ગુલાબસિંહ/તરંગ ૪:ગૃહસ્થાશ્રમ

← રક્તબીજ ગુલાબસિંહ
ગૃહસ્થાશ્રમ
મણિલાલ દ્વિવેદી
દૈવી અને માનુષી પ્રેમ →


પ્રકરણ ૭ મું.

ગૃહસ્થાશ્રમ.

પવિત્ર વિષ્ણુપાદોદિકી શંકરપ્રિયા ગંગા અને કૃષ્ણપ્રિયા મુના જ્યાં પરસ્પરને આલિંગી શિવવિષ્ણુના દેખીતા વિરોધનું ઐક્ય પ્રસિદ્ધ કરે છે, ને તેથીજ જાણે તે સ્થાને સાક્ષાત્ સરસ્વતી પણ ગુપ્ત રીતે આવિર્ભૂત થાય છે, એવી અતિ ઉત્તમ પુણ્યક્ષેત્ર પ્રયાગમાં ગુલાબસિંહે નિવાસ કર્યો હતો. પ્રયાગવડ તે સમયે કાંઈક લીલો હતો, તેની શોભા અલૈકિક છતાં કલિકાલના માહાત્મ્યથી તેની ભવ્યતા કાંઈક ઉણી થવા લાગી હતી. ગંગા મુનાના સંગમ આગળ એક ઉંચું સ્થાન હતું ત્યાં ગુલાબસિંહે પોતાનો એકાન્તવાસ રચાવ્યો હતો. પ્રેમને એકાન્ત એવું છેજ નહિ; પોતાની ઈષ્ટ વસ્તુથી અભિન્ન હોય તો પ્રેમ કદાપિ એકાન્તને ગણકારતો નથી, પોતાનું પ્રેમસ્થાન તેજ તેને જગત્ છે, એમ મા અને ગુલાબસિંહ એક એકને આખા જગત્‌ની ગરજ સારતાં એ સ્થાને પ્રેમાનંદમાં મત્ત થઈ આનંદતાં હતાં. દિલ્હીની રાજ્ય રમતો અને હિમાલયનાં જ્ઞાનસ્થાન તે બધુ આ જોડાને આ સમયે નિરુપયોગી હતું, તેની તેમને અપેક્ષા ન હતી, તે પોતેજ પરસ્પરને જે જોઈએ તે હતાં; સર્વ હતાં. પૃથ્વી, આકાશ, નદી, વિશ્વલીલા એટલાંજ, પ્રેમબદ્ધ એવાં જ્ઞાની તેમ અજ્ઞાની સર્વને આનંદ પમાડવા પૂર્ણ છે.

ગુલાબસિંહના બાહ્યાકારમાં પોતે ગુપ્ત વિદ્યાનો ઉપાસક છે એમ જણાવનારૂં કાંઈ હતું નહિ, તો પણ જેમ કોઈ માણસ ગઈ વાતને સંભારવામાં ગરક થઈ વિચારમાં લીન રહેતો હોય તેના જેવી એની રીતભાત જણાતી. એને એકલાજ રખડવુ બહુ ગમતું, ને મુખ્યત્વે કરીને અરુણોદયે કે પૂર્ણચંદ્રથી ખીલી રહેલી રાત્રીએ ગાઉના ગાઉ સુધી આસપાસનાં જંગલોમાં એ રખડ્યાં કરતો. કોઈ કોઈ વાર તો, મારો પ્રિયતમ અત્યારે અહીં નથી એવી સ્વાભાવિક પ્રેરણાથીજ હોય તેમ મા મધ્યરાત્રીએ જાગી ઉડતી અને હાથ ફેરવી તપાસ કરતી તો ગુલાબસિંહ પોતાની સોડમાં માલુમ પડતો નહિ. પણ મા જાણતી કે એ વિચિત્ર ટેવ ગુલાબસિંહ તજવાનો નથી, એટલે પોતાને ઘણી વાર ભાતભાતના ઉલટા સુલટા તર્ક વિતર્ક થાય તો પણ પૂછવાની હીંમત કરતી નહિ. ગુલાબસિંહ હમેશાં એકલો જ રખડતો એમ ન હતું, જ્યારે ગંગાનો પ્રવાહ શાન્ત અને મધુરો ચાલ્યો જતો જણાય, અને પશ્ચિમના સૂર્યનાં સોનેરી અને કાંઈક રાતાં કિરણ જ્યારે તેના શ્વેત તરંગોમાં પરાવર્તન પામે, ત્યારે એક નાની હોડીમાં બેશી માને પોતાની સોડમાં લઈ ગુલાબસિંહ પહોર પહોર બબે પહોર સુધી આમતેમ ફરવામાં ઘણો આનંદ માણતો. કોઈ કોઈ વાર પ્રયાગવડ સુધી, પોતાની પ્રિયાને આંગળીએ વળગાડી, ચાલીને જતો, ને ત્યાં કૃષ્ણરૂપી આદિ વિષ્ણુની, માને કોઈ અલૌકિક આશ્ચર્ય લાગે એવી ભવ્ય વાતો કરતો, પણ છેવટ વિષ્ણુ અને ક્ષ્મીના અભેદરૂપ પ્રેમના ઉત્તમ વર્ણનમાં તેને લીન કરી સરૂપ કરી દેતો. મા જેમ જેમ ગુલાબસિંહનો વધારે પરિચય પામતી ગઈ તેમ તેમ તેને સમજાયું કે પ્રથમથી પોતાને જે જાદુ જેવી અસર થયેલી હતી તે કરતાં પણ અધિક અસર થાય એવું પોતાના પ્રિયતમમાં ઘણું ભરેલું છે. પોતાના ઉપર માનો પ્રેમ એટલો બધો મૃદુ અને એટલે બધો તીવ્ર છે, અને તેમાં નિત્યતાનો એવો કોઈ ગુણ છે કે પ્રેમને લીધે જે સંભાળ રાખવી પડે છે તેમાં જે સુખ પડતું તે માટે તે ઉપકાર માનતો, અને પોતે જે સુખ પેદા કરે તેનો ગર્વથી વિચાર કરવા થોભતો નહિ. તેની પાસે જે જે આવે તેના પ્રતિ તેનો સ્વભાવ શાન્ત અને મૃદુ રહેતો. એના મોંમાંથી ક્રોધનો શબ્દ કદાપિ નીકળતો નહિ, એની દૃષ્ટિમાં કોપના આવેશનો વિકાર કદાપિ જણાતો નહિ.

જે સ્થલે ગુલાબસિંહ અને મા રહેતાં હતાં ત્યાં ચોર લોકોનું ભય હતું. એ ભય એક વાર તેમને માથે પણ આવી પડ્યું. ગુલાબસિંહના માણસોએ પોતાના ધણીની સમૃદ્ધિની વાતો કરી હશે તેથી ચોર લોક લલચાયા. એક વખત રાત્રીએ મા સુઈ ગઈ તે પછી નીચે કાંઈ ખડખડાટ થવાથી જાગી, તો ગુલાબસિંહ સોડમાં હતો નહિ એટલે ભયભીત થઈ કાન માંડી રહી. કોઈકે અરેરે ! એમ કર્યું હોય તેવો ભણકારો એને સંભળાયો, પણ પછી બધુ શાન્ત થઈ ગયું. ધીમે ધીમે ચાલતાં કોઇનાં પગલાં સંભળાયા, અને ગુલાબસિંહ નિત્યના જેવી શાન્ત મુખમુદ્રાથી અંદર આવ્યો; માને કાંઈ ભય લાગ્યું હશે તે વાત સરખી પણ લક્ષમાં ન આવી હોય તેમ એની પાસે આવીને બેઠો. પ્રાતઃકાલે બારણાં આગળ ત્રણ મડદાં પડેલાં હતાં, ને બારણાં ભાંગી ગયેલાં હતાં લોકોએ એ ત્રણેને એ સ્થાનના બહુ નઠારામાં નઠારા ચોર રૂપે ઓળખ્યા, અને જંગલ તરફ વળી જતાં ઘણાંક પગલાં ઉપરથી એમ અનુમાન કર્યું કે પોતાના મુખ્ય નાયકને મુંવા જોઈ બીજા ચોર નાશી ગયા હશે. પણ એ ત્રણ મરણ વિષે જ્યારે દરબારી માણસો તરફથી તપાસ થઈ ત્યારે જે ઘણી આશ્ચર્યકારક વાત માલુમ પડી તે એ હતી કે એ ત્રણેના શરીર ઉપર મરણ નીપજાવે તેવી ઈજાની કશી નીશાની હતી નહિ. આવું જોતાંજ સર્વને બહુ આશ્ચર્ય થઈ ગયું, અને તેજ ક્ષણથી ગુલાબસિંહનું ઘર અને તેની આસપાસનું સ્થલ એક નિર્ભય પવિત્ર સ્થાન થઈ રહ્યું. આસપાસના ગામડીઆને એ સ્વજન જે પ્રિય હતો; તેમની ભાષા અને તેમનાં દુઃખ તેનાથી લેશ પણ અજાણ ન હતાં, અને તેમના પ્રતિ તેમનો હાથ સર્વદા દાનપરાયણ રહેતો. એ લોક એને અત્યારે અનેક આશિષ આપવા લાગ્યા. એટલે સુધી કે એ તે સ્થાનેથી ગયો ત્યારે પણ જે ગાઢ વૃક્ષકુંજોમાં એ બેસતો તે વૃક્ષોને બતાવી તે લોક એની ભવ્ય પ્રતિમાનું સ્મરણ કરતા અને એના નામને એક દેવતાના નામ તુલ્ય ગણી માનતા ચઢાવતા. પણ ગુલાબસિંહ એવી છૂટી છૂટી વૃક્ષકુંજોમાંજ બેસતોજ, વિહરતો એમ ન હતું. પૂર્ણિમાની મધ્યરાત્રીએ તે અતિ દૂરના વનમાંથી, કે કોઈ વિજન ગુફામાંથી, કે નદીના કોઈ અતિ એકાન્ત પ્રદેશમાંથી વારંવાર આવતો જણાતો. ઘણી વાર તો મધ્યરાત્રીએ શાન્ત સમય જોઈ પ્રયાગવડ નીચેજ બેશી રહેતો.

આવી રીતે રખડવામાં ગમે તે હેતુ હો, ગમે તે વાત સિદ્ધ કરવાની હો પણ એટલું તો નક્કીજ હતું કે માના સહવાસમાં જેમ જેમ દિવસ જતા ગયા તેમ તેમ એને જે એક તીવ્ર નિશ્ચય થયેલો હતો તે દૃઢતર થતો ચાલ્યો. લાલાએ ત્સ્યેન્દ્રને હાથે સમાધિસ્થ થતાં ગુલાબસિંહ અને માનું જે દર્શન કર્યું હતું તે પ્રસંગ રેખ રેખ યથાર્થ હતો, અને એ પ્રસંગ પછીની એકાદ બે રાત્રી પછીજ માને કાંઈક એમ લાગવા માંડ્યું કે કોઈ અવર્ણ્ય શક્તિ મારા જીવિતને છાઈ નાખવા મંથન કરે છે. જાણે કોઈ અદૃશ્ય બલ પોતાનાં મન બુદ્ધિ અને ઈચ્છાને વશ કરી લેઈ અન્યત્ર તાણી જવા ઈચ્છતું હોય તેવું માને ભાસવા માંડ્યું. પોતાના બાલપણમાં જોયેલાં તેવાં અસ્પષ્ટ પણ અતિસુંદર, અને વધારે સ્થિર તથા અસરકારક સ્વનદર્શન રાત્રી દિવસ ગુલાબસિંહ ન હોય ત્યારે થવા લાગ્યાં, પણ તે પાછાં તેની સમક્ષ તો ફીક્કાં પડી જઈ વિખેરાઈ જવા લાગ્યાં. ગુલાબસિહે સંચિત હૃદયથી આ બનાવ વિષે તેને પૂછવા માંડ્યું, પણ માના ઉત્તરથી એને સંતોષ થયો નહિ; ને કોઈ કોઈ વાર તે ગુંચવાડામાં પણ પડી જવા લાગ્યો.

એક દિવસ ગુલાબસિંહે કહ્યું “એવી અસંબદ્ધ પ્રતિકૃતિઓ અને નાચી રહેલા તારા જેવી આકૃતિઓ અથવા પેલાં મધુર ગાન જે તને બ્રહ્માંડના ગ્રહોપગ્રેહરૂપી વીણાના સ્વરૂપ જણાય છે, તેની વાત મારા આગળ કરતી ના. બધા કરતાં કોઈ એકાદ આકૃતિ શું તને સ્પષ્ટ જણાતી નથી ? કે કોઈ તારી પોતાનીજ ભાષાથી બોલતું હોય એવું તને લાગતું નથી ? તને કોઈ પોતાની સાથે વધારે આનંદકારક ભૂમિ ભણી દોરી જતું જણાતું નથી ? એકે આકૃતિ સ્થિર થતી નથી ? અને અલૌકિક ગુપ્ત વાતો કે ભવ્ય રહસ્ય વિષે પ્રેરણા કરતી જણાતી નથી ?”

“ના, ના, કાંઈ નથી ! એ સ્વપ્નમાં તો બધું અસ્તવ્યસ્ત જણાય છે, રાત્રીએ કે દિવસે બધો વખત કશું સ્પષ્ટ થતું નથી અને જ્યારે તારાં પગલાં સાંભળતાં હું સ્વસ્થ થઈ જાઉં છું ત્યારે કોઈ પ્રકારના સુખનું ભાનમાત્ર માત્ર મને સમજાય છે; પણ તોએ તું જ્યારે એમ કહે કે “પ્રિયે ! હું તારોજ છું ત્યારે જે આનંદ સ્ફુરે છે, જે સુખ થાય છે, તેના આગળ તે કશા હીશાબમાં નથી.”

“ત્યારે એમ કેમ બનતું હતું કે આથી પણ વધારે ઉણાં એવાં સ્વપ્નો તને એક સમયે બહુ આકર્ષક લાગતાં હતાં ? એમ કેમ થતું હતું કે તે તારા હૃદયમાં વ્યાપી રહી તારી કલ્પનાને અનેકાનેક પ્રકારે દોરતાં હતાં ? એક સમયે તું આ દુનીયાંની બહારની સૃષ્ટિ માટે તલસી રહી હતી; હવે તું માત્ર સ્થૂલ અને અનિત્ય સુખથીજ સંતોષવાળી બેઠી છે એ શું ?”

“મેં એ વાત તો તને ક્યારનીએ સમજાવી છે. પ્રેમ કરવો અને પ્રેમપાત્ર થઈ તેની સમીપ વસવું એને તું સ્થૂલ અને અનિત્ય જીવિત કહે છે ? મારે મન તો એજ આ જગત્‌ની પારની સૃષ્ટિ છે. એ વિના બીજી વાત મારા આગળ કાઢતો ના.”

આવી વાતો કરતાં તે ગંગાને કિનારે ફરતાં હતાં તેવામાં રાત પડી; અને ગુલાબસિંહ પોતાનો ભવ્ય ઉદ્દેશ પડતો મૂકી આ મૃદુવદન ઉપર ચોંટી જઈ એટલું એ ભૂલી ગયો હોય એમ જણાયો કે એક મનુષ્ય હૃદયરૂપ સૃષ્ટિ કરતાં બીજી અનેક અનન્ત સૃષ્ટિઓ નિરવધિ બ્રહ્માંડમાં રમી રહેલી છે.