ગુલાબસિંહ/તરંગ ૪:રહસ્ય શીખવાની શાલા

← નવો શિષ્ય ગુલાબસિંહ
રહસ્ય શીખવાની શાલા
મણિલાલ દ્વિવેદી
ગુરુનો આશ્રમ →




ચતુર્થ તરંગ.

પ્રકરણ ૧ લું.

રહસ્ય શીખવાની શાલા.

લાલાજીને ગુરુને સ્વાધીન કરી ગુલાબસિંહના ગયા પછી આશરે એકાદ મહીનો થઈ ગયો હતો; બે પરદેશી મુસાફર દિલ્હીમાં બજારને નાકે ઉભા હતા. એક જણે બહુ આવેશ અને આગ્રહથી કહ્યું “તારામાં જો એક છાંટો પણ અક્ક્લ હોય, જરા પણ ડહાપણ હોય, તો મારી સાથે યપુર ચાલ, આ ત્સ્યેન્દ્ર છે તે ગુલાબસિંહને માથે ચપટી ભભરાવે તેવો છે. એનાં બધાં વચનનો અર્થ શો થાય છે ? તું પોતે પણ કબુલ કરે છે કે એમાંથી કશો નિશ્ચય સમજાતો નથી. તે કહે છે કે એ દિલ્હીથી ગયો છે, એણે હિમાલયમાં એકાદ વધારે શાન્ત અને એકાન્ત સ્થલ નક્કી કર્યું છે. પણ તને ખબર નથી કે એ ભૂતીયાના પ્રદેશમાં કેવા લોક વસે છે ? તારૂં માથું તારા ધડ ઉપર રહેવા દેઈને તારાં લુગડાં ઉતારી લે ત્યાં સુધી હરકત નથી, પણ આ તો તેના એ વાંધા છે. સિદ્ધનો આશ્રમ એવા પડોશમાંજ હોય ! મને તારે માટે બહુ લાગે છે. કોણે કહ્યું કે એ તારો એ બાવો ચોર લોકોનો નાયક નહિ હોય ? ને તેને ત્યાં ફસાવ્યા પછી, તારું સર્વસ્વ કઢાવ્યા વિના તને જવા દેશે ? તને ક્રોધ આવે છે, પણ આ બધો વિચાર રહેવા દે — તું તારે રસ્તેજ વિચાર કરીને તો જો. ત્સ્યેન્દ્ર પોતે પણ જેને સરલ કે સુખકર ગણતો નથી એવી એકાદ સાધના તારે કરવાની છે; ફલ મળે કે ન મળે; ન મળે તે તને વિકટમાં વિકટ પીડા પેદા થાય; મળે તો તેં જેને તારો ગુરુ કર્યો છે તેવા ટાઢા અને નીરસ દૂબળા જેવી તારી દશા થાય ! વાહરે સિદ્ધ ! થયો, થયો તું સિદ્ધ ! જવા દે એ ગાંડાબળ અને જીવે છે ત્યાં સુધી મોજ કર. મારી સાથે યપુર ચાલ, એક મા ગઈ તે એવી બીજી બે તને પરણાવું, તારો ધંધો કર, પૈસા મેળવ, ને નામ કાઢ. હું તો આ બધું મિત્રભાવે કહું છું, પણ મિત્રભાવ જે કહે છે તે તારા ગુરુનાં વચન કરતાં તો વધારે આશા ભરેલું ને સુખવાળું જણાય છે.”

રામલાલ ! મારી ઈચ્છા હોય તો પણ હું તારા કહ્યા પ્રમાણે કરવા અસમર્થ છું. મારાથી અગમ્ય એવી કોઈ સમર્થ શક્તિ મને દોરે છે, તેના સામર્થ્યને મારાથી પ્રતિકૂલ થવાય એમ નથી. મેં જે આદર્યું છે તેમાં હવે તો अर्थं साधयामि वा देहं पातयामि એમ થયેલું છે. મારા વિષે હવે વિચા૨ કાઢી નાખ; તારા વિચાર તારા પોતાના ભલા માટે કામે લગાડ, ને સુખી થા. અને મને વિશ્વાસ છે કે હું હવણાં જે પ્રાપ્ત કરીશ તે આજ નહિ તો કોઈ વારે કામ તો આવશે જ.”

“આનું નામ શું ? બેવફાઈ, મૂર્ખાઈ, ગાંડાઈ ! હાથમાંની વાત પડતી મૂકી હવામાં કિલ્લા બાંધનારને શું કહેવાય ? તારું શરીર તો જો, એક મહીનામાં તો જાણે વરસનો મંદવાડ ખાઈને ઉઠ્યો હોય તેવો જણાય છે ! ચાલ, મારી સાથે ચાલ; હું જઈશ તો પછી તેને સારે રસ્તે ચઢાવનાર કોઈ રહેશે નહિ, તારા તરંગ અને પેલા લુચ્ચાની યુક્તિઓનો તું ભોગ થઈ પડીશ.”

“બસ” લાલાએ કરડે સ્વરે ઉત્તર આપ્યું “તારા મનમાં એકજ વાત ઉપર જે વલન છે તે તરફ જ્યારે તું આટલો બધો નમીને બોલે છે ત્યારે તારી શીખામણ મારે કશા કામની નથી. મને આ પુરષના — જો તે પુરુષ હોય તો — યોગબલની અનેક સાબીતીઓ મળેલી છે; અને મને જે રસ્તો ગમ્યો છે તે રસ્તામાં જીવ જવાનો હોય તો જાઓ પણ ત્યાંથી હું પાછો તો વળનાર નથી. બસ, રામલાલ ! રામરામ. તને જો એવી ખબર મળે કે આ સ્થલે કે પેલા ડુંગરમાં લાલાજીની રાખ થઈ ગઈ તો આપણા સંબંધીને કહેજે કે એણે અતિ ઉત્તમ કાર્યમાં પોતાના પ્રાણનો હોમ આપ્યો છે, ને એ, બીજી અનેક યોગમાર્ગગામીની પેઠે તત્ત્વનિર્ણય કરવામાં મરણ પામ્યો છે. અને મરણથી એટલો બધો ડરે છે શા માટે ? વિશ્વવ્યવસ્થાજ એવી છે કે આપણા વિચારનો એક સંસ્કાર સરખોએ વ્યર્થ જતો નથી; જ્યારે ધારેલો નિશ્ચય સિદ્ધ કરવાનાં સાધન શિથિલ થઈ જાય છે ત્યારે તેમને તાજાં કરવાને જે આરામની આવશ્યકતા છે તેજ મરણ છે. નિત્યની નિંદ્રા જેમ આપણને તાજા કરે છે તેમ મરણ પણ આપણને આપણા કર્તવ્ય માટે તાજા કરે છે. કરેલો નિશ્ચય તાજા થઈને પાછો આપણે બીજા જન્મમાં આગળ ચલાવીએ છીએ. મારો નિશ્ચય થઈ ચૂક્યો છે, આ જન્મે કે અનેક જન્મે તે હું સિદ્ધ કરીશજ; એમ કરતાં એક બે કે પાંચ પચાસ મરણ થાય તો પણ શું ?” આટલું બોલી રામલાલને ભેટી રામરામ કરીને લાલાજી ચાલતો થયો. બજારને બીજે છેડે પહોંચતાં જેવો એક ગલી તરફ વળે છે તેવોજ એને બંદો સામો મળ્યો.

“અહો ! લાલાજી ! બહુ દિવસે મળ્યા; એક મહીનો થયો. ક્યાં સંતાઈ ગયા હતા ? શા કામમાં હતા ? કાંઈ લેઈ બેઠા છો કે શું ?”

“હા.”

“હું તો હવે અહીંથી બોખારા તરફ જવાનો છું; મારી સાથે આવશો ? સર્વ પ્રકારની ચતુરાઈને તે સ્થલે માન મળે છે.”

“તમારો બહુ ઉપકાર થયો, પણ મારે હાલમાં બીજાં બહુ કામ છે.”

“આમ શું કરો છો, ભાઈ ! આજ તો તમે કાંઈ બોલતા પણ નથી. પેલી નાયિકાના જવાથી આટલો બધો શોક શા માટે ધરો છો ! મારી પેઠે કરો. મેં એક બીજી મેળવી લીધી છે — અહા કેવી સુંદર ! પ્રવીણ ! ને વળી કશી છું છાં નહિ.” બંદાએ આંખનો અણસારો કરી ઉમેર્યું, ને બોલતો ચાલ્યો કે “આપણે તો એનાથીજ હવે નીરાંત થશે એમ માનીએ છીએ. પણ પેલો ગુલાબસિંહ !”

“એનું શું ?”

“જો મારે કોઈ વાર એકાદ કલ્પિત ચિત્ર કાઢવું હશે, તો હું એનીજ આકૃતિ લેઈ રાક્ષસરૂપે તેને ચીતરીશ – ચીતારાનું વેર એ રીતેજ વળે; ને બા ! દુનીયાં પણ શું કરે છે ? લોકને જેના ઉપર દ્વેષ હોય તેના પ્રતિ કાંઈ વળે નહિ; ત્યારે તેની છબીને તો રાક્ષસ જેવીજ નિરૂપવાને ચૂકવાના નહિ. જેને લોક ધિક્કારે છે તેને પોતાના ધિક્કારને યોગ્ય થાય તેવે રૂપેજ ચીતરે છે. ખરેખર ! એને તો હું બહુજ ધિક્કારૂં છું.”

“શા માટે ?”

“શા માટે ? જે સ્ત્રીને મારી પત્ની તરીકે ને દ્રવ્યનો ઢગલો લાવનારી તરીકે મેં નક્કી કરી હતી તેને એ લેઈ ગયો નથી ? છતાં પણ મને તો એમજ લાગે છે કે એણે કદિ મને હાનિ કરવાને બદલે લાભ કર્યો હોત તો પણ હું એના ઉપર એટલો જ દ્વેષ રાખત. એની આકૃતિ ને એનો દેખાવજ મને પ્રતિકૂલ વિચારો પેદા કરે છે. મને લાગે છે કે હજી આપણે એક વાર મળીશું. ચાલો ત્યારે સલામ આલેકુમ ! હું તો મારે ઘેર જઈશ.”

“અને હું પણ આ ચાલ્યો; આલેકુમ સલામ !”

પણ લાલાજીનું ઘર ક્યાં હતું ? દિલ્હી શહેરની બહાર, હિમાલયની એકાન્ત તળેટીમાં, લાલાજી શહેર બહાર નીકળ્યો, ઘોડે બેશીને રસ્તે પડ્યો. વચમાં કેવી મુસાફરી કરી તેનું વર્ણન કરવાની જરૂર નથી; લાલાજીનું અંતઃકરણ કેવલ ત્સ્યેન્દ્ર અને તેણે બતાવેલી વિદ્યા ઉપર નિતાન્તગ્રસ્ત હતું, તેથી તેણે કાંઈ જોયું ન હતું, કાંઈ વિચાર્યું ન હતું. બે ત્રણ દિવસે જ્યારે તે ઠરાવેલા સ્થલની છેક લગભગ આવ્યો ત્યારે એકાએક એક નાના સરખા ગામડાને સીમાડે કેટલાક જંગલી પણ અતિ મલિન દુર્દશામાં હોય એવા જણાતા લોકોના “રામ રામ” એવા પોકારથી ઝબકી ઉઠ્યો. એજ વખતે એણે ચોતરફ નજર કરી તો એને પૃથ્વી પોતાનાથી બહુ નીચે ગયેલી સમજાઈ દૂરમાં રમતી નદીઓના સ્ત્રોત લીટા જેવાજ જણાવા લાગ્યા, ઉપર જોતાં ભવ્ય શ્વેત અને કાળી અનેક વિકલ વિભીષિકાઓ લટકતી જણાઈ. પેલા લોકોને કોઈ ગરીબ ભીખારી જાણી લાલાજીએ આશરે પાંચ મહોરો જેટલું છૂટું નાણું તેમના તરફ મૂઠી ભરીને ફેંક્યું અને ગામમાં પેઠો. વચમાં આવતાં જ એક બાજુ પરના ઝુંપડામાંથી એક વીશેક વર્ષની વયનો જવાન સુરવાળ અને ટુંકો જામો પહેરેલો તથા નાનો સરખો પણ વાંકો કેશરી શિરપેચ બાંધેલો બહાર આવ્યો. એનું વદન સંકુચિત અને અનેક અયોગ્ય વિચાર આચારથી માલિન્ય પામેલું હોય તેમ બહુ વિલક્ષણ હતું. ભારે થોભા અને સજડ બુકાની, તથા કમ્મરે કસેલો જમઈઓ અને હાથમાં પકડેલી કમાન, એ સર્વ વિચારતાં એના ધંધાનું અનુમાન થઈ શકતું હતું. ગામમાં ભાગ્યેજ એક પણ એવું ઝુંપડું હતું કે જેને ઘર કહી શકાય, ને તેમાં વસનારાં પણ તે ઝુંપડાને શોભે તેવા દેખાવવાળાં, છતાં વૃત્તિએ કોઈ જુદાજ કામમાં પડેલાં માણસ હતાં. આ માણસ તેમનો નાયક હતો. તેણે આપણા મિત્રને દેખતાંજ “ऑंततसत्” એટલા શબ્દો એના એકલાથી સંભળાય તેમ કહ્યા, એટલે લાલાજી તુરત અટક્યો, લાલાજીએ આ વિલક્ષણ આકૃતિને થોડીક વાર નીહાળ્યા પછી “સિદ્ધાલય”નો માર્ગ પૂછ્યો. આ પ્રશ્ન પૂછતાની સાથે જ પેલા માણસે બહુ નમ્રભાવે હાથ જોડી નમસ્કાર કર્યો, અને પાસે આવી બોલ્યો : “ત્યારે તો મારા ધણીએ જે અમીરના આવવાની વાત કરી છે તે આપજ હશો ?” લાલાજીએ હા કહેવા માટે ડોકું જરાક નમાવ્યું, એટલે આ માણસે આઘા ખશી મહોટેથી બૂમ મારી બધા ગામના લોકોને પાસે બોલાવ્યા અને બોલ્યો “ મારા દોસ્તો ! આપણા ધણીએ જે આજ્ઞા કરી છે તે આમને માટે જ છે. એમના એક વાળને પણ જે કોઈ ઈજા કરશે. તેને શું થશે તે તમે બધા સારી રીતે જાણો છો. વળી સર્વેને ખાતરી થવા માટે, તથા અહીંથી દૂર જતાં પણ એમને કોઈ અડચણ કરી ન શકે માટે હું એમને ગળે આ માલા પહેરાવું છું.” આટલું કહેતાં તેણે મહોટા રુદ્રાક્ષની માલા આપણા લાલાજીને પહેરાવી, ને તે વેળે પેલા સાંભળનારા એને નમન કરવા લાગ્યા. “આ સ્થાનની જે ગુપ્ત સંજ્ઞા છે તે તો હું એમને કહી ચૂક્યો છું, ને એમ તમારા પ્રતિ એમને શો અધિકાર છે તે તમને સમજાવું છું.”

આટલું કર્યા પછી પેલા માણસે લાલાજીને કહ્યું “મહેરબાન ! આપની પાસે કાંઈ નાણું હોય તે તેમાંથી આ લોકોને આપની પ્રીતિના ચિન્હ તરીકે કાંઈક દાન આપો.” લાલાજીએ આવું સાંભળતાંજ પોતાની કોથળી તે ટોળા ઉપર ફેંકી જે તેમનામાં વેરાઈ ગઈ, અને લોકો બૂમો પાડતા, કૂદતા, મારામાર કરતા, તે વીણી લેવા લાગ્યા. આટલું થયા પછી લાલાજીએ જે રસ્તો પૂછ્યો હતો તે રસ્તે જવા માટે પેલો માણસ તૈયાર થયો અને બન્નેએ ચાલવા માડ્યું.

રસ્તે જતાં પેલા માણસે કહ્યું “આપને આ આવકાર મળશે એવી આપે આશા નહિ રાખી હોય.”

“શા માટે નહિ ? કેમકે જે પુરુષ પાસે હું જાઉં છું તેણે આ પ્રદેશની વસ્તિની વાત મારાથી છાની રાખી નથી. તમારૂં નામ શું ?”

“નામમાં શી વિસાત છે; હું એ ઉપર કાંઈ વજન રાખતો નથી. આ ગામમાં તે મારૂં નામ ગુરુદાસ છે. મારું નામ ! હા, તે હતું, પણ તેને તો હું અહીંઆં આવી વસ્યો ત્યારથી વિસરી ગયો છું.”

“એમ કરવાનું કારણ શું ? વિરાગથી, કે દરિદ્રતાથી, કે કોઈ દંડનીય આવેશકર્મથી, શાથી તમે અહીં આવી વસ્યા છો ?”

“મેહેરબાન !” પેલા નાયકે કહ્યું “મારા વર્ગના લોક પોતાનાં પાપ સંભારીને કવચિત્‌જ પ્રાયશ્ચિત લેવું ઉચિત ધારે છે; પણ આ સ્થલે શું તે વખતે મારે કાંઈ પણ ગુપ્ત રાખવાની જરૂર નથી, કેમકે મારી સીસોટી મારા ખીસામાં છે, કમાન મારા હાથમાં છે. હું અને મારી મા છેક દક્ષિણમાં રહેતાં હતાં, અને હું – મહારાજના પુત્રની રાખનો દીકરો હતો. જેમ જેમ હું મહોટો થયો છું તેમ તેમ મને ભણાવવા ગણાવવામાં લાલજી મહારાજે સારી સંભાળ લીધી હતી ને મને અને મારી માને હંમેશાં પુષ્કલ પૈસા આપતા હતા. કાલ જતાં લાલજીના પિતા મરી ગયા એટલે તે પોતે ગાદીપતિ થયા, અને મારી ને મારી મા સાથે સંબંધ રાખતાં શરમાવા લાગ્યા. એવામાં મારી મા મરી ગઈ. મને તેમણે એક હજાર રૂપૈયા આપી એક વાણીઆને ત્યાં ગુમાસ્તી બેસાર્યો. મને ગુમાસ્તી કરતાં પ્રીતિ વધારે ગમતી હતી, તેથી પ્રસંગે પ્રસગે વાણીઆની દીકરીનું ઓળખાણ કર્યું અને તેને લઈને નાશી જવાનો વિચાર ઉઠાવ્યો. પણ વાણીઓ ચેતી ગયો તેથી ત્યાંથી આપણે તો પેલા રૂપીઆ એમના એમ મૂકીને નાશી છૂટ્યા. રખડતાં રખડતાં ઓંકારની ઝાડીમાં નર્મદાને કાંઠે આવી કેટલાક ભીલની ટોળી ભેગો ભળ્યો. તે લોકો મુસાફરોને લૂંટી લેવાનો ધંધો કરતા, તે મને ગમ્યો અને હું તેમના ભેગો રહ્યા. પણ થોડેક દિવસે મને મુખ્ય અધિકાર ભોગવવાની ઈચ્છા થઈ તેથી બધા ટોળાના લોકોને સમજાવી અમે નાયકની સામે બળવો કર્યો અને તેને મારી નાખ્યો. પછી હું એ ટુકડીનો રાજા થયો. ધંધામાં થોડા પૈસા પણ કમાયો. પણ શેરને માથે સવા શેર હોય છેજ. એક દિવસ અમે પાંચ સાત જણ લૂંટનો ભાગ વહેંચવા બેઠા હતા, ને બીજા, કોઈ મુસાફરની શોધ કરવા ગયા હતા, એટલામાં વિંધ્યાચલના જબરા લૂંટારાની ટોળી અમારા ઉપર આવી પડી. મારામાર થઈ, પણ તેમાં હું પકડાયો. મારે તો આમ કે આમ ધંધો એનો એજ હતો એટલે હું એ લોકોના ભેગો ભળી ગયો. તે લોકો દેવીભક્ત હતા અને માણસોને પકડી લાવી તેમને લૂંટી લેતા અને દેવીને ભોગ આપતા. એક વખત એક વણજારાની આખી વણજાર અમે લૂંટી, પણ માણસો હાથ આવ્યાં નહિ; અને તે પછી બે ચાર દિવસે એક સુંદર સ્ત્રી ભોગ આપવા માટે અમે લાવ્યા. પેલી લૂંટમાંથી મારે હાથ પૈસા આવ્યા હતા, અને આ સ્ત્રીને દીઠી એટલે મને પાછા પ્રીતિના ને પરણવાના વિચાર ઉઠવા લાગ્યા; રાતે જલ જંપ્યું તે વખતે પેલી સ્ત્રીને દેવીના મંદિરમાંથી છાને માને છોડવવાને મિષે કાઢી આણી, અને પછી અમે નાશીને પ્રયાગ આવ્યાં, ત્યાં પેલી બાઈને મેં ઘણી ઘણી રીતે સમજાવી પણ તેણે પરણવાની કબુલત આપી નહિ; હું એક દિવસ ગામમાં ફરતો હતો તેવામાં પેલા વણજારાનો નાયક મારા મોં આગળ આગળ આવીને ઉભો અને “ચોર, ચોર” કરી બમો પાડવા લાગ્યો, તેથી લોકનું ટોળું ભરાઈ ગયું. મેં ઘણીએ યુક્તિઓ કરી, આડાં અવળાં વચનો ગોઠવ્યાં, પણ કાંઈ વળ્યું નહિ, ને રાજાને ત્યાં મને લેઈ ગયા. મારો નીકાલ થાય તે પહેલાં મને કેદમાં રાખેલો હતો; તે ગંગાના કીનારા ઉપર હતી. એક રાતે બારીએથી પાણીમાં ભુશકો મારી હું નાઠો, તણાતો તણાતો છેક ગયાજીમાં નીકળ્યો. મારી પાસે કાંઈ હતું નહિ, વેષ બદલી ભીખ માગતો માગતો પાછો પ્રયાગ આવ્યો – કેમકે પેલી સ્ત્રીની લત મને છૂટતી ન હતી. પણ તે તો મરી ગઈ હતી, કોણ જાણે મારે માટે જ મરી ગઈ હશે — પણ હવે મને એ ઠેકાણે રહેવું સારું લાગ્યું નહિ. પાસે ખાવાનું ન હતું તેથી પાછા મારા પિતા – મહારાજ, મને સાંભર્યા. હું પાછો દક્ષિણમાં ગયો અને મહારાજને પગે લાંબો થઈને પડ્યો. મહારાજ કહે કે તુ કોણ છે ? મે કહ્યું આપનું છોકરૂં. મહારાજ મારા સામે જોઈ રહ્યા અને બોલ્યા કે બધું જગત્ મારૂ છોકરૂ છે, પણ લે આ આ રૂપૈયા લેઈ જા, અને યાદ રાખ કે એક વાર માગે તેને ખાવાનું મળે છે, ફરી ભાગે તેને કેદખાનું સાંપડે છે. આટલું સાંભળી આપણે ચેતી ગયા. અને પાછા પ્રયાગ તરફ ચાલ્યા. રસ્તામાં મને કેટલાક ઠગ લોકોનો સંગાત થયો, તે ભૂતીયા તરફ જતા હતા, હું પણ તેમની સાથે ચાલ્યો. તેમની જોડે કેટલીક વખત રહ્યા પછી, મે મારે માટે આ સ્વતંત્ર ગામ સ્થાપ્યું છે, ને હું હવે અહીંજ રહું છું. મારે હવે ચોરી કરવાની જરૂર પડતી નથી, કોઈ વાર ગંમત માટે કરૂ છું.”

“ત્યારે” લાલાજી જેને આ વાત સાંભળી બહુ અચંબો લાગ્યો, તથા રામલાલે કહેલી વાતોનો કાંઈક ભણકારો વાગવા માંડ્યો તેણે પૂછ્યું “ત્યારે તમે તમારા ધણીને ક્યાંથી એાળખો છો ? અને તેની અને તમે તથા તમારાં માણસની વચ્ચે આવી સલાહ શાથી નીભે છે ?”

“અહો ! એમાં શું પૂછવા જેવું છે.” ગુરદાસે ગંભીરતાથી આંખો ચઢાવીને કહ્યું “એક દિવસ હું દિલ્હીની બહાર એક માતાનું દેવલ છે. ત્યાં બેઠો હતો એવામાં તમે જે પુરુષના વિષે વાત કરો છો તે અટપટા નામવાળા પુરુષ મારી પાસે આવ્યા. મને કહે કે તમારા ગામની પડોશમાં એક પ્રાચીન સિદ્ધાલય છે ત્યાં અમારે વસવાનો વિચાર છે, તમે સર્વ રીતે સહાય કરશો ? મે કહ્યું કે ખુશીથી; પણ મહેરબાન એ તો હવડ જગા છે, ત્યાં કોઈ આજ સુધી વસતું નથી, ને બધું ધૂળધાણી થઈ ગયું છે, કોણ જાણે સો એક વર્ષથી એ જગો ઉજ્જડ જેવી પડી હશે. ત્યારે તેમણે કહ્યું ‘એ તો બહુજ સારુ’ મારા જેવા સાદા અને વિરાગવાળ માણસને એવીજ જગોનું કામ છે. મારે કેટલોક યોગાભ્યાસ કરવાનો છે તે ત્યાંજ ઠીક પડશે. મારી પાસે બે પૈસા છે ખરા, પણ ત્યાં તો એક દોકડોએ લઈ જવાની જરૂર નથી. આટલું સાંભળતાંજ મેં તેને સર્વ રીતની મદદ આપવાની કબુલત આપી અને તેની રખવાળીને માટે પ્રથમથી રૂપૈયા એક સો માગ્યા. તેણે પાધરાજ એથી બમણા મારા હાથમાં મૂક્યા અને એમ અમારો કરાર નક્કી થયો. આટલુંજ મને ખબર છે; મારે વધારે પૂછવાની શી પંચાત ? પણ મહેરબાન ! તમે તો બધું જાણતા હશો; જરા કહો તો ખરા, એ કોણ છે ? શું કરવા આવે ઠામે વસે છે ?”

“કોણ ? એણે પોતેજ તમને કહ્યું છે કે એ યોગી છે, વિરાગી છે.”

“હા, હા, સિદ્ધ – સિદ્ધ — ત્યારે તો માટીનું સોનું કરી દેતા હશે ? ગામમાં રહે તો લોક જીવ ખાય — હા, હા, સમજાયું હવે તેટલાજ માટે અહીંયાં ભરાયા છે.”

“બરાબર, એમજ છે.” લાલાજીએ સહજ કહ્યું.

“મને એમ લાગતું જ હતું; ને તમે એમના શિષ્ય હશો ?”

“એમજ.”

“ભલે, બા ભલે ! તમને પ્રભુ પાર ઉતારે; પણ એવા જાદુ ને ભૂત પ્રેતની સાધનાઓમાં મારો જીવ તો કહ્યું ન કરે, બે ગળાં કાપવાં હોય તો તે થાય, કે બીજું ગમે તે થાય, પણું એ ના થાય. છેવટ પગ લપસી પડે તો નરકમાંજ પડાય ! માટે જો જો ભાઈ સાવધાન રહેજો.”

“તમારે ભય રાખવાનું કારણ નથી. મારો ગુરુ બહુ જ્ઞાની અને વિવેકી છે. તે એવું કાંઈ કરે તેવો નથી. પણ અહો ! પેલું ભવ્ય ખડેર જણાય છે તેજ કે શું ? આવી પહોચ્યા !”

લાલાજી અતિ આનંદ પામી જરાક થોભ્યો; અને એની સહજ ચિત્રશક્તિના પ્રભાવે એ સ્થલની રચનાને નિરખવા લાગ્યો. સામેજ એક ભવ્ય દેવાલયનું શિખર આકાશ સુધી ઉંચું ઉભેલું હતું, પણ તેને ઉપર બરફના ઢગલા પડેલા હતા, અને તેનો પાયો જરાક દોદળો થવાથી તે એક તરફ સહજ નમી ગયું હતું. નીચેના ભાગમાં વિશાલ મંડપ હતો અને તે મંડપની જમણી બાજુએ તેવીજ વિશાલ ધર્મશાલા જેવી જગો હતી. વૃક્ષોનાં પાંદડાં, વેલાનાં ગુંચળાં, અને બરફના કટકાથી એ આખું મકાન છવાઈ ગયેલું હતું; અંદર કીયા દેવનું સ્થાન છે તે દુરથી સમજી શકાય તેમ ન હતું. કોઈ કોઈ ઠેકાણેથી ઈંટો ને માટી નીકળી ગયેલાં ઢગલો થઈ પડ્યાં હતાં, કોઈ કોઈ ઠેકાણેથી ભીંતોમાં ચીરા પડ્યા હતા, ને તેમાંથી કરોળીયાની જાલો પવનમાં ઉડતી હતી. ઉપર આકાશ સ્વચ્છ હતું, અને વૃક્ષોની ઘટાથી સહજ અંધકાર જેવું સ્થલ જામી ગયું હતું. બધી ભૂમિ ઉપર લીલોતરી પથરાઈ રહી હતી અને થોડેક છેટે ઝમ ઝમ ઝમ એમ થતા શબ્દથી એવી પ્રતીતિ થતી હતી કે તે સ્થાને એકાદ ઝરણ લીલોતરીની નીચે વહેતું જાય છે, આ દેખાવની આસપાસ પર્વતનો સ્વાભાવિક કોટ આવી રહ્યો હતો, અને એમ એ સ્થાન અતિ ભવ્ય, અતિ રમણીય, અને કેવલ વિજન હતું. જાણે ત્યાં કોઈનો સંચારજ ન હોય તેમ હરિણનાં કોઈ કોઈ ટોળાં અતિ વિશ્વાસથી ચરતાં હતાં; એ સ્થાનની હવાનો સુગંધ મગજમાં પેસતાંજ કોઈ અવર્ણ્ય આનંદરૂપ ઉલ્લાસ અનુભવાતો હતો, અને સંસારમાંથી આવ્યાનો વિરોગ પણ ક્ષણભર વીસારે પડતો હતો. યોગના અભ્યાસીને એવા જ સ્થલની જરૂર છે. આવો રસમય, જ્ઞાનમય, વિરાગમય, આનંદમય દેખાવ જોતા જોતા પેલા પ્રવાસી આગળ ચાલ્યા. થોડીક વારે એક રસ્તો આવ્યો, તે રસ્તે જતાં પેલા દેવાલયના મંડપમાં પહોંચ્યા. ત્યાં એક મહોટો પથ્થરનો નંદી પડેલો હતો. તેનાં શીંગડાંમાંથી એક ભાંગી ગયું હતું. તેને પૂંછડે હાથ દઈ લાલાજીએ અંદરના શિવલિંગનાં દર્શન માટે દૃષ્ટિ નમાવી તો એક ભવ્ય શિવલિંગ સમીપ પોતાના ગુરુને ધ્યાનસ્થ જોયા. અંતઃકરણથી નમસ્કાર કરી જેવો ઉભો થાય છે તેવા ગુરુ અંદરથી આવ્યા અને શિષ્યને માથે હાથ મૂકી બોલ્યા “આવ બેટા ! તારું ઘર આ સ્થાનેજ છે, આ ભવ્ય એકાત એજ સર્વ રહસ્ય શીખવાની ઉત્તમ શાલા છે.”