ગુલાબસિંહ/તરંગ ૭:પ્રેમનું સ્વાપર્ણ
← મહાત્માનું મહાત્મ્ય | ગુલાબસિંહ પ્રેમનું સ્વાપર્ણ મણિલાલ દ્વિવેદી |
બંદીખાનું → |
પ્રકરણ ૧૨ મું.
પ્રેમનું સ્વાર્પણ.
રાત્રી ઘણી ગઈ હતી, પણ તે સમયે કાફૂર કાજી અને તેના બે સલાહકારો એકાંતમાં વિચાર કરવા બેઠા હતા. જે બે માણસો અત્યારે કાજીની પાસે બેઠા હતા તેમાંનો એક કાજીના આગળ ફરીઆદી તરીકે કામ ચલાવનારો અને એક કાજીની સજાનો અમલ કરનાર લશ્કરી અમલદાર હતો. પ્રાતઃકાલ થતાં જે કરવાનું ઠરેલું હતું તે શી રીતે પાર પાડવું, કેવો બેત કરેવો, રજપૂતોને કેવી રીતે દબાવી રાખવા, અને એકદમ સો માણસોને તુરત જલ્લાદને સ્વાધીન કરી દેવા માટે શી તદબીર કરવી, એ વાતો ઉપર આ ત્રણે જનનું ચિત્ત પરોવાયું હતું. છેક સાયંકાલેજ બાદશાહ તરફથી એમ કહાવવામાં આવ્યું હતું કે આંખો ફોડી નાખી બંદીખાનામાં પૂરી રાખેલા પૃથુરાયના સામર્થ્યનું અદ્ભુત પરાક્રમ જોવાનો દિવસ પણ આવતી કાલે સાંજે ચાર ઘડી દિવસ હોય તે વખતનો ઠરેલ છે, ને તે સમયે કાંઈ પણ તોફાન ન થાય તેને બંદોબસ્ત રાખવાનો સર્વને, અને વિશેષે કરી જે લશ્કરી અમલદાર આ મસ્લહતમાં સામીલ હતો તેને, હુકમ છે. સૂર્યોદય સાથે જે દિવસનો આરંભ થવાનો હતો તે દિવસે મુસલમાની રાજ્યસત્તાનો છેવટનો નિર્ણય થવાનો હતો, રાજકીય વિવ્હલતા ઉપરાંત પોત પોતાના સ્વાર્થની, પોત પોતાના જાનમાલની, અનંત પ્રકારની ચિંતાની વિવ્હલતા પણ અત્યારે નિદ્રા લેતાં જનોનાં સ્વપ્નને વિકરાલ બનાવી રહી હતી, આ સ્થાને મળેલા આ ત્રણ જણના મનને મહાક્લેશ ઉપજાવી રહી હતી. કાફૂરના મનમાં ધીમે ધીમે નવા વિચારો સ્થાન પામ્યા હતા, બાદશાહની પ્રીતિ સંપાદન કરવા ઉપરાંત પણ તે વિચારોએ પોતાનો પ્રભાવ લંબાવ્યો હતો. બાદશાહને સંતાન ન હતું ને તેમાંજ તેની આશા હતી. એમ હોવાથી કાર્ય કરવાની આતુરતા વૃદ્ધિ પામી હતી, હૃદય વધારે સખ્ત થયું હતું, બુદ્ધિ વધારે ક્ષીણ થઈ હતી. જે લશ્કરી અમલદાર એની સામે બેઠો હતો તે દારૂડીયો, તોફાની, અને ચોર લોકોનો મુખ્ય હોવાને લીધે પ્રથમે છુપા હેર લોકોના વર્ગમાં દાખલ થઈ છેવટે આ હોદ્દે ચઢેલો હતો. અવિચારિતાની જ તે મૂર્તિ હતો, જે કામ ચલાવનાર અમલદાર તે તો હાહુલીરાયના ખાસદારનો સાળો હતો, અને કાવતરાંથી બંદા સાથે મળી જઈ પોતાના માલીકને આડે રસ્તે ઉતારી, આટલે દરજ્જે ચઢ્યો હતો. ઉચ્ચતા, ઉત્તમતા, કે પ્રામાણિકતાને તે ઓળખતો ન હતો. કાફૂરના હાથમાં બન્ને સારાં હથીઆર હતાં.
કાફૂરે દીવાની બત્તીને જાગતી કરી અને વાત આરંભી કે “બિરાધરો ! કાલે જે કામ કરવાના છે તેની યાદી બહુ લાંબી જણાય છે ? બાદશાહનો હુકમ બધાં સોએ કામ કાલેજ પૂરાં કરવાનો છે.”
“એમાં શી ફીકર છે " કામ ચલાવનારે કહ્યું “બધાંને એક સામટાંજ કાઢી નાખીશું. જે પંચને બેસાડવાના છે તેમને કેમ સમજાવવા તે તો મને આવડે છે, જેમ કામ ઘણાં તેમ આપણે કામ ઓછું.”
“તમે બધાંનાં માથા ઉડાવી દેવાનો હુકમ કરી દો” લશ્કરી સીપાઈ બોલી ઉઠ્યો “એટલે પછી તમારે શી ફિકર છે ? કોઈ પ્રકારની કાળજી રાખશો નહિ.”
કાફૂરે કહ્યું “ભાઈ ! કાલે તમે સાવધાન રહો તો સારું”—પણ આટલું સાંભળતાં જ પેલા લશ્કરી અમલદારનું લોહી તપી ગયું “શું હું દાદુડીઓ છું !” કહી તેણે પોતાની તરવાર ઉપર હાથ નાખ્યો, અને શહેરના હીમાયતી પેલા કામ ચલાવનારે વચમાં પડી જેમ તેમ સમાધાન કર્યું, કાજી અને સેનાપતિ સલામઆલેકુમ કરી પાછા શાન્ત થયા, અને સેનાપતિ સર્વ વાત સમજી લેઈ પોતાના મુકામ તરફ જવા નીકળ્યો. કાજીના મકાનની બહાર, ઘોડો આવી પહોંચે ત્યાં સુધી આ દારૂડીયો આમ તેમ ટહેલતો હતો તેવામાં એક ખૂણામાં લપાઈ રહેલા કોઈ અજાણ્યા માણસે આવી સલામ કરીને તેને કહ્યું “આખા હિંદમાં શાહબુદ્દીન મહમૂદથી બીજે દરજજો આપ વિના વિના કોઈ નથી.”
“અહો ! ખરી વાત છે;–પણ પોતાના ગુણ પ્રમાણે સર્વની ક્યાં કદર છે ? ”
“આપનો પગાર પણ આપણા કામ અને દરજ્જાને યોગ્ય નથી.”
“બેશક, એમજ છે; પણ ત્યારે તેનું શું કામ છે ?”
“મારી પાસે અત્યારે તે એક હજાર સોના મહોર છે, જે તમે મને એક વાત માગી આપો તો તે તમને આપી દઉં”
“ભાગ,–તને કોઈ લુચ્ચાએ હેરાન કર્યો હશે, તેને ઉડાવી દેવો છે, એજ કે કાંઈ બીજું છે ?”
“ના, એમ નથી; કાજીસાહેબના ઉપર આટલી ચીઠી લખી આપો,” એમ કહેતાં પેલા માણસે કાગળ ખડીઓ ને કલમ પણ રજુ કરી દીધાં, ને લખાવ્યું કે “આ માણસને મળજો, ને એ માગે છે તે આપી શકાય તો આપજો, એથી મારા ઉપર ઉપકાર થશે.” ચીઠી લઈને પેલા અજાણ્યા માણસે સોના મહોરો આપી તે સાથે સેનાપતિ ઘોડે ચઢી ચાલતો થયો.
બહાર આ પ્રમાણે બન્યું તે સમયે કાજીના મકાનમાં પ્રત્યેક કામના તોહોમતદારનું નામ જોઈ તેના ઉપર શો આરોપ છે ઈત્યાદિ તપાસ થતી હતી. બંદાનું નામ એ યાદીમાં આવતાં કાફૂરે કહ્યું “ એ લુચ્ચાના ઉપર મારી આંખ ઘણા દિવસથી બેઠેલી હતી, છેવટે પકડાયો તેથી મને બહુ ખુશી થઈ. ” કામ ચસાવનાર અમલદારે થોડાંક બીજાં નામ જોઈ કહ્યું “કાજી સાહેબ ! આ યાદીમાં એક ઓરતનું નામ છે, એના ઉપર કાંઈ આરોપ નીકળતો નથી.” કાજીએ કહ્યું “ગમે તેમ હોય, પણ આપણે શું કરી શકીએ ? બાદશાહનો હુકમ સખ્ત છે, સોના નવાણું કરવાનો આપણને અખ્તીઆર નથી.”
આ પ્રસંગેજ સેનાપતિની ચીઠી માણસે આવીને આપી, એટલે તે જોઈ કાજીએ કહ્યું “અય પરવરદિગાર ! તારી શી મહેરબાની છે ! — આવવા દે, એ માણસને આવવા દે, એના આવવાથી કદાપિ આ ઓરતને બદલે એક માથું મળી શકશે.” પરદેશી, ઓરડામાં દાખલ થયો તે જ વખતે કામ ચલાવનાર અમલદારે કાજીની રજા લીધી, ને પોતાના ઘર તરફનો માર્ગ પકડ્યો.
અજાણ્યા પરદેશીએ કાજીના સન્મુખ હાથ જોડી વિનતિ કરી “ આપને મારૂં સ્મરણ નહિ હોય; એક અલ્લાહની બધી ઓલાદ છે, બધે ભાઈચારોજ પ્રવર્તાવવાનો છે, એવી આપ વાત કરતા હતા; જલ્લાદ અને દેહાંત દંડની નિંદા કરતા હતા, અંબરમાં આપણે મળ્યા તે પછી આપ અલ્લાહના પક્ષને પસંદ કરતા થયા; તેનું આપને સ્મરણ નહિ હોય; આપના ઉપર મારાથી કાંઈ ઉપકાર થતાં આપે કહ્યું હતું કે ‘કોઈ સમયે મારા જીવથી પણ તારૂં કામ થતું હોય તો યાદ કરજે’ એનું પણ આપને સ્મરણ ક્યાંથી હશે ?”
કાજીએ આવું કહેનારની આકૃતિ ઉપર સૂક્ષ્મ દૃષ્ટિ કરી કહ્યું “મને તારૂં કોઈ ઓળખાણ પડે છે ખરૂં. જે વાત હું કરતો હતો તે કામ પડતા પહેલાંની જ વાતોજ હતી, જ્યારે કામ પડે છે ત્યારે ખબર પડે છે કે શું કરવું યોગ્ય છે કે શું નથી તારો ઉપકાર મને યાદ છે, પણ બાદશાહનો હુકમ બહુ સખ્ત છે, એટલે હાલ મારે ઉપાય નથી.”
“તમારી પાસે હું કોઈને માફી અપાવવા આવ્યો નથી, મારે તો એક જીવને માત્ર એક દિવસ જ વધારે જીવવા દો એટલું માગવાનું છે.”
“પણ આવતી કાલે સોની સંખ્યા નક્કી થયેલી છે, તેમાં મારાથી ફેરફાર થઈ શકે એમ નથી.”
“ફેરફાર કે કમી જાસ્તી કરવાનું પણ હું માગતો નથી. શાન્ત થઈ સાંભળો. તમારી યાદીમાં એક નિરપરાધી અબલાનું નામ છે, એનું યૌવન, એનું નિર્દોષપણું. તમને પણ એના ઉપર શિક્ષાનો હુકમ કરતાં દયા ઉપજાવશે. એવી કુલીન અબલાને આવતી કાલે હજારો લોકો ભેગા મળશે ત્યાં ઉભી કરવી એ તેની લાજ લૂટવા જેવું છે.”
“તારું કહેવું યોગ્ય છે ” પરદેશીની આંખ ઉપરથી પોતાની આંખને દૂર ખેંચી લેવાનો વ્યર્થ પ્રયત્ન કરતા કાજીએ કહ્યું “પણ મને જે હુકમ છે. તેમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી.”
“ગરદન મારવાની સંખ્યામાં ફેરફાર થાય એમ નથી, તો હું એ અબલાને બદલે બીજું મણસ તમને આપું, પછી કાંઈ છે ? એ માણસ આપું કે જે તમને અને તમારા બાદશાહને ઉડાવી દેનાર મોહોટા કાવતરાની બધી હકીકત કહી શકે, એ જે કહેશે તેની સાથે સરખાવતાં તમારા નવ્વાણુએ ગુનેગારનાં માથાંની કીમત કાંઈજ નથી.”
“એમ હોય તો વાત જુદી છે. એટલું જ તું કરી શકે તો એ સ્ત્રીની તપાસ એક દિવસ મુલતવી રાખીશું. એને બદલે કોણ આવે છે તેનું નામ દે.”
“તમારી સામે જ તે ઉભેલ છે.”
“તુંજ ! ને તુંજ અત્યારે, એકલો, આવી દરખાસ્ત કરવા આવ્યો છે ! રે બેવકૂફ ! તું ઠીક સપડાયો છે. હવે તને હું જવા દેનાર નથી, એકને બદલે બન્નેને હું હવે ભોગ લેઇશ.”
“એમ પણ તમે કરી શકશો, પરંતુ મારું મોં ઉઘડે નહિ ત્યાં સુધી મારી ગરદનની કશી કીમત નથી, માટે શાન્ત થાઓ, ચૂપ બેસો, હું આજ્ઞા કરું છું કે બેસો.” આટલું કહેતાની સાથે જ કાજી સ્તબ્ધ થઈ ગયો, અને ગાદી ઉપરથી ઉભો થયો હવે ત્યાંજ પાછો બેશી ગયો.
“મને બંદીખાનામાં મોકલો, તમારી યાદીમાં મારું નામ દાખલ કરો, અને ગુલાબસિંહ એ નામથી મારા ઉપર કાલે કામ ચલાવો. તે વખતે જો હું તમને જાણવા જેવી વાતો ન કહું તો જે સ્ત્રીને હું બચાવવા આવ્યો છું તેને તમારી નજરમાં આવે તે કરજો. તે સ્ત્રીને બચાવવાની પણ મારી માગણી ક્યાં છે? હું તો તેને માટે માત્ર એક દિવસની મુદતજ માગું છું. બંદીખાનાના દરવાન ઉપર, મને દાખલ કરવાનો, અને એ અબલાને એક દિવસ વધારે રાખી મુકવા હુકમ લખો, હું મારે હાથે તે લેઈ જઈશ. હું જે કહેવાનો છે તેમાંનું એટલું તો તમને કહેતો જાઉં છું કે હિંદુ મટી, લોભને વશ થઈ, મુસલમાન થનારનું નામ પણ ગરદન મારવા ઠરાવેલા માણસોની યાદીમાં દાખલ હોવું જ જોઈએ, કોની પાસે છે, ક્યાં છે, કેમ છે, તે તો કોલેજ કહીશ.”
કાજીના સાંધા નરમ થઈ ગયા, ગુલાબસિંહની દૃષ્ટિનો પાશ વજ્ર જેવો અનિવાર્ય થઈ પડ્યો, અને તેણે લખાવ્યો તે પ્રમાણેનો હુકમ તુરત કાજીએ લખી આપ્યો ને કહ્યું “જો ભાઈ, મેં તારા અપકારનો બદલે ઉપકાર કર્યો, મેં મારૂં વચન પાળ્યું. ભલા માણસ ! મને તું કોઈ બેવકૂફ જણાય છે, કોઈક ધૂનમાં ગાંડો થઈ ગયો લાગે છે. તારા જેવા મૂર્ખ લોકોને એકાદ મૂર્ખ બાપ કે બેટો કે બાયડીને બચાવવા મથતા જોઈ મને દયા આવે છે.”
ગુલાબસિંહે જાતે જ કહ્યું “ખરેખર કાજી સાહેબ ! હું કોઈ એક ધૂનને તાબે થયેલ મૂર્ખ જ છું.”
“અરે ઓ ગાંડા જરા પાછો આવ. તું કાલે જે કહેવાનો છે તે અત્યારેજ કહી નાખ. તું પોતે અને તારી એ સ્ત્રી કે જે હોય તે બન્ને વધારે મુદત પામશો એટલું જ નહિ, વખતે માફીમાં દાખલ થઈ શકશો.”
“તમારી કચેરી વિના બીજે કહીં હું કહેવાનો નથી. ખોટું કહીને તમને છેતરવા ઈચ્છતો નથી. હું કહીશ તેથી તમને ફાયદો થવાનો થોડોજ સંભવ છે, કેમકે હું જે સમયે તમને ભયના વાદળાનું દર્શન કરાવીશ તેજ સમયે તેમાંથી વજ્રપાત થવાનો સંભવ છે.”
“બસ, જા, તારૂંજ સંભાળ. બેવકૂફ ! ગાંડા ! તારા જેવા લોક હઠીલા હોય છે તે હું જાણું છું, માટે તારી સાથે માથાકૂટ કરવામાં લાભ દેખતો નથી. કાલે તને જ પસ્તાવો થશે કે આજ કહ્યું હોત તો સારું થાત.”
“ભલે ” શાન્તમુખમુદ્રાથી ગુલાબસિંહે કહ્યું.
“પણ યાદ રાખજે મેં તો એક દિવસની મુદતજ આપી છે, માફી આપી નથી. તું મને જે સંતોષ કાલે આપશે તે પ્રમાણે એ બાઈને કાલને માટે જીવાડવી કે નહિ તેનો ફેંસલો થશે. મારે તને સ્પષ્ટ રીતે કહેવું જોઈએ માટે કહું છું, કે મુવા પછીથી તું પલિત થઈને મારી પૂઠે ન લાગે.”
“ફીકર નહિ; એજ મેં માગ્યું છે. એક દિવસ પછી શું થશે તેને ઈનસાફ અને અંત અલ્લાહના હાથમાં છે.”