← ...મુજ સ્વામી સાચા ગ્રહાષ્ટક વત્તા એક
આશરો આપો
ચુનીલાલ મડિયા
અમૃતમાંથી ઉદ્વેગ →








૧૨.
આશરો આપો
 

‘સર ભગન ! હવે ઉતાવળ કરો. અમૃત ચોઘડિયું વીતી જાય છે.’ નીચેને માળેથી ફરી પ્રકાશશેઠની બૂમ સંભળાઈ.

સર ભગનને લાગ્યું કે અત્યારે તો અમૃત ચોઘડિયાને બદલે મારા નસીબમાં કાળ ચોઘડિયું ચાલી રહ્યું છે. માથે પડતો આવેલો ભાવિ વેવાઈ સાચે જ મારે માટે કાળ જેવો બની રહ્યો છે. મારી સઘળી માલમત્તાને, ને એક પૂરી પુત્રીનો કોળિયો કરી જવા એ અહીં આવીને બેઠો છે.

તેથી જ સર ભગનને લાગ્યું કે અત્યારે તો મારી આબરૂનું અસ્તિત્વ પણ તિલ્લુના હાથમાં છે. અને તેથી જ, એમણે પુત્રીને કહ્યું:

‘તિલ્લુ, હવે તો મને તું જ તારે કે તું જ મારે.’

‘હું તમને શા માટે મારું ? મારે પિતૃહત્યા નથી વહોરવી. હું પિતૃઘાતી બનવા નથી માગતી.’

‘તો પછી મને મારવાને બદલે તારવાનું પણ તારા જ હાથમાં છે.’

‘કેવી રીતે ?’

‘પ્રકાશશેઠના છોકરાને પરણવાની ના કહી દે.’

‘શરતે કહું.’

‘બોલ, શી શરત છે ?’

‘તમે જે વિલ બનાવ્યું છે તે મને સેાંપી દો.’

‘વિલ ? એનું વળી તારે શું કામ પડ્યું ?’

‘મારે એ સુધારવું છે.’

‘કેમ ? મેં તને વારસદાર તો બનાવી જ છે.’

‘પણ એ તો તમારા મૃત્યુ પછી ને ?’

‘હા જ તો. વિલનો અર્થ જ એ કે માણસની હયાતી પછી એનો અમલ થાય. મારી રજાકજા થાય તો તું હોલ ઍન્ડ સોલ વારસદાર બનીશ જ.’

‘પણ હું તમારી રજાકજા સુધી રાહ જોઈને બેસી રહેવા માગતી નથી.’

‘કેમ ?’

‘મારે તો તમારી હયાતીમાં જ બધું હાથ કરવું છે.’

‘ભલે, જેવી તારી ઇચ્છા. હયાતી પછી કે હયાતી પહેલાં, બધું એક જ છે. અંતે તો આ બધી માલમિલકત—વાડી-વજીફા તારે માટે જ છે ને ? હું ને તારી મમ્મી તો આમેય હવે કેટલા દહાડા.’

‘હવે સમજ્યા, પપ્પા... તો લાવો તમારું વિલ..’

‘હમણાં જ સેવંતીલાલને કહીને બૅંકના સેફમાંથી મંગાવી લઉં છું. પણ તું પ્રકાશશેઠને સમજાવી દે.’

‘એમને તમે જ મારા વતી કહી દો કે તિલ્લુએ વ્રત લીધું છે.’

‘શેનું ?’

‘અષ્ટગ્રહ યુતિ થઈ જાય ત્યાં સુધી પુરુષજાતના કોઈ પણ પ્રાણીનું મોઢું નહિ જોવાનું. તમે એમને કહેજો કે હું પણ તિલ્લુ જોડે આડો પડદો રાખીને જ વાત કરું છું.’

‘પણ આવી વાત એ સાચી માનશે ખરા ?’

‘શું કામ નહિ માને ? પ્રમોદકુમારને પરણવાની ગરજ છે અને ગરજને જ્ઞાન ન હોય.’

‘ભલે, તો હવે આ આખી બાજી તારે હાથ છે, હોં દીકરી.’

‘પપ્પા, હવે તમે બેફિકર રહેજો. મારા હાથમાં જે બાજી હોય એમાં બીજું કોઈ જીતી જ ન શકે.’

‘રંગ છે દીકરી તારી અક્કલને, ને રંગ છે તારી હિંમતને.’

સર ભગન બોલી રહ્યા.

ફરી નીચેથી પ્રકાશશેઠની હાકલ સંભળાઈ:

‘સર ભગન, હજી કેટલી વાર ? અમૃત ચોઘડિયું વીતી જાય છે. ઝટ કરો.’

‘એક મિનિટમાં જ આવ્યો, પ્રકાશશેઠ.’ કહીને સર ભગન નીચે જવા નીકળ્યા.

તિલ્લુએ એમને છેલ્લે છેલ્લે હિંમત આપી :

‘ગભરાશો નહિ, પપ્પા, હું એમને ધોળા મૂળા જેવા જ પાછા મોકલી આપીશ.’

‘ધન્ય છે, દીકરી !’

‘પણ તમે મને તમારું વિલ જલદી મોકલી આપો.’

‘બૅંકનો સેફ ખૂલે એટલી જ વાર. સેવંતીલાલને મારતી કૅડિલેકે દોડાવું છું.’

‘ને જુઓ પપ્પા, પેલા પ્રકાશશેઠની પિસ્તોલથી તમે ગભરાશો નહિ.’

‘પિસ્તોલથી કોણ ન ગભરાય ? પિસ્તોલ જોઈને મને તો આવી શિયાળાની ઠંડીમાં પણ પરસેવો છૂટી જાય છે.’

‘તમે પણ સામી પિસ્તોલ બતાવજો, એટલે એ સીધોદોર થઈ જશે.’

‘પણ આપણી પાસે પિસ્તોલ છે જ ક્યાં ?’

‘લો, આ બનાવટી પિસ્તોલ તમે લઈ જાઓ.’ તિલ્લુએ પોતાનું કબાટ ખોલતાં કહ્યું : ‘આ ખોટી પિસ્તોલ અમે ડાન્સબેલેમાં વાપરતાં હતાં, એ તમને પણ નાટક કરવામાં કામ આવશે.’

‘લાવ, હાજર સો હથિયાર.’

સર ભગનનો જવાબ સાંભળીને પ્રકાશશેઠ ધૂવાંપૂવાં થઈ ગયા.

‘મારી જોડે છેતરપિંડી રમો છો ?’

‘જી, ના. હું તો તિલ્લુએ કહેલો સંદેશો જ તમને કહી સંભળાવું છું. એણે અષ્ટગ્રહ યુતિ થાય ત્યાં સુધી એકલાં જ રહેવાનું વ્રત લીધું છે.’

‘પણ આવું વ્રત તે હોય ?’

‘શેઠ, અષ્ટગ્રહની યુતિ એવી આફતભરી છે કે માણસને એમાંથી ઊગરવા જાતજાતનાં વ્રતો લેવાં પડ્યાં છે. આ મેં પોતે જ સહસ્ત્રચંડી યજ્ઞનું વ્રત લીધું છે ને ?’

‘તમારું વ્રત તો સમજી શકાય એમ છે. પણ તમારી છોકરી આવું વ્રત લે એ વિચિત્ર લાગે છે.’

‘વિચિત્ર તો મને પણ લાગે છે. પણ આજકાલની છોકરીઓ તો તમે જાણો છો ને ?’

‘મારે એકેય છોકરી જ નથી, પછી શી રીતે જાણું ?’

‘એટલા નસીબદાર છો, શેઠ કે તમારે એકેય છોકરી નથી, માત્ર છોકરો જ છે. તિલ્લુ જેવી દીકરી ઘરમાં હોત તો ખબર પડત કે સાપના ભારા કેમ સચવાય છે.’

‘એટલે જ તો હું તમને કહું છું કે તમારે માથેથી એ સાપનો ભારો ઉતારીને મારા પ્રમોદના હાથમાં સોંપી દો એટલે તમે હળવા ફૂલ થઈ જાઓ.’

‘પણ એ અષ્ટગ્રહ યુતિ પછી જ થઈ શકે. ત્યાં સુધી તો તિલ્લુએ વ્રત લીધું છે.’

‘આવી ભણેલગણેલ છોકરી વળી વ્રત-વરતોલા જેવા વહેમમાં માનતી હશે ?’

‘આજ સુધી તો નહોતી માનતી. પણ આ ગ્રહાષ્ટક યોગની આગાહીઓ સાંભળીને એવી તો ગભરાઈ ગઈ છે કે હમણાં તો રોજ ડાન્સની પ્રેક્ટિસ છોડીને આઠેય પહોર જપ-તપ જ કર્યા કરે છે.’

‘મને આવી ભક્તાણી પુત્રવધૂ જરાય પસંદ નથી. પણ આ પ્રમોદે ૨ઢ લીધી છે એટલે હું લાચાર છું.’

‘હું પણ અષ્ટગ્રહી પૂરી થાય ત્યાં સુધી લાચાર જ છું.’

‘પણ ત્યાં સુધી અમે શું કરીએ ? માખો મારતા બેસી રહીએ?’

‘એ આપની મુન્સફીની વાત છે. બાકી તિલ્લુના વ્રતપાલનમાં વચ્ચે આવવાનું પાપ તો હું ન જ કરી શકું.’

‘આ પિસ્તોલ જોઈ છે?’ પ્રકાશશેઠે ફરી પિસ્તોલ બતાવી.

‘તમે આ પિસ્તોલ જોઈ છે?’સર ભગને પોતાના ડ્રેસિંગ ગાઉનમાંથી પિસ્તોલ કાઢીને બતાવી.

‘આ તો બૅલેન્સ ઑફ ટેરર થઈ ગયું. ચાલો ત્યારે, હવે યુદ્ધવિરામ કરી નાખીએ,’ કહીને પ્રકાશશેઠે પિસ્તોલ ખિસ્સામાં મૂકીને સર ભગન સાથે હાથ મિલાવ્યા. પછી ઉમેર્યું :

‘આપણે હવે વેવાઈઓ તરીકે ક્યારે હાથ મિલાવીશું ?’

‘ગ્રહાષ્ટાક યોગ પૂરો થયા પછી.’

‘પણ એ તો છેક પાંચમી ફેબ્રુઆરીએ પૂરો થશે. ત્યાં સુધી અમારે...’

‘રાહ જોવાની, પાંચમી ફેબ્રુઆરીને હવે ક્યાં પેટમાં દુખે છે ? દિવસને જતાં શી વાર ?’

‘પણ એટલા દિવસ અમે શી રીતે પસાર કરીશું ?’

સર ભગન સમજ્યા કે પ્રકાશશેઠ અત્યારે પ્રમોદકુમાર વતી બોલી રહ્યા છે. વિરહાગ્નિમાં શેકાતા ભાવિ વરરાજ અષ્ટગ્રહી સુધીના દિવસો શી રીતે પસાર કરશે એવી પ્રકાશશેઠ ફરિયાદ કરે છે એમ સમજીને સર ભગન એક આદર્શ પુત્રપિતા તરીકે જરા શરમાઈને મૂંગા રહ્યા, તેથી પ્રકાશશેઠે ફરી એ જ ફરિયાદ કરી :

‘પણ એટલા દિવસ અમે કેમ કરીને પસાર કરીશું ?’

આ પ્રશ્નમાં વપરાયેલ ‘અમે’નો બહુવચનો પ્રયોગ સર ભગનને જરા વિચિત્ર લાગ્યો.

‘સુખેદુઃખે સમય પસાર થઈ જશે, શેઠ.’

‘પણ આટલા દિવસ ક્યાં પસાર કરવા ?’

આ પ્રશ્નમાંનો સ્થળસૂચક ‘ક્યાં’ શબ્દપ્રયોગ સર ભગનને વધારે વિચિત્ર લાગ્યો.

‘અષ્ટગ્રહીની આફત પૂરી થાય ત્યાં સુધી અમારે ક્યાં જવું ?’ હવે પ્રકાશશેઠે તોડીફાડીને વાત કહી દીધી.

સર ભગન વધારે મુંઝાયા. એમણે સહજ રીતે કહી દીધું :

‘આપને બંગલે જ તો.’

‘બંગલે જઈ શકીએ એમ નથી. પોલીસ-પહેરો બેસી ગયો છે.’ પ્રકાશશેઠનો અવાજ નરમઘેંશ હતો.

હવે સર ભગનને આખી રમત સમજાઈ ગઈ. પ્રકાશશેઠ બોલતા રહ્યા :

‘સર ભગન, તિલ્લુએ ભલે અષ્ટગ્રહી સુધીનું કુંવારાવ્રત લીધું, પણ એટલા દિવસ અમને બેઉને અહીં આશરો આપો.’

‘તમને બેઉને ?’

‘હા.’

‘શેઠ, પ્રમોદકુમાર માટે તમે આશરો માગો તો એ હજી સમજી શકાય. વરરાજા આઠ દિવસ વહેલા તારણે આવી પહોંચ્યા એમ ગણાય. પણ તમે પોતે, વરરાજાના પિતા પણ અહીં ?’

‘અહીં સિવાય બીજે ક્યાંય અમે જઈ શકીએ એમ નથી.’

સર ભગતને તો અષ્ટગ્રહીની તોળાતી આફતમાં પણ આવું સાંભળીને રમૂજનો અનુભવ થયો. પ્રમોદકુમાર ભાવિ ઘરજમાઈ તરીકે અહીં પડી રહેવાનો મનસૂબો કરે એ તો હજી સમજી શકાય. પણ એના પિતા પ્રકાશશેઠ, એક વેવાઈ ઊઠીને અહીં ઘર-વેવાઈની પેઠે પડ્યા રહેવાનો પેંતરો રચે એ તો સર ભગનને ભારે કઢંગી સ્થિતિ લાગી.

‘હવે તમે ખુશીથી અમારે માટે ચા-પાણી મંગાવો ને ભોજનમાં પણ અમારા ભાગનાં મૂઠી દાળભાત વધારે ઓરવાનું મહારાજને કહી દો, પણ એ સાથે અમારા ઉતારાનો પણ બંદોબસ્ત કરાવો.’

‘તમે તો જાણે જાન જોડીને આવ્યા હો એમ જાનીવાસો જ માગો છો કે શું ?’

‘જેમ ગણો તેમ. અત્યારે તો આ શ્રીભવન સિવાય આ ધરતી ઉપર અમારે બીજો કોઈ આશરો નથી.’

ભોળાભટાક સર ભગનને પ્રકાશેઠની દયા આવી. પણ એમણે એક સાવ સાચી ને નાજુક પ્રકારની મુશ્કેલી સમજાવી.

‘શેઠ, શ્રીભવનમાં તો આજકાલ કોઈને ઉતારો આપવા જેટલી જગ્યા જ ક્યાં રહી છે ?’

‘આ તો નાનાસરખા ગામડા જેટલો મોટો રજવાડી બંગલો છે.’

‘પણ એકેએક ઓરડા રોકાઈ ગયા છે.’

‘કોણે રોક્યા છે ?’

‘ભૂદેવોએ.’

‘ભૂદેવો !’

‘હા સહસ્ત્રચંડી યજ્ઞ માટે આવેલા ભૂદેવોએ એક તસુ જગ્યા પણ ક્યાં રહેવા દીધી છે ? બગીચામાં રાવટી-તંબૂ તાણવા પડ્યાં છે.’

‘તો અમારે માટે એક વધારે રાવટી તણાવો.’

‘તમને રાવટીમાં ઉતારો અપાય ?’

‘પેલા ભામટાઓને અપાય તો મને કેમ ન અપાય ? હું એ ગોરમહારાજોથી પણ ગયો ?’

‘નહિ નહિ, શેઠ. તમે ઊંધું સમજ્યા. હું તો એમ કહેવા માગતો હતો કે તમને રાવટીમાં ઉતારવામાં તમારો મોભો કેમ સચવાય ?’

‘અરે, મારો ઝાડુ મોભાના નામને.’

‘પણ તમારું સ્ટેટસ.’

‘અરે જહન્નમમાં ગયું સ્ટેટસ. અત્યારે તો હું શેરીએ રઝળતા ભિખારી જેવો થઈ ગયો છું.’

‘ભિખારી થાય નહિ તમારા શેરહોલ્ડરો !’

‘એ તો થયા જ છે. પણ ભેગો હું પણ સાવ મુફલિસ થઈ ગયો.’

‘બને જ નહિ. મૅનેજિંગ એજન્ટો આ દેશમાં કદી મુફલિસ થતા સાંભળ્યા છે ? એટલે તો સરકારનો ડોળો મૅનેજિંગ એજન્સી ઉપર છે. સમાજવાદીઓ સત્તા ઉપર આવે તો આપણું તો મોત જ કરી નાખે.’

‘પણ આમાં તો સમાજવાદીઓ સત્તા ઉપર આવ્યા પહેલાં જ મારું મોત કરી નખાયું.’

‘કેવી રીતે ?’

‘મારી જ ગફલતથી બૅરિસ્ટર બુચાજીએ ઓચરિયા-દસ્તાવેજોમાં ક્યાંક ગોસમોટાળો કરી નાખ્યો. એમાં મારું મોત થઈ ગયું.’

‘એ બ્રીફલેસ બૅરિસ્ટરનું મગજ હમણાં ઠેકાણે નથી. ઓડનું ચોડ વેતરી નાખે છે.’

‘એવું જ કર્યું છે. એને ભરોસે હું રહ્યો, એમાં જ આ મોકાણ થઈ પડી. લેણદારોને મારે પાઈએ પાઈ ચૂકવવી પડશે.’

‘તો તો આફત…’

‘પૂરેપૂરી.’

‘કાંઈ ઉપાય કરો.’

‘એ ઉપાય કરવા માટે પણ મારે અહીં આશરો જોઈશે.’

સર ભગનને તો નમાઝ પઢતાં મસીદ કોટે વળગવા જેવું થયું. છતાં પિસ્તોલની ધાકથી પ્રમોદકુમારને પોતાની પુત્રી પરણાવી દેવી પડે એના કરતાં એમને અન્ય બાવાસાધુઓ અને બ્રાહ્મણો જોડે રાવટીમાં આશરો આપવામાં ઓછું નુકસાન હતું. તેથી જ એમણે પ્રકાશશેઠ આવ્યા તો નાખો વખારે, જેવું વલણ અપનાવીને ચા-પાણી મંગાવ્યાં. કહ્યું:

‘મારી તો હજી બેડ ટી પણ બાકી છે.’

‘પણ મારી તો રિટાયર થવા વખતની કૉફી પણ બાકી છે.’

‘કેમ ?’

‘હું કાલ રાતનો રિટાયર થયો જ નથી. સમી સાંજના પૈડાં ઉપર જ આંટા મારું છું. હરામ છે જરાય ઊંઘ કરી હોય તો.’

‘હવે અહીં રાવટીમાં નિરાંતે ઊંઘ ખેંચજો.’

‘પણ એ રાવટીઓમાં તમારા બાવા બ્રાહ્મણો કોઈ મને ઓળખી કાઢશે તો ?’

‘એ લોકો ક્યાં તમારા શેરહોલ્ડરો છે ?’

‘અરે, પણ આજકાલ તો બાવાઓના પણ મોટા બૅંક-ઍકાઉન્ટ નીકળી આવે છે. છાપાંમાં નથી વાંચતા ?’

‘પણ એમાં તમારે ગભરાવાની જરૂર નથી.’

‘પણ ન કરે નારાયણ, ને કોઈક મને ઓળખી પાડે ને, પોલીસને ખબર આપે તો ?’

‘તો તમે વેશપલટો કરી નાખો.’

‘કેવી રીતે ?’

‘તમે પણ એ બાવાઓ ને બ્રાહ્મણો જેવી દાઢી પહેરી લો.’

‘એવું તે કરાય ?’

‘એમાં શું ? જાન બચાવવા ગમે તે કરવું પડે.’

‘પણ હું પ્રકાશશેઠ, ઉદ્યોગોનો બેતાજ બાદશાહ ઊઠીને બાવાનો વેશ પહેરું ?’

‘આમેય બાવા બન્યા જ છો, તો એનો વેશ પહેરવામાં શો વાંધો ?’ સર ભગને સમજાવ્યું : ‘ટોપી પહેરવામાં ત્રણ ગુણ : નહિ વેરો, નહિ વેઠ, બાવો બાવો સહુ કરે ને સુખે ભરે પેટ.’

‘પણ હું કોણ ? પ્રકાશજૂથનો રાજા.’

‘એ બધું હવે ભૂલી જાઓ. ને પગમાં ઝાંઝરિયાં ન પહેરવાં હોય તો ઝટપટ દાઢી પહેરી લો. તમે થઈ જાઓ ગુરુ ને પ્રમોદકુમાર  થઈ જાય ચેલા. અષ્ટગ્રહી સુધી અહીં રોજ માલમલીદા મળશે ને સહસ્ત્રચંડીના હવનમાં બીડું હોમાઈ ગયા પછી હું દાન દક્ષિણા પણ આપીશ.’

‘દાન ?’

‘હા, હા, દાન. છૂટે હાથે દાન આપીશ.’

‘પણ પ્રમાદકુમારને તો દાન નહિ, કન્યાદાન આપજો.’

‘ગ્રહણની ઘડીએ રાહુના મોઢામાંથી ચંદ્રને મોક્ષ કરાવવા જે દાન અપાતું હશે તે પ્રમોદકુમારને પણ મળશે જ.’