ગુલાબસિંહ/તરંગ ૫:રક્તબીજની બેહેન

← અંબિકા ગુલાબસિંહ
રક્તબીજની બેહેન
મણિલાલ દ્વિવેદી
અમરશહર →


પ્રકરણ ૫ મું.

રક્તબીજની બેહેન.

ત્રિદોષ સાથે અતિઉષ્ણ જ્વરના તાપમાં લાલાજી ઘણા દિવસ સુધી ભાન વિના પડી રહ્યો અને જ્યારે તેના ઉપચાર કરતાં અંબિકાની સચિંત અને સપ્રેમ આશ્વાસનાથી તે સારો થયો ત્યારે તેને પોતાની ભગિનીના અંગ ઉપરનો વિકાર જોઈ મહા ખેદ અને ભય પેદા થયાં. પ્રથમ તો એને એમ લાગ્યું કે મારી પથારી આગળ બેસી રહી ઉજાગરા કરવાથી અસ્વસ્થ થયેલી એની પ્રકૃતિ સહજમાં સુધરી જશે, પણ થોડા જ સમયમાં એને સમજણ પડી કે અંબિકાને કોઈ ઉંડો વ્યાધિ વળગ્યો છે. ધન્વંતરી અને અશ્વનીકુમારથી પણ સાધ્ય ન થાય તેવો કોઈ વિષમ ઉપદ્રવ થયો છે. અંબિકાની કલ્પના શક્તિ લાલાજીના જેવીજ તીવ્ર હતી એટલે લાલાજીએ પોતાનો જે વૃત્તાન્ત કહ્યો તેથી તેના ઉપર બહુજ અસર થઈ ગઈ હતી, ત્રિદોષ સમયના ઉન્માદમાં લાલાજીએ જે જે લવરી કરેલી તેથી એ બાલિકાને ત્રાસ થઈ ગયો હતો. 'લાલો વારંવાર એનું એ લવતો “ઓ ! પેલું રહ્યું, પેલું-પેલું-તારી પાસે”. જે પલિત પોતાને વળગેલું હતું અને જે ત્રાસનો પોતે ભોગ થઈ પડેલો હતો તે બધું લાલાએ પોતાની વહાલી ભગિનીની કલ્પનામાં સારી રીતે સ્થાપી આપ્યું હતું. આ વાતની લાલાને પણ ખાતરી થવા લાગી. અંબિકા જે બોલતી તેથી નહિ, પણ તે કશું બોલતી નહિ, હબકમાં તાકી તાકીને ગભરાટથી જોયાં કરતી, થર થર કાંપતી, ચમકતી, પાછું વાળીને જોવાની પણ તેને હીમત ન આવતી, તે બધાથી લાલાની ખાતરી થઈ. લાલાને બહુ પશ્ચાત્તાપ થવા લાગ્યો કે મેં આ વાત આના આગળ ક્યાં કરી ! એને વધારે એમ લાગી આવ્યું કે અહો મારાં પ્રાયશ્ચિત્તજન્ય દુઃખો ઉપર કોઈ માણસ દયા પણ ખાઈ શકે ને એમ મને જરા આશ્વાસન થાય તે પણ હવે રહ્યું નહિ ! બહેન ! મેં કહ્યું છે તે ખોટું છે, મારી વાત કેવલ ઉન્માદનો લવારોજ છે. એમ કહી કહી પોતાની ભગિનીનો વ્યાધિ દૂર કરવા લાલાજીએ મથવા માંડ્યું પણ વ્યર્થ !

લાલાને પણ આ પ્રકારે નિષેધ કરવામાં પેલા રક્તબીજ તરફથી ઓછી વેદના ન વેઠવી પડતી; પરંતુ પોતાની ભગિનીને માટે જે થાય તે કરવું એવો એનો નિશ્ચય હતો. જ્યારે જ્યારે લાલો એમ કહે કે “એ તો કાંઈ નથી.” “ઉન્માદ છે-કલ્પના છે,” ત્યારે ત્યારે એ રાક્ષસ તુરત એની બહેનની સોડમાં ઉભેલો જણાતો, અને લાલાનો ઉપહાસ કરતો હોય તેમ લાલાને પ્રત્યક્ષ થતો. પરંતુ આ વેદના કરતાં પણ વધારે હૃદયભેદક વેદના તો એ થઈ પડી હતી કે ધીમે ધીમે એની ભગિનીનો પ્રેમ એના ઉપરથી ક્ષીણ થતો જતો હતો; સ્વાભાવિક રીતે જ લાલાને દેખીને તે ભય પામતી, લાલો પાસે આવે કે ચમકતી, અને સ્પર્શ કરે તો થર થર કાંપતી. આખા જગતમાં કોઈ પણ ઠામ ઠરવા જેવું હોય તો લાલાને તો આટલું આ એકજ હતું; તે પણ હવે હજારો હાથ દૂર જવા માંડ્યું, તેની અને પોતાની વચમાં આ બીભસ સ્મરણરૂપ મહા સમુદ્ર આવી પડ્યો ! પોતાના જીવિતથી જેનું જીવિત ક્લેષમય થઈ ગયું હતું તેને પોતે હવે જોઈ શકતો ન હતો. તેથી ગમે તે બહાનાં શોધી કાઢી લાલાજી કોટામાંથી નીકળી ગયો. જતી વખતે “બહેન ! રામ, રામ,” એમ કહેવા આવ્યો તે સમયે એની ભગિનીના મુખ ઉપર જે ઈષ્ટ આનંદની છાયા લાલાજીએ જોઈ તેથી એની ખાતરી થઈ કે મારી પોતાની કૃતિથીજ આ બિચારી મહા દુઃખમાં ફસાઈ છે. કેટલાક માસ સુધી લાલાજી આમ તેમ ઝળ્યો, કાશી જઈ આવ્યો, ગંગાસ્નાન કરી આવ્યો, પણ કશો આરામ પામ્યો નહિ. એવામાં પોતાના વતનથી કાગળ આવ્યો, એટલે તે તરફ જવું પડ્યું. ઘેર આવ્યો તો પોતાની બહેન ધાર્યા કરતાં પણ અતિ વિષમ દુર્દશામાં—મન અને તનની વિકટ સ્થિતિમાં–પડેલી છે એમ જોઈ બહુ શોક પામ્યો.

નિર્જીવ જેવી દૃષ્ટિ, મૃતવત્ શરીર, એ જોઈ લાલાને ત્રાસ ઉપજ્યો; કોઈ ચૂડેલ કે ડાકિનીએ ચૂશીને છેક ખોખું કરી નાખ્યું હોય એવી અંબિકાને જોઈ લાલાની આંખે ચોધાર આંસુ વહેવા લાગ્યા. કોઈ ઉન્માદ કે બુદ્ધિભ્રંશ, અંબિકાને થયો ન હતો; જાગતાંજ સ્વપ્ન થતું હોય, કોઈ વિલક્ષણ ભાવના પ્રત્યક્ષ ઉભી હોય, એવી તેના રોગની દશા હતી. જેમ જેમ રાત્રીનો સમય થતો ગયો, મધ્યરાત્રી આવતી ગઈ તેમ તેમ અંબિકા આમ તેમ તરફડવા લાગી, કોઈ મને સહાય થાઓ એમ કહેતી હોય એ રીતે ચોતરફ જોવા લાગી. એના હોઠ જરા ફફડવા લાગ્યા, હાથ લાંબા કરીને કોઈ મને બચાવો એમ કહેવા લાગી, ને જેવાં બાર વાગ્યાનાં ચોઘડીયાં ગગડ્યાં કે લાકડુ થઈને ધબ દેઈ પથારીમાં પડી, મોઢે ફીણ આવી ગયું, પગ તણાવા લાગ્યા, શુદ્ધિ ઉડી ગઈ નિત્ય આજ સમયે આમ થતું હતું. એ જ વખતે લાલાએ પોતાની વાર્તા અંબાને કહી હતી. કેટલીક ઘડી વીત્યા પછી, લાલાજીના અનેક ઉપચારનું તેને ભાન થયું, તે બેઠી થઈ, જરા બોલી, ને કહેવા લાગી કે ગમે ત્યાં હોઉં, ગમે તેવી સ્થિતિમાં હોઉં તે પણ આ સમયે નિત્ય એક ચૂડેલ મારી પાસે આવે છે, બારણાં ત્રણ વાર ઠોકીને અંદર પેસે છે. અને મોઢું બહુ વિકરાલ કરી આંખોમાં ક્રોધ આણી મારા સરસી આવે છે, અને પોતાનો હાથ મારે માથે મૂકી, બેસે છે; એ પછીનું મને ભાન રહેતું નથી; જાગ્યા પછી પણ મને એ રાંડના આવ્યાની ભીતિ રહે છે, ને કશું ચેન પડતું નથી.

લાલાના આવતા પહેલાં જે વૈદ્ય ઉપચાર કરતો હતો, તે બીચારો કોઈ સાધારણ ગાંધી હતો; અને તેણેજ આવો ત્રાસદાયક બનાવ જોઈ લાલાને તેડાવ્યો હતો. તે પોતે આ કામમાંથી મુક્ત થવા બહુ આતુર હતો. એટલે લાલાજીએ તેની સલાહ લેતાની સાથે જ તેણે કોઈ અનુભવી વૈદ્યને બોલાવવાની હા કહી. ગામમાં એક ઘણો કુશલ અને વૃદ્ધ વૈદ્ય હતો તેને બોલાવી લાવ્યા ને અંબિકાને દેખાડી, અને જે ચિત્તભ્રમ તેને થયો હતો તેનું વર્ણન કરી બતાવ્યું. વૈદ્યરાજ બીજે દિવસે બે ઘડી પહેલાં આવ્યા, લાલાજીની સંમતિથી એવી યોજના કરતા આવ્યા કે તે રાતે ચોઘડીયાં એક ઘડી વહેલાં વાગે. એ યોજના કરીને પોતે અંબિકા પાસે બેઠા, સારી માત્રા કાઢીને તેને પાઈ, અને છાતી ઠોકીને કહ્યું કે આજ ચોઘડિયાં વાગતાં જે કાંઈ થાય તો ધંધો કરવો મૂકી દેઉ, વૈદ્ય વાતચીત કરવામાં બહુ કુશલ હતો તેથી અંબિકા પોતે જાતે કલ્પેલા ભ્રમમાં ન પડે એવા ઉપચાર જે તેણે અત્યાર સુધી કર્યા હતા તેમાં આનંદ અને ઉપહાસ પેદા કરે તેવી વાતચીતનો પણ ઉમેરો કરવા માંડ્યો. ઘડી એક વીતી ને ચોઘડીયાં ગગડ્યાં. પણ કાંઈ થયુ નહિ. એટલે અંબા પાધરીક પોતાના ભાઈને ગળે વળગી પડી “ઓ પ્યારા ! ઓ ભાઈ ! ગઈ-હવે ગઈ–હવે ગઈ–હું જીવી, વ્હાલા ભાઈ ! તેં જીવાડી.” એ આનંદમાં વૈદ્યરાજે પણ વાત ઉપર વાત હાકવા માંડી અને સર્વે બહુ પ્રસન્ન થતાં બેઠાં છે ત્યાં એકાએક અંબા ઝબકીને ચમકી ઉઠી “હાય હાયરે ! જો-જો-ભાઈ !—આવી ” એમ કહેતી ચતાપાટ પડી ગઈ, ને શુદ્ધિહીન થઈ જઈ પગ ઘસવા લાગી, વૈદ્યરાજે અંબાને પોતાના ખોળામાં માથું મૂકાવી ગંભીર વદને કહ્યું “મને એમજ લાગતું હતુ, ગર્ભાશયમાં કાંઇક બગાડ છે. તેથી હૃદયના રક્તમાં બીગાડ થઈ ઉન્માદ થયો છે.” * *

બીજી રાત્રીએ એજ સમયે અંબિકા મરણ પામી.