ગુલાબસિંહ/તરંગ ૫:રક્તબીજ કેમ શમે ?
← સ્થાનાન્તર | ગુલાબસિંહ રક્તબીજ કેમ શમે ? મણિલાલ દ્વિવેદી |
બે મિત્ર → |
તરંગ ૫ મો.
પ્રકરણ ૧ લું.
રક્તબીજ કેમ શમે ?
ગુરુદાસને લાલાજીના બીછાના આગળ મુકીને આપણે આટલે સુધીનો ગુલાબસિંહ અને રમાનો વૃત્તાન્ત જોઈ ગયા. લાલાજી જાગ્યો કે તુરત તેને ગતરાત્રીનું તાદૃશ સ્મરણ થઈ આવ્યું, એટલે તેણે એક ચીસ પાડી, અને આંખે હાથ દઈ દીધા. ગુરુદાસે પાસે આવી, રામ રામ : એમ મહોટેથી ઝવાર કર્યા. આ માણસના ઉંચા, દીર્ઘ, અને ગાઢ સ્વરે લાલાના સ્મરણમાં જે ભયંકર દેખાવ રમતો હતો તે ઉરાડી દીધો. લાલાજી બીછાનામાં ટટ્ટાર બેઠો થયો અને પૂછવા લાગ્યો, “તમે મને ક્યાંથી આણ્યો ? તમે અહીં ક્યાંથી ?”
“ક્યાંથી આણ્યા ! — આણે ક્યાંથી ! તમે સુતેલાજ હતા. હું અહીં ક્યાંથી મને મહારાજે કહ્યું છે કે અહીં બેસવું અને તમે જાગો ત્યારે તમારી તહેનાત બજાવવી.”
“મહારાજ — મત્સ્યેન્દ્ર ? આવ્યા છે શું !”
“આવ્યા અને ગયા પણ; અને તમારે માટે આ પત્ર મૂકતા ગયા છે.”
“લાવો, અને હું લુગડાં પહેરી કરીને તૈયાર થાઉં ત્યાં સુધી જરા બહાર બેસો.”
“જેવી આપની આજ્ઞા, આપને માટે મેં ભોજનની તૈયારી કરી છે. આપને ભુખ લાગી હશે. મને પાકશાસ્ત્રનું જ્ઞાન નથી એમ નથી – ગોસ્વામીના દીકરાને હોઈ શકે તેટલું તો છેજ- મારા હાથની દાળ આપ જમશો ત્યારે જાણશો. હું જરા ગાઉ તેથી આપને હરકત નહિ થાય એમ હું માનું છું મને રસોઈ કરતાં જરા તાન મારવાની ટેવ છે. કેમકે તાનની અસરથી દાળનો પાક એકરસ સારો થાય છે.” એમ કહેતો કહેતો ગુરુદાસ પોતાની બંધુક ખાંધે ચઢાવી બહાર જઈ બેઠો. લાલાજી તો ક્યારનોએ નીચેના પત્રમાં ગ્રસ્ત થઈ ગયો હતો :—
“પ્રથમ પ્રયોગમાંજ મને એમ જણાવ કે તું, અમારા સંઘની નહિ, પણ તે સંઘમાં પેસવાના પ્રયાસમાં ખપી ગયેલાની સંખ્યામાં ઉમેરો કરે તેવો છે, તો તને એવા નિષ્ફલતાના મહાકષ્ટમાં ન પડવા દેતાં દુનીયાંમાં પાછો વિદાય કરી દેવો, એવું વચન તને અત્રે આવવા દેતી વખતે મેં ગુલાબસિંહને આપેલું છે. તે વચન હવે હું પાળું છું. આજ પર્યંત કોઈ પણ શિષ્યને ચઢાવવામાં આવ્યો હોય તે કરતાં સહેલામાં સહેલી કસોટીએ મેં તને ચઢાવ્યો હતો. મેં તારી પાસે બીજું કાંઈ નહિ પણ જુજ મનોનિગ્રહજ માગ્યો હતો, વિષયથી દૂર રહેવાનું માગ્યું હતું, અને તારાં શ્રદ્ધા અને ધૈર્યની કસોટી કરવી ધારી હતી. જા, તને જે ગોગ્ય છે તેવા સંસારમાંજ જા, અમારા સ્વભાવમાં ભળવા જેવો તારો સ્વભાવ નથી.”
“ગુરુદાસ તને જન્માષ્ટમીના રાસમાં સહકાર આપે એવી સૂચના મેં જ તેને કરી હતી. મારી આજ્ઞાનો ભંગ કર્યા વિના તું જેને ઉઘાડી ન શકે એવું પેલું પુસ્તક પણ મેંજ તારી નજરે પડે તેમ મૂક્યું હતું. તેં જોયું કે જ્ઞાનના ગુહ્યાગારને ઉમરેજ શું અનુભવાય છે ? જેને ઈંદ્રિયો પોતાના વશમાં રાખી રહી નચાવે છે તેવાનો કટ્ટો શત્રુ જે એ સ્થાને રક્ષા કરે છે તેને તેં સારી રીતે જોયો છે. તને હવે આશ્ચર્ય શા માટે લાગે છે ? કે હંમેશને માટે તને બહાર કાઢી હું બારણું બંધ કરૂં છું; છેવટ પણ તને સમજ નથી પડતી કે બાહ્ય સાધનો કે મંત્રોથી નહિ, પણ અંતરંગ એવી પોતાનીજ ભવ્યતા અને મહત્તાથી વિશુદ્ધ, વિરજ, ઉન્નત, થયેલો આત્મા એ રક્ષકનો તિરસ્કાર કરી ઉમરો વટાવી શકે છે ? મૂર્ખ ! મારૂં શાસ્ત્ર અને જ્ઞાન, ઉદ્ધત, ઈંદ્રિયગ્રસ્ત, નીચ સ્વાર્થ અને વિષયસુખ અર્થે એ જ્ઞાનને ભ્રષ્ટ કરવાને તેની ઈચ્છા કરનાર – તેમને કદાપિ કામ આવતું નથી. જે રહસ્ય જાણ્યાથી તમોગુણને બદલે સર્વનો ઉદય થવો જોઈએ તે જાણવાના પ્રયાસમાં પૂર્વના ઢોંગ કરનારા અને કહેવાતા માલિકો કેવા ફસાયા છે ને નાશ પામ્યા છે તેની તને ખબર નથી ! તેમણે સ્પર્શમણિ પ્રાપ્ત કર્યાની વાતો કરી છે, છતાં ચીંથરે હાલ મુવા છે; કાલને પાછો હઠાવનાર રસાયનનું પાન કર્યાના તડાકા માર્યા છે પણ વૃદ્ધાવસ્થા પૂર્વેજ વૃદ્ધ થઈ ફીટી ગયા છે; ભૈરવીચક્રની ભ્રમણામાં ફસાઈ શક્તિનો પ્રસાદ પામ્યાનો દાવો કરવા છતાં તે મરી ગયા છે; દેવતા અને દેવની પ્રસન્નતાથી ફૂલાયા છે, પણ ધૂળની પેઠે અટવાઈ જઈ પાછળ નામ પણ મૂકી ગયા નથી. કથાઓથી તું જાણતો હશે કે તેમણે પોતેજ જગાડેલાં પિશાચોએ તેમને ચૂશી ખાધા હતા, – હા, ખાધાજ હતા, તેમની પેતાનીજ અપવિત્ર વાંછનાઓ, વાસનાઓ, અને પાપી વૃત્તિઓ રૂપી રક્તબીજે તેમને ખાધા હતા. તેમને જે વાસના હતી તેજ તને છે; તે વાસનામાંથી છૂટવા માટે જે વિશુદ્ધ ભાવનાના વિચારમાં તારે નિતાન્ત મગ્ન રહેવું જોઈએ તેના માર્ગને તું ઓળખતો પણ નથી ! જો કદાપિ તને દેવ કે ગંધર્વ જેવી ગતિ હોત તો પણ તું જે મર્ત્યતાના કાદવમાં ખરડાયો છે તેમાંથી ઉંચો ઉડી શકવાનો ન હતો. તને જ્ઞાનની ઈચ્છા છે તે માત્ર નિરાશાજન્ય ફાંફાં છે; સુખ કે આનંદની તને વાસના છે તે માત્ર વિષયાનંદના ગંદા અને મેલા પાણીની તૃષ્ણા રૂપજ છે; તારો પ્રેમ, જે વૃત્તિ હલકામાં હલકાને કે નીચમાં નીચને પણ ઉન્નત બનાવે છે, તે માત્ર બલવતી ભોગવૃત્તિના આવેશમાં તોફાન કરવાની બુદ્ધિ રૂપજ છે;– આવો તું ! તેને અમે અમારામાંનો એક કરીએ ! અનાદિ સંઘનો તું મહંત ! ગુપ્ત વિદ્યાના સ્વર્ગમાં ઝળક્તા તારાના સ્થાનને તું પાત્ર ! ગરુડ પોતાના બચ્ચાનેજ સૂર્ય સુધી ઉરાડીને લઈ જઈ શકે. તને તો અરુણના ઝાંઝવાંમાંજ મારે મૂકી દેવો પડે છે. વિશ્વનો નિયમજ તને અમારા સંઘમાં સંઘરી શકતો નથી.”
“પણ રે આજ્ઞાભંગ કરનાર ! પામર ! તારૂં દુર્ભાગ્ય છે; તે પેલો રસ સુંઘ્યો છે, પીધો છે, ને તે તારી સમીપ એક મહા ભયંકર શત્રુને નિમંત્ર્યો છે. જે પિશાચ તેં ઉભું કર્યું છે તેને તારેજ શમાવવું જોઈએ. તારે સંસારમાં પાછા જવું જોઈએ; પણ જે આનંદ તને તેમાં પૂર્વે લાગતો તે મળે તે પહેલાં તારે ઘણો વિષમ દંડ ભોગવવો પડશે, ઘણો ઉગ્ર પ્રયાસ કરવો પડશે. તને જે તે રીતે સુખ થાય એટલા માટે હું આટલું કહું છું. જેણે તારી પેઠે પેલા દિવ્ય રસાયનનો એક કણ પણ પોતાના અંગમાં દાખલ કર્યો છે તેનામાં એવી વૃત્તિઓ જાગ્રત્ થાય છે કે જે કદાપિ વિરામ પામે કે નિર્મૂલ થાય નહિ. અને જે ધૈર્યયુક્ત નમ્રભાવે, સંપૂર્ણ શ્રદ્ધાથી, અને કાયિક ધૃષ્ટતા નહિ પણ ખરી માનસિક હીંમતથી, પ્રયાસ કરવામાં આવે તો, દિવ્યજ્ઞાન પર્યંત નહિ તો માનુષવ્યવહારની ઉત્કૃષ્ટતા પર્યંતતો તે જરૂર લઈ જાયજ. તું જે જે આરંભ કરશે તેમાં તેને કોઈ પ્રકારનું ચાંચલ્ય નિરંતર લાગ્યાં કરશે, પ્રાકૃત આનંદમાં તારૂં હૃદય કોઈ ઉત્તમોત્તમ પવિત્રતા તરફ ખેંચાયાં જશે, તારા મનની તૃષ્ણા, નીચમાં નીચ ભોગની ઝનુનમાં છતે, પણ કોઈ ઉચ્ચતા તરફ દોરાશે, પણ એમ ન ઘારતો કે એટલાથીજ જે થવાનું તે થઈ જશે. એવી વાસનાથી પણ વખતે તે પાપ અને અપકીર્તિની જાલમાં ન જઈ પડે એમ ન જાણતો. એ વાસના તે એક તાજી અને અપૂર્ણ પણ બલવતી પ્રેરણા છે, જે થકી તને કદાપિ કશામાં શાતા નહિ વળે; પણ તે વાસના કે પ્રેરણાનો તું જે માર્ગે ઉપયોગ કરશે તે પ્રમાણે તેમાંથી તને અનંત આનંદ કે અનંત ક્લેષ પ્રાપ્ત થશે.”
““પણ તું ખરે ખરો દુર્ભાગી છે ! રે પાંખ અને પગ સર્વથી જાલમાં ગુંચવાઈ ગયેલા જંતુ ! તે રસાયન પીધું છે એટલું જ નહિ, પણ તે રક્તબીજને પણ નિમંત્ર્યો છે. અદૃશ્ય આકાશમાં નિવાસ કરનાર સત્ત્વોમાં એના કરતાં, મનુષ્ય જાતિની સાથે વિકટ વૈર ધરનારું, બીજુ કોઈ સત્ત્વ નથી; ને તેં તારી આંખ આગળનો પડદો ખશેડી તેને તારી સન્મુખ આણ્યો છે. તારી દૃષ્ટિમાં પૂર્વે જે ખામી હતી તે હું હવે તને લાવી આપી શકું એમ નથી. જાણી તો લે કે અમારામાંના સર્વ મહોટામાં મહોટા ને ડાહ્યામાં ડાહ્યા,-સર્વ, જે ખરી રીતે ને ખરી જિજ્ઞાસાથી ગુહ્યાગારનો ઉમરો ઓળંગી ગયા છે, તેમને પ્રથમનો અતિવિકટ પાઠ એજ શીખવો પડ્યો છે કે ગુહ્માગારના વિકટ રક્ષક આ રક્તબીજનો પરાજય કરવો. જાણ કે એ ભયંકર આંખોમાંથી તું મુક્ત થઇ શકશે. જ્યાં સુધી તે તારો કેડો મૂકતી નથી ત્યાં સૂધી, જો તે દૃષ્ટિએ પ્રેરેલાં વિકાર પ્રલોભન અને ભય તેનાથી તું દૃઢ રહી ડગશે નહિ તો, તને કશી હાનિ થવાની નથી. ભયમાંજ તારૂં મરણ છે, નિર્ભય રહીશ તો થોડામાં સારો થઈ જઈશ. જ્યારે એ આંખો તારી સમીપ ન દેખાય ત્યારેજ તેનું વધારેમાં વધારે ભય સમજજે, અને આટલું કહી, રે પામર જંતુ ! આપણે છૂટા પડીએ છીએ, તને પ્રોત્સાહન આપી, ચેતવણી દ્વારા તારો માર્ગ બતાવવામાં મારો જે ધર્મ હતો તે મેં આ પ્રકારે બજાવ્યો છે. જે વિષમ વિપત્તિ તારા ઉપર આજથી હંમેશને માટે ગુજરી છે તે મેં આણી નથી, તેં તારે હાથેજ વહોરી છે, ને હું ધારૂં છું કે તેમાંથી તું હજી પણ મુક્ત થશે. ઉચ્ચ ભાવના અને નિર્ભય સત્ત્વ મનનથી તને લાભ થશે. જે જ્ઞાનનો હું ભક્ત છું તેને અનુસરી હું, જે ખરો જિજ્ઞાસુ છે તેનાથી, એક અક્ષર પણ છુપાવતો નથી; બાકી સામાન્ય વાતો કરી ખાનારને તે હું એક અગમ્ય કહોયડા રૂ૫ છું. માણસનું અવિનાશી સ્વતસ્ત્વ તેની સ્મૃતિશક્તિ છે, એટલે તેનો નાશ કરવાનું સામર્થ્ય મારામાં નથી; તે તારા સ્મરણમાં જે સંસ્કાર નોંધ્યા છે તે ટળી શકવાના નથી. તું પોતે જ તે સંસ્કારોને મહાપ્રયાસે કરી ઉચ્ચતાનું વલન આપશે તે તારૂં જીવિત હજી પણ સુધરી શકશે. સાધારણમાં સાધારણ શીખાઉ આ કિલ્લાને ધૂળ કરી નાખે, કે પેલા પર્વતને સુવાડી દે; પણ મહોટા મહાત્માને પણું એવું સામર્થ્ય નથી કે પોતે પ્રેરેલા એક પણ વિચારને તે ‘જતો રહે’ એમ કહી શકે. તે વિચારને તું નવા નવા આકાર આપી શકે, તેને શુદ્ધ અને ઉત્તમ બનાવી કોઈ ઉત્કૃષ્ટતાએ લઈ જાય; પણ જેને સ્મરણ વિના બીજા સ્થાનમાં જગો નથી તેનો તું નાશ કરી શકે એ વાત તો બનેજ નહિ. પ્રત્યેક વિચાર એક એક જીવ છે. એટલે હું કે તું કોઈ પણ તારા ભૂતવૃત્તને નાબુદ કરવા. કે તારા આનંદી યૌવનનું સુખ તને પાછું આણી આપવા, મથીએ તે નકામી વાત છે. જે રસ તેં લીધો છે તેની અસર તારે ખમી લેવી, જે પિશાચ તેં જગાડ્યો છે તેની સાથે તારૂં બલ અજમાવવું અને એમ પણ તારાથી સાધી સકાય તેટલું શ્રેય તારે સાધવું.”
પત્ર લાલાના હાથમાંથી પડી ગયું. પત્ર વાંચતી વખતે જે જુદા જુદા ભાવનો લાલાના મનમાં ઉદયાસ્ત થતો હતો તે સાથે હવે મહા જડતામાં ક્ષય પામ્યો. ચિરકાલથી પોષેલી રમાડેલી એવી કોઈ મિષ્ટ આશા, પ્રેમની, લોભની, કે ઉદયની, તેની નિષ્ફલતાને સમયે જેવી જડતા થઈ જાય છે તેવી જડતા લાલાના અંગે અંગમાં સ્તબ્ધ ઠરી ગઈ. જે ઉચ્ચતમ અદૃશ્ય સૃષ્ટિના દરવાજા ઉઘાડવા માટે પોતાનો પ્રયત્ન હતો, પોતાની ગાઢ ઇચ્છા હતી, તેજ દરવાજા “હંમેશને માટે” બંધ થયા છે ને તે પણ પોતાની જ ઉદ્ધતાઈ અને ધૃષ્ટતાથી ! પણ લાલાજીનો સ્વભાવ, ઘણા સમય સુધી સ્વાત્મવિંડબનમાં નિમગ્ન થઈ શકે, તેવો ન હતા. નિરાશાએ ધીમે ધીમે મત્સ્યેન્દ્ર ઉપર ક્રોધનું રૂપ પકડવા માંડ્યું; “લાલચમાં ફસાવવાની યુક્તિ કરવાનું કબુલ કર્યા છતાં, હવે મને આમ મૂકી દે છે” એ વિચાર આગળ તરી આવ્યો અને ક્રોધના અગ્નિમાં ઘૃતરૂપ થતો ચાલ્યો. આવી કઠોર અને તિરસ્કાર ગર્ભિત ભાષા સાંભળવા જેવો મેં શો દોષ કર્યો છે ! એક સુંદરીના નયન અને હાસ્ય જોઈ ખુશ થવું એમાં શું પાપ આવી ગયું ! ગુલાબસિંહ પોતે પણ ક્યાં રમા સાથે રમતો નથી ! આવા વિચારમાં લાલાને એમ પણ ભાન ન રહ્યું કે પ્રેમમાં પણ પ્રકાર સંભવે છે અને એક પ્રકારના કરતાં બીજા પ્રકારનો પ્રેમ જુદો હોય છે. “અને વળી જે ખરા હીંમતવાનને માટેજ સર્જેલું હતું તેવા એકાદ પ્રલોભનથી દોરાઈ આગળ વધવામાં શું ફીકર હતી ! જે ગ્રંથ મત્સ્યેન્દ્રે ખુલ્લો રાખ્યો હતો તેમાં સ્પષ્ટ નહોતું લખેલું કે ‘ભયથી સાવધ રહેવું’ ! મનુષ્યહૃદયના બલવાન્માં બલવાન્ ભાવ ઉશ્કેરાય એવાં પ્રલોભનો શું આ રીતે તૈયાર ન હતાં ! — ઓરડામાં જવાની રજા નહિ - છતાં ચાવી મારે સ્વાધીન — શી રીતે મારા ઔત્સુક્યને શમાવવું તે સ્પષ્ટ રીતે બતાવનારો ગ્રંથ !” આવા આવા વિચારો જેમ જેમ લાલાના મગજમાં ઉપડતા ગયા તેમ તેમ એને એમ લાગતું ગયું કે મત્સ્યેન્દ્રની આખી રીતભાત માત્ર મને આવી અધમ સ્થિતિએ પહોંચાડવા માટેના કાવતરા રૂપજ હતી; અથવા તો એ મત્સ્યેન્દ્ર કોઈ બડો ઢોંગી ધૂતારો છે, અને પોતે આપેલાં વચનો પૂરાં કરવાનું સામર્થ્ય નથી માટે આમ યુક્તિ કરી છટકી જાય છે. વળી તેના પાત્રમાં જે જે રહસ્યરૂપ સૂચનાઓના ઈશારા હતા, તે ઉપર ફરીથી વિચાર કરતાં તેને એ બધી વાતો રૂપક જેવી જ લાગી. પ્રાચીન કાલના જાદુગરો, ત્રાંત્રિકો, ને માંત્રિકો, તેમના કલ્પિત ગપાટા જેવી જ લાગી. ધીમે ધીમે એમ પણ લાલાજીને લાગ્યું કે જે રક્તબીજને મેં પ્રત્યક્ષ જોયો છે તે પણ શું ? માત્ર મત્સ્યેન્દ્રના કોઈ જાદુથી કલ્પેલું એક પિશાચ ! કલ્પનાજ ! કલ્પનાનો ખેલજ ! એમ અત્યારે ચોતરફથી ઝળઝળાટ પ્રકાશી રહેલા સૂર્યે ગતરાત્રિનું ભયમાત્ર ઉરાડી દીધું; સહજ ગર્વથી અને તાત્કાલિક ક્રોધના આવેશથી એની સહજ હીંમત તેજ થઈ; એટલે લુગડાં પહેરી જ્યારે ગુરુદાસ તરફ પોતે ચાલ્યો ત્યારે તેના પગ ગર્વથી જોરભેર ઉપડવા લાગ્યા, અને તેના ગાલ કોઈ પ્રકારના ક્રોધાવેશથી રાતા થઈ ગયા.
“ત્યારે ગુરુદાસ ! – મહારાજ ! તારો મહારાજ તેણે તને આજ્ઞા કરેલી કે જન્માષ્ટમીના રાસમાં મને લઈ જઈને રમાડજે ?”
“હાજી, એક દૂબળા સાથે તેમ કહાવ્યું હતું, એથી મને બહુ આશ્ચર્ય લાગ્યું હતું. કેમકે હું એમ ધારતો હતો કે એ ઘણું દૂર ગએલા છે. પણ એવા મહાપુરુષો હજાર બે હજાર કોશનો હિસાબ ગણતા નથી.”
“ત્યારે તેં મને ખબર શા માટે ન આપી ?”
“કારણ કે સંદેશો લાવનારે ના કહી હતી.”
“તને સંદેશ લાવનારો રાસ ચાલતો હત્યાં ત્યાં હતો કે નહિ ?”
“નાજી.”
“હાં ?”
“આ ભાણું પીરસીને તૈયાર કર્યું છે.” ગુરુદાસે લાલાજીની થાળી પીરસતાં કહ્યું “આ પ્યાલો પણ તૈયાર ભર્યો છે,– હવે – મહારાજ ગયા – શી ફીકર છે ! (એમ કહેતાં પણ ચોતરફ ભયભીત નજરે જોવા લાગ્યો) હું કાંઈ એમનું અપમાન નથી કરતો - પણ હવે એ ગયા એટલે તમે વિચાર કરો, કે આ તમારી જવાની શા કામની છે ! આ ખંડેરમાં દટાઈ રહીને કોઈ મહાત્મા જે વાત કબુલ ન કરે તેવા અભ્યાસમાં શરીર અને જીવ બેયનું જોખમ વહોરવા માટેના ઉપયોગની તો નથી જ.”
“ત્યારે શું મહાત્માઓ તારા ધંધાને પસંદ કરે છે ? ગુરુદાસ ! “જેના ખીસામાં જોઈએ તેટલી મહોરો છે, તેણે બીજાની છીનવી લેવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. અમારા જેવા ગરીબની તો જુદી વાત છે. પણ તેમ છતાં હું મારી પેદાશની દસુંદ વૈષ્ણવના મંદિરમાં મથુરા મોકલવા ચૂકતો નથી; ને બાકીનું હોય તે સર્વ સાથે વહેંચીને ખાઉં છું. પણ મેહેરબાન ! ખાઓ, પીઓ, મોજ કરો, ને કાંઈ આડું અવળું થઈ જાય તેને માટે કોઈ ગોરમહારાજ બતાવે તે પ્રાયશ્ચિત્ત કરી લો – પણ આમ એકાએક ઝપાટો કરવો નહિ એમ મારી સલાહમાં તે આવે છે. નકામા ઉપવાસ કરવાથી તો તબીયત બગડે, ને વળી મગજ તપી જવાથી ગમે તેવાં પિશાચ નજરે આવે !”
“પિશાચ !”
“હા, હા, ભૂખ્યાને ગમે તેવા તરંગ આવે, ઈર્ષા, દ્વેષ, ચોરી, લૂંટ, ખૂન એ બધાં ભુખે મરતાને થાય, ભુખે મરતો ભાલે મરે. પેટ તર હોય ત્યારે બધી દુનીયાં વહાલી લાગે. હા, આપ બેસો, ઉની વેઢમી ઉતરે એવી મૂકું. જ્યારે મારે બે ત્રણ દિવસના કડાકા થાય છે ત્યારે હું વાઘ જેવો વિકરાલ બની જાઉં છું, અને વળી તરેહવાર ભૂતડાં પણ નજર આગળ નાચતાં દેખું છું. ભુખે મરવાથી એવું દેખાયજ !”
લાલાને એમ લાગ્યું કે આ જંગલી બેવકુફનાં વચનમાં કોઈ ગુહ્ય તત્ત્વવિવેક સમાયલો છે. એવો વિચાર થયો એટલુંજ નહિ પણ તે વાતનું પ્રત્યક્ષ પ્રમાણ પણ થયું કે જેમ જેમ પોતે જમતો ગયો તેમ તેમ ગતરાત્રીનું ઈતિવૃત તથા મત્સ્યેન્દ્ર પોતાને તજી ગયાથી તેના ઉપરનો ક્રોધ એ બધું શાન્ત પડતું ચાલ્યું. બારી ખુલ્લી હતી – વિશ્વમાત્ર આનંદમાં હતું – ગુરુદાસ પણ તેવાજ આનંદની લહરમાં હતો. સાહસ, યાત્રા, રામા, ઇત્યાદિ અનેક વાતો વિષે ગુરુદાસ એવી લટકથી લલકારતો હતો કે એના કહેવામાં હરકોઈ સાંભળનારને પણ રસ પડ્યા વિના રહે નહિ. પણ જ્યારે ગુરુદાસે પેલી અષ્ટમીની ગોપિકાનાં નેત્ર અધર દંત આદિનાં વર્ણન આલાપવા માંડ્યાં ત્યારે તો લા'લાજી ગરકજ થઈ ગયો.
આ ગુરુદાસ પ્રત્યક્ષ પશુવૃત્તિની જ મૂર્તિ હોય તેવો હતો. મહા તપશ્ચર્યા કરતા ઋષિ મુનીઓનો તપોભંગ કરવામાં ઈંદ્રને એના જેવો સહાય હોત તો બાકી ન રહત. એટલે એના સંભાષણની અસર લાલાજીને કેવી અને કેટલી થાય તે સમજવાનું સહજ છે. પરંતુ જ્યારે ગુરુદાસ ફરી આવવાનું વચન આપી રામ રામ કહીને ચાલતો થયો ત્યારે, લાલાજીનું મન કાંઈક વધારે ગંભીર અને વિચારગ્રસ્ત થયું. મત્સ્યેન્દ્રે કહ્યા પ્રમાણેજ પેલા રસાયનની અસર થઈ. લાલાજી આમ તેમ ફરતો ફરતો, ઘડીમાં ભવ્ય ખંડેરો તરફ, ઘડીમાં પોતાના ઓરડાની ભીંતો તરફ, ઘડીમાં બહારની વિશ્વલીલા ઉપર, નજર ફેંકતો હતો, તેમ તેમ એના મગજમાં કોઈ ભવ્ય સાહસ, કોઈ અતુલ પરાક્રમ, સાધવાના અનેક તરંગો ઉભરાતા હતા.
“મત્સ્યેન્દ્ર મને પોતાનું જ્ઞાન આપવાની ના પાડે છે ! અસ્તુ, પણ મારો હુન્નર તે કાંઈ એણે લઈ લીધો નથી !”
“ત્યારે શું લાલાજી ! જ્યાંથી આરંભ કર્યો ને ત્યાંજ તું પાછો જાય છે ? ગુલાબસિંહે જે ભવિષ્ય ભાખ્યું હતું. તેજ ખરૂં ઠર્યું !!
આવો વિચાર કરી ફરતે ફરતે લાલાજી ગુરુ મત્યેન્દ્રના ઓરડામાં આવી પહોંચ્યો — તો ત્યાં એક કુલડી સરખી પણ પડી ન હતી, એક સૂકો છોડ સરખો પણ દિવ્ય વનસ્પતિસમૂહમાંનો ત્યાં હાજર ન હતો. પેલો ભવ્ય ગ્રંથ પણ ક્યાંએ જતો રહ્યો હતો, પેલુ રસાયન અદૃશ્ય થઈ ગયું હતું ! આમ છતાં પણ એ ઓરડામાં કોઈ અપૂર્વ ભવ્યતાનો મંત્ર વ્યાપી રહ્યો હોય એમ લાલાજીને લાગ્યું. તેની અસરથી એના મનમાં કાંઈક નિર્માણ કરવાની, કાંઈ પ્રાપ્ત કરવાની, જે ઈચ્છા જાગ્રત્ થઈ હતી તે બલવતી થવા લાગી — ઈંદ્રિયગ્રાહ્ય વિષયસુખની પારની કોઈ સ્થિતિ માટે વૃત્તિ ખેંચાવા લાગી — નિરંતર ટકે તેવું કાંઈ કરવામાંજ પ્રતિભા પોતાને અમર કરી શકે છે, તેજ તેનું નિત્ય જીવન છે, તેની તરફ લાલાજી ! તારૂં મન આકર્ષાવા લાગ્યું.
પણ તારી વૃત્તિને તું તારા બુદ્ધિબલના વેગથી કાંઈક કરીને સંતોષે તે માટેના સાધન ક્યાં છે ? તારી પીંછી, તારાં કચોલાં, તારા રંગ ક્યાં છે ! એ હરકત કશા હીસાબની નથી – ખરા પ્રતિભાવાળા નરોએ સાધનોના અભાવની દરકાર કરી છેજ કયારે ? તું હવે તો તારા પોતાના ઓરડામાં પાછો આવ્યો છે – સાફ ધોળેલી ભીંત તેજ તારો ચિત્રપટ છે, કોયલાનો એક કટકો તારી રંગભરી પીંછી છે. એટલા થકીજ તારી કલ્પનામાં ઉદય થતા ચિત્રની આકૃતિમાત્ર પણ આલેખી સ્થિર કરી શકાશે — નહિ તો પ્રાતઃકાલ સુધીમાં તો તે ક્યાંએ ગુમ થઈ જાય.
આ પ્રકારે એ ચીતારાના મનમાં જે તરંગ ઉઠ્યો હતો તે ખરેખર ભવ્ય અને ઉન્નત હતો. ધર્મરાજાની સભામાં યમદૂત પ્રેતને લઈ આવે છે, અને ત્યાં ચિત્રગુપ્ત પોતાને ચોપડો લઈ તેનાં શુભાશુભ કર્મનું વર્ણન કરી, તેને આગળ સ્વર્ગમાં જવા દેવું કે નરકમાં નાખવું એનો નિર્ણય માગે છે, એ વૃત્તાન્ત યથાર્થ ચીતરવાની આ સમયે લાલાજીને કલ્પના થઈ હતી. લાલાજીને ખબર ન હતી પણ આ પુરાણકથાનો ગૂઢાર્થ મત્સ્યેન્દ્રે, પુસ્તકોમાં ન મળી શકે તેવા અનેક વાસ્તવિક ખુલાસાથી સમજાવ્યો હતો, તેનો સંસ્કાર પોતાના મનમાં જે પડેલો તેજ આ પ્રકારે પ્રકટ થઈ કલ્પનાને પ્રેરતો હતો. એક ઘણા બલિષ્ઠ, અને વિસ્તીર્ણ રાજ્યનો માલીક કોઈ મહારાજા છે, તેનું પ્રેત ધર્મસભામાં ઉભું છે; એની સામે જીવતાં તો પવન પણ વિરુદ્ધ વાયો ન હતો તો મનુષ્ય તો એનું અવળું બોલ્યાં હોય એવો સંભવજ ક્યાં ? — પરંતુ હવે ભોંયરામાં સાંકળેલા નિરપરાધી જીવોનાં શુષ્કપ્રેત, નિર્દોષ કુમારિકાઓની પ્રકોપિત આકૃતિઓ, ગરદન મારેલા, કાપી નંખાવેલા અનેક મનુષ્યનાં ખોખાં, ચિત્રગુપ્તની પાસે ઉભાં છે; અને ચિત્રગુપ્ત તે રાજાને ઈતિહાસ વાંચતાં તેમની સાક્ષી પૂરાવે છે, — એ વૃત્તાન્ત લાલાજીની કલ્પનામાં તાદૃશ થઈ ચિત્રરૂપે બહાર આવવાની તૈયારીમાં હતો.
તારી કલ્પનાના નિર્મલ પ્રકાશ ઉપર ગુપ્તવિદ્યાનાં સાધનોએ જે ઝાંખાપણું આણી દીધું હતું તેમાંથી આવું ભવ્ય ચિત્ર એકાએક ઉદય થયું એ આશ્ચર્ય છે ! રાત્રીનું ભય અને આખા દિવસનો પશ્ચાત્તાપ, તે સર્વનો પ્રત્યાઘાત આવી ભવ્ય કૃતિરૂપે થાય એ અતિ આશ્ચર્ય છે ! વાહ ! કેવી સ્ફૂર્તિથી ને કેવી દૃઢતાથી તારો હાથ ચિત્રની રેખાને આલેખી જાય છે ! સાધનો આવાં અયોગ્ય છતાં કૃતિને જોતાં શીખાઉ કરતાં ઉસ્તાદનો હાથ કેવો સ્પષ્ટ જણાઈ આવે છે. પેલા રસાયનની અસર હજી તો તારા મગજમાંથી ગઈ નથી, પરંતુ જે ઉચ્ચતર જીવિત તને ન મળ્યું તેજ સૂક્ષ્મ સૃષ્ટિનાં સત્ત્વોને તું કેવાં તાદૃશ ચીતરે છે ! –ખરેખર ! કોઈ શક્તિ, જે તારી પોતાની નથી, તેજ આ ભવ્ય સંજ્ઞાઓ તારે હાથે આલેખાવે છે. સ્વર્ગનો દેખાવ દૂર જણાય છે – અને દેવલોક ત્યાંથી ધર્મસભાને વિલોકી રહ્યા છે — આ ધર્મસભા થઈ; ઘણાક દેવ, ઋષિ, રાજર્ષિ, આદિ તેમાં વિરાજે છે — આ એક છેડે પેલો પ્રેત ઉભો છે— ચિત્રગુપ્તની આંખ જરા કરડી થઈ છે ! વાહ ! બહુ સરસ કર્યું ! પેલી કુમારિકા, પેધા નિર્દોષ બંદીવાન, બધાનાં ધૂમ્ર જેવાં ફીકાં પ્રેત આંગળી કરી રાજાના પ્રેતને બતાવવા લાગ્યાં ! અહો ! 'લાલાજી તારી કલ્પના એક અતિ ઉન્નત સત્યનુંજ રૂપક છે, તારી યોજના કોઈ પણ પ્રતિભાવાનને કીર્તિ અપાવે તેવી છે. અધિકાર અને અન્યાયના મદથી અંધ બની પ્રાપ્ત કરેલું વૈર, મુવા પછી પણ, ભોગ થઈ પડેલાં જત વાળ્યા વિના રહેનાર નથીજ ! લાલાજી ! આ ચિત્રરૂપ જાદુ, જ્ઞાન, તેજ, કુલડી અને રસાયનના પ્રયોગ કરતાં વધારે સારૂં છે. ઘડી, બે ઘડી, પ્રહર, અનેક ચાલ્યાં ગયાં, હજુ કામ ચાલતુંજ છે-તેં દીવો પ્રકટ્યો છે-રાત્રીએ પણ તું મંડ્યોજ રહ્યો છે. રે દૈવ ! આસપાસની હવા શાથી ઠંડી હિમ થઈ ગઈ ! દીવો કેમ ઝાંખો પડ્યો ! તને કેમ રોમાંચ થયો ! પેલી-પણે –અરે ! બારીએ ! તારા ઉપર જોઈ રહી છે, પેલા કાળા, અવગુંઠિત, બીભત્સ, સ્વરૂપની – રાક્ષસીક્રૂરતાભરી, મનોવેધક વ્યાપારમાં નિપુણ, આંખો !
લાલાજી અટક્યો, ઉભો થઈ રહ્યો, સ્તબ્ધ થઈ ગયો. એ આંખો કલ્પના ન હતી. એ આંખોવાળી આકૃતિ બોલતી ન હતી, હાલતી ન હતી, પણ એ દૃષ્ટિનો ઉષ્ણ પ્રપાત સહન ન થઈ શકવાથી લાલાજીએ પોતાની આંખે હાથ દઈ દીધા. એકદમ ચમકી ઉઠીને, થરથર ધ્રૂજતાં, એ હાથ એને પાછા લેવા પડ્યા — એ અનામિક સત્ત્વ પોતાની પાસે જ હોય એમ લાગ્યું. એ તો પેલા ચિત્રની પાસે જઈને ઉભું, ને તે જ સમયે પેલી ચિત્રમય આકૃતિઓ જાણે ભીંત ઉપરથી ચમકી ઉઠી. જે ધૂમ્રવત્ પ્રેત એણેજ આકૃતિરૂપે આહુત કર્યાં હતાં તે હવે ખરેખરાં હોય તેમ એને પોતાને હસવા લાગ્યાં. ને એને ડરાવવા લાગ્યાં ! જેથી એના આખા શરીરને આંચકો લાગી ગયો. અને પરસેવાના જેબેજેબ વછૂટ્યા. ઘણા પ્રયત્નથી એ જવાને આ મહા ભયમાં સાવધાની ઠેકાણે આણી. પેલા આવેલા સત્ત્વ તરફ પોતે ગયો, તેની દૃષ્ટિનો પ્રપાત સહન કરી રહ્યો, ને દૃઢ શબ્દે તેને પૂછવા લાગ્યો કે તું શા માટે આમ કરે છે ? — એમ તેના સામર્થ્યનો એ તિરસ્કાર કરવા લાગ્યો.
અને એમ થતાની સાથેજ જેમ કોઈ ઉંડા ભોંયરામાંથી પવનનો પ્રતિઘાત સંભળાય તેમ તેનો શબ્દ સંભળાયો. તેણે શું કહ્યું, શું શું પ્રકટ કર્યું, તે બધું મોઢે કહેવાની કે કલમે લખવાની રજા નથી. પેલા દિવ્ય રસાધનના પાનથી જે શરીરને સૂક્ષ્મ જીવિતનો લાભ થયો ન હોય તે શરીર આ મહા ભયનાસમયે ચૂરા થઈ ગયા વિના રહ્યું ન હોય. સ્મશાનમાંના ભૂતપ્રેતની સામા થવું, કે પિશાચોના અતિ બિભત્સ આનંદોત્સવનાં ભય સહન કરવાં, અને રક્તવસામાંસચર્મઅસ્થિના કીચડમાં પડ્યા પડ્યા તે બધું સહેવું, એ સર્વ — અવગુંઠન દૂર કરી સ્પષ્ટ દૃષ્ટિએ આણેલી એ અનામિક સત્ત્વની આકૃતિને જોવી અને તેનો સાદ સાંભળવો તેના કરતાં લાખ દરજ્જે સારૂં કહેવાય.
પ્રાપ્ત કરવાના કેવા મહા ઉત્સાહથી એણે એમાં પ્રણેશ કર્યો હતો અને જીવના પર્યંત ન ભુલાય અને પશ્ચાત્તાપ તથા ક્લેશ સાથે સ્મરણ કરવા પડે એવા શા અનુભવથી એને એ સ્થલ મૂકવું પડ્યું !