ગુલાબસિંહ/તરંગ ૪:દૈવી અને માનુષી પ્રેમ

← ગૃહસ્થાશ્રમ ગુલાબસિંહ
દૈવી અને માનુષી પ્રેમ
મણિલાલ દ્વિવેદી
ગુલાબસિંહે મત્સ્યેન્દ્રને લખેલાં પત્રમાંથી ઉતારા →


પ્રકરણ ૮ મું.

દૈવી અને માનુષી પ્રેમ.

પ્રણવબ્રહ્મ ! આત્મજ્યોતિ ! દર્શન દે ! પ્રત્યક્ષ થા.

જ્યાં આદિ ભગવાન્‌ના અનેક વિલાસનું સ્મરણ તાજુ હતું, એવી પ્રયાગવડ પાસેની એક ગુફાના ચારે ખુણામાંથી, ઉપરી સ્થાનમાંથી, સર્વત્રથી, એક મહાતેજોરાશિ પ્રસરતો ચાલ્યો. તારાના તેજથી પ્રકાશી રહેલી રાત્રીએ કોઈ ફુવારાની ઉંચે ઉડતી ઝીણને દૂરથી જોતાં તે જેવી ચળકતી પણ જરા ઝાંખી લાગે તેવો એ પ્રકાશ જણાતો હતો. ગુફાની ભીંતો, ખૂણા ફાટો, મુખ; — સર્વત્ર તે પ્રકાશ છવાઈ ગયો, અને ગુલાબસિંહના વદન ઉપર ફીકો અને અસ્થિર વિસ્તરી રહ્યો.

“અનન્ત તેજોરૂપી નારાયણ ! જેનો સાક્ષાત્કાર કરો बहुनां जन्म. नामन्ते મને ક્રમે ક્રમે મહાફલરૂપે હિમાલયના ભવ્ય શિખર ઉપર પ્રાપ્ત થયો, જેનાથી મેં ગુપ્ત વિદ્યાનાં અનન્ત રહસ્યોમાંની અનેક અનિર્વચનીય વાતો જાણી, જે, ઉપાધિનો બાધ દૂર રાખતાં કેવલ મારા રૂમજ છે, ને તેથી જે આ અનેક યુગ થયાં મારો મિત્ર અને મારો પરિચારક છે, તે તું આ સમયે મને માર્ગ બતાવ.”

પેલા તેજઃપુંજમાંથી કોઈ અવર્ણ્ય ચમત્કાર તે સમયે પ્રત્યક્ષ થયો. એ આખો તેજપુઃજ એક નયનરૂપ હોય તેવો થઈ ગયો અને તે નયન જેના ભાલમાં ચળકી રહી સર્વત્ર પ્રકાશમયતા વિસ્તારી રહ્યું છે; એવા જ્ઞાનમય, સર્વ રહસ્યના જ્ઞાતા, સાક્ષાત્‌ ત્રિનયન ગુલાબસિંહના આગળ પ્રત્યક્ષ થયા. શંકરનું જે રદ્રરૂપ તે આ સમયે કોઈ એ વિપર્યય પામી ગયું હતું કે શંકર તે સાક્ષાત્‌ જ્ઞાનમૂર્તિ, ભવ્ય, પ્રીતિકર, અને મૃદુતારૂપ શંકરજ લાગતા હતા. પોતે ગુલાબસિંહથી કાંઈક છેટે ઉભાં અને ગંભીર વદને ધીમેથી આ પ્રમાણે બોલ્યા : “મારી શિક્ષા એક સમયે તને બહુ મીઠી લાગતી હતી, અને એક સમય એવો હતો કે જ્યારે પ્રતિરાત્રિ તું મારા આનન્દમય પ્રકાશની પાંખે વળણી નિરવધિ અનન્તતાના શાન્ત સીમાન્તોમાં ઉડતો. હવે તું પાછો સ્થૂલનેજ જઈ ચોંટ્યો છે, અને તારા મંત્રબલથી ઇતર સૃષ્ટિનાં શુદ્ધ સત્ત્વ તારા તરફ આકર્ષાય કે પરમ જ્યોતિ તને સાક્ષાત્‌ થાય, તે કરતાં સ્થૂલ સાથે તને કસીને બાંધી રાખનારાં આકર્ષણો અતિ ઘણાં પ્રબલ છે. જ્યારે છેલે પ્રસંગે મારો ને તારા મેલાપ થયો ત્યારેજ તારૂં સત્ત્વ ક્લુષિત થવા માંડ્યું હતું, અને તારા ધ્યાનમાં વિક્ષેપ વ્યાપી ગયો હતો. છતાં હું ફરી તને પ્રત્યક્ષ થયો છું, પણ તોફાની પવન જ્યારે વાદળાંને સમુદ્રના તરંગ અને સૂર્યની વચ્ચે ઘુસાડી દે ત્યારે જેમ સૂર્યનું પ્રતિબિંબ તરંગોમાં પડી શકતું નથી તેમ તારા આત્મામાં પણ અમર જ્યોતિનું પ્રતિબિંબ પડવાનો સંભવ ધીમે ધીમે ક્ષીણ થતો ચાલે છે.”

“અરે જ્યોતિર્મય પ્રભુ !” ધ્યાનસ્થ મહાત્માએ નિઃશ્વાસથી ઉદ્‌ગાર કર્યો “જે મનુષ્ય તારા દર્શનમાંજ સુખી હતો તેની સ્થિતિ સંપૂર્ણ મારા રમરણમાં છે. મને એ પણ જાણ છે કે જે જ્ઞાન સ્થૂલ ઉપર સામ્રાજ્ય ભોગવી શકે છે, તે સ્થૂલનો સંસર્ગમાત્ર વિલુપ્ત થવાથીજ આવે છે. આત્માની આરસીમાં સ્વર્ગ અને મૃત્યુ ઉભયનું પ્રતિબિંબ સાથેજ પડી શકતું નથી, એકનું પ્રતિબિંબ પડે ત્યારે બીજાનું ભુંસાઈ જવુંજ જોઈએ. પણ જે દિવ્યયોગબલથી સત્ત્વબુદ્ધિ સ્વતંત્ર અને સ્થૂલવિમુક્ત થઈ અનન્ત બ્રહ્માંડશ્રેણિમાં ક્રમે ક્રમે વિહેરે છે તે પુનઃ પ્રાપ્ત કરવા માટે, મેં તને આજ, મારી ક્ષીણ ક્ષીણ થયેલી શક્તિને મહા પ્રયત્ને ઠેકાણે આણી, નિમંત્રણ કર્યું નથી. હું પ્રેમમાં પડ્યો છું. અને પ્રેમદ્વારા, મારાથી અતિરિક્ત કોઈ અન્યના જીવિતમાંજ મારૂં જીવિત મળેલું છે ભયને મારા પ્રતિ નિર્દોષ કરી નાખવામાં, કે જ્ઞાનને યોગ્ય પ્રગાઢ વૈરાગ્યના ઉચ્ચ શિખરથી જેમના ઉપર મારી દૃષ્ટિ પડી શકે તેમને નિર્ભય બનાવવામાં, મને યદ્યપિ હજુ કાંઈક સામાર્થ્ય રહ્યું છે, તો પણ મારી અંતર્ દૃષ્ટિને અંધ કરી નાખે તેવા આવેશ જેનાથી મારા હૃદયમાં ઉભરાય છે તે પ્રાણી પરત્વે હું કેવલ અંધ છું.”

શંકરે કહ્યું “એમાં શું ? તારો પ્રેમ એ તો એક નામમાત્રજ હશે; બુદ્ધિ જેને શંકાસમાધાનથી પ્રેમ ઠરાવી લે છે તેવો પ્રેમ હશે; જે માણસો જન્મ મરણની ઘટમાલામાં ગોથાં ખાય છે તે જેવો પ્રેમ સમજે છે તેવો તારો પ્રેમ હોઈ શકે નહિ. થોડોક સમય જશે – જે તારા અગણિત વર્ષમય આયુષની એક ક્ષણ જેવોજ છે – કે તું જેના ઉપર ગાંડો થઈ ગયો છે તે મૂર્તિ રાખ થઈ જશે. મર્ત્યસૃષ્ટિનાં બીજાં પ્રાણી છે તે તો એક્કેની જોડેજ ચાલે છે, સાથેજ રાખ થાય છે, તે સાથેજ રાખવામાંથી પાછાં અધિકાધિક અવતારશ્રેણિનાં પગથીઆં ઉપર અનંતયુગ રચનામાં રમે છે. તારે આગળ જોતાં યુગોનો વિસ્તાર છે; એને માત્ર ક્ષણોનોજ ! ને રે સરલ યોગી ! તારે અને એને મુંવા પછી શું એકજ માર્ગે જવાનું છે કે જ્યારે यततामपि सिद्धानां कश्चिमां वेति तत्त्वत: તેમાંનો એકલો એકલો રખડતો રખડતો પરમ જ્યોતિમાં સમાવા આવશે, ત્યારે એવી એ કેટલા અનેકાનેક જન્મમાં રખતી હશે ?”

“પરજ્યોતિ ! શું એમ માને છે કે આ વિચાર મારા હૃદયમાં રાત્રિદિવસ જાગતો નથી ? તું જોઈ શકતો નથી કે તને મેં મારી યોજના કહેવા તથા તારી સલાહ લેવાનેજ નિમંત્રણ કર્યું છે ? એના જીવિતને પણ મારા જીવિત તુલ્ય કરી મૂકવાની મારી સ્વપ્નવત્‌ આતુરતા તને પ્રત્યક્ષ સમજાતી નથી ? ત્સ્યેન્દ્રે મને આ સંબંધ કરવાની સંમતિ આપી ત્યારે જે કહ્યું હતું કે આ સંબંધમાંથી પણ આપણા સમાજને તાજો કરવા એક શિષ્ય ઉપજાવજે તે રાતદિવસ મારા મનમાં સાલ્યાં કરે છે. અને એ પ્રયત્નમાં સફલ થાઉં તો મારૂં એકાન્ત જીવિત કેટલું સુખકર થઈ રહે ? જે ભવ્ય અને અગાધ જ્યોતિમાં સામાવાની ઉગ્ર ઈચ્છાથી મે સ્થૂલની પાર જવા સાહસ કર્યું છે તે હજુ મારાથી વિદૂર છે; પણ સ્વભાવથી જ મર્ત્ય જગત્‌માંનો એક એવો હું તે જ્યારે અત્ર મારી જાતને કેવલ એકલીજ દેખું છું ત્યારે મને કેવું લાગતું હશે તેનો વિચાર, અનન્ત જ્યોતિમાં નિરંતર રમી રહી પરમાનંદસાક્ષાત્કારમાં મત્ત એવા તું જેવાને આવી શકે નહિ. મેં મારી જાતિમાંથી મારાં સહચર શોધવામાં નિષ્ફલતા પ્રાપ્ત કરી છે; છેવટ એક મળી આવી છે ! અરે ! જંગલી જનાવર, અને આકાશનાં પક્ષીને પણ પોતપોતાનાં સહચર હોય છે ! એ મારી સહચરી, ઉત્તરોત્તર વધતી વધતી, અનન્ત જ્યોતિને સ્થાને પહોંચી નિરવધિ જીવિત ભોગવાય તેવા રસપાનને યોગ્ય સ્થિતિ અનુભવે ત્યાં સુધી, એના માર્ગમાંથી ભયને દૂર રાખવાનું સામર્થ્ય તે મારામાં છે.”

“તેં પ્રયત્ન કરવા માંડ્યો છે ને તું નિષ્ફલ થયો છે, એ મારાથી અજાણ્યું નથી. એની નિદ્રામાં તે અતિ આકર્ષક દર્શનો પ્રેરવા મંથન કર્યું છે: તેં અગાધ આકાશમાં વિહરતાં અનેક સત્ત્વોને પોતાના મૃદુનાદદ્વારા તેને સમાધિમાં પાડી આ સ્થૂલની પારના વિશ્વનું ભાન કરાવવા પ્રાર્થ્યા; પણ તેના આત્માએ એ કશાની દરકાર કરી નહિ, ને ઉલટો સ્થૂલમાં વધારે ગૂંચવાઈ તેમનાથી કેવલ વિરક્ત થઈ ગયો. અરે અંધ ! જોઈ શકતો નથી કે શા માટે એમ થાય છે ? કારણ એજ છે કે તેનો આત્મા કેવલ પ્રેમમય છે; દુનીયાંમાં જે પ્રેમ કહેવાય છે, અને જેને દિવ્ય જ્ઞાનનો પ્રેમ કહેવાય છે, તે ઉભયને સાધારણ એવી કોઈ વૃત્તિ નથી કે જેનો, તું જે દ્વારા તેના ઉપર અસર કરવા ઈચ્છે છે તે સાથે સંબંધ હોય, પરમપ્રેમનું આકર્ષણ તો બુદ્ધિના પ્રભાવની પાર છે; તેને, કેવલ સ્થૂલમાત્રપરાયણ આવેશરૂપી બુદ્ધિથી નિયમાય તેવી આપ-લેરૂપ જે પ્રેમ છે તે સાથે શો સબંધ હોય !”

“પણ એવું કાંઈ વચલું નહિ હોય કે જે દ્વારા અમારાં હૃદયની પેઠે અમારા આત્મા પણ એક થાય ? અને મારો આત્મા એના આભા ઉપર અસર કરી શકે ?”

“મને પૂછતો ના, તને એ વાત સમજાવાની નથી.”

“તને હું શપથ આપુ છું કે કહે – બોલ !”

“અત્યારે તો તારો ને એનો આત્મા આ સ્થૂલપ્રેમની ભૂમિકા ઉપરજ એકતા પામી શકે એમ છે; એને સાથે લેઈને તું ઉપરની ભૂમિકામાં જઈ શકનાર નથી; પણ તને ખબર નથી કે જ્યારે કોઈ બે આત્મા પરસ્પરથી આવા ભિન્ન પ્રકારના હોય ત્યારે, એ બંનેનું જેમાં મેલન થાય એવા તૃતીય આત્મામાં તેમની એકતા સિદ્ધ થાય છે.”

“પરમસ્વરૂપ ! તમારી વાત મારા લક્ષમાં આવે છે.” પોતાના વદન ઉપર, આ વાતના પ્રસંગમાં આગળ જણાઈ હોય તે કરતાં અધિક માનુષ આનંદની છાયાસમેત ગુલાબસિંહ બોલ્યો “અર્થાત્‌ મને, ( કેમકે આ બાબતમાં મને મારૂં ભવિષ્ય સમજાતું નથી,) જો સામાન્ય મનુષ્યોની પેઠે સંતાન થશે તો —”

“ત્યારે તો છેવટ માણસજ થવા માટે તે માણસ કરતાં અધિક થવાની ઈચ્છા કરી હતી ! !”

“પણ સંતાન ! બીજી માજ ! સ્વર્ગમાંથી તાજે તાજાજ કોઈ આત્માનો આવિર્ભાવ ! એને હું પ્રથમથીજ જે વસ્તુ છે તે સમજાવીશ. અનન્ત બ્રહ્માંડમાં ભ્રમણ કરતી મારી પાંખની પાછળ આવતાં શીખવીશ, અને એના દ્વારા એની માતા પોતે પણ યમપુરીની પાર નીકળી જઈ શકે તેમ કરીશ.”

“સાવધાન થા, વિચાર કર ! તું જાણતો નથી ? કે તારો શત્રુ આ સ્થૂલ જગત્‌માંજ છે ! તારા સંકલ્પો તને ધીમે ધીમે મનુષ્ય વર્ગની પાસે દોરતા જાય છે ?”

“ખેર ! મનુષ્ય જેવું મધુર બીજું શું છે !” ગુલાબસિંહે કહ્યું.

આ પ્રમાણે એ મહાત્મા ઉચર્યો ત્યાં શંકરના મુખ ઉપર જરા સ્મિત છવાઈ ગયું.