ગુલાબસિંહ/તરંગ ૪:સ્થાનાન્તર

← ગુલાબસિંહે મત્સ્યેન્દ્રને લખેલાં પત્રમાંથી ઉતારા ગુલાબસિંહ
સ્થાનાન્તર
મણિલાલ દ્વિવેદી
રક્તબીજ કેમ શમે ? →


પ્રકરણ ૧૦ મું.

સ્થાનાન્તર.

ખરેખર મા ! જ્યારે દિલ્લીમાં તારા ઘરના ઉંમરા ઉપર બેસી તરંગે ચઢતી ચઢતી તેં ઉભાં કરેલાં સત્ત્વોના ટોળામાં તું આકાશ સુધી વિચરતી તે કરતાં હાલ તું કોઈ નવીજ વસ્તુ છે ! અથવા જ્યાં વાસ્તવિક સ્વર્ગ અને સૃષ્ટિની નકલ એક પલવારને માટે, માયામાત્ર ત્યાં સુધી કરી શકે છે કે જ્યાં સુધી પ્રેક્ષકની દૃષ્ટિ કંટાળી જઈ જાગ્રત્ થઈ, ઝળકા રંગ, અને પડદા ઉચકનાર ઉપરજ ઠરે છે, તેવી રંગભૂમી ઉપર તું કોઈ અલૌકિક અને ભાવનાગમ્ય કાન્તિને તારા સ્વરદ્વારા પ્રકટવા મથતી હતી તે કરતાં પણ આજ કાંઈક જુદીજ બની રહી છે ! તારો આત્મા પોતાના સુખસ્વરૂપમાંજ વિરમી રહ્યો છે. એની બાહ્યવૃત્તિને અંતર્મુખ થઈ એક બિંદુએ એકાગ્ર થવાનું અધિષ્ઠાન જડ્યું છે. વારંવાર એવા અનુભવ બને છે કે જે વખત અનન્તકાલનું ભાન એક ક્ષણમાં જ સમાય છે; કેમકે જ્યારે આપણે સુખાનુભવમાં અન્યભાન માત્ર ભુલી ડુબીએ છીએ ત્યારે આપણને એમ પ્રત્યક્ષ લાગે છે કે મરણ એવી વસ્તુ છેજ નહિ. જ્યારે જ્યારે આત્મા સ્વરૂપને સ્પર્શે છે ત્યારે ત્યારે તેને અનંત જીવનનુંજ ભાન અનુભવાય છે !

તને સંઘમાં લઈ જવા માટેની ઉપનયનક્રિયા હાલ મુલતવી રહી છે. તારા દિવસ રાત્રિ, એક સંતુષ્ટ હૃદય નિરપરાધી કલ્પનાને જે પ્રકારે આનંદમાં રાખ્યાં જાય તેવાં દર્શનોમાં ગુજરે છે. આકાશગામી ગંધર્વો ! હું તમને પૂછું છું કે તમારા પોતાના કરતાં એ દર્શનો વધારે સુખરૂપ નથી ?

બન્ને કિનારા ઉપર ઉભાં છે, અને આથમતા સૂર્યની શોભા નીહાળે છે. આ સ્થલમાં તે કેટલા વખતથી રહે છે ? ગમે તેટલા વખતથી હોય; મહિના, વર્ષ, તેનો શો હિસાબ છે ! મારે અથવા તેમણે એ આનંદમય સમયનો હીસાબ શા માટે રાખવો ? એક ક્ષણમાત્રના સ્વપ્નમાં કલ્પના કલ્પ વહી ગયા લાગે છે તેજ હીસાબે આપણે અગાધ આનંદ તેમજ અગાધ શોકનું માપ કાઢવું; અથવા સ્વપ્નની જેટલી લંબાઈ જણાય છે તેટલી લંબાઈથી, કે સ્વપ્નમાં જેટલી જેટલી વૃત્તિઓના ઉદયાસ્ત થાય છે તેટલી વૃત્તિઓના માપથી, આ સમયનું પણ માપ લેવું.

સૂર્ય ધીમે ધીમે ઉતરતો જાય છે. હવા સૂકી જણાય છે, ને બંધ હોવાથી બહુ ઘામ લાગે છે; પાણી ઉપર મછવા સ્થિર પડી રહ્યા છે; પૃથ્વી ઉપર એક પાંદડું પણ હલતુ નથી.

મા ગુલાબસિંહની વધારે પાસે આવી; પોતાથી ન સમજી શકાય એવું કાંઈક એના મનમાં આવ્યું જેથી હૃદય વધારે જોરથી ધબકવા લાગ્યું; અને ગુલાબસિંહના વદન તરફ જોતાં તેની આકૃત્તિ એને આશ્ચર્યકારક લાગી; તે ચિંતાતુર, ભાવનાગ્રસ્ત, વ્યાકુલ, હતી.

“આ મૌન અને આ શાન્તિથી મને ભય લાગે છે” એ બોલી.

ગુલાબસિંહે આ વાક્ય સાંભળ્યું હોય એમ લાગ્યું નહિ. એ પોતાના મનમાંજ કાંઈક બબડ્યો, એની આંખો ચોતરફ ચકલ વકલ ફરતી જણાઈ મા કાંઈ સમજતી ન હતી કે શાથી એમ થવા લાગ્યું, પણ હવામાંજ કાંઈક ધારી ધારીને જોતી હોય તેમ તીવ્ર વિસ્તૃત આંખો, અને કોઈ અજાણી ભાષામાં બોલાયલા પેલા શબ્દ, એનાથી માને પાછા ગુલાબસિંહ વિષેના પૂર્વના વહેમ જાગ્રત્ થયા. જ્યારથી એણે જાણ્યું હતું કે હું હવે માતા થઈશ ત્યારથી એની પ્રકૃતિ જરા વધારે ભયશીલ થઈ હતી. એ પ્રસંગજ સ્ત્રીના જીવિતમાં, તેના પ્રેમમાં, વિલક્ષણ, અલૌકિક છે ! અદ્યાપિ સુધી અસ્તિત્વમાં પ્રત્યક્ષ ન થયેલું એવું કાંઈક, જે હજી તેના હૃદયનો સાર્વભૌમ અધિષ્ઠાતા છે તેના પ્રતિસ્પર્ધીરૂપે એ હૃદયના પ્રદેશમાં ભાગ પડાવા લાગે છે !

ગુલાબસિંહ ! મારા તરફ નજર કર” માએ તેનો હાથ ખેંચી કહ્યું. ગુલાબસિંહ તુરત ફર્યો. “મા ! તું ફીકી ફીકી પડી ગઈ છે ! તારો હાથ ધૃજે છે !” “ખરી વાત છે. મને કોઈ શત્રુ આપણા નજીક લપાતો લપાતો આવતો હોય એમ લાગે છે.”

“અને તારી પ્રેરણાથી તને જે ભાન થયું છે તે ખોટું નથી, એક શત્રુ ખરેખર સમીપજ છે. આ ભારે હવામાંથી મને તે જણાય છે: આ શાન્તિમાં મને તેના ભણકારા વાગે છે: એ મહાપિશાચ ! સર્વ સહારક ! — મહામારિ ! જો, જો, આંખ ખેંચીને નજર કર, વૃક્ષોનાં પત્ર અસંખ્ય જીવથી ઉભરાઈ ગયાં છે – એવી મહામારિને પગલે પગલેજ એ જનારાં છે.” આ પ્રમાણે ગુલાબસિંહ કહેતો હતો એટલામાંજ એક પક્ષી વૃક્ષ ઉપસ્થી માના પગ આગળ ગબડી પડ્યું, જરા ફફડ્યું, ક્ષણ વાર તરફડ્યું, ને મરી ગયું.

“અરે ! મા !” ગુલાબસિંહે નિઃશ્વાસ નાખી બહુ આગ્રહયુક્ત આવેશથી કહ્યું “જોયું, આનું મરણ ! તને એનું ભય નથી લાગતું ?”

“તારાથી એ મને જુદી પાડે માટે લાગે છેજ.”

“ને હું તને મરણની સામા થવાનો ઉપાય બતાવું તો ? તારા યૌવન ઉપર કાલની અસર ન થાય એવું કરૂં તો ? જો હું —”

ગુલાબસિંહ અધવચ અટકી પડ્યો, કેમકે માની આંખો ભયથી ફાટી ગઈ હતી, એના ગાલ અને અધર ફીકા પડી ગયા હતા. જે દિવ્ય યોગબલથી આવી સિદ્ધિઓ આવે છે તેને મા લગારે સમજતી ન હતી. તે તો એમ જ જાણતી હતી કે ભૂત પ્રેત મંત્ર યંત્ર જાદુ વિના કોઈ પણ સિદ્ધિ કે ચમત્કાર થતો નથી; અને મંત્ર તંત્રાદિકને ઉપાસનારાની અધોગતિજ થાય છે. એણે એમ પણ સાંભળ્યું હતું કે બાલકોના આત્માને પોતાને વશ કરી અનેક જાદુગરો મહોટી મહોટી સિદ્ધિઓ મેળવે છે, પોતાના પતિ ઉપર આવા કુતર્કોને લીધે માને અવિશ્વાસ થઈ આવ્યો; પોતાના કોમલ બાલકના ભાવિ વિષેનું ભય પેદા થઈ આવ્યું.

“એવું મા બોલ, આવી આકૃતિ ન ધારણ કર ” મા ગુલાબસિંહથી જરા દૂર ખશી બોલી “મને બહુ ભય લાગે છે. ના, ના, એમ મા બોલ; મને થરકારો વછૂટે છે, મારે માટે નહિ પણ તારા સંતાનને માટે.”

“સંતાન ! પણ શું તું તે સંતાનને પણ એની એ ભવ્ય બક્ષિસ નહિ લેવા દે ?”

ગુલાબસિંહ !” “કેમ !”

“સૂર્ય આપણી નજરથી અસ્ત થયો, પણ અન્યત્ર ઉદય પામ્યો. આ દુનીયાંમાંથી મરી જવું તે પર દુનીયાંમાં અવતરવુંજ છે. રે પ્રેમી — રે સ્વામી !” મા એકાએક થઈ આવેલા વેગથી બોલવા લાગી “એક વાર એમ કહે કે તું માત્ર મશ્કરીજ કરતો હતો, મારા જેવી ઘેલીને બનાવતો હતો. મહામારિ કરતાં પણ તારા બોલવામાં વધારે ભય છે.”

ગુલાબસિંહ ભમર ચઢાવીને મા તરફ થોડી ક્ષણ મૌન જોઈ રહ્યો, અને પછી ઠપકો દેતો હોય તેમ કરડે શબ્દે બોલ્યો “મારો અણવિશ્વાસ આવે એવું મારામાં તે શું દીઠું ?”

“કશું નહિ, કશું નહિ, – માફ કર” એમ બોલતી મા ગુલાબસિંહની છાતી ઉપર પડી ડુસકાં ખાતી બોલવા લાગી કે “તારા વિષે ગેરવાજબી ખોટો વિચાર થાય એવાં તારા પોતાનાં વચન પણ હું નહિ માનું.” ગુલાબસિંહે માનાં અશ્રુ ચુમી નાખ્યાં, પણ કાંઇ ઉત્તર ગાળ્યું નહિ.

“અને” માએ નિર્દોષ અને વશ કરી લે તેવા સ્મિત સમેત કહ્યું “જો એ મહામારિમાંથી બચી જવાય એવું કાંઈ તુ મને આપશે તો તે હું લેઈશ;” અને એમ કહેતાં ગુલાબસિંહની કોટે એક જૂનું માદળીયું હતું તેના ઉપર એણે હાથ નાખ્યો ને બોલવા લાગી કે “પ્યારા ! તું જાણે જ છે કે આને લીધે જ મને તારા ભૂતવૃત્તાન્ત વિષે કેટલીક વાર ઈર્ષ્યા પેદા થયેલી છે. ખરેખર ગુલાબસિંહ ! એ કાંઈક પ્રેમચિન્હ છે ! પણ ના ના, એ ચિન્હ આપનારીને તું ચહાતો હો તે કરતાં મને વધારે ચ્હાય છે. હું એ માદળીયું ચોરી લઉ ?”

“બાલક !” ગુલાબસિંહે આર્દ્રભાવે ઉત્તર આપ્યું “જેણે એ માદળીયું મારે ગળે બાંધ્યું છે તેણે તો તે એક તાવીજ જાણીને બાંધ્યું છે કેમકે તે પણ તારા જેવીજ વહેમી હતી; પરંતુ મારે તો એ તાવીજ કરતાં પણ વધારે છે – એ અતિ મિષ્ઠ ભૂતકાલનું એક સ્મરણ છે, ભૂતકાલ કે જેમાં મારૂં પ્રેમસ્થાન મારો અવિશ્વાસ ધરતું નહિ.”

આ પાછલા શબ્દો ગુલાબસિંહ એવી સખેદ કરડાકીમાં પણ આર્દ્રતાથી બોલ્યો કે તે માના હૃદયમાંજ ચોંટી ગયા; પણ જેવી તે પોતાના ઉભરાતા ઉદ્‌ગારને બહાર કાઢવા જતી હતી તેવોજ એનો સ્વર બદલાયો અને ગંભીર શબ્દે તે બોલ્યો “અને મા ! એને હું કોઈક દિવસ મારે ગળેથી તારે ગળે ઘાલીશ; જરૂર ઘાલીશ, જ્યારે તું મને વધારે સારી રીતે ઓળખશે ત્યારે ઘાલીશ; – આપણાં જીવિત એક થશે, એકજ નિયમથી દોરાતાં થશે, ત્યારે ઘાલીશ.”

ગુલાબસિંહ ધીમે ધીમે આગળ ચાલવા લાગ્યો, ને મા તેની સાથે સાથે ઘેર આવી; પરંતુ એના હૃદયમાંથી પ્રયાસ કર્યા છતાં ભય નીકળી ગયું ન હતું. છાનોમાનો લાગ સાધીને મા પોતાના ઓરડામાં જતી રહી, અને ત્યાં શ્રીકૃષ્ણની એક છબી, જે તે નિરંતર પાસે રાખતી, તેને સામે મૂકી તેનું ભજન કરવા લાગી. પણ શું એને મહામારિનું પોતાની જાત માટે ભય હતું ? મહામારિને હઠાવનાર આ ઈશ્વરની પ્રતિકૃતિ પોતાના ઉપયોગ માટે હતી ? સવારે જ્યારે ગુલાબસિહ ઉઠ્યો ત્યારે આ છબી તેણે પોતાના ગળામાં માદળીયા સાથે લટકતી દીઠી.

“બસ ! હવે તારે મહામારિનું જરા પણ ભય નથી” મા હસતી અને રોતી બોલી “અને કાલે રાતે તેં મારી સાથે જેવી વાતો કાઢી તેવી વાત કાઢીશ ત્યારે પરમાત્મા શ્રી ભગવાન્ તને ઠપકો પણ દેશે.”

કેમ ગુલાબસિંહ ! સમાનશીલવ્યસન વિનાની સાથે જીવ અને વિચાર એક થઈ શકે ખરો કે ? ખરૂં જ કહ્યું છે: “સામુ પીધેલું નહિ મળે તો ખાઈશ મૂંગો માર.”

મહામારિ શુરૂ થઈ; પ્રયાગનો પવિત્ર પ્રદેશ છોડવો જોઈએ. અહો યોગિરાજ ! જે તારાં પ્રેમસ્થાને છે તેને તું બચાવી શકતો નથી ! લગ્ન પછીની નવી અને મીઠી મઝાના નિવાસ તને રામ રામ ! નિવૃત્ત, નીરાંત, તમને પણ રામ રામ. રે પ્રેમી યુગલ ! તમને આવું રમણીય સ્થાન, આવી પવિત્ર ગંગા, આવું ભવ્ય આકાશ, એ બધા મળશે, પણ એ વખત ફરી મળશે ? કોણ કહી શકે કે પ્રેમસ્થાન સાથે જ્યાં નિવાસ કર્યો હોય તે સ્થલ બદલાતાં પ્રેમનું હૃદય પણ નહિ બદલાતું હોય ? એ નિવાસના બિંદુએ બિંદુએ એવી વાતોનાં સ્મરણ જડેલાં છે, જે તેજ સ્થાને પુનરુજ્જીવન પામી શકે. જે ભૂતકાલ એ સ્થાન ઉપર ફરી વળ્યો છે તે ભવિષ્યમાં આ પ્રકારે તેની નિત્યતા વિસ્તારે છે. પ્રેમથી કાંઈક ઉણો, કે વિશ્વાસમાં કાંઈક ઢીલો, એવો વિચાર આપણા હૃદયમાં કદાપિ સ્ફુરે તો જેની નીચે નિત્ય પ્રેમનાં વચન આપ્યાં લીધાં હોય, કે પ્રેમાશ્રુને પ્રેમચુમીથી સૂકવ્યાં હોય, એવા કોઈ એક વૃક્ષનું દર્શનજ પૂર્વની દિવ્ય ખુમારીમાં આપણને પાછાં તરબોળ કરી દે; પણ જ્યાં લગ્નના પ્રથમાનંદની કાંઈ સાક્ષી નથી, જ્યાં સહવાસના મૌન વાગ્ચાતુર્યનો પ્રસંગ નથી, જ્યાં દેવરૂપે રમતા હૃદયવેગને દાટ્યા હોય એવી પવિત્ર ભૂમિ નથી, એવા ઘરમાં ગયા પછી, જેણે પ્રેમકથાનો અનુભવ કર્યો છે તેવું કીયું માણસ એમ કહી શકશે કે નિવાસનો બદલો થતાં હૃદયમાં કાંઈ ફેરફાર થતો નથી ? શાન્ત અને અનુકૂળ પવન વાઓ ! પ્રેમયુગલનો માર્ગ શિવ થાઓ ! પ્રેમના સર્વક્શ રાજ્યદંડનો ધ્વંવંસ કરવા યમરાજ જ્યાં આવ્યો છે ત્યાંથી દૂર જાઓ. કીનારો નજરે પડે છે, નથી પડતો, હોડી ગંગાના પ્રવાહ સાથે દોડતી જાય છે, બીજે દિવસ ગંગાથી ગયાના પ્રવાહમાં પ્રવેશ કરી ધીમા વેગે આગળ વધતાં રાત્રીના ચંદ્રપ્રકાશમાં ગયાજીનો કીનારો અને બુદ્ધદેવના દાગોબાનાં શિખર દૂરથી દૃષ્ટિએ પડે છે. બુદ્ધના દેવલનાં દર્શન થતાં મહાત્મા મનમાંજ બોલ્યો “રે સબ્રહ્મચારી મહાત્મા ! અનંતકાલના પ્રકાશથી પણ મને તો સાધારણ ગોવાળીઆ અને ખેડુતને જે સુખ હોય છે તે કરતાં વધારે સુખ આપી શકાયું નહિ ! ગૃહિણીનાં ચુંબન અને સ્મિતની પાર કશી બીજી આશાજ નહિ !” શાન્ત ચંદ્રપ્રકાશમાં ચુપકીથી પડી રહેલી લીલોતરી, અને ચોતરફનો ગંભીર દેખાવ, જે મહાત્મા શ્રીબુદ્ધની સાથેજ આજે ધાર્યું હોત તો વિચરતો હોત, તેને, આમ કેવલ શાન્ત રહી જાણે ગર્ભિત મહેણું મારવા રૂપજ ઉત્તર આપતા હોય તેમ ચુપ રહ્યાં.


ચતુર્થ તરંગ સમાપ્ત.