ગુલાબસિંહ/તરંગ ૭:મહાત્માનું મહાત્મ્ય

← છેલી ઘડી ગુલાબસિંહ
મહાત્માનું મહાત્મ્ય
મણિલાલ દ્વિવેદી
પ્રેમનું સ્વાપર્ણ →


પ્રકરણ ૧૧ જું.

મહાત્માનું માહાત્મ્ય.

પ્રાતઃકાલેજ ! – પણ ક્યારની એ પ્રદોષ સમયની અરુણતા પશ્ચિમમાં વિસ્તરી રહી છે, એક પછી એક તારા ડોકીયાં કરવા લાગ્યા છે, યમુનાના તરંગમાં અસ્ત પામતા દિવસનો પ્રકાશ હજી ઝાંખો ઝાંખો પણ રમી રહ્યો છે. મ્લેચ્છોએ નિર્માણ કરેલી વધભૂમિ ઉપર શીઆળ અને ઘૂવડ ચોરાતે ચોરાતે પગલાં કરવા લાગ્યાં છે. રુધિરનો ત્યાં કર્દમ થઈ રહ્યો છે, અને તેની ઘોરતાનો ભયંકર અંધકાર આંખોને ઝાંખ પમાડી પાછી હઠાવી દે છે. કાફૂરના મકાનમાં અનેક મસ્લહતો ચાલી રહી છે, બાદશાહના તરફથી ઉપરા ઉપરી સંદેશા આવે છે, પ્રાતઃકાલે શી રીતે એકાએક મહાત્રાસ વર્તાવી રાજ્યાસને અભિષિક્ત થવું, યચંદ આદિ વીરમંડલને ધ્રૂજાવીને દબાવી દેવું તેની યોજના ચાલી રહી છે. રજપૂતોની મંડલીમાં પણ યચંદ અત્યારે સર્વને શૂરત્વનું પાન કરાવતાં વચનોથી તૈયાર રહેવાની સલાહ આપતો જણાય છે. રજપૂતો માત્રનાં મન પ્રાતઃકાલ માટે તલપી રહ્યાં છે. આમ ચોપાસા ગરબડ, અવ્યવસ્થા, આતુરતા વ્યાપી ગયાં છે, મહાભયંકર તોફાનની પૂર્વનો રંગ જામી રહ્યો છે. તોફાન થતા પૂર્વે ચકલીઓ ઉંચેથી નીચે નીચે ઉડતી આવે છે, પશુઓ એક એક સાથે ટોળે થઈ જાય છે, પણ નાનાં માણસની આવી નાની વાતોના આ નાના ગરબડાટની ઉપર તરતો એ એક જુવાન અત્યારે પોતાના આવાસના ઉંચા ઓરડામાં એક મહાગંભીર વિચારમાં ઉભો છે. મર્ત્યસ્વભાવરૂ૫ વ્યવહારમાં પણ અમર એવા અભેદમય સમષ્ટિચેતનની એક મૂર્તિરૂપ એનો વ્યષ્ટિરૂ૫ પિંડ નવો ને નેવો, યૌવનપૂર્ણ તે યૌવનપૂર્ણ જ છે, એને અનંતયુગ, અનંત કલ્પોથી કાંઈ વિકાર થશે નથી.

સાધારણ હીંમત અને અક્કલથી જે જે યુક્તિ અને ઉપાય થઈ શકે તે બધાં અજમાવ્યા છતાં વ્યર્થ થયાં હતાં. અને વ્યર્થ જાય જ, કેમકે મરણના સામ્રાજ્યમાં એક જીવનને સાચવવું એજ એવા બધા યત્નોનો હેતુ હતો. બાદશાહના પોતાના મરણ વિના ગુલાબસિંહની પ્રિય વસ્તુ બચે એમ ન હતું; પણ હવે સમય રહ્યો ન હતો, બાદશાહ પડે તો પણ માત્ર વૈરજ વાળી શકાય, જે બચાવવાનું તે બચાવી તે નજ શકાય.

અમર આત્માને મર્તવ્યવહારનો અતિપરિચય થવાથી જે દિવ્ય સત્ત્વો સ્વર્ગ અને મૃત્યુ લોક વચ્ચે તેનો સંબધ કાયમ રાખે છે તે અદૃશ્ય થઈ ગયાં હતાં, પણ તેમની જ સાહાય્ય યાચવાને અર્થે આ યોગી અત્યારે નિરાશા અને ઉત્સુક્તાના વેગમાં આવી, એકાન્તમાં, શાન્ત ચિત્ત કરી ધ્યાનસ્થ થઈ બેઠો હતો. હૃદયને અત્યારે જે આધાત લાગ્યો હતો, જે વેદનાની તીવ્રતા અભિભવ પમાડી રહી હતી, ને તેથી જે ઉગ્ર પ્રદીપ્ત થતાં દૃઢ સંકલ્પ બંધાયો હતો, તેની એકતાનતામાંજ કોઈ એવી શક્તિ રહેલી હતી કે જેનો આજ પર્યંત ગુલાબસિંહે અનુભવ કર્યો નહિ હોય. અતિશય શોક કે દુઃખ કે વિપત્તિના તીવ્રતમ પ્રહારથી. નિર્બળતા અને સંશયરૂપી જે ગ્રંથીઓ આપણને તત્ક્ષણ મહાકષ્ટમાં બાંધી રાખે છે, તે એકે એકે તૂટી જાય છે, એવો અનુભવ સર્વને થયો હોવો જોઈએ. ઘણી વાર ઘોર મેઘાડંબરના અંધકારમાંથી જ આપણને સ્પષ્ટ માર્ગ બતાવનારી વિદ્યુતનો પ્રકાશ પ્રત્યક્ષ જણાય છે.

ધ્યાનસ્થ મહાત્માની પ્રાર્થના તુરતજ સાંભળવામાં આવી:—જ્ઞાનચક્ષુ ઉપરથી અજ્ઞાનનો પડદો ખશી ગયો. એણે જોયું, તો જે જ્યોતિર્મય શાન્ત આકૃતિ તે જોવા ઈચ્છતો હતો તેને સ્થાને અપવિત્ર, અશુભમય, એવા ભયંકર ક્તબીજને વિકરાલ આંખોમાંથી પણ દ્વેષ અને ઈર્ષાનો વર્ષાદ વર્ષાવિતો દીઠો. એ પિશાચ હવે કાંઈ ડરતો ન હતો, ધીમે ધીમે અસ્પષ્ટરૂપે પ્રકટ થતો ન હતો, પણ સ્પષ્ટ વિકરાલ રૂપે પ્રત્યક્ષ થઈ, ચોપાસા, ભય, દ્વેષ, તિરસ્કાર, અને જય પ્રાપ્ત થવાથી નીચસ્વભાવને જે ક્ષુદ્ર અહંવૃત્તિ વ્યાપી રહે છે તેને વિસ્તારી રહ્યો હતો. એની વિદ્યમાનતાથી બધી હવા જાણે બળવા લાગી. આખો ઓરડો અંધકારમય થઈ ગયો, આકાશના તારા પણ દૃષ્ટિએ આવતા બંધ પડ્યા.

એ પિશાચે કહ્યું “જો હું ફરી અત્ર આવ્યો છું-તારા કરતાં ક્ષુદ્ર એવો એક મારો ભોગ તેં મારા મોંમાંથી પડાવી લીધો છે; પણ હવે તું પોતેજ કેવો છૂટી જાય છે તે જોઉં છું. તારા ઉન્નત જીવનને છેડે તું એક મરણપ્રાય જીવડાના હૃદયમાં જ નિવાસ કરવામાં સુખ માની બેઠો છે, પણ તે હૃદય દ્વારાજ હું મારા અનિવાર્ય બલને તારા ઉપર અજમાવનાર છું જે ઉમરો ઓલંધીને તું નીકળી ગયો હતો ત્યાંને ત્યાંજ તું પાછો આવેલો છે, અનન્ત પ્રદેશના સીમાન્તે ફરી આવીને પણ તું ત્યાંને ત્યાં આવ્યો છે. અહો મરણનો પરાજય કરનાર ! આજે હવે હું તારો પરાજય કરું છું.”

“ અરે ગુલામ ચૂપ રહે. તારે સ્થાને પાછો જા; વગર બોલાવ્યે તું આવ્યો છે તો ફરીથી પણ માત્ર તું તાબે થવાને આવ્યો છે, તાબે કરવાને નહિ. મારા પોતાના જીવન કરતાં પ્રિયતર એવા જીવનને તારા ઈશારામાત્રમાંથી મેં ઉગારી લીધું છે; પણ તને હું અત્યારે તો, મંત્રથી તંત્રથી કશાથી નહિ, પણ તારા દ્વેષ અને મલિનતાથી ભરેલા આત્મા કરતાં ઉન્નતોન્નત આત્માના બલથી આજ્ઞા કરું છું કે હજી પણ તારે મારું કામ કરવાનું છે તે કર, અને જે જીવોને પરમાત્માની ઈચ્છાનુસાર તેં ઉગારવા દીધા છે તેમના ભવિષ્ય વિષે મને કાંઈ બતાવ.”

શવવત્ ચક્ષુ વધારે સતેજ થઈ અગ્નિ કરવા લાગ્યાં, આખી આકૃતિ વધારે શ્યામ અને વિશાલ તથા વિપુલ થતી ગઈ, જે ઉત્તર મળ્યું તેના શબ્દોમાં વધારે તીવ્રતરદ્વેષ અને ક્રૂરતાનો આવેશ જણાતો ચાલ્યો. “ તને શાપ દેવા કરતાં બીજી બક્ષિસ હું કદાપિ પણ આપીશ એમ તું શા માટે ધારે છે? સ્વાભાવિક રીતે જે મરણ તારાં પ્રિયતમને આવી મળે તેજ તેં આવવા દીધું હોત તો સારું હતું: રમણીય હૃદયાધાર કાન્તિને માતા એવું ઉપનામ પ્રાપ્ત થતાં જે રસિકતા ઉદ્ભવે છે તે તેં ન ચાખી હોત તો સારું હતું; તારા પ્રથમ પુત્રની ઉપર નીચા નમી મીઠાં ચુંબન લેતાં પિતૃવાત્સલ્યનો પરમ ભાવ ન અનુભવ્યો હોત તો સારું હતું. એમને તે બચાવ્યાં:– પણ શા માટે ? એ માતાને બલાત્કાર, અપકીર્તિ, વિષમ વેદના, અને રૂધિરસ્ત્રાવમય મરણજ પ્રાપ્ત થનાર છે:— નવા પતિનાં ચુંબનો, નવોઢાના જે સોનેરી કેશમાં ગુંચવાઈ જતાં હતાં ને કેશને જલ્લાદની તરવાર વેગળા કરનાર છે;– જે બાલકદ્વારા તારા મનમાં, શિવજ્યોતિનો નિરંતર દર્શન અનુભવનાર અને અનહદનાદનું ગાન સાંભળી તારી સાથે પરમાનંદમાં વિહરનાર અનેક અનેક મનુષ્યોની પરંપરા ઉપજાવવાનો તેં મનોરથ ધાર્યો હતો તે થોડા દહાડા જીવી, કેદખાનામાં સડી, ભુખે મરી, ક્રૂરતાનાં સર્વ સંકટ ભોગવી, ભૂખે રીબાઈને મરી જનાર છે. મરણને વશ કરવા મથનાર ! હવે જાણે કે મર્ત્યને વળગવા જતાં કેવા પરિણામને પ્રાપ્ત થવાય છે ! જે, મારું પ્રબલ આખા વિશ્વ ઉપર કેટલું છે ! શુદ્ધ, ઉત્તમ, વસ્તુની શુદ્ધતાને હું ઓળખવા દેતો નથી; જરા પણ મર્ત્યતાનો તેને રંગ લાગે એટલે છેક નીચે ખેંચી પાડું છું. યોગિરાજ ! હવે મારાં વરદાન સાંભળો. અત્યારથી હંમેશને માટે તારા મગજમાં મારી બળતી આંખો ચોંટેલી રહેશે, મારા હાથ તારા શરીરને વીંટાયલા રહેશે, કોઈ પ્રકારે તું મારાથી છૂટી શકનાર નથી. ”

“ફરીથી તને કહું છું કે એ તારી આશા વ્યર્થ છે. પોતાના ગુલામને આજ્ઞા કરી શકે તેવા અધિકારીના સામર્થ્યથી તને આજ્ઞા કરું છું કે હું કહું તે મને બતાવ, મારી વિદ્યા યદ્યપિ અત્યારે મને કામ આવતી નથી, જેનો મને આધાર હતો તેજ મને અત્યારે મારે છે, તથાપિ એટલી મને ખાતરી છે કે જેના વિશે હું પૂછું છું તે જીવ જલ્લાદના હાથથી તો બચવાનોજ છે. એના ભાવિ ઉપર તું અંધકારનો પડદો નાખી શકશે, પણ તે ભાવિને તું નિયમી શકે એમ નથી. તું વિષનો ઉતાર બતાવી શકે, પણ વિષ યોજવાનું તારામાં સામર્થ્ય નથી. તેને ગમે તેવો પરિતાપ કરીને પણ તારી પાસેથી વાત કઢાવ્યા વિના હું રહેનાર નથી. હું આ તારી પાસે આવું, તારી આંખો સામે સ્થિર અસ્ખલિત દૃષ્ટિએ જોઉ, તું શું કરનાર છે. પ્રેમમાં પડેલો આત્મા ગમે તે કરી શકશે. એકદમ બોલ, તને આજ્ઞા કરૂં છું.”

પિશાચ વિખેરાઈ જવા લાગ્યું, પાછું પડવા લાગ્યું; સૂર્યના પ્રકાશથી વીખેરાઈ જતા ધૂમસની પડે એ આકૃતિ વીખેરાઈ જવા લાગી, અને તારાનું પુનર્દર્શન થવા લાગ્યું.

ઘણે દૂરથી આવતા હોય તેવા સ્વરથી ક્તબીજે કહ્યું હા, તું એને જલ્લાદના હાથમાંથી ઉગારી શકશે, કેમકે ‘પોતાનું અર્પણ કરનાર પારકાંને બચાવી શકે’ એવું વચન છે.” આટલું કહેતાની સાથેજ પાછી એ આકૃતિ વધારે ગાઢ થઈ અને હસતે હસતે બોલવા લાગી “તારી પોતાની આહુતિ આપવાથી તું એને બચાવી શકશે. મનુષ્યજાતિને અનંત કલ્પો વહી ગયા છતાં તું જીવનને સાચવી રહ્યા છે તે શું એટલાજ માટે ? છેવટ શું મરણજ તને પાછું પોતાને હાથ કરી લેશે ? તારે એને બચાવવી છે ? – એને સાટે તું મર, કેમ તેયારી છે ?”

“બસ, નીકળ; કેમકે તારે શ્રવણે પણ ન આવી શકે એવા ઉંડા સ્થાનમાંથી મારો આત્મા તારા પ્રશ્નનું ઉત્તર આપતાં પોતાના સ્વરૂપની સ્મૃતિ પ્રાપ્ત કરે છે, અને મોહમાત્ર નષ્ટ થઈ જતાં શિવસ્વરૂપના આગમનના મને મણકા વાગે છે.”

દિવ્ય શિવપ્રકાશની શાન્ત અને ભવ્ય તથા ગાઢ ઉર્મિઓ આખા ઓરડામાં વિલસવા લાગી, યોગિરાજના વદન ઉપર અતુલ આર્દ્રવભાયુક્ત તેજનો ભભકો વિકસી રહ્યો. જે સ્થાને તે પ્રેમમૂર્તિની પ્રતીતિ થતી હતી ત્યાંથી તે છેક આકાશ સુધી, આકાશમાંના તારા સુધી, પ્રકાશમય એ એક માર્ગજ જાણે હજી પણ બંધાઈ રહ્યો હોય, ચમકી રહ્યો હોય, એમ જણાતું હતું. સમુદ્ર ઉપર ચંદ્રકિરણનો એક સ્તંભ બંધાઈ રહે છે તેવો દેખાવ થઈ આવ્યો હતો. પુષ્પમાંથી સ્વાભાવિક રીતે સુવાસ પ્રસર્યો જાય છે, તેમ આ ભવ્યતામાંથી સહેજેજ આનંદ વિસ્તર્યા જતો હતો. તેજ, વિદ્યુત, કે શીઘ્રગામી એવી કોઈ શક્તિ કરતાં પણ અધિક શિઘ્રગામી એવું આ સત્ત્વ વિસ્તાર પામી શુદ્ધ પ્રેમની સમીપ, નિઃસીમ પ્રદેશમાંથી પણ, પહોંચતું ત્યારે ત્યારે માર્ગમાત્રમાં આનંદ અને શીતલતાજ વિસ્તારતું. ક્ષણ વાર દારિદ્રય શોક શાન્ત પડતો, વ્યાધિ વિરામ જતી, નિરાશાના અંધકારમાં આશાનો પ્રકાશ પડતો. એ તેજઃપુંજમાંથી શબ્દ થયો “તારી વાત ખરી છે; તારા ધૈર્યથી, તારી દૃઢતાથી, તારૂં સામર્થ્ય તને પુનઃ પ્રાપ્ત થયું છે. વ્યાવહારિક સંસર્ગોમાં છતાં પણ તારો આત્મા તેથીજ મને તારી સમીપ આકર્ષી શક્યો છે. મરણને સમજવાનો સમય આવ્યો ત્યારેજ તને જ્ઞાન થયું છે, તારો સ્વતંત્ર આત્મા જીવનનું રહસ્ય જાણવા પામ્યો ત્યારે તેનું જ્ઞાન આવ્યું ન હતું. જે માનુષ પ્રેમે તને ક્ષણ વાર બાંધી લેઈ નીચે નમાવ્યો છે, તે, તારી છેલ્લી ઘડીએ, જ્ઞાનની જે છેલ્લી પરિતૃપ્તિ છે તે તને આપે છે, જીવન્મુક્ત છતાં તેં જે ક્લેશ હાથે કરીને વહોર્યો તે નિષ્ફલ નથી, એમાંથી એ તારી વાસના વિશુદ્ધ થઈ તને વાસનાક્ષયનો માર્ગ જડતાં તારી વિદેહમુક્તિ સિદ્ધ થઈ છે.”

આટલું બોલાતાની સાથેજ. પરહિત એવા દ્વેષ અને વૈરભાવને દબાવવાના આયાસમાં એક ચીસ પાડી ક્તબીજ અદૃશ્ય થઈ ગયો; અને આખા ઓરડામાં ચંદ્રપ્રકાશ જેવો પ્રકાશ એકદમ ભરાઈ ગયો.

“અહો ! શિવમૂર્તિ !” યોગીએ અંતરાત્મામાં ભરાતા અધિકાવિક વિસ્તારના તરંગે ચઢી કહ્યું “પહેલાં ન સમજાયલી એવી વાતો પણ માણસને મરણસમયે સમજાય છે. પરઅર્થે સ્વજીવન ત્યજવામાંજ આખા જ્ઞાન અને યોગનું રહસ્ય જણાય છે. તે મારા આત્માનો અન્ય આત્માને ભોગ આપવામાં આ સમયે અનેક કલ્પોને છેડો આવી રહ્યો છે ત્યારે મને જીવનનું લઘુત્વ, મરણનું ભવ્યત્વ અનુભવાય છે. પણ અરે ! દિવ્ય પ્રેમામોદ અનુભવાળી શાન્ત કરનાર ! તારી સમીપે પણ, જે પ્રેમથી મને આ જ્ઞાન થયું છે તે પ્રેમ પાછો મારા મનમાં વિષાદ ઉપજાવે છે — જેને માટે હું મરીશ તેમને આ નઠારી દુનીયાંમાં એકલાં, રક્ષણહીન, મૂકી જવાં ! મારી પ્રિયતમા, મારો પુત્ર ! એટલી વાતમાં મારા મનનું સમાધાન કર.”

કાંઈક ઉપાલંભગર્ભિત, પણ દયાર્દ્ર ઉદ્‌ગારે ઉત્તર કહ્યું કે “તાર આટલા આટલા જ્ઞાનથી, આટલા આટલા રહસ્યવિચારથી, ભૂત ઉપરના તારા આટલા વિશાલ સામ્રાજ્યથી, ભવિષ્યના તારા આવડા મહોટા દર્શનથી, તને હજી સમજાયું નથી કે સર્વમય, સર્વનિયંતા, સર્વસાક્ષી, જે સર્વને સાચવે છે તેના આગળ તું કોણમાત્ર છે ? સવમયતાના તરંગરૂપે સર્વને સર્વનું યોગ્ય પ્રાપ્ત થયાંજ કરે છે તેમાં તું એક પૃથ્વી ઉપર હશે કે નહિ હોય તેથી શી લાભ- હાનિ થવાની છે ? તારાં જે છે તેમના ભાવિની ચિંતા દૂર કર. તું હશે કે નહિ હોય પણ પરમાત્માનેજ તેમની ચિંતા છે; તેની દૃષ્ટિ બંદીખાનામાં તેમ ફાંસીનાં લાકડાં ઉપર સર્વત્ર ફરવાનીજ છે; તું જે પ્રેમ જાણી શકે તે કરતાં વધારે મૃદુ છે, તું જે ડહાપણ બતાવી શકે તે કરતાં વધારે ઝીણી છે, તું જે રક્ષણ કરી શકે તે કરતાં સારું રક્ષણ કરવા સમર્થ છે.”

ગુલાબસિંહે બે હાથ જોડી મસ્તક નમાવી નમસ્કાર કર્યો; અને ઉંચું જોયું ત્યારે તે એ દિવ્ય પ્રકાશનાં કિરણે કિરણ ત્યાંથી અદૃશ્ય થઈ ગયાં હતો. છતાં એ સ્થાનમાં હજી કોઈ વિલક્ષણ સુગંધ વ્યાપી રહ્યો હતો. જેમણે ખરા આત્મબલથી શ્રદ્ધાનો આશ્રય કરી તે દેવતાનું સાન્નિધ્ય પ્રાપ્ત કર્યું હશે તેમને નિરંતર આવાજ અનુભવ થયા હશે કે થશે.

ધ્યાનથી વ્યુત્થાન પામી યોગિરાજ બહાર આવ્યો, અને છજામાં જઈ ઉભો. યદ્યપિ વિનાશ અને ક્લેશની જાલ રમવામાં જનોનાં હૃદય નિતાન્ત અભિરક્ત હતાં, તથાપિ શાન્ત ચંદ્રપ્રકાશમાં આ મહાત્માને તો શક્તિ અને આનંદનુંજ ભાન થયું, કારણ કે એનો આત્મા અત્યારે મનુષ્ય અને મનુષ્યહૃદયના કૃપણ વિચારોની પાર જઈ સર્વમયતામાં રસ બસ નિમગ્ન થઈ રહ્યો હતો. જે જીવિત પોતે આજ સુધી અનુભવ્યું હતું તેને જાણે છેલી વારનો નમસ્કાર કરવા ગુલાબસિંહ અત્યારે, આ સ્થાને, ઉંડા વિચારમાં વિલીન થઈ ઉભો હતો. રાસગ્રહમાં જે આસક્તિ બંધાઈ તેના એક એક ફૂલને પુનરાવર્તનથી વિલોકતાં પરમાનુભવનો વિનોદ લેતાં મૌન જ્ઞાનાનંદમાં નિમગ્ન હતો.

દિગન્તોમાં અને દિગવકાશના પ્રદેશમાત્રમાં તેને અત્યારે અનેક અદૃશ્ય નાદ સંભળાવા લાગ્યા, જેમની સાથે પોતાને પરિચય હતો તે સર્વનું દર્શન થવા લાગ્યું; આખું વિશ્વ એને એક પારદર્શક કાચમય હોય તેમ સ્પષ્ટ ભાસવા લાગ્યું; મુનાપ્રવાહના પ્રત્યેક બિંદુમાં એને અનંત જીવનની સૃષ્ટિઓ જણાવા લાગી; પર્વતોના કણે કણ અનંતતાના એક એક અનંત બિંદુરૂપ દેખાવા લાગ્યા. પરમાત્મા એજ સર્વ છે, સર્વત્ર જ્યાં જ્યાં તેનું ભાન થાય ત્યાં તે સમગ્રપણે વિલસે છે ! આ પ્રકારે દૃષ્ટિ વિસ્તરતે વિસ્તરતે આ મહાત્માએ પોતાના ગુરુ મત્સ્યેન્દ્રનાથને પણ હિમાલયની એક ગુફામાં દીઠા. ત્યાં તે પરમમહાત્મા શાન્ત મુખમુદ્રાથી, શાન્ત હૃદયથી, જાણે પોતા વિના આખું વિશ્વ નજ હોય તેવી વિશ્રબ્ધ ઉદાસીનતાથી, ઉપનિષદોના રહસ્યવિચારમાં બેઠેલા હતા. તે અનેક તત્ત્વોમાં વિચરતા હતા, પોતાના વિચારથી, સંકલ્પથી, સુખ પેદા થાય કે દુઃખ પેદા થાય તેની તેમને દરકાર ન હતી, તે તો સર્વમયતાના એક જ યંત્રની પેઠે, સર્વમયતારૂપ ઘડીઆળની કમાનની પેઠે, સર્વમય અભેદના એક અંગરૂપે પ્રવર્ત્યા કરતા હતા. એમને જોતાંજ આપણો યોગી બોલી ઉઠ્યો “અહા ! જીવવાની વાતને હવે નમસ્કારજ કરવો ! અરે જીવિત ! તું મને અતિ મધુર નીવડ્યું છે તારા આનંદ કેવા નિઃસીમ છે ! મારો આત્મા ઉચ્ચમાર્ગે ચઢવાને કેવા વિપ્લાવક હર્ષથી નીકળી પડ્યો છે ! યોગબલથી કરીને જે પોતાનું યૌવન એમનું એમ રાખી શકે છે તેનું જીવવામાત્રનુંજ સુખ કેટલું અવર્ણ્ય અને અગાધ છે ! આકાશના પ્રદીપો ! દિગન્તોમાં વિચરતાં સત્ત્વો ! અનતપ્રાણિગણો સર્વને હું નમસ્કાર કરું છું. સૂર્યકિરણમાંનું એક પરમાણુ, પર્વત ઉપરનો એક તુચ્છમાં તુચ્છ છોડ, નદીતટ ઉપરનો ઝીણામાં ઝીણો કાંકરો, પુષ્પાશયમાંથી પવને ઉડીને અન્ય સ્થલે સંક્રાંત થયેલું અદ્રશ્ય બીજ, એમાંનું કશું પણ, સમય જીવનના તત્ત્વની જિજ્ઞાસા કરનારના જ્ઞાનમાં વૃદ્ધિ નથી કરતું એમ નથી; – જ્ઞાન, આનંદ, સત્તા નથી આપતું એમ નથી. ઘણાંકને કોઈ દેશ, નગર, ઘર, એટલુંજ પોતાનું સ્થાન થયેલું છે, મારૂં સ્થાન તો જ્યાં જ્યાં દૃષ્ટિનો માનસિક પણ પાત થાય, જ્ઞાતની પહોચ હોય, જ્યાં જ્યાં આત્માની સૃષ્ટિ હોય, ત્યાં સર્વત્ર છે.”

ગુલાબસિંહ આ ઉદ્‌ગારથી વિરમ્યો; અભેદ્ય એવા દિગંતમાં થઈ એની દૃષ્ટિ બંદીખાનાના અંધકારની રસૃષ્ટિમાં વિચરતે વિચરતે પોતાના બાલક ઉપર ઠરી. ફીકી પડી ગયેલી માતાના ખોળામાં તે ઉઘતું હતું, ઉંઘતા આત્મા સાથે યોગીના આત્માએ વાત કરવા માંડી. “મારી ઈચ્છા એજ જો મારૂં પાપ હોય તો મને ક્ષમા કરજો. મારી દૃષ્ટિ જે દિવ્યમાં દિવ્ય ભવિષ્ય જોઈ શકે છે તેને માટે તને સજ્જ કરવાના સ્વપ્નથી જ મારી બધી પ્રવૃત્તિ થતી હતી. શરીર જેમ રોગથી વેળાસર સુરક્ષિત થાય છે, તેમ આત્માને સર્વ પ્રકારની અનાત્મ- વાસનાથી સુરક્ષિત રાખી, તને એક ભૂમિકાથી બીજી ભૂમિકા બીજીથી ત્રીજી એમ સપ્તભૂમિકા પાર લેઈ જઈ, જે અનંત અનિવાર્ય અવર્ણ્ય આનંદ અભેદાનુભવીઓ ભોગવે છે તે ભોગવાવવો, તારા એ પ્રકારના ઉલ્લાસદ્વારા તારી માતાના અને મારા આત્મા વચ્ચે અભેદ સંબંધ સાધવો, એ મારી આશાનું સ્વપ્ન હતું. એ સ્વપ્ન તે સ્વપ્નજ હતું — એથી અધિક હતું નહિ ! મરણની સમક્ષ આવી પહોંચતાં મને હવે સમજાય છે કે જ્ઞાન અને આનંદની દીક્ષા તે મરણના દ્વારમાં થઈને પાર નીકળ્યા પછી જ મળે છે, મારાં વ્હાલાં પ્રવાસી ! એ દ્વારની પાર હું તમારી બન્નેની રાહ જોઈશ.

મત્સ્યેન્દ્ર, मृत्योः स मृत्युमाप्रोति योऽत्रनानेव पश्यति એ શ્રુતિના અનુભવમાં નિમગ્ન હતો તેવામાં નચિકેતાનું અને પછી પોતાના શિષ્ય–મિત્ર–ગુલાબસિંહનું ભાન થતાંજ, ઝટ ચમક્યો, અને સમજ્યો કે ગુલાબસિંહ મને કાંઈક કહે છે: “આ દુનીયામાંથી તો હવે તને હંમેશ માટે છેલો નમસ્કાર કરું છું. તારો આ એકનો એક મિત્ર પણ તારી પાસેથી જાય છે. તારૂં વૃદ્ધત્વ બધાંના યૌવનની પાર રહ્યું છે, અને કલ્પાન્તે પણ તું અમારી રાખ ઉપર વિચાર કરતો ને કરતોજ બેઠો હશે. અભેદ્ય અજ્ઞાનભૂમિમાં હું મારી સ્વતંત્ર ઈચ્છાથીજ પ્રવેશ કરું છું; છતાં કલ્પરાત્રી પછી સૃષ્ટિકલ્પના સૂર્યપ્રકાશની પેઠે મરણદ્વારાજ જીવનને અનુભવું છું. જેમને માટે હું આ શરીરને ત્યજવા તત્પર થયો છું તે જે સમયે મને આવી મળશે, અને એમ અનંત યૌવનનો નિત્ય આનંદ અમે અનુભવીશું, તે સમય પર્યંત હું સમાધિના નિગૂઢ વૃત્તિનિરોધમાં એમનું સામીપ્ય અનુભવી સુખી રહીશ. છેવટ પણ મને ખરી કસોટી અને ખરી પારઉતરણી સમજાઈ છે. મત્સ્યેન્દ્ર ! તારાં રસાયન અને અમૃત ઢોળી નાખ, વર્ષોનો બોજો તારે માથેથી દૂર ફેંકી દે, આત્મા ગમે ત્યાં ભટકે તો પણ સર્વનો જે સર્વમય અનંત આત્મા તે જ્ઞાનીને કદાપિ ત્યજીતો નથી જ, સુરેશ્વરે ખરૂંજ કહ્યું છે:—

तीर्थे श्वपचगृहे वा नष्टस्मृतिरपि परित्यजन्देहम्।
ज्ञानसमकालमुक्तः कैवल्यं याति हतशोकः*[૧]।।”


  1. *તીર્થ માં, ચાંડાલના ઘરમાં; રસુતિરહિત દશામાં, ગમે તે રીતે દેહ ત્યજે તો પણ, જ્ઞાન થવાના ક્ષણમાં જ તે મુક્ત હોઈ, સોકમાપથી પાર થઈ, કૈવલ્ય અનુભવે છે.