ગુલાબસિંહ/તરંગ ૫:અંબિકા
← લાલાજીનો વેપાર | ગુલાબસિંહ અંબિકા મણિલાલ દ્વિવેદી |
રક્તબીજની બેહેન → |
પ્રકરણ ૪ થું.
અંબિકા.
લાલાજીનો વ્યવહાર આ રીતે નિરંતર એક પ્રકારના જ્વરની ગાંડાઈમાં જેમ તે દોડા દોડ કરતો હોય તેવો હતો; નિયમિત કાર્યપરાયણતા જેવું તેમાં કશું ન હતું, આવી ક્ષુબ્ધ અને ચંચલ સ્થિતિમાંથી તેને જાગ્રત્ કરે એવું કોઈ આ સમયે આવી મળ્યું. તેના આવવાથી લાલાને બહુ સુખ થયું. એની એક નાની બહેન એની કાકી પાસે રહેતી હતી. નાનો હવે ત્યારે લાલાજી આ બહેનને ઉત્તમોત્તમ પ્રેમથી ચહાતો હતો. માતપિતાના મરણથી એકલી પડેલી આ બાલા પોતાની કાકી સાથે રહેતી હતી; પરંતુ તે પણ હાલ મરી ગઈ એટલે એને કોઈનો આધાર રહ્યો ન હતો. તેણે પોતાના ભાઈને કોટા સુધી આવ્યો જાણી એક ઘણું દયા ભર્યું પત્ર લખ્યું જે વાંચી લાલાની આંખમાં આંસુ આવ્યા અને અંબિકા પોતા ભેગી આવીને રહી ત્યાં સુધી તેને શાન્તિ વળી નહિ.
અંબિકાનું વય આ વખતે આશરે અઢારેક વર્ષનું હતું, પણ હજુ તેને યોગ્ય વર મળ્યો ન હતો. એટલીજ વયે એના ભાઈમાં જે છટકેલા જેવો સ્વભાવ અને ઉગ્ર ઉત્સાહ જણાતાં હતાં તે આ બાલામાં ન હતાં એમ નહિ પણ તેની બાહ્યાકૃતિ બહુ શાન્ત અને સરલ હતી એટલે તે બહાર પડી આવતાં ન હતાં પરંતુ આ છટકેલાપણું અને આ ઉત્સાહ એના ભાઈમાં જે પ્રકારનાં હતાં તે કરતાં અતિ વિશુદ્ધ અને ઉત્તમ પ્રકારના આ બાલિકામાં હતાં એમ કહેવું જોઈએ. એનામાં એના ભાઈ કરતાં વિલક્ષણ ગુણ બહુ ભયશીલ પ્રકૃતિનો હતો, પણ તેને કોઈ અપૂર્વ પ્રકારની આત્મસંયમની શક્તિથી તે વશ રાખી શકતી હતી. અંબિકા કાંઈ કાન્તિવાળી ન હતી; એનાં વર્ગ અને આકૃતિ બહુ નાજુક તંદુરસ્તીનાં સૂચક હતાં, નાડીઓના અતિ સૂક્ષ્મપણાને લીધે એના મનદ્વારા એના શરીર ઉપર બહુ નાની નાની વાતોની પણ તુરત મહોટી અસર થયાં જતી. પરંતુ પોતાનાં દુઃખનો વિલાપ કરવાની તેને ટેવ ન હતી. કોઈ વિચિત્ર પ્રકારની ઉદાસીનતાથી એનો સ્વભાવ નિરંતર બહુ શાન્ત હશે એમ જણાતું, એટલે એને પોતાનાં દુઃખ પોતાના મનમાં જ ખમી કાઢવાની એવી ટેવ પડી ગઈ હતી કે તેવાં દુઃખને છુપાવવાનો એને પ્રયાસ પડતો નહિ, એનામાં કાન્તિ હતી નહિ, પણ એનું વદન પ્રેમ પ્રેરે તેવું અને આનંદે પમાડે તેવું હતું, એના સ્મિતમાં કોઈ અપૂર્વ આર્દ્રભાવ રહેલો હતો, એના મનની સર્વને સંતોષવાની ઈચ્છામાં કોઈ ઉત્તમ સ્વાર્પણ દર્શન દેતું હતું, એ બધાથી સામા માણસના હૃદયમાં પ્રેમનો પ્રત્યાઘાત થયા વિના રહે નહિ.
આવા સ્વભાવ અને ગુણવાળી પોતાની આજ સુધી ન ગણકારેલી ભગિનીને સપ્રેમ આવકાર આપવામાં લાલાજીને બહુ સંતોષ અને સુખનું સાધન મળ્યું. અંબિકાએ લાંબો વખત પોતાની કાકીનો મંદવાડ સાચવવાના કામમાં ગાળ્યો હતો એટલે એના ભાઈનો સુખકર પ્રેમ હવે એને બહુ રમણીય લાગતો હતો. આ યુવતી પણ બીજા વધારે ઉત્કટ પ્રેમભાવથી મુક્ત હોઈ, પોતાના હૃદયનો આખોએ ભાવ એકના એક ભાઈ ઉપરજ આપવા લાગી. રાતદિવસ એના મનમાં પોતાના ભાઈના પ્રેમનો બદલો વાળવાના વિચાર ઘોળાયા કરતા. એના બુદ્ધિવૈભવનું પોતાને અભિમાન હતું, એના સુખમાં પોતે સુખી હતી, જે નાનામાં નાની વાત પણ એને સુખી કરી શકે તેવી હોય તે પોતે મહોટામાં મહોટી કરી માનતી; –ટુંકામાં, દીર્ઘકાલથી સંચિત એવો ઉત્કૃષ્ટ અને અતિ વિશુદ્ધ પ્રેમભાવનો ભંડાર આ બાલાએ પોતાના પવિત્ર પ્રેમસ્થાનરૂ૫ આ ભાઈ ઉપર ખર્ચવા માંડ્યો.
પરંતુ જે ઉછૃંકલ વ્યવહારોમાં લાલાજીએ આજ પર્યંત પોતાનો સમય ગુજારવાનું સાધન શોધી લીધું હતું તેમાંથી જેમ જેમ તે વધારે મુક્ત થતો ગયો તેમ તેમ તેની શાન્તિનો સમય વધારે વધારે શોકમય થતો ચાલ્યો. એકલા રહેવામાં એને બહુ ભય લાગતું; પોતાની નવી સખી દૃષ્ટિથી દૂર થાય તે એને ગમતું નહિ — એની સાથે જ પોતે ફરતો હરતો, ખાતો પીતો અને છેક મધ્યરાત્રીએ જ્યારે એકલા સૂવા જવું પડે ત્યારે પણ મહા કષ્ટે જઈ શકતો. ઘણીવાર મરણ સમાન શાન્તિનો થોડો સમય ભોગવ્યા પછી તે એકાએક ચમકી ઉઠતો, ચોતરફ ગભરાટથી જોવા લાગતો, અંગ ધ્રૂજવા લાગતાં, હોઠનો રંગ ઉડી જતો, પાંપણોથી પરસેવાનાં ટીપાં પડતાં. અંબિકાને ખાતરી થઈ કે કોઈ પ્રકારનો ગુપ્ત શોક લાલાજીના હૃદયને ફોલી ખાય છે. એણે નિશ્ચય કર્યો કે મારે ગમે તે પ્રકારે એના વિશ્વાસને પાત્ર થઈ એને દિલાસો આપવા યત્ન કરવો. માણસના મનની સૂક્ષ્મ વૃત્તિઓ સમજવામાં ચતુર એવી તે બાલા સહેજે ચેતી ગઈ કે મને લાલાના શોકાર્ત દર્શનથી કાંઈ થાય છે અથવા હું તે વાત જાણું છું એ વાત એને પસંદ પડતી નથી. આટલા માટે અંબિકાએ કદાપિ પણ પોતાના ભાઈને ખરી વાત પૂછી નહિ, હળવે હળવે એવો ઘાટ આણ્યો કે તે પોતેજ વિશ્વાસથી બધુ કહે. પોતાની વિલક્ષણ સ્થિતિમાંજ ગુંચવાઈ ગયેલો લાલાજી અન્યની વૃત્તિનું યથાર્થ નિરીક્ષણ કરી શકતો નહિ એટલે અંબિકાના ઉદાર અને સ્વાર્પણરૂપ પ્રેમભાવને કોઈ સ્વાભાવિક ધૈર્યરૂપે દેખતો, ને એ ગુણ તેનામાં છે એમ જાણી પોતે પણ ધીરજ વાળતો. જેને પોતાના વિશ્વાસપાત્રરૂપે મનના વ્યાધિથી પીડાતાં મનુષ્યો પસંદ કરે છે તેનામાં મુખ્ય ગુણ ધીરજનોજ તે શોધે છે. ખરેખર, પરસ્પરથી વાત કરી હૃદયનો ભાર ઓછો કરવાની ઈચ્છા કેવી પ્રબલ છે ! એ નિર્ભાગી માણસ વારંવાર એમ ધારતો કે એક વાર જો કોઈને બધી વાત કહેવાય તો હૃદયનો ભાર બહુ ઓછો થાય. એમ પણ એને ખાતરી હતી કે જવાન, અનુભવી, અને રસમય, તરંગી પ્રકૃતિની અંબિકા, કોઈ અનુભવી અને વ્યવહાર નિપુણ કઠોર મનુષ્ય કરતાં મારી વાત સાંભળવા તથા તેમાં મને સહાય થવી વધારે યોગ્ય છે. રામલાલ આવી વાતને ગાંડા મગજનો લવારોજ ગણત, ઘણાક બીજા માણસો પણ ‘મંદવાડની લવારી’ એ નામથી જ તે વાતોને ઉડાવત. આ રીતે ધીમે ધીમે પોતાના મનને ઈષ્ટ એવો વાત કહી દેવાનો પ્રસંગ લાવવા ઉપર લાલાજી આવ્યો. એ પ્રસંગ આ પ્રકારે થઈ આવ્યો.
એક સાયંકાલે ભાઈ બહેન બેઠાં હતાં, અંબિકા જેનામાં પણ તેના ભાઈની બુદ્ધિનો અંશ હતો તે કાંઈક ચિત્ર આલેખવામાં લાગી હતી. લાલાજી નિત્ય કરતાં ઓછા ગ્લાનિમય વિચારમાં વ્યસ્ત હતો, ત્યાંથી એકાએક ઉઠ્યો અને પોતાની ભગિનીનો બરડો ઠોકી બોલ્યો “બહેન ! શું કરે છે !” એમ કહેતાં નીચો નમી ચિત્રપાટી ઉપર નજર નાખતાંજ ચમકી ઉઠ્યો, પાટી અંબિકાના હાથમાંથી એણે ખેંચી લીધી; — “આ શું કરે છે ? — કોનું આ ચિત્ર છે !” એમ બોલવા લાગ્યો.
“પ્રિય ભાઈ ! તમે આ ચિત્રની મૂલ આકૃતિને ઓળખતા નથી ? આપણાં માતુશ્રી કહેતાં કે આપણા ઘરમાં, સિદ્ધિને પામેલા આપણા પૂર્વજની જે પ્રતિકૃતિ છે તે તને બહુ મળતી આવે છે. એ પ્રતિકૃતિ ઉપરથી આ ચિત્ર હું આલેખું છું. મને જેવું સ્મરણ છે તેને આધારે હું જો આ ચિત્ર તૈયાર કરૂં તો તેથી તને આનંદ આવશે એમ હું ધારૂં છું.”
“બળ્યું એ ચિત્ર અને બળ્યું મળતાપણું ! તું જાણતી નથી કે હું આપણા પૂર્વજોના ઘરમાં આવવાનું શાથી ઈચ્છતો નથી. કારણ એજ છે કે એ ચિત્ર જોવાથી મને ભય લાગે છે — કારણકે; — ક્ષમા કર — તું બીહીશ નહિ.—”
“નહિ નહિ ભાઈ ! કાંઈ બીહીતી નથી. તું બોલે છે ત્યારે મને કશી ભીક નથી લાગતી. ઉલટો તું ચૂપ થઈ પડી રહે છે ત્યારે લાગે છે, તને જો મારા ઉપર વિશ્વાસ આવતો હોય, તું જો મને તારી સર્વ વાત કરી નિશ્ચય કરવા દેતો હોય, તો કેવું ઠીક થાય !”
લાલાજીએ કશું ઉત્તર આપ્યું નહિ, પણ લથડતે પગલે ઓરડામાં આમ તેમ ફર્યા કર્યું. છેવટે ઉભો રહ્યો અને પોતાની બહેન તરફ આતુર દૃષ્ટિથી જોઈ બોલ્યો “બરાબર છે, તું પણ તેનાજ વંશમાં જન્મેલી છે, તું કાંઈ મારી મશ્કરી કરવાની નથી, મારું નહિ માને એમ કરનારી નથી. સાંભળ ! સાંભળ ! એ શું થયું !”
“કશું નહિ ભાઈ ! વા આવ્યો તેથી નળીયું ખસ્યું–બીજું કાંઈ નથી.”
“બહેન ! તારો હાથ મારા હાથમાં આપ; મારી પાસે સજીવ, સચેત, કોઈ છે એમ મને નીરાંત વળે. જો સાંભળ, સાંભળ્યા પછી કોઈ સમય પણ એ વાત ફરી સંભારીશ નહિ. કોઈને કહીશ નહિ — પ્રતિજ્ઞા કર કે આપણે બેજ તે વાત જાણીએ — મુએ આપણા ભેગીજ તે બળે.”
“તારા વિશ્વાસનો ખોટો બદલો કદાપિ હું નહિ વાળું — હું પ્રતિજ્ઞા કરીને કહું છું — કદાપિ કોઈને નહિ જણાવું” એમ કહેતી અંબિકા એની પાસે અડીને બેઠી. પછી લાલાજીએ પોતાનો ઈતિહાસ શરૂ કર્યો. લખાણમાં ઉતારવાથી જે વાત, વિશેષ કરી શંકા અને પ્રશ્ન કરી બધુ ન માનવાની જ વૃત્તિવાળાં મનને, કેવલ બિભીષિકારહિત અને સાદી જેવીજ લાગે, તે જ્યારે લાલાજીએ સૂકે હોઠે અને ભયભીત વદને તેમજ સાક્ષાત્ કષ્ટાનુભવજન્ય જે સરસતા શ્રોતાને તુરત પ્રત્યત કરાવી સભય કરવા સમર્થ થાય છે તે સમેત, કહી બતાવી, ત્યારે તે કેવલ જુદીજ રીતિની લાગી. વાત કહેતાં લાલાજીએ અમુક ભાગ છુપાવી રાખ્યા. ઘણાક ભાગનું તેણે સહજ રીતે જ અન્યથાલાપન કર્યું, છતાં તેના ફીકા પડી ગયેલા અને થર થર કાંપતા શ્રોતાને તાદૃશ ભાવ સમજાય તેટલું તો તેણે કહ્યું. લાલાજીએ છેવટ આણતાં કહ્યું “પ્રાતઃકાલ થતાંજ એ વિષમય સ્થાનથી હું નીકળ્યો. મારા મનમાં હજી એક આશા રહેલી હતી — હું મત્સ્યેન્દ્રને ગમે ત્યાંથી પકડી કાઢીશ, આવા આશયથી હું શહેર શહેર ભમતો ચાલ્યો, ઠામ ઠામ રાજાની, અમાત્યની, ઉમરાવની, મદદ લેતો ને તપાસ કરાવતો, ક્વચિત્ આચાર્યો, મહંતો આદિના ગુપ્ત શિષ્ય સેવકાદિ દ્વારા શોધ કરતો; હું ચાલ્યો પણ મત્સ્યેન્દ્રનો ગંધ સુધાંતે હાથ આવ્યો નહિ. આ બધો સમય અંબિ ! હું એકલો ન હતો.” આવું કહેતાં જરાક ક્ષોભ પામતો હોય એમ લાલાજી અટકી પડ્યો, કેમકે એણે જે Iતિહાસ કહ્યો હતો તેમાં પેલી ગોપિકાનો વૃત્તાન્ત બહુ અસ્પષ્ટ રીતે માત્ર સૂચવીનેજ ચાલ્યો ગયો હતો. “હું એકલો ન હતો પરન્તુ મારી સાથે જે સહચરી હતી તે એશી ન હતી કે જેનામાં મારો આત્મા પૂર્ણ વિરામ પામી શકે તે — સર્વથા અનુરક્ત અને પ્રેમશીલ છતાં, નિરક્ષર, મારી વૃત્તિ સમજવા જેટલી બુદ્ધિ વિનાની, સુશિક્ષિત બુદ્ધિવૈભવને બદલે માત્ર સ્વાભાવિક તેજોમય અક્કલવાળી, — જેના વિષે અન્ય પ્રવૃત્તિ ન હોય ત્યારે હૃદય વિરામ લેઈ શકે, પણ જેની સાથે મનોમન એકતા ન પામી શકે, કે જેને ક્લેષિત આત્મા પોતાના ભોમિયારૂપે વાપરી ન શકે — એવી હતી. પરંતુ આની સોબતમાં હોઉં ત્યાં સુધી પેલો વિકરાલ રક્તબીજ મને નડતો નહિ. એ પલિત મને શી રીતે કનડે છે તે હું તને સમજાવું. ગ્રામ્ય આનંદના તોફાનમાં, પ્રાકૃત લોકોના જેવા વ્યવહારમાં, દારુબાજી, ઇશ્કબાજીની મસ્તીમાં, વિકરાલનિર્મર્યાદતામાં, પણ વર્ગને અને આપણને સરખાં બનાવનાર જે જે ખાસીયતો છે તેના આવેશમાં, એ ભૂત મને દર્શન દેતું નથી, એની ભીષણ આંખ મારા આગળ આવતી નથી. પરંતુ જ્યારે જ્યારે આત્મા જાગ્રત થઈ ઉન્નત વિચારે ચઢે છે, મનુષ્યજીવિતના ખરા હેતુ ઉપર લક્ષ કરી આવા નિકૃષ્ટ જીવનનો મને તિરસ્કાર વછૂટે છે, ત્યારે ત્યારે એ રાક્ષસ મારી પાસે આવી હાજર થાય છે, અંધકારમાં પણ અંધકારથી ગાઢતર થઈ પ્રત્યક્ષ જણાય છે. જે કલાવૈચિત્ર્યમાં મન પરોવું છું. જ્ઞાનીઓના ગ્રંથમાં અવગાહન કરૂં છું, મહાત્માનું અનુકરણ કરવા યત્નવાન્ થાઉં છું, તો ન હોય ત્યાંથી પણ એ કરાલભૂત મારા આગળ ખડો થાય છે. મને અસહાય કરી નાખે છે; મને ભાન રહેતું નથી કે પછી શું કરવું; મારો પ્રાણજ નીકળી જતો હોય એવું ભય મને લાગે છે.”
“વહાલી બહેન ! આટલું આટલું થવા માંડ્યું તોએ મને મારા પેલા ધૂતારા ગુરુનો ખ્યાલ જતો ન હતો. મારા મનમાં એમ જ હતું કે એને જો એક વાર મળું તો ગમે તે રીતે સમજાવી, ધમકાવીને, આ પલિતને મારા અંગમાંથી કઢાવું. એ મુલાકાતનો યોગ સહજજ આવ્યો. દિલ્લીથી રખડતો રખડતો હું કનોજ તરફ ગયો હતો. કનોજમાં એક રાત્રીએ મધ્યને સમયે પચીશેક મિત્રો મળ્યા હતા. નવા મિત્રોને નોતર્યા હતા. મારા જેવા શરમાતા હતા તેમને બીજા ઓળખે નહિ માટે સર્વે વેશ પલટી પલટીને આવ્યા હતા. ગામ બહાર કાલિકાના મંદિરનાં બારણાં બંધ કરી બધા અંદર બેઠા હતા. માતાજીનું પૂજન ચાલતું હતું, અને દારુબાજી, મશ્કરી તોફાન, કશાની બાકી ન હતી. સર્વે ભાન ભુલીને ગમે તેમ લવતા હતા. ટુંકામાં ભૈરવીચક્રની બધી લીલા સંપૂર્ણપણે વિસ્તરી રહી હતી, તેવામાં ધીમે ધીમે વાત ઉપર વાતના ટપ્પા ચાલતે ચાલતે, મુસલમાનીનાં જે વાદળાં આર્યભૂમિ ઉપર ઝઝુમી રહ્યાં હતાં તેની વાત નીકળી, દારૂડીઆઓને એમજ લાગ્યું કે આ ધર્મચુસ્ત રાજાઓ કરતાં તે સારા પડશે, કોઈને કશી અડચણ રહેશે નહિ, નાત નહિ–જાત નહિ–વટાળ નહિ–બધુ એકાકાર ! છાનાં છાનાં ભૈરવીચક્રને બદલે પ્રસિદ્ધ એક ભૈરવીચક્રમાં सर्वे वर्णा द्विजातयः થઈ રહેશે ! વાહ એ આનંદ ! એ છૂટ ! એ મઝા ! મારા મનમાં પણ આવા તર્કનો તરંગ જોસભેર ભરાયો, અને આગળ બંદાએ મારા આગળ ચિંત્રેલાં સ્વપ્નને તે તુરંગને ખરા તેજમાં આણી મૂક્યો. આવી રમુજ ચાલી રહી છે, સર્વેના મોંમાં હોંકારા ને કીકીઆરી, હાહાહા, ને હીહીહી જામી રહ્યું છે, કલ્પિત આગામી સુખના તોરમાં બધા તણાય છે, તેવામાં એક જણે મારા કાનમાં કહ્યું ‘એક માણસ કોઈ બાતમીદાર હોય તેવો જણાય છે, ને તમારા ઉપર વધારે ધ્યાન આપી રહ્યો છે, વિચારીને વાત કરજો.’
“તુરતજ મારી આંખ પેલા કહેનારની આંખની ઈશારતને અનુસરી પેલા અજાણ્યા બાતમીદાર ઉપર પડી તો મને જણાયું કે એ માણસ આ બધા તોફાનમાં કશો ભાગ લેતો નથી. તેનો વેષ પણ બધાંની પેઠે બદલેલો છે, છતાં એ ક્યારે અંદર આવ્યો તેની કોઈને ખબર હોય એમ મને લાગ્યું નહિ. એના મૌનથી બધાને ભય લાગ્યું હતું – મને તો વધારે તાન આવ્યું. બધાંએ ઈશારા કરવા માંડ્યા પણ તેની કશી દરકાર કર્યા વગર મેં તો હાંક્યાંજ કર્યું; એટલે સુધી હીંમત કરી કે તે માણસની પાસે જઈને હું તેને જ બધી વાત કહેવા લાગ્યો અને તેમ કરવામાં એવો લીન થઈ ગયો કે બીજા બધા એક પછી એક બહારની ધર્મશાલામાં નીકળી ગયા તેની પણ મને ખબર રહી નહિ – મેં વાતોના તોરમાં કહ્યું :—”
“કેમ મહેરબાન ! જે વખતની આપણે આશા રાખીએ છીએ તેના વિષે તમારો શું વિચાર છે ? ગમે તેમ આચાર ! ગમે તેમ વિચાર ! સ્વચ્છંદ પ્રેમ ! સ્વતંત્ર આનંદ !”
“એમ હું ચલાવતો ચલાવતો અચકાયો કે તેણે કહ્યું ‘ચેતન વિનાનું જીવન.’ પણ એટલા શબ્દ સાળળતાંજ મારા ઉપર જાણે વીજળી પડી હોય એવો મને ઝપાટો લાગ્યો, કેમકે એ સ્વર મેં ઓળખ્યો; તુરતજ તેની પાસે જઈ મેં કહ્યું.”
“ભૂત ! કે ધૂર્ત ! છેવટે પણ તું મળ્યો ખરો !”
“મેં આવું કહ્યું કે એ પુરુષ ઉઠ્યો, ને હું એની પાછળ પાછળ ચાલવા લાગ્યો તેવામાં એણે મોઢા ઉપરથી બુરખો કાઢી નાખી મારા સામું જોયું તો મત્સ્યેન્દ્ર !! એની શારી નાખે તેવી દૃષ્ટિ અને ભવ્ય આકૃતિથી હું તો જ્યાં હતો ત્યાંજ સ્તબ્ધ થઈ ગયો. એણે કહ્યું “હા — હું તને મળ્યો ખરો, પણ મેંજ આ મુલાકાતનો યોગ આણ્યો છે એમ જાણજે. તેં મારી શીખામણ કેટલી પાળી છે ! આત્મવિદ્યાના ઉમેદવારે, પેલા કરાલ રક્તબીજના પાશમાંથી મુક્ત થવા સારુ, આવી મંડળી અને આવાં સ્થાનમાંજ વિચરવાનું છે ! આત્મવત્ સર્વ એ ભાવ અનુભવવાની ઈચ્છા કરનારને શોભે તેવાંજ વચનો ! સ્વચ્છંદ પ્રેમ ! સ્વતંત્ર આનંદ ! તારા મોંમાંથી નીકળવાં જોઈએ !”
“પણ તે તારોજ દોષ છે’ મેં કહ્યું ‘જે ભૂત તેં મને વળગાડ્યું છે તે લેઈ લે ! મારા આત્માને જે ત્રાસ આપે છે તેનાથી મારો છૂટકો કર.’
મત્સ્યેન્દ્ર એક ક્ષણવાર મારા સામું જોઈ રહ્યો, હૃદયશૂન્ય અને અતિ વિદ્વેષયુક્ત તિરસ્કાર ભરી દૃષ્ટિએ જોઈ રહ્યો, અને બોલ્યો : “નહિ નહિ, તારી પોતાની ઈંદ્રિયોથી મૂર્ખ બનેલા અંધ ! શ્રદ્ધાહીન જ્ઞાન જે પ્રકારે માયાના વિકટ માર્ગમાં અથડાય છે તેનો તને પૂર્ણ અનુભવ થવો જોઈએ. તારે છૂટ અને સ્વતંત્રતાનો વખત જોવો છે ! જા તે તું જોઈશ; તે સમય લાવવામાં તું પણ એક-ક્ષુદ્ર પણ એક — સાધન થઈશ, હું આ તને કહું છું તે વખતે પણ તારા ભાગ્યનો નિયંતા રક્તબીજ તારી પાસેજ ઉભો છે એમ દેખું છું; એનું સામર્થ્ય મારા સામર્થ્ય કરતાં તારા ઉપર અધિક છે. જે મંડલવ્યવસ્થા, જે રાજ્યપદ્ધતિ, તુ બંધનરૂપ માની ખોટી ગણે છે તેના પરચક્રાગમનથી ટુકડે ટુકડા થઈ જશે; તે અંધાધુંધી અને અવ્યવસ્થાના વિકરાલ સમયમાં તને જે વળગાડ છે તેનો અવધી આવશે, ત્યાં સુધી ધીરજ રાખ.”
“આટલી વાત થઈ તેવામાં પેલા દારુડીઆઓ તોફાન કરતા બહારથી અંદર દોડતા આવ્યા, તે આમ તેમ લથડતા લથડતા મારી અને ગુરુની વચ્ચે આવી ધબોધબ પડવા લાગ્યા. હું મસ્ત્યેન્દ્રથી જુદો થઈ ગયો, તુરતજ મેં તેને ખોળવા પ્રયત્ન કર્યો, પણ તે કહીં જડ્યો નહિ. બીજે દિવસે, ત્રીજે દિવસે, અઠવાડીઆ સુધી, મેં, ગામમાં, બહાર, સર્વત્ર શોધ કર્યો પણ નિષ્ફલ ! જુઠી ગમતથી નિર્વેદ પામી મને યોગ્ય હતા તેવા ઠપકાથી જરા અક્કલ ઠેકાણે લાવી, વિચાર કરતાં, મને એમ લાગ્યું કે મારી જન્મભૂમિની શાન્ત હવામાં મને ઠીક પડશે, અને હું મારા મોક્ષનો માર્ગ ત્યાં રહી નીરાંતે સાધી શકીશ. આવી લાલસાથી હું અત્ર આવ્યો, અત્ર પણ કૃત્રિમ વ્યવહારો અને સ્વાર્થી પ્રપંચોમાં મને તેવો ને તેવોજ આનંદ પાછો લાગવા માંડ્યો. ભૂત જણાતો નહિ, પણ મારા મનમાં જે ભવ્ય આકાંક્ષાનાં બીજ ગૂઢ રોપાયેલાં તે વારંવાર મને એનું એજ પ્રેરવા લાગ્યાં કે તું કોઈ મહત્તમ કાર્ય માટે સર્જાયલો છે, આ ગમતો તારે માટે નથી. ભવ્ય વાસના મને નિરંતર દમતી, પણ વ્યવહાર આવા ગમતા. તેનું કારણ એજ હતું કે ભવ્ય વાસનાને અનુસારે જેમ હું ઉત્તમોત્તમ માર્ગ લેવા જાઉં તેમ તેમ અત્ર, તત્ર, સર્વત્ર, કાલ અંધકારમાં પણ, પેલા રાક્ષસનાં નેત્રનો અગ્નિ મારા ઉપર વર્ષતો, અને મને કેવલ બેહાલ કરી મૂકતો.” આટલું કહી લાલાજી અટક્યો તે સમયે એની ભમર ઉપર પરસેવાનાં ટીપાં ઠર્યાં હતાં.
અંબિકાએ કહ્યું “મારા પ્યારા ભાઈ ! હું મારા જીવિતનો તનેજ ભોગ આપીશ — તારા વિના બીજું મારે કોઈ નથી, કરવું નથી. આવા શુદ્ધ દિવ્ય પ્રેમમાં તારૂં ભય વિલીન થઈ તને સુખ થશે.”
“જરા નહિ, લગાર પણ નહિ, વ્હાલી બહેન ! જે ન કહેવાનું તેજ હવે કહું છું. જ્યારથી તું અત્ર આવી છે — જ્યારથી મેં, આ પિશાચ જ્યાં મને નડે નહિ તેવાં સ્થાનમાં જવાનું બંધ કર્યું છે, — ત્યારથી મેં — મેં — તેને —ઓ દૈવ ! આ તે ઉભો — તારી પાસેજ — સોડમાં —” એમ કહેતાં બેભાન થઈ લાલો ભોંય ઉપર પડ્યો.