ગુલાબસિંહ/તરંગ ૩:નવો શિષ્ય
← શરત પૂરી કરી | ગુલાબસિંહ નવો શિષ્ય મણિલાલ દ્વિવેદી |
રહસ્ય શીખવાની શાલા → |
પ્રકરણ ૧૮ મું.
મધ્યરાત્રી થવાને એક ઘડીની વાર હતી. લાલાજી ઠરાવેલે ઠેકાણે આવી ચૂક્યો હતો. ગુલાબસિંહે એના ઉપર જે અસર કરી હતી, તે ગતરાત્રીના વૃત્તાન્તથી સુદૃઢ થઈ હતી. જે બનાવ બન્યા તે કેવા સ્વાભાવિક, કેવલ આકસ્મિક, છતાં એણે ભવિષ્યરૂપે જાણેલા હતા ! આ અતિચમત્કૃતિમય વિલક્ષણ પુરૂષ નિર્જીવમાં નિર્જીવ વસ્તુને પણ પોતાનો સંકલ્પ સાધવાનું સાધન કરવાને સમર્થ છે ! એમજ છે, ત્યારે રમાને લઈ જવાજ કેમ દીધી ? ગુનેગારને દંડવા કરતાં ગુનોજ કેમ ન અટકાવ્યો ! શું ગુલાબસિંહ રમાને પ્રેમ દૃષ્ટિથી જોતો હતો ? પ્રેમ છતાં, તે પ્રેમપાત્ર બીજા આગળ ધરે ! એવા પ્રતિપક્ષીને આપે ! કે જેને પોતાના અગાધ સામર્થ્યથી સહજમાં નમાવી શકે ! ગમે તેમ હો—પણ લાલાના મનમાં પૂર્વે જે વિચાર થયેલા તે તો હવે થવાજ અશક્ય હતા. રમા અને ગુલાબસિંહ કોઈ યુક્તિથી એને છેતરીને ફસાવે છે એમ સમજવું માત્ર કલ્પના જ હતી. ત્યારે લાલો પોતે રમા ઉપર પ્રેમગ્રસ્ત છે ? ના, લાલાજીની વૃત્તિ અત્યારે કોઈ જુદી જ વાત ઉપર નિરુદ્ધ છે. જુગાર રમવાનો જેને ચડસ લાગે છે તેને બીજું કશું સુજતું નથી, તેને કશી ખબર પડતી નથી, જે હાથ આવે તે ઉડાવી દેઈને પણ પોતાની રમવાની ચેળ મટાડે છે, એમજ લાલાજીને હતું. ગુપ્તજ્ઞાનના અભેદ્ય પટને ઉંચો કરી તદંતરિત ગુહ્યાગારનાં દર્શનમયજ એનો જીવ થઈ ગયો હતો. બીજા કોઈ વિચારને અવકાશ ન હતો. એને ગુલાબસિંહ જેવા થવું હતું. નહિ કે પ્રેમમાં, પૈસામાં, કીર્તિમાં–પણ તે અભેદ્ય અલૌકિક શક્તિ જે તેનામાં હતી તે પામવી હતી. લોકથી જેને લીધે એ વિદેશી વિલક્ષણ જણાતો તેનું રહસ્ય પ્રાપ્ત કરવાને લાલાજી પોતાનો જીવ પણ સુખે આપવા તૈયાર હતો. રાત્રી ઘણીજ શાન્ત અને મધુર હતી; ચંદ્રનો પ્રકાશ શાન્તિને અધિક શેભાવતો હતો. ભવાનીના ભવ્ય ધામને દૂરથી યમુનાના ચંદ્રપ્રભાયુક્ત તરંગ પણ પુષ્પશોભિત અર્ધ્ય આપતા હતા. લાલાજી ધીમે ધીમે દેવળની પશ્ચિમ બાજુએ એક પીપળા નીચે આવ્યો. ત્યાં એણે એક પુરુષને મહોટો ઝભ્ભો વીંટાળીને ઉભેલો, તથા અતિ પ્રગાઢ શાન્તિથી ઠરી રહેલે દીઠો, લાલાએ ગુલાબસિંહ કરી ટૌકો કર્યો તેવોજ તે પુરુષ તેના તરફ વળ્યો. એણે કોઈ બીજા જ વિદેશીને જોયો. એ વદન ગુલાબસિંહના જેવું સુંદર નહિં પણ તેટલુંજ ભવ્ય, અને કેવલ સત્ત્વવૃત્તિની અભેદ્ય મુદ્રાએ અલંકૃત વિશાલ ભાલ સહિત, અતિ ઉંડી અને ભેદી નાખે તેવી આંખોએ શોભતું હોવાથી વધારે સામર્થ્યવાળું હતું.
“તમે ગુલાબસિંહને શોધો છો” પેલા પુરુષે કહ્યું “તો તે હવણાં અહીં આવશે; પણ જે અત્યારે તમારી સમીપ છે તેજ તમારા ભવિષ્ય જોડે વધારે નિકટ સંબંધ ધરાવે છે, ને તમારી આશા પૂર્ણ કરવા વધારે ખુશી છે.”
“ત્યારે શું પૃથ્વી ઉપર બે ગુલાબસિંહ છે ?”
“જો ન હોય તો તમે પોતેજ બીજા ગુલાબસિંહ થવાની શ્રદ્ધા કેમ કરી શકો છો ? યુવાવસ્થાના તરુણ આત્મપ્રસાદમાં એવી વાંછના ન અનુભવી હોય એવો કોઈકજ પુરુષ હશે કે આ બ્રહ્માંડમાં કાંઈ ગુપ્ત ચમત્કાર છે, ને તે ચમત્કાર સમજવો આવશ્યક છે. જે અવર્ણ્ય ચમત્કૃતિથી આ વિશ્વ પૂર્ણ છે તેનું ગાન અતિ સુશ્લિષ્ટ અને મધુર છે. આત્માના અંતરંગ વ્યાપારમાં તેનો ધ્વનિ પ્રતીત થાય છે. માનુષહૃદયમાં જે જે વાંછના ઉઠે છે, જે જે ઉદ્ગાર થાય છે, તે બધાં કોઈક અચિન્ત્ય વિશ્વની તાદૃશ રચનાનાં પ્રતિબિંબ છે. એ રચના તેજ પરમ સત્તા છે, બીજું મિથ્યા છે. અનન્ત યુગ અને કલ્પ વહી ગયા તેમાં એ સિદ્ધસત્તામાં જ રમનારા અનેક મહાત્મા થઈ ગયા છે, ને થશે. ગુલાબસિંહ તેમના આગળ કોણ માત્ર છે ?”
“ત્યારે હું પૂછું છું કે એવા અનંત મહાત્માઓ, જેના આગળ ગુલાબસિંહ કાંઈ નથી તેમાંનો તમે એક છે કે નહિ ?”
“આ શરીરમાં તમે એક એવો પુરુષ દેખો છો કે જેની પાસેથી ગુલાબસિંહ કેટલીક ગુપ્તવિદ્યા શીખ્યો છે. આ ભૂમિ ઉપર હું એટલા કાલથી છું કે જે કાલની ગણના તમારા ઇતિહાસ અને પુરાણ લખનારા કરી શકતા નથી. આર્ય ઋષિઓ, કૌરવ, પાંડવ, રામ, કૃષ્ણ સર્વને મેં દીઠા છે. એ ઋષિઓ કે જેમની ઉત્પત્તિ અને સ્થિતિ કૃતિ વિષે આજના પંડિતો અનેક કુતર્ક કરે છે તે ખરા મહાત્મા જ હતા. તેમણે વિશ્વરચનાનાં ગાનમાત્રથીજ વેદ ભર્યા નથી, પણ તેમણે મહા ગહન ગુપ્ત વિદ્યાના ભંડાર તેમાં સાચવેલા છે. તે પોતે પણ મરી ગયા નથી. કૌરવ અને પાંડવ તથા રામ અને કૃષ્ણ જેવા મહાપુરુષો નથી જ થયા એમ નથી, પણ એજ ઈતિહાસ દ્ધારા એ મહાત્માઓએ એવાં દૃષ્ટાન્તથી અધ્યાત્મ સમજાવ્યો છે કે વિચારનારને મુક્તિ હસ્તામલકવત્ થઈ રહે. પણ કલિના પ્રભાવે કૂચીઓ નાશ પામી છે. જોકે માત્ર અક્ષરને ને તે અક્ષરના શુષ્ક ભાવને વળગી રહી વહેમી, બાયલા, ને અજ્ઞાની થયા છે. કૌરવ અને પાંડવનાં યુદ્ધની વાતોથી લોકો રંજન પામે છે, ને એમને એમ રાજ્યપાટ અને દ્રવ્યલાલસાની વાંછનામાં અધમતાએ ચઢે છે. ખરું રાજ્ય, ખરી પ્રાપ્તિ તો આ શરીરરૂપી કુરક્ષેત્રમાં આત્મા અને મનના સંગ્રામમાં આત્માને વિજયવાન કરવામાં છે. બ્રહ્માંડને મૂકી તેની પ્રતિકૃતિ જે પિંડ તેનેજ વિલોકવામાં આત્મસામ્રાજ્યના પગરણને આરંભ છે, ને સર્વ પ્રાપ્તિનું બીજ છે. પરંતુ જેમની શ્રદ્ધા જ જડ છે, જેમની બુદ્ધિજ મંદ છે, જે સ્થૂલની પાર વિશ્વાસ કરી શકતાં નથી, નિશ્ચય ઉપજાવી શકતાં નથી, કાવ્યના તેમ વિશ્વના ધ્વનિને ન સમજતાં ગદ્ય જેવા સ્થૂલમાત્રનેજ સમજે છે, તેમનો આ કલિકાલમાં વધારે પ્રભાવ છે. એ અંધકારથી તું સર્વથા મુક્ત છે કેમકે મૂલથીજ ચિત્રકાર હોઈ સ્થૂલની પાર જોનારો છે એટલે મને તારા વિષે બહુ સંતોષ છે.”
“પણ જે સ્થૂલ પારની વિદ્યા, સ્થૂલ પારનું જ્ઞાન તમે કહો છો તે વિદ્યા અને તે જ્ઞાન કીયા ગ્રંથોમાં છે ? કીયા પ્રયોગથી મળે છે?”
“એનો ગ્રંથ આ આખું વિશ્વ છે, એના પ્રયોગ મનુષ્યની દૃષ્ટિમાં છે. નિર્જીવમાં નિર્જીવ વનસ્પતિ કે પદાર્થ પણ અનેક ઉપદેશ કરવાને સમર્થ છે, પણ તે વાંચવાની આંખ અને સમજવાનું મન સદા સાવધાન જોઈએ. દૃષ્ટિ અનુસાર સૃષ્ટિ થાય છે એવું અદ્વૈતવાદીઓ કહે છે તે ખોટું નથી. જે માત્ર બાહ્યાકૃતિનેજ જોનારા છે તેમને કાંઈ કામનું નથી; આખા વિશ્વ ઉપર ગુપ્ત વિદ્યાનાં રહસ્ય કોતરી કાઢ્યાં હોય તો પણ જેઓ શબ્દમાત્રને જ સમજનારા છે, ને શબ્દના અર્થને કે અર્થના ધ્વનિને વિચાર કરવા થોભતા નથી, તેમને તે નકામું છે. રે યુવક ! જો તારી તર્કશક્તિ ઉજ્વલ હોય, તારું હૃદય દૃઢ હોય, તારી જિજ્ઞાસા અગાધ હોય, તો હું તને મારો શિષ્ય કરીશ, પણ પ્રથમ ક્રમ ઘણો કરડો અને ભયંકર છે.”
“જો તમે તેમાંથી તરી પાર ઉતર્યા છો તો હું શા માટે પાછો હઠીશ ! મારા બાલ્યથી જ મને એમ લાગતું કે મારા ભવિષ્યમાં કોઈ વિલક્ષણ બનાવ નિર્ધારેલો છે; ને એ નિશ્ચયમાંજ મેં આ સંસારની ભવ્યમાં ભવ્ય પ્રાપ્તિને તુચ્છકારી છે. જ્યારથી મેં ગુલાબસિંહને જોયો ત્યારથી મને એમ જ વિશ્વાસ થયો છે કે એજ મારો ગુરુ થવાને યોગ્ય છે.”
“ને એ ગુરુપદ તારા સંબંધમાં એણે મને સોંપ્યું છે. યમુનાના પ્રવાહ તરફ નજર કર, પેલું જે વહાણ દેખાય છે તે પ્રાતઃકાલ પૂર્વે ચાલ્યું જશે— તારો ગુલાબસિંહ પણ એમાં જશે. તારા હૃદયમાં તેનો કોઈ પણ વિચાર હોય તો હજી સમય છે. પણ જો, એનાં પગલા સંભળાય છે. હું તને ફરી મળીશ.”
આટલું કહીને પેલો પુરષ દૂર ગયો, ને પાસેની ઝાડીમાં અદૃશ્ય થઈ ગયો. એજ ક્ષણે ગુલાબસિંહ આવી પહોંચ્યો.
“લાલાજી ! હવે હું તને પ્રેમ અને જ્ઞાન બેમાંથી એક પસંદ કરવાનું કહેતો નથી. એ ક્ષણ તો ગઈ, અને જે પાણિનું પ્રિયગ્રહણ તું કરત તે મેં કર્યું પણ તારા હૃદયમાં સાલી રહેલી વાત, જેનિ સિદ્ધિ મને પોતાને પણ નિશ્ચિત લાગતી નથી. તેને બદલે જો તું બીજું કાંઈ માગે તો જે માગે તે તને આપવા હું તૈયાર છું. જો; માણસો ઘણું કરી ચાર વસ્તુ ઈચ્છે છે પ્રેમ, પૈસો, પ્રતિષ્ઠા, ને પટલાઈ. પ્રેમની વાત તો હવે મારા હાથમાં નથી. પણ બાકીનામાંથી જે તું માગે તે તને હું આપી શકું તેમ છું. આપણે જુદા પડીએ તે પહેલાં મારે તને સંતોષવાની ઈચ્છા છે.”
“જે વર હું માગુ છું તે એ પ્રકારનો નથી. મારે જે જોઈએ છીએ તે જ્ઞાન છે. જ્ઞાન તે પણ જે તને છે તેજ. એને માટે જ મેં રમાના પ્રેમનો પરિત્યાગ કર્યો છે.”
“હું તને વારતો નથી, પણ ચેતવણી આપું છું. જાણવાની ઈચ્છા તેજ ખરી મુમુક્ષતા નથી; અંતર્ના ગૂઢમાં ગૂઢ, અજાણ્યામાં અજાણ્યા વિચાર, મહા ભયંકર પ્રેત અને પિશાચ થઈ ગમે તેવા જિજ્ઞાસુને ઉથલાવી પાડે છે, માટે સાધનસંપત્તિના વિકાસરૂપે પ્રાપ્ત કરેલી ખરી મુમુક્ષુતા અને જાણવાની ઇચ્છા તે બે એક નથી એમ હું તને ફરીથી કહી બતાવું છું. હું તને ગુરુ બતાવીશ, પણ બીજું બધું તારા પોતાના ઉપર આધાર રાખે છે.”
“મને માત્ર આ પ્રશ્નનું જ ઉત્તર આપ, એટલે હું નિશ્ચય કરીશ. આ કરતાં અન્ય સૃષ્ટિની વસ્તિ સાથે સંબધ કરવો એ માણસથી બની શકે તેમ છે ? પંચ તત્વને પોતાના કબજામાં રાખવાનું માણસથી બને છે? ને પોતાના જીવિતને શસ્ત્રથી કે વ્યાધિથી બચવાનું માણસને શકય છે ?”
“હા એ બધું થોડાને પણ સંભવે તો છેજ, પણ યાદ રાખજે કે જે થોડાને તે સંભવે તે પ્રત્યેકને બદલે સહસ્ત્રાવધિને તે નથી સંભવતું; એટલું જ નહિ પણ પ્રયત્નમાંએ બહુ ક્લેષજ પ્રાપ્ત થાય છે.”
“ત્યારે એક બીજી શંકા. તું પોતે—.”
“બસ; મારી વાત વિષે હું કાંઈ કહેતો નથી.”
“ઠીક, ત્યારે જે પુરષ હવણા મને મળ્યો છે તેની વાતો ખરી માનું ? શું એ પુરુષ ખરો મહાત્મા છે, સિદ્ધ છે ?”
“રે ઉતાવળીઆ ધીર ! તારી કસોટી થઈ ચૂકી છે. તેં તારો નિર્ણય કર્યો છે. જા, ધીરજ રાખજે ને સિદ્ધિ મેળવજે. હા, હું તને એવા ગુરુને સોંપુ છું કે જેને ગુપ્તવિદ્યાનાં દ્વાર તારા આગળ ખુલ્લાં કરવાની શક્તિ અને ઈચ્છા બન્ને છે. એના નિર્વિશેષ જ્ઞાનમાં તારાં એક વ્યક્તિનાં સુખ કે દુઃખનો હીસાબ નથી; તારે તારું સાચવવાનું છે; એ ખુબ યાદ રાખજે. હું એને તારા ઉપર હાથ મૂકતા વારૂ છું, પણ એ મારૂં માનતો નથી. ગુરુદેવ ! તમારા શિષ્યને સ્વાધીન કરો,” લાલાજીએ તુરતજ પછવાડે જોયું તો એણે ગુરુ મત્સ્યેન્દ્રને અધરથી ઉતરતા હોય એમ આવતા દીઠા અને જરા ચમક્યો. મત્સ્યેન્દ્ર લાલાજીનો ખભો થાબડી, હાથ પકડ્યો.
“રામરામ” ગુલાબસિંહે કહ્યું “તારી યાતના હવે શરૂ થઈ. આપણે ફરી મળીશું ત્યારે, કોણ જાણે તું જોગ કે રોગ જે તે એક લાવ્યો હોઈશ.”
લાલાજીએ ગુલાબસિંહને જતાં જોયો, ને તે છેક નદીએ પહોંચ્યો ત્યાં સુધી જોઈ રહ્યો. એણે હમણાંજ જાણ્યું કે નદી ઉપરની હોડીમાં એક સ્ત્રી છે, જેમકે જેવો ગુલાબસિંહ અંદર દાખલ થયો તેવી તે ઉભી થઈ. તેણે લાલાજીને દૂરથી “રામરામ” હ્યા, પણ લાલાજી આવેશથી ગદ્ગદિત થઈ ઉત્તર વાળી શક્યો નહિ. હોડી ચાલી, દૃષ્ટિ બહાર ગઈ. એજ ક્ષણે, જાણે પોતાની શક્તિથીજ ઉત્પન્ન કર્યો હોય તેવો, અનુકૂલ મૃદુ પવન વાવા લાગ્યો, અને હોડીના શઢમાં ભરાયો. ગુરુ તરફ નજર કરી લાલાજી બોલ્યો “ગુરુદેવ ! એટલું કહો કે આ અબલાનું ભાવિ પ્રિયકર થાઓ, ને એણે જે કર્યું છે તે સારું જ કર્યું છે ?”
“અરે શિષ્ય ! તારૂં પ્રથમ કર્તવ્યજ એ છે કે તારે અન્ય ઉપરથી તારા સર્વ વિચાર અને આવેશ પાછા ખેંચી માત્ર તારા પોતાના ઉપર સ્થાપવા. પ્રથમ ક્રમ એજ છે કે પોતાના આત્માને જ સર્વસ્વ ગણી તેમાંજ ઠરવું. હું તને પ્રત્યેક વાતનાં કારણ આપનાર નથી, કેમકે આ માર્ગમાં શિષ્યે કારણો પોતાની મેળે સમજી લેવાં એજ ક્રમ છે, પરંતુ કેવલ આત્મસ્થ થઈ બીજે બધેથી વૃત્તિ ઉઠાવી લેવાની વાત તને હવણાં સ્વાર્થ જેવી લાગે નહિ, ને તું નવો છે તેથી નિરાશ થાય નહિ, માટે કહું છું કે એ રીતે આત્મા સ્થિર થાય ત્યારે જ તેમાં સમગ્ર વિશ્વનું પ્રતિબિંબ પડી શકે છે; એ પ્રતિબિંબ જોવાતાંજ શાન્તિનું દિવ્ય ગાન સંભળાય છે; આત્મા તે આ એક શરીરસ્થ ચેતન (જીવ) એવો ભ્રમ મટી જઈ સર્વમયતા આવે છે. આવી પ્રાપ્તિને તું ઈચ્છે છે; તેં તારો માર્ગ નક્કી કર્યો છે, તેં પ્રેમ, પ્રતિષ્ઠા, પૈસો, પટલાઈ સર્વ તજ્યું છે હવે વિચાર શાને ? બધો સંસાર તારે ક્યાં છે ? તારી બુદ્ધિને તીક્ષ્ણ કરવી અને તારા આવેશને એકત્રિત કરવા એજ તારૂં હવે કર્તવ્ય છે.”
“એનું ફલ સુખ છે ?”
“સુખ એવું જો કાંઈ હોય તો તે એવા આત્મામાંજ છે કે જેને આવેશમાત્રનો અભાવ છે. સુખ એ તો છેલ્લી ભૂમિકામાં છે, તું તો હજી પ્રથમ ક્રમગામી છો.”
આ વાર્તા થતા થતામાં પેલી હોડીના શઢ પણ દૃષ્ટિ બહાર ગયા, અને ગુરુશિષ્ય શહેર તરફ વળ્યા.
તૃતીય તરંગ સમાપ્ત.