ગ્રહાષ્ટક વત્તા એક/...મુજ સ્વામી સાચા
← અષ્ટગ્રહીનાં એંધાણ | ગ્રહાષ્ટક વત્તા એક ...મુજ સ્વામી સાચા ચુનીલાલ મડિયા |
આશરો આપો → |
સર ભગનને ભ્રાંતિ થઈ કે જાગું છું કે ઊંઘું છું ? પ્રકાશશેઠ મારી સામે પિસ્તોલ ધરે એ સાચું હોય કે સ્વપ્ન ?
એ ભ્રાંતિ દૂર કરવા પોતે ઊંઘરેટી આંખ ચોળી જોઈ. હાથ ઉપર ચૂંટી પણ ખણી જોઈ, અને ખાતરી કરી લીધી કે હું જાગું છું, ઊંઘતો નથી, અત્યારે સંપૂર્ણ પણે સજાગ છું, સ્વપ્નમાં નથી જ નથી.
અરે, પણ તો પછી આ પ્રકાશશેઠ પોતે તો સ્વપ્નમાં નહિ હોય ? મારી પુત્રીનો વિવાહ પરાણે નક્કી કરાવવા મારી સામે પિસ્તાલ ધરે એ તો કાંઈ સાચી વાત હોઈ શકે? મારી તિલ્લુ તે શું કોઈ ચીજવસ્તુ છે કે આમ પિસ્તોલની અણીએ એને લૂંટી જઈ શકાય ?
તેથી જ સર ભગને એમને પૂછવું પડ્યું :
‘શેઠ, ભાંગ-બાંગ તો નથી પીધી ને ?’
‘સ્કૉચ નથી મળતો તે ભાંગ પીવી પડે ? મને શું બાવો સમજી બેઠા છો ?’
‘બાવા તો તમે સાચે જ હવે બની ગયા છો. આ બજારમાં બધે...’
‘અરે વાતમાં શો માલ છે ? ગામ આખાને બાવા બનાવીને જ રહીશ.’
‘એ તો હું અત્યારે નજરે જ જોઈ રહ્યો છું. મને પણ બાવો બનાવવા જ આવ્યા છોને, શેઠ ?’
‘ખોટી વાત. હું તમને બાવો નહિ પણ વેવાઈ બનાવવા આવ્યો છું.’
‘પણ બંદૂકની અણીએ ? બંદૂક બતાવવાથી વેવાઈ ન બનાવાય, બાવા જ બનાવાય.’
‘એ હું આગળ ઉપર જોઈ લઈશ. અત્યારે તો કન્યા પધરાવો સાવધાન! અક્ષર સવાનો સમય વીતી જાય છે.’
આ સાંભળીને આવી આપત્તિમાં પણ સર ભગનથી હસ્યા વિના રહેવાયું નહિ. બોલ્યા :
‘શેઠ, આ તે શી સુગલ માંડી છે?’
‘સુગલ નથી, સાચી વાત કહું છું.’
‘પણ એ સીધીસાદી રીતે, સભ્યતાથી કહોને, આમ બંદૂક બતાવીને પરાણે પુણ્ય તે કરાવાતું હશે ?’
‘પણ સીધીસાદી રીતે લોકો પુણ્ય કરે એવા સોજા ક્યાં છે? એ તો નાક દબાય તો જ મોં ઉઘાડે એમાંના છે.'
‘એટલા માટે જ મારું પણ નાક દબાવવા આવ્યા છો ?’
‘સર ભગન, સાચું કહું તો, મારું પોતાનું નાક સાચવવા અત્યારે તમારું નાક દબાવવું પડે છે.’
‘એ તો તમે મને અત્યારના પહોરમાં ઊંઘમાંથી જગાડ્યો ત્યારે જ સમજાઈ ગયું હતું. પણ શેઠ, નાક સાચવવા માટે આવો ૨સ્તો લેવાય ?’
‘એ તો જેવા સંજોગ.’
‘પણ પૈસાની જરૂર પડે એટલે શું હાથમાં પિસ્તોલ લેવાય ?’
‘એ તો હાજર સો હથિયાર.’
‘તમારી દાનત હું સમજી ન શકું એટલો મૂરખ નથી, પ્રકાશશેઠ. મારી તિલ્લુ મારી વારસદાર છે. અને એને તમારા પ્રમોદ જોડે પરણાવીને મારો બધા દલ્લો હાથ કરી લેવાની તમારી દાનત છે એ હું ક્યાં નથી જાણતો ?’
‘અરે, પણ તમારા જીવતાં જ હું કેમ કરીને તમારો દલ્લો હાથ કરવાનો હતો ?’
‘હું તો હવે કેટલું જીવવાનો ?’
‘તમે તો હજી કડેધડે છો.’
‘પણ આ અષ્ટગ્રહી આવે છે ને ?'
‘તેથી શું ?’
‘એમાં કદાચ હું...’ બોલતાં બોલતાં સર ભગનનો અવાજ ધ્રુજી ગયો. ગળે ડૂમો ભરાયા જેવું પણ લાગ્યું.
‘કેમ ? કેમ ? આ શું ? ભગન શેઠ ?’ સર ભગનની આંખમાં પાણી જોઈને પિસ્તોલધારી પ્રકાશશેઠ પણ પીગળી ગયા. પૂછ્યું : ‘અષ્ટગ્રહીથી આટલા ગભરાઈ કેમ ગયા છો !’
‘આઠેઆઠ ગ્રહ એકઠા થવાના.’
‘અરે, ભલેને આઠને બદલે નવ એકઠા થાય.’
‘પણ યુતિમાં મને મારા દેહનો ભરોસો નથી.’
‘અરે, શું આમ પોચકાં મૂકો છો, ભગન શેઠ ?’
‘ગ્રહાષ્ટકમાં મહાપ્રલય થાય એ ટાળવા તો મેં મહાસહસ્રચંડી યજ્ઞ રાખ્યો છે.’
‘એટલે જ તો દેશ આખામાં ઘીનો દુકાળ ઊભો થયો છે.’
‘સાચે જ ?’
‘હા, ઘીના હજારો ડબા તમારા યજ્ઞ માટે સંઘરી બેઠા છો ને તમે ?’
‘એ તો સંઘરવા જ પડે.’
‘પણ એથી બજારમાં ક્યાંય ઘીનો છાંટો નથી મળતો. બનાવટી વૅજીટેબલ પણ કાળા બજારમાં ચાલી ગયું છે.’
‘એ કાળાંધોળાં કરનારાઓનો અષ્ટગ્રહીને દહાડે ઘડોલાડવો થઈ જવાનો છે. મારા જન્મસ્થાનમાં પણ નીચના ગ્રહો છે, એટલે મારી ઉપર આપત્તિ છે. એટલે જ, ચોથી ફેબ્રુઆરીએ હું કદાચ ઊકલી જાઉં તો મારો બધો વારસો તો તિલ્લુને જ મળે ને ?’
‘અરે એમ વારસો મેળવવો એ કાંઈ બચ્ચાંના ખેલ છે ?’
‘હું જાણું છું કે તમે બૅરિસ્ટર બુચાજી કનેથી બધી બાતમી મેળવી લીધી છે. મેં મારી મિલકતની શી વ્યવસ્થા કરી છે એ તમે મારા સૉલિસિટર પાસેથી જાણી લીધું છે. અને એટલે જ, અત્યારે તમે પ્રમોદનાં ઘડિયાં લગન કરાવીને આ બધી મિલકત પચાવી પાડવાના વેતમાં જ છો.’
‘તમે મારી બદનક્ષી કરો છો. હું તમારી ઉપર કેસ માંડીશ.’
સર ભગનને તો વહાણાના પહોરમાં સૂડી વચ્ચે સોપારી જેવી સ્થિતિ થઈ પડી. આમાંથી હવે શી રીતે માર્ગ કાઢવો એ વિચારવા એમણે સૂચન કર્યું:
‘શેઠ, તમે અત્યારે ઉશ્કેરાટમાં છો. જરા ચા પાણી પીને શાંત થાઓ.’
‘હું અત્યારે તમારી ચા પીવા નથી આવ્યો. ગોળ ખાવા આવ્યો છું. પ્રમોદના વિવાહ કરીને ગળ્યું મોઢું કરાવો.’
‘એય થશે. ઘીના ઠામમાં ઘી પડી રહેશે. જરા શાંતિ રાખશો તો બધાય સારાં વાનાં થશે.’
સર ભગને માંડ કરીને અતિથિઓને દીવાનખંડમાં બેસાડ્યા. તેઓ જોઈ શક્યા કે પ્રકાશશેઠ અત્યારે અસ્વસ્થ અને ઉશ્કેરાયેલા હતા. છેલ્લે છેલ્લે એમણે શેરસટ્ટામાં જબરી ખોટ ખાધી ત્યારથી તેઓ આ જ ઉશ્કેરાટ અનુભવતા હતા. તેથી જ, સટ્ટામાં નુકસાની જતાં હાર્યો જુગારી બમણું રમે એને બદલે તેઓ બમણાને બદલે ચચ્ચાર ગણું ૨મી નાખતા હતા. બજારભાવ તૂટતા હોવા છતાં તેઓ મોટી વેચવાલી કરી નાખતા, અને તેજી હોય ત્યારે લેવાલી કરતા. એ હાર્યો જુગારી ઉશ્કેરાઈને બમણું નહિ પણ ખોટું રમી નાખતો હતો. એ આંધળુકિયાં કરવામાં જ એમણે આવી ભયંકર આર્થિક હોનારત નોતરી હતી. અને હવે, એમાંથી ઊગરવા માટે પણ અહીં પુત્ર પ્રમોદકુમારને ઝટપટ પરણાવી લેવાની બાબતમાં પણ એવાં જ આંધળુકિયાં કરી રહ્યા હતા. એમની સમક્ષ હવે એક જ તરણોપાય હતો : સર ભગનનો દલ્લો હાથ કરી લેવાનો અને એ માટે એક જ ઉપાય હતો : સર ભગનની વારસદાર તિલ્લુને પ્રમાદકુમાર વેરે પરણાવી દેવાનો.
તેથી જ, પ્રકાશશેઠના આ છેલ્લા જુગારના દાવમાંથી છટકવા સર ભગને છેલ્લો ઉપાય અજમાવ્યો.
‘પણ તિલ્લુને તો પૂછવા દો.’
‘એને પૂછવાની જરૂર જ નથી.’ પહેલી જ વાર પ્રકાશશેઠના કહ્યાગરા પુત્ર પ્રમોદરાય ઓચર્યા.
‘અરે, મારી પુત્રીને પૂછ્યા વિના શું એને પરણાવી દઉં ?’
‘પણ એ મારા પ્રેમમાં છે.’
‘એટલે તો એને ખાસ પૂછવું પડે કે તું પ્રેમમાં રહેવા માગે છે કે પછી પરણી જ નાખવા માગે છે ?’
‘પણ મને તો એણે તિલ્લાણાંને તાલે પરણવાનો કોલ દઈ દીધો છે.’
‘હું ખુશીથી પરણાવી દઈશ. પણ એક વાર મારે એના વિચારો તો જાણવા જ જોઈએ ને ?’
‘ભલે જાણી લો. જાઓ.’ પ્રકાશશેઠે લશ્કરી છટાથી હુકમ કરી દીધો.
સર ભગને ઊભા થવા કર્યું ત્યારે એમણે જોયું કે બારણા નજીકથી કોઈક ઝડપભેર દોડી જતું હતું. એ પડછાયો જ એમને જોવા મળ્યો, પણ એથી તો એમને વધારે વહેમ આવ્યો. એમણે તુરત લેડી જકલને જગાડ્યાં, અને અત્યારના પહોરમાં આવી પડેલી આફત વિશે વાત કરી.
ઝડપી મસલત પછી બેઉએ નક્કી કરી નાખ્યું કે પ્રકાશશેઠના ફ્રાંસલામાં આપણે ફસાવું નહિ.
‘તો ચાલો આપણે તિલ્લુને ઝટપટ સમજાવી દઈએ.’
‘પણ મારે તો અત્યારે મારાં કૂતરાં જોડે મૉર્નિંગ વૉકમાં જવાનું છે.’
‘અરે, જરા મોડાં જજો. આપણી ઉપર આવી આફત આવી છે ત્યારે તમને કૂતરાં કેમ યાદ આવે છે.’
‘આ તમે અષ્ટગ્રહીની મોંકાણ માંડી છે ત્યારથી મને તો એક જ ચિંતા થયા કરે છે: મારાં કૂતરાંનું શું થશે ?’
‘અરે, અત્યારે તો ચિંતા છે કે આપણું પોતાનું શું થશે ? આપણી તિલ્લુનું શું થશે ? અષ્ટગ્રહી પહેલાં જ આ લોકો તો આવીને બેઠા છે તિલ્લુને લઈ જવા.’
‘એમની મજાલ છે, પારકી છોકરીને પરાણે ઉઠાવી જાય ! આમ પિસ્તોલ બતાવીને તે કોઈ પરણવા આવતું હશે ?’
‘એ તો હવે તિલ્લુને તમે ઝટપટ સમજાવો તો જ કામ થાય. તિલ્લુ ચોખ્ખું કહી જ દે કે હું પ્રમોદકુમાર જોડે નહિ પરણું, તો જ આ પ્રકાશશેઠની બલા ટળે.’
‘ચાલો, સમજાવીએ. હું મૉર્નિંગ વૉકમાં જરા મોડી જઈશ.’
પતિ–પત્ની બેઉ તિલ્લુના ઓરડા તરફ જતાં હતાં ત્યાં સામેથી સેવંતીલાલ મળ્યા. એમણે વફાદાર મહેતાજીની અદાથી ઊભા રહી જઈને સમાચાર આપ્યા :
‘હૉસ્પિટલમાંથી ફોન હતો. બૅરિસ્ટર બુચાજી...’
‘ઊપડી ગયા કે નહિ ?’ લેડી જકલે પૂછ્યું.
‘એને સન્નિપાત થઈ ગયો છે, અને ‘ટિલ્લુ’, ‘ડીયર ટિલ્લુ’ એમ જ બકવાટ કર્યા કરે છે.’
‘મરે મૂઓ એ ડાગળો. જલદી ડુંગરવાડી ભેગો થાય તો જાન છૂટે.’
‘તમે એનું મૃત્યુ વાંચ્છશો તો એ વધારે જીવશે.’
‘ત્યારે શું એને શતં જીવ શરદઃ એવો આશીર્વાદ આપું?’
‘તમે કશું જ ન કરો. એને કુદરત ઉપર છોડી દો. જે થવાનું હશે તે થશે.’
‘ભલે,’ કહીને લડી જકલ આગળ ચાલ્યાં. તિલ્લુના ઓરડામાં પેસતાં એમણે જોયું કે પુત્રી તો ક્યારની જાગીને બેઠી હતી, તેથી એમનાથી પુછાઈ ગયું :
‘આટલી વહેલી ઊઠી છે ?’
‘મારે નૃત્યની પ્રેક્ટિસ વહેલા પરોઢમાં જ કરવી પડે છે.’
‘એક આ નૃત્યે નખ્ખોદ કાઢ્યું.’
‘હજી સુધી તો નથી કાઢ્યું, અને કોઈ કાઢી પણ નહિ શકે, જો તિલ્લુ જરા સમજદારી બતાવશે તો.’
‘શી સમજદારી બતાવુ. બાપજી ?’
‘તેં પ્રમોદકુમાર જોડે પરણવાનું નક્કી કરેલું છે ?’
‘તમારી જ સૂચનાથી.’
‘તો હવે અમારી સૂચના છે કે તું ન પરણીશ. લાખ વાતે પણ ન પરણીશ.’
‘કેમ ? શા માટે ?’
‘કારણ તને પછી નિરાંતે સમજાવીશું. પણ અત્યારે તો એ લોકો અહીં આવીને બેઠા છે. એમને તારે ઘસીને ના કહી દેવાની છે.’
‘શું?’
‘કે હવે હું પરણવા જ માગતી નથી.’
‘પણ હું તો પ્રમોદકુમારને કૉલ આપી ચૂકી છું.’
‘એ કૉલ કેન્સલ કરજે.’
‘આ કાંઈ ટેલિફોનના ટ્રંક બુકિંગ છે કે કૉલ કૅન્સલ કરી નખાય ? આ તો લગ્ન જેવી પવિત્ર વાત ગણાય.’
‘પણ એ લગ્ન કરવા માગનાર અપવિત્ર છે એનું શું ? એની દાનત શુદ્ધ નથી. એ પ્રમોદકુમાર તને પરણીને મને બાવો બનાવવા માગે છે.’
‘તમારું તમે જાણો. હું તો એને પરણવાનો પવિત્ર કૉલ આપી જ ચૂકી છું, તમારી જ આજ્ઞાથી.’
‘હવે એ આજ્ઞાનું ઉલ્લંધન કરી નાખ.’
‘મારા જેવી આજ્ઞાંકિત પુત્રીને આવું શું શીખવો છો ?’
‘તારા જ હિતમાં શીખવીએ છીએ. પ્રમોદકુમારને પનારે પડીશ તો પાયમાલ થઈ જઈશ.’
‘જે થવાનું હોય તે થાય. હું એને વચન આપી બેઠી છું.’
‘પણ એ વચન આપ્યું ત્યારના પ્રમોદકુમાર જુદા હતા અને હવે આજના પ્રમોદકુમાર જુદા છે.’
‘એ તો તમારી નજરે. મારી નજરે તો મને એક જ પ્રમોદકુમાર દેખાય છે.’
‘ગાંડી છોકરી !’
‘પ્રેમમાં પડેલાં બધાં જ ગાંડાં ગણાય છે.’
‘અરે, પણ પ્રેમ તો તારું જીવતર ધૂળધાણી કરી નાખશે.’
‘જે થવાનું હોય તે ભલે થાય. મારે હવે એક જીવતરમાં બે જીવતર નથી કરવાં.’
‘ઓહોહો !’ લેડી જકલ અદ્દલ સ્ત્રૈણ લટકો કરીને બોલ્યાં, ‘જોઈ મોટી સતી !’
‘જે કહો તે, હું તો હવે એક જ રટણ કરું છું.’
‘કયું?’
‘કે પ્રમોદકુમા૨ મુજ સ્વામી સાચા.’
પુત્રીનો આ હઠાગ્રહ જોઈ સર ભગનને શંકા ગઈ. તિલ્લુ કશીક રમત તો નથી રમતી ને ? હજી હમણાં સુધી પેલા નાચણિયા પાછળ ઘેલી થયેલી પુત્રી અત્યારે એકાએક આમ પ્રમોદકુમારની રટ શાથી કરી રહી છે? હવે એને આ ભયાનક માર્ગેથી પાછી શી રીતે વાળવી?
આખરી ઉપાય તરીકે પિતાએ પુત્રીને કહ્યું :
‘અમે તને પ્રાર્થના કરીએ છીએ...’
‘પ્રાર્થના તો હું પ્રમોદકુમાર માટે કરી રહી છું.’
‘શું?’
‘કે ત્વમેવ ભર્તા ન ચ વિપ્રયોગઃ’
સાંભળીને સર ભગન ઠંડાગાર થઈ ગયા.
નીચેથી પ્રકાશશેઠનો બરાડો સંભળાયો :
‘સર ભગન ! હજી કેટલી વાર શુભ ચોગડિયું વીતી જાય છે.’