવા લાગ્યો. રામ ! વહાણું વાયું, ઘરમાં તડકો આવવા લાગ્યો— બારણેથી કોઈનાં પગલાં પણ વાગતાં સંભળાયાં–ડોશી ગાભરી ગાભરી અંદર આવી–પથારી પાસે જઈ જોઈને બોલી ઉઠી ‘જીવે છે, સાહેબ ! જીવે છે.’

માએ ઉંચું જોયું–પોતાની છાતી પર દર્દીને લેઈ બેઠી હતી ત્યાંથી જુએ તો ગુલાબસિંહ ! મા તરફ સ્નેહની દૃષ્ટિથી ‘તું સારું કરે છે’ એમ નરમાશની નજરે જોઈને જરા હસ્યો. છતાં પણ એજ ક્ષણે, જેવો ગુલાબસિંહ પેલી ક્ષીણ થતી બાલાના કરમાયલા મુખ તરફ નમીને જોવા લાગ્યો કે તુરતજ માના મનમાં એમ થયું કે રખે ને આ વિલક્ષણ માણસમાં કોઈ મેલી સાધના તો નહિ હોય ! પણ એમ થતાની સાથેજ વિચાર બંધ પડી ગયો— ગુલાબસિંહની કાળી વિશાલ આંખ એના આત્માને પી જતી હોય તેમ એની તરફ ગઈ; એને આવા વિચાર માટે ઠપકો દેવાયો !

“ફીકર નહિ કાકા !” પેલા ડોસા તરફ વળીને ગુલાબસિંહે કહ્યું “હજી વાત હાથેથી ગઈ નથી.” એમ કહેતાંજ પોતાના ખીસામાંથી એક નાની શીશી કાઢી, થોડાં ટીપાં પાણીના પ્યાલામાં નાંખી પાણી પાઈ દીધું. બાલકના હોઠ આ દવાથી ભીના થતાંજ, અસર કાંઈક વિલક્ષણ થઈ. હોઠ અને ગાલ ઉપર તેજ પાછું આવવા લાગ્યું અને થોડીવારમાં દર્દીને ગસગસાટ ઊંઘ આવી ગઈ. આમ થયા પછી ડોસો ઉઠ્યો, પોતાના દેવસેવાના મંદિરમાં ગયો અને રાસીતાની મૂર્તિ આગળ જઈને નીરાંતે કાલાવાલા કરવા લાગ્યો. આ માણસના હોઠ બહાર આજ સુધી ઈશ્વરનું નામ નીકળ્યું ન હતું, દુઃખનો એવો કોઈ સપાટો તેને લાગ્યો ન હતો કે રામ સાંભરે; છેલી વીશીમાં છતાં પણ એણે કોઈ દિવસ મોત વિષે ઘરડાં કરે છે તેવો વિચાર કર્યો ન હતો; પણ આજ એના વિચાર અને એનો આત્મા ઉભય, આ કુમળા બાલકના કરમાઈ જવાના પ્રસંગમાંથી જાગ્રત્‌ થયાં ! ગુલાબસિંહે વૃદ્ધ ગૃહિણીના કાનમાં કાંઈ કહ્યું એટલે ડોશી ડોસાને લેઈને ઓરડાની બહાર ગઈ.

“રમા ! તારા આ દર્દીની સાથે મને એકલો એક ક્ષણવાર તું નહિ રહેવા દે ? તને કાંઈ શંકા છે ? તને એમ લાગે છે કે આ કામ હું કોઈ મેલી વિદ્યાથી કરૂં છું ને તેથી આ બાલકને જણાતો લાભ છતાં, ખરો લાભ થનાર નથી એમ તું માને છે ?

રમા, મનમાં પરાજય પામતાં છતાં પણ, આનંદથી બોલી “મને ક્ષમા કરે સાહેબ ? ક્ષમા કરો; તમે જવાનને જીવ આપો છો, ઘરડાંને મોક્ષનો રસ્તો બતાવોછો. તમારા વિષે એવો ખોટો તર્ક હું કદાપિ પણ નહિ કરૂં.”

મધ્યાન્હ પહેલાં તો પેલી માંદી બાલા, હતી તેવી આનંદીને આરોગ્ય થઈ ગઈ ગુલાબસિંહ પણ ડોસા ડોશીનાં વખાણ તથા ઉપકારનાં વચનમાં ડુબી જતો રજા લઈ ચાલી નીકળ્યો. નીકળતાંજ બારણા બહાર માને એણે ઉભેલી જોઈ. એક હાથ લટકતો હતો ને બીજો હાથ કપાલે લગાડી વિચારની મુદ્રા કરી ઉભી હતી; મોં વિચારમાં ઉડી ગયેલું હતું; અને આંખોમાંથી ચોધાર આંસુ ચાલતાં હતાં. તે બોલી ઉઠી “મેહેરબાન ! મને એકલીને આમ રડતી મૂકીનેજ જશો કે !”

“રે ! રસ અને રસાયણથી, રે બાલા ! તને શું ફાયદો થાય તેમ છે ? તને જે મદદ કરે છે અને હજી પણ કરવાને તૈયાર છે તેના વિષે તું સહજમાં કુતર્ક બાંધતાં વાર લગાડતી નથી; તારે રોગ તો માનસિક છે, શારીરિક નથી. રો નહિ, બાલા ! રો નહિ. દર્દીને પણ પોષણ આપનાર ! દુઃખીનું મન વળાવનાર ! મારે તને ઠપકે દેવા કરતાં તારી વાતને પસંદ કરવી જોઈએ. ક્ષમા કરવી ! ખરેખર, આ જીવતર જે નિરંતર ક્ષમાને પાત્ર છે, તેમાં સર્વની પ્રથમ ફરજ એ જ છે કે ક્ષમા કરતાં રહેવું.”

“નહિ, નહિ, મને ક્ષમા કરશો નહિ; મને ક્ષમા ઘટતી નથી, હું તે માગતી નથી, કેમકે હાલ જો કે હું સમજું છું જે તમારા વિષે એવો કુતર્ક કરવો અયોગ્ય હતો, તોપણ મારાં અશ્રુ પશ્ચાત્તાપને લીધે નહિ, પણ આનંદને લીધે ઉભરાય છે. અહો ! આખાએ વિશ્વ કરતાં તને વધારે સારો, વધારે શુદ્ધ, વધારે પવિત્ર ન માનવો એ મને કેવું વિષમ થઈ પડે છે તેની તને ખબર પણ નથી. આપણાં પ્રેમપાત્રને જેમ આપણે આખા જગત્‌ કરતાં અધિક ગણીએ છીએ તેમ સર્વ રીતે, શરીરથી, મનથી, બુદ્ધિથી, પવિત્રતાથી, તે આખા જગત્‌ કરતાં અધિક હોય તો કેવો આનંદ આવે ! મને એથીજ ઓછું આવે છે. પણ જ્યારે મેં તને–ધનવાન્‌ને કુલીનને—તારા મેહેલમાંથી ગરીબની ઝુંપડી તરફ દુઃખીને મદદ કરવા આવતા જોયો;–જ્યારે મેં તારા ઉપર રેડાતી ગરીબ લોકની અગણિત આશિષો સાંભળી–ત્યારે હું મહા ઉચ્ચસ્થાને પહોંચી હોઉં એમ મને લાગવા માંડ્યું–તારી ભલાઈથી મને મારી જાત ભલી જણાવા લાગી–જે વિચારથી તારું રૂપ મને જરા પણ અણગમતું ન જણાય તેવા વિચારમાં આનંદિત થઈ હર્ષનાં આંસુ પાડવા લાગી !”

મા ! શું એક વૈદ્ય તરીકેના મારા કામથી આટલી બધી વાત ફલિત થાય છે ! હલકામાં હલકો હજામ પણ પોતાની રીતિ પ્રમાણે બદલો લેઈને દવા આપેજ એમાં શી નવાઈ છે ! મેં બીજું કાંઈ લીધું નથી, છતાં કેવલ આશિષ્‌ એ પણ ક્યાં નાણાં કે બીજા કેઈ પ્રકારના બદલાથી ઉતરે તેમ છે !”

“ત્યારે તો મારી પણ પ્રાર્થના, આશિષ્‌, ઓછી કીમતની નહિજ હોય ! અહો તે પણ તું સ્વીકારીશજ.”

“અરે રમા !” ગુલાબસિંહ એકદમ આવેશમાં આવી જઈ બોલ્યો : “આખા વિશ્વમાં મને ખુશી કે નાખુશી પેદા કરી શકે તેવી તું એકલીજ છે.”

આટલું બોલતાં અટક્યો, અને એનું વદન ગંભીર થઈ ગયું. છતાં બોલ્યો : “અને તે એટલા માટે કે જો તું મારી સલાહ પ્રમાણે ચાલે તો હું ધારૂં છું કે હું તારા જેવી નિર્દોષ બાલાને સુખને રસ્તે ચઢાવું.”

“તારી સલાહ ! હું તે બધી માનીશ, પાલીશ, તારી નજરમાં આવે તેવી મને બનાવ. તું ન હોય ત્યારે, હુ એ નાનું બાલક બની જાઉં છું, દરેક જાતિના બનાવથી ડરૂં છું. તારી સાથે હોઉં છું ત્યારે મારો આત્મા ઉલ્લાસ પામે છે, અને આખું વિશ્વ શાન્ત અને પ્રકાશમય જણાય છે. તારાં દર્શન મને નિરંતર રહે એટલી વાતની હા કહે, હું માબાપ વિનાની, અજ્ઞાન અને એકલી છું.”

ગુલાબસિંહે પોતાનું મોં ફેરવી દીધું, પણ જરા વિચાર કરી ધીરજથી બોલ્યો “ભલે તેમ હો. પ્યારી બેહેન ! હું તને ફરી મળીશ.”